વર્ષ 2026નાં પૂરે લોકો પાસેથી ઘણુંબધું લઈ લીધું અને સામે ઘણુંબધું આપ્યું પણ છે. દક્ષિણ ગુજરાતની પરિસ્થિત એ તો વર્ષ 1968ની યાદ અપાવી. પાણી, પાણી અને ચારેય કોર પાણી જ પાણી. સાત દિવસનાં બે રાઉન્ડમાં જાણે સાત જન્મ જીવી ચૂક્યાં હોય એવો અનુભવ થયો. મારું એવું માનવું છે કે કોઈપણ પરિસ્થિત પોતાના પાલવમાં ચિંતન કરવાની એક જગ્યા લઈને જ આવતી હોય છે. ગુમાવ્યાનો હિસાબ માંડવા જઈએ તો બચી ગયા છે એ વાતનું સૌભાગ્ય ફ્ક્કિુ પડી જાય એમ છે. માણસ છીએ એટલે માણસ તરીકેની મર્યાદાનાં ભાગ રૂપે દુઃખ, પીડા અને ફરિયાદ થાય એ સ્વાભાવિક છે. થવી જ જોઈએ એજ તો જીવતા હોવાની નિશાની છે. આ બધાની વચ્ચે એક સામાન્ય માણસ તરીકે સ્થિરતા પ્રાપ્ત કરવી માનીએ એટલી સરળ નથી. સ્થિતપજ્ઞ શબ્દ બોલવામાં જેટલો મુશ્કેલ છે એનાંથી વધુ મુશ્કેલ જીવનમાં એને ઉતારવામાં છે. ખેર, આવી પરિસ્થિતમાં ફ્લિોસોફી આગળ ઘરવામાં મજા નથી. પરંતુ એટલું કહી શકાય કે આ પૂર એ જાણે ગીતાનો ઓગળીસમો અધ્યાય હોય એવું લાગ્યું સાથે સાત દિવસમાં સાત કોઠાની શીખ મળી હોય એવું લાગ્યું. થોડા સમય માટે નકારાત્મકતાને બાજુ એ મૂકી ચાલો જોઈએ, આ રેલનો રેલો જીવનનાં ક્યાં ક્યાં ઘટકોને સ્પર્શી ગયો.
- પૈસાની પાછળ દોડતા માણસોને પોતાના પરિવાર સાથે બેસવાનો સમય ન હતો મળતો ! આ પૂરે પરિવારને એ સમય આપ્યો. એક છત નીચે જીવતા લોકો ખરા અર્થમાં એક છત નીચે આવ્યાં. ઘરમાં એકબીજાને સાચવતા લોકો પહેલાનો' તા જોવા મળતા એ પણ જોવા મળ્યાં. એકબીજાની કાળજી લેવી,વહેંચીને ખાવું બીજાનાં દુઃખ ને પોતાનું માનવું, ઘરનાં લોકો માટે ઘસાઈ છૂટવું જેવી તમામ પારિવારીક ભાવના આ પૂરનાં કારણે જાગૃત થઈ. ગેસ્ટહાઉસ બની ગયેલા ઘર ખરા અર્થમાં ઘર બની ગયાં જેમાં વસ્તુ ભલે ડૂબી ગઈ પરંતુ પ્રેમ તરી આવ્યો. આવું પહેલા ક્યારેય ન હતું બન્યું. હવે આ પ્રેમ પાણીની સાથે ઓસરી ન જાય એની કાળજી રાખવી
- આ પૂરે શીખવ્યું કે તમે કોઈ એક જગ્યાએ જરૂરતથી વધુ રોકાવ એટલે અપ્રિય જ બની જાવ છો. એ પછી વરસાદ હોય કે માણસ.
- તમારી પાસે પદ,પ્રતિષ્ઠા કે ગમે એટલો પૈસો હોય એ આવા પાણીની આગળ પાણીમાં જ ભળી જતો હોય છે. તમારો કોઈ જ પાવર કુદરતની સામે ચાલી શકે નહીં. કુદરતની સામે માણસની કોઈ જ ઓકાત નથી.
- પાણી,એ પછી નદી માં હોય કે આંખનાં એક હદ પછી વધી જાય એટલે એનું મૂલ્ય ઘટી જાય છે. એટલે કહેવાનું એટલું જ કે આંખનું પાણી અનમોલ છે એને એમ રસ્તે ચાલતા માણસની સામે વહાવવું નહીં. લાગણીનાં પોટલા બધી જગ્યાએ ખોલવા નહીં.
- સ્વર્ગ સુધી સાથ આપે એ સ્વજન. હજુ આગળ વધીને કહીએ તો જે તમારા નામની આગળ સ્વ. ન લાગવા દે એ સ્વજન. આ રેલમાં એવાં સ્વજનો જોયા કે જે પોતાના જીવ ને જોખમમાં મૂકી લોકોને મદદ કરવા દોડી ગયાં. ધંધો, વ્યવસાયમાં થયેલા નુકસાનને પહોંચી વળવા દોડી જતાં મિત્રો ને જોયાં ત્યારે સ્વજનની એક મજબૂત વ્યાખ્યા મળી.
- સલાહનાં પોટલા છોડે એ સગા નહીં પરંતુ સહકાર માટે હાથ લંબાવે એ સગા અને આવા જ સગા ખરા અર્થ માં વહાલા બની શકે બાકી ફોન ઉપર અને વોટ્સપ સ્ટેટ્સ ઉપર આર્ટીફીશિયલ ચિંતા વ્યક્ત કરતાં તો ઘણાં મળી રહે છે.
- આ પૂરે એ પણ શીખવ્યું કે તમારા ફેસબુકનાં કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હોય એ બધા તમારા મિત્ર નથી હોતાં. ફેસબુક નાં ફ્રેન્ડ અને તમારા ફેસને બુકની જેમ વાંચી જાય એવાં ફ્રેન્ડ માં ઘણો તફાવત છે. તાળી મિત્ર અને થાળી મિત્રનો તફાવત જાણી લેવો જરૂરી છે.
- આ પૂરમાં ખુલ્લા પગે રખડતા રહ્યાં ત્યારે સમજાયું કે * રામ રાખે તેમ જ રહેવું પડે * આપણી તુમાખી બધે ન ચાલે.
- સૌથી અગત્યની શીખ તો એ મળી કે માણસ પૈસાથી ઓછો અને સંબંધોથી વધુ સારી રીતે જીવી જતો હોય છે. જીવનમાં એવા બે પાંચ સંબંધો તો હોવા જ જોઈએ. માણસ પોતાના સંબંધોને લીધે જ જીતી પણ જતો હોય છે. પૈસા અને પ્રતિષ્ઠા કમાવવાની દોડ માં સંબંધો હાથ માંથી છટકી ન જવા જોઈએ. પૈસાની તાકાત જ્યાંથી પૂરી થાય છે, સંવેદના અને સંબંધોની તાકાત ત્યાંથી શરૂ થાય છે.
- પાણી ઉતર્યા પછી મદદ માટે આવતા નામી અનામી બધા લોકોને જોઈને એક વાત સમજાય કે માનવતા હજી મરી નથી.આપણે માનીએ એટલી દુનિયા ખરાબ નથી.
- આ પૂરનાં દિવસોમાં એવા કેટલાય જણ હશે જેની પાસેથી તમને કોઈ જ આશા ન હોય છતાં એ લોકો તમારા આૃર્યની વચ્ચે તમારી મદદ માટે દોડી આવ્યાં હશે.બીજી તરફ્ જેના નામનો તમે ફાકો લઈને ફરતાં હતાં એવા કેટલાય હશે જેણે હજી સુધી મોઢા પણ બતાવ્યાં ન હોય અથવા તો ફોન ઉપર સંવેદના પ્રગટ કરી એક સો કોલ્ડ ફોર્માલીટી પૂરી કરી હશે. * આ રેલે પોતાના લોકોની સાચી ઓળખ * કરાવી એ કંઈ કમ છે ?
- મૂંગા પ્રાણીઓને આંખ સામે ડૂબી જતાં જોયા ત્યારે આપણે માણસ તરીકે કેટલા લાચાર છીએ એનું ભાન થયું.
- ત્રણથી ચાર દિવસ સુધી પીવાના પાણીની તકલીફે પેલા એસ.ટી બસનાં અને ગામની દિવાલ પરનાં ટિપિકલ લખાણ * પાણી બચાવો*નું મહત્ત્વ સમજાવ્યું.
- ગાડી,ઘર અને બીજી સગવડોનું અભિમાન રાખવા જેવું નથી એને ડૂબી જતાં વાર નથી લાગતી. ડૂબી ગયેલી વસ્તુ હોય કે માણસ એની કિંમત કોડીની જ થઈ જતી હોય છે.
- ઈશ્વરથી મોટી કોઈ જ શક્તિ નથી. માણસે ઈશ્વર બનવાની દોડ છોડી દેવી જોઈએ. સુપરપાવર એક જ હોય છે.
- સૌથી અગત્યનું છે સંગઠન. પૂર પહેલા સામાન ચઢાવવાથી માંડીને પૂર બાદ સાફ્ સફાઈ સુધીની પ્રક્રિયા કોઈ એકલા માણસનાં હાથની વાત નથી એના માટે તો તમારી આજુબાજુનાં લોકોનો સહકાર જોઈતો હોય છે. આ પૂર દરમિયાન ફ્ળીયે- ફ્ળીયે, ગલી એ ગલી એ જબરદસ્ત સંગઠન ભાવના જેવા મળી. બધા મતભેદ એકબાજુ મૂકીને આવી પડેલી મુસીબતમાં એકબીજા માટે દોડી જતાં લોકોને જોઈ દરેક ગામ ગોકુળ ગામ અને દરેક ફ્ળીયું તારક મહેતાનું ગોકુળધામ બની જતું જોવા મળ્યું. રેલ નાં પાણીમાં મતભેદ વહી ગયા અને રહી ગયો માણસનો માણસ માટેનો પ્રેમ. શું આ ઘટના કાંઈ નાનીસૂની છે?
- આપત્તિ ને કોઈ જાતિ કે ધર્મ નથી હોતો. આ પૂરે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. બધું ભૂલીને માનવતાનાં નાતે એકબીજા માટે દોડી જતાં માણસો કેટલા સુંદર હોય છે એ ઘણા સમય પછી પાછું જોવા મળ્યું. અરે, બધા ધર્મો અને જાતિને બાજુએ મૂકી માનવધર્મનો જીણોધ્ધાર થયો એ સૌથી મૂલ્યવાન ભેટ છે. આવો ભાઈચારો અંખડ રહો.
અલબત્ત, ઘણીબધી વસ્તુઓ અને સપનાંઓ ડૂબી ગયા છે છતાં જે બચ્યું છે એનો રાજીપો છે. કપાળ ઉપર જે લખેલું હતું એટલું તો બચ્યું જ છે. ફરિયાદ કરી ઈશ્વર કૃપાનું અપમાન નથી કરવું. સ્વસ્થ થતાં સમય જશે પરંતુ બધુ સરખું થઈ જશે એવો વિશ્વાસ છે. જેણે લઈ લીધું છે એણે જ તો આપેલું હતું. અને હવે પછી એજ તો આપવાનો છે પછી ચિંતા આપણે શું કામ કરીએ. ચિંતા તો ઉપરવાળાએ કરવાની છે. આમ પણ આપણને આપણી ચિંતા કરતાં પણ ક્યાં આવડે છે ! કદાચ આ વાંચીને ખોવાયેલી વસ્તુ કે વ્યકિત પાછી ન આવી જાય પરંતુ જીવન જીવવાની હકારાત્મકતા પણ જો પાછી આવી તો શબ્દ સાર્થક છે. ફરિયાદ તો ઘણી હશે, તકલીફ્ પણ ઘણી હશે પરંતુ પરિસ્થિતનો સામનો કર્યા સિવાય બીજો છૂટકારો પણ થોડો છે ! આપણે હયાત છે એ શું કાંઈ કમ છે ?