એડિક્શન વાયા વેલિયમ *વેલિયમ હૈ તો સબકુછ ઠીક હૈ!* પેઈન કીલરથી એડિક્શન!
એક દુખઃદ યાત્રા. આજે એક એવા કુટુંબની વાત, જે કુટુંબે Painનું સામ્રાજ્ય ખડું કરી બિલિયન ડોલર કમાણાં અને મીલિયન વ્યસનીઓ બનાવ્યા!
વાત એમ છે કે સેકલર કુટુંબનું નામ કેટકેટલીય સંસ્થાઓની દિવાલો પર ડોનેશન આપવા માટે જડાયેલું શોભે છે- હાર્વર્ડ, ઓકસફોર્ડ અને The Louvre પણ !
તેઓ દુનિયાના સૌથી શ્રીમંત કુટુંબોમાંના એક છે, કલા અને વિજ્ઞાનને દાન આપવામાં આગળ પડતા.
ત્રણ જ્યુ jews-ડોકટર ભાઈઓની આ કથા છે. આર્થર , રેમન્ડ ને મોર્ટિમર.
મહા મંદી અને જ્યૂ લોકો માટેના પૂર્વગ્રહના સમયની આ વાત છે. આ સમયે આર્થર કે જે મેન્ટલ હોસ્પિટલમાં નોકરી કરતો હતો તેણે દવાઓ પર મૂળભૂત રીસર્ચ કરવાનું શરું કર્યું. આર્થરને માનસિક રોગોની દવાઓમાં રસ પડયો. એ સમયે આવા રોગો માટે જે ઈલેક્ટ્રિક શૉક અને સાયકોએનાલીસિસ પદ્ધતિ વપરાતી એને બદલે દવાઓ વાપરવી જોઈએ એવું એ માનતો. એટલે એણે વેલિયમ નામના ટ્રાન્કવીલાઈઝર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વેલિયમમાં diazepam કેમિકલ છે જે અલગ અલગ નામે મળે છે.
(Calmpose and Paxum). 1950-60 ના દાયકાની આ વાત છે.
આર્થરને માર્કેટિંગની ય સારી સૂઝબૂઝ હતી.
એક નાનું કારખાનું લઈ વેલિયમ બનાવવાનું ચાલું કર્યું,
આર્થરે પહેલી વાર વિચાર્યું કે કોઈ પણ નવી દવા વેચવા માટે પેશન્ટને નહિ પણ ડોકટર કે જે પ્રીસ્ક્રીપ્શન લખે છે એને સમજાવવા પટાવવા પડે. અને રીતસર એણે આ કર્યું. એણે જોયું કે એક ડોકટરને બીજા ડોકટર કોઈ દવા માટે ભલામણ કરે તો જ અસર થાય. એણે પોતાની કંપની દ્વારા જ *રીસર્ચ પેપર* છપાવી મોટા મોટા ડોકટરોને પ્રભાવિત કરી વેલિયમનું માર્કેટિંગ કર્યું. મેડિકલ જર્નલ્સમાં ફૂલ પેજ જાહેરાત એવી રીતે છપાવતો કે જાણે એ લેખ લાગે, અને એમાં બે ડોકટરો એક બીજા સાથે દર્દી પર વેલિયમની કેટલી સારી અસર થાય છે તેની ચર્ચા કરતા હોય એવું દેખાડે, પણ હોય તો એ એક ઍડ.
આજે ફાર્મા કંપનીઓની જે ખોટી માર્કેટિંગ નીતિઓ છે- પોતાની પ્રોડકટનું વેચાણ કરાવતા ડોકટરોને કોન્ફ્રન્સને બહાને પરદેશ યાત્રાઓ કરાવવી થી માંડીને બીજા કેટકેટલાય ઈન્સેન્ટિવ એ આર્થરના મગજની જ પેદાશ.
આમ આવા આવા પ્રયત્નોને કારણે વેલિયમ ખૂબ લોકપ્રિય બની. અને પછી તો સેક્લરભાઈઓની ફાર્મા કંપની *પડર્યુ ફાર્મા *'Perdue Pharma' મસમોટી કંપની બની ગઈ.
વેલિયમ એક સલામત ટ્રાન્કવીલાઈઝર ગણાવા માંડયું. સતત એન્કઝાઈટી - ચિંતા રહેતી હોય તેમાં આ શામક અને સિડેટીવ દવા તરીકે વપરાય છે.
અને એક ઈતિહાસ રચાયો, 1973સુધીમાં તો ટ્રાન્કવીલાઝર ના દર વરસે 10 કરોડ પ્રીસ્ક્રીપ્શન અમેરિકન ડોકટરો લખતા થઈ ગયા હતા, જેમાં મુખ્યત્વે વેલિયમ હતી.
લાખો અમેરિકનોને વેલિયમ જેવી દવાઓનું વ્યસન થઈ ગયું.
અંતે આ ટ્રાન્કવીલાઈઝરની આડઅસરની બૂમ ઊઠી, સેનેટમાં એડવર્ડ કેનેડી કે જે ત્યારે સેનેટર હતા એમણે આ દવાઓની લતને એક બિહામણા સપના જેવું ગણાવ્યું.
દરમ્યાનમાં આ ત્રણે ભાઈઓ ધનકૂબેર બની ગયા. મોટી મોટી સખાવતો કરવા લાગ્યા.
આર્થર પોતે ખરાબ માણસ નહોતો, પણ એ દ્રઢ પણે માનતો કે દરેક દવાની આડઅસર તો રહેવાની જ પણ જો દવા મળી શકે એમ હોય તો માણસે શા માટે દર્દ સહન કરવું? જેમ બીજા ક્ષેત્રોમાં બેકાબૂ જાહેરાતોથી ખરીદનારને જરુર હોય કે નહિ પણ ખરીદી કરે એવો માહોલ જાહેરાતથી રચાય છે તેવો માહોલ એણે ફાર્મા ક્ષેત્રે ઊભો કર્યો.
કોઈએ એને કહ્યું કે હૃદયરોગની એક દવા માથાના વાળ સાવ પાતળા કરી નાખે છે તો આર્થરે તરત કહ્યું કે જાડી સખત ધમની કે જેનાથી એટેક આવે અને મરી જવાય એના કરતા પાતળા વાળ ચલાવી લેવાય. એની માર્કેટિંગ સ્ટ્રેટેજી એવી હતી કે અંતે બધો દોષ મેડિકલ વ્યવસાય પર જ આવે- ડોકટરો અને દરદીઓના *વિવેક* પર જ આવે.
એ સારી સંસ્થાઓને પુષ્કળ દાન આપતો- ખાસ કરીને વિજ્ઞાન, કળાનો અભ્યાસ માટે કોલેજો, યુનિવર્સિટીઓ, મ્યુઝિયમ - આ બધામાં સેક્લર નામની બોલબાલા હજુય છે.
વેલિયમની જાહેરાતોની ઝીંગલ બેલ જુઓ! ...
Mother needs something today to calm her down,
And though she's not really ill,
there's a little yellow pill."
સબ દર્દકી એક દવા- પીળી ગોળી!
ઉપરનું 1965-66 નું રૉક સોન્ગ જે કહે છે- તમે માંદા હો કે નહિ, પીળી ગોળી - વેલિયમ લઈ લો, મૂડ ઠીક થઈ જશે.
આર્થર સેકલરે આ રીતે જ એગ્રેસિવ માર્કેટિંગ કર્યું.
1975-76 ના સમયે વેલિયમની અમેરિકામાં લોકપ્રિયતા ટોચ પર હતી, ત્યારે, આ પીળી ટેબ્લેટ જેના પર V સ્ટેમ્પ કરેલું હોય તેના વરસના બે બીલિયન ડોલર નંગ વેચાતા. એની આસપાસ એક hype રચવામાં આવી કે *વેલિયમ હૈ તો સબકુછ ઠીક હૈ!
તમે એની એ સમયની જાહેરાતો જુઓઃ
1970ની એક ઍડ-
મેનોપોઝમાં આવેલી એક શિક્ષક, શ્રીમતિ Rનો કલાસ છોકરાઓ નથી ભરતા કારણ એ ચીડચીડી , લઘરવઘર અને ભૂલકણી થઈ ગઈ છે. પણ એક ગોળી નિયમિત વેલિયમ - અને ચમત્કાર- શ્રીમતિ R પહેલા જેવી સ્માર્ટ અને ખુશમિજાજ થઈ ગઈ! બોલો!!
વૂડી એલન જેવા ફ્લ્મિ પ્રોડયુસરે એની એક ફ્લ્મિમાં હીરોઈનને ઘૂંટણિયે પડી પોતાની નીચે પડી ગયેલી *વેલિયમ* શોધતી દેખાડેલી. અરે! ઠેઠ 2011 માં બનેલી એક ફ્લ્મિમાં હીરોઈન ટાઈમ ટ્રાવેલ કરી 1920માં પહોંચી જાય છે અને ત્યાં ચિંતાતુર લોકોને વેલિયમ- 'The Pill of the Future' કહીને વહેંચે છે!
જયારે મોટી મોટીહસ્તીઓ આ ડ્રગ એબ્યુઝનો ભોગ બની ત્યારે પહેલી વાર મેડિકલ પ્રોફેશનલ જાગ્યા. હોલિવૂડની અભિનેત્રીઓએ પોતાના વેલિયમ બંધાણની વાત જાહેર કરી.
ફ્લ્મિ મેકર બાર્બરા ગોર્ડને કહયું," I, an intelligent woman, but became a junkie due to valium in the eyes of my doctors,"એને વેલિયમની લતને કારણે થોડો સમય મેન્ટલ હોસ્પિટલમાં રહેવું પડેલું.
અને તો ય વેલિયમનો કટોકટીમાં ઉપયોગ જરુરી બને. એક સારા સમાચાર એ છે કે મગજ પોતે ય એક પ્રોટીન બનાવે છે જે વેલિયમની જેમ કામ કરીને મગજની અફ્ડાતફ્ડી શાંત કરે છે. બસ, તમારે ધ્યાન - મેડિટેશન- કરવાની જરુર છે!
વેલિયમ કે એના જેવી ડ્રગ સાવ જ બૅન થવી જોઈએ એવા અંતિમ છેડાના મત કરતા, એ ટેબ્લેટ ડોકટરોએ વિવેકપૂર્વક લખવી જોઈએ એ મહત્વનું છે. જે લોકોની દશા દર્દ સહન ન થાય તેવી હોય અને ડોકટર ટૂંક સમય માટે લખી આપે તો એ ડોકટરનો નિર્ણય છે પણ કોઈ બાબતમાં *અતિ* સારું નથી અને ડોકટર આડકતરી લાંચ લઈ વેલિયમ લખી આપતા હોય તો એ ગુનો જ કહેવાય.
ઘણાં વ્યવસાયોમાં હંમેશા માનસિક તાણ રહેતી હોય અને રાતભર સરખી ઉંધ ના આવે. ડૉકટર વેલિયમ 2.5 mg લખે પછી વેલિયમ 5 mg થાય, આદત પણ પડી જાય.
આની સામે એક સાદો આયુર્વેદિક ઉપચાર હવે તો બહુ જાણીતો છે. એક ચમચી પીપરીમૂળના ગંઠોડાના પાવડરને એક કપ દૂધમાં ઉકાળીને સાંજે પીવાનું રાખો તો ઊંઘ સરસ આવે.
આપણે ત્યાં તો વેલિયમ ન મળે પણ એના જેવી લત લગાવે, 'બંધાણ' કરે એવી દવાઓ જોઈ લઈએ.
આમ તો આપણાં ડોક્ટરો ધ્યાન રાખે પણ ઓપિયોડ લખી આપે દુખાવામાં! ડોક્ટર પાસે પેઈનની ફરિયાદ લઈ જતા દર્દીમાં લગભગ દસેક ટકા લોકોને ઓપિયોડ લખી અપાય છે. ઓપિયોડ એટલે ઓપિયમમાંથી બને- અફ્ણિમાંથી, હવે તો સિન્થેટિક પણ બને છે. ઓપિયમ એક જાતનું નાર્કોટિક કહેવાય. મોર્ફ્નિ અને કોડિન પણ આ વર્ગના. આપણી ફેન્ટાનિલ અને ટ્રામાડોલ આ વર્ગની.
Alprazolam (Xanax), પેઈન કિલર નથી ચિંતામુક્ત કરે પણ વ્યસન કરી દે એવી છે.
આમ તો હવે આ બધી 'prescription drugs' છે જે ડોક્ટર લખી દે તો જ મળે પણ ઘણાં લોકો એમના જૂના પ્રીસ્ક્રીપ્શન વાપરી આવી દવાઓના બંધાણી થઈ જતા હોય છે.
આપણી જૂની અને જાણીતી પેરાસિટામોલ- ક્રોસિન કે ડોલો વ્યસન ન કરે પણ તો ય સાયકોલોજિકલ ડીપેન્ડસ વધારી આદત લગાડી દે.
અને છેલ્લે,
પેઈનકીલરનો ઓવરડોઝ મૃત્યુ ય નીપજાવે, નસીબદાર હો તો બચી પણ જાવ!
એક માણસ ડોક્ટર મિત્રને કહેતો હતો- 'એક દિવસ હું ખૂબ દુઃખી હતો એટલે પેઈનકિલર લઈને મરી જવાનો પ્રયત્ન કરેલો.'
પછી, શું થયું, તને કોણે બચાવ્યો?'
કોઈએ નહિ, મેં એક પછી એક બે ગોળી ખાધી તો મને સારું લાગવા માંડયું એટલે સુસાઈડ કેન્સલ!'
