આપણને પ્રશ્ન થાય કે, શું જ્ઞાનની શોધો માત્ર ચાર ભીંતો વચ્ચે આપેલી સુસજ્જ પ્રયોગશાળાઓ પૂરતી સીમિત હોઈ શકે? શું સંશોધનનો વાસ્તવિક અર્થ માત્ર કોઈ અજાણી માહિતી કે આંકડા ભેગા કરીને તેને જાડા સંશોધનપ્રબંધના પાનાંઓમાં કેદ કરી દેવાનો છે? કે પછી સંશોધન એ માણસની અંદરથી ઊગતી એવી એક સહજ અને ઊંડી જિજ્ઞાસા છે? જે તેને સત્યના મૂળ સુધી પહોંચવા, પ્રાપ્ત થયેલા જ્ઞાનને સ્વયં ચકાસવા અને અંતે તેને માનવજીવન તથા સમાજના વ્યાપક હિતમાં ઉતારવા માટે પ્રેરે છે. આજના આધુનિક યુગમાં જ્યારે વિશ્વવિદ્યાલયોમાં, શૈક્ષણિક લાયકાત વધારવા કે નોકરી મેળવવા અર્થે થતાં મોટાભાગનાં સંશોધનો એક માત્ર વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્રક્રિયા બનીને રહી ગયાં છે, ત્યારે ભારતીય જ્ઞાનપરંપરા આપણને સંશોધનની એક એવી ભાવનાત્મક અને સૂક્ષ્મ દુનિયા તરફ્ લઈ જાય છે, જ્યાં જ્ઞાન એ માત્ર મગજની બૌદ્ધિક સંપત્તિ નથી, પરંતુ સંપૂર્ણ જીવનની સાધના છે.  

આપણે સામાન્ય રીતે જ્યારે સંશોધન કે રિસર્ચ શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં તરત જ સંદર્ભગ્રંથો, આંકડાશાસ્ત્ર્ર, વિશિષ્ટ પદ્ધતિઓ, પ્રયોગો અને નિષ્કર્ષ જેવા પારિભાષિક શબ્દો ઊભા થાય છે. શિક્ષણવ્યવસ્થામાં આ પદ્ધતિઓનું પોતાનું એક નિશ્ચિત સ્થાન અને મહત્વ ચોક્કસ છે. પરંતુ ભારતીય વિચારધારાને ઊંડાણપૂર્વક સમજીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે ભારતમાં જ્ઞાનની શોધ આજના પશ્ચિમી રિસર્ચ શબ્દના આવિર્ભાવથી ઘણી પ્રાચીન છે. આપણી પરંપરામાં જ્ઞાન મેળવવાનો અર્થ માત્ર નવી માહિતીનો સંગ્રહ કરવાનો નહોતો. સત્યની શોધ કરવી, પ્રાપ્ત જ્ઞાનનું મનન કરવું, તેની કસોટી કરવી, તેને પોતાના આચરણમાં ઉતારવું અને અંતે તેના દ્વારા સમગ્ર સમાજનું કલ્યાણ કરવું, આ સમગ્ર શૃંખલાને એક પવિત્ર જ્ઞાનસાધના માનવામાં આવતી હતી.  

ભારતીય ભાષાશાસ્ત્ર્રમાં અનુસંધાન, અન્વેષણ, ગવેષણા અને શોધ જેવા શબ્દો સંશોધનના જુદા જુદા પરિમાણોને વ્યક્ત કરે છે. અન્વેષણ અજ્ઞાત તત્ત્વ તરફ્ની ગતિ દર્શાવે છે, ગવેષણામાં બારીક અવલોકન અને તપાસનો ભાવ છે, જ્યારે શોધનો મૂળ અર્થ શુદ્ધિકરણ અને અશુદ્ધિઓને દૂર કરવાનો છે. અનુસંધાન એટલે ઉપલબ્ધ સામગ્રીમાંથી સૂક્ષ્મ સત્યોને ઓળખીને નવા અર્થ સુધી પહોંચવું. આ શબ્દો માત્ર ભાષાનું વૈવિધ્ય નથી, પરંતુ એની અર્થછાયાઓ દર્શાવે છે કે આપણા મનીષીઓએ જ્ઞાનસર્જનને કોઈ એક સંકુચિત પરિભાષામાં બાંધી રાખ્યું નહોતું. અહીં જ્ઞાનની યાત્રામાં તર્ક, મનન, અનુભવ અને જીવનવ્યવહાર એ બધાનો સમન્વય હતો. ડૉ. નીરજા ગુપ્તા લિખિત પુસ્તક સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિમાં તેઓએ વિસ્તૃત ચર્ચા કરી છે.  

આ આખોય વિચાર ભારતીય દ્રષ્ટીએ સંશોધન એટલે ઋષિચર્યા શબ્દમાં અત્યંત સુંદર રીતે સાકાર થાય છે. ઋષિ એટલે માત્ર શાસ્ત્ર્રો ગોખી જનાર વિદ્વાન નહીં, પરંતુ તત્ત્વને પોતાની આંખે જોનાર, સત્યની શોધમાં પોતાનું આયુષ્ય સમર્પિત કરનાર અને પોતાના અનુભવને અક્ષય જ્ઞાનમાં રૂપાંતરિત કરનાર મનીષી! બીજી તરફ્ ચર્યા એટલે સતત ચાલતી સાધના, સ્વાધ્યાય, ચિંતન અને કર્તવ્ય. એટલે કે ઋષિચર્યા એટલે જ્ઞાનની શોધને જીવનનું અનુશાસન બનાવવું. જ્યારે સંશોધન આ દૃષ્ટિથી થાય છે, ત્યારે સંશોધક માત્ર એક ડિગ્રી કે પદવી મેળવવા માટે મથતો વિદ્યાર્થી નથી રહેતો; તે પોતાના વિષય પ્રત્યે પ્રામાણિક, આત્મ-અનુશાસિત અને સત્યનિષ્ઠ સાધક બની જાય છે. જોકે આ ચર્યાનો અર્થ માત્ર પુસ્તકો સાથે સમય વિતાવવો એટલો જ નથી. સાચો સંશોધક પોતાની અંદર સતત પ્રશ્ન કરવાની ક્ષમતા જીવંત રાખે છે. તે પોતાના પૂર્વગ્રહો અને મતો સામે પણ સંશય કરવાની હિંમત ધરાવે છે. કોઈપણ માહિતીને અંધ રીતે સ્વીકારવાને બદલે તેના આધારને ચકાસવો અને યોગ્ય પુરાવાના આધારે જ તારણ પર પહોંચવું, એ સાચા અનુસંધાનનું લક્ષણ છે. આપણી પ્રાચીન શાસ્ત્ર્રપરંપરામાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની પદ્ધતિ આ જ બૌદ્ધિક વિવેકને દર્શાવે છે. સામા પક્ષના વિચારને પૂર્ણપણે સમજ્યા વિના પોતાનો મત સ્થાપિત ન કરવો અને વજૂદવાળા તર્ક સામે પોતાના મતે પુનઃવિચાર કરવો, એ સંશોધનની સર્વોચ્ચ નૈતિકતા છે.  

ગુરુ-શિષ્ય પરંપરા આ વિચારને વધુ પવિત્રતા બક્ષે છે. મુન્ડકોપનિષદમાં -તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત્- દ્વારા જ્ઞાનપ્રાપ્તિ માટે સમર્થ ગુરુનો આશ્રય લેવાની વાત કહી છે. આ વિધાન માત્ર એક પરંપરાનો નિર્દેશ નથી કરતું, પરંતુ સંશોધનમાં યોગ્ય માર્ગદર્શન, નિરંતર સંવાદ અને શિસ્તનું મહત્વ સમજાવે છે. અહીં ગુરુ માત્ર માહિતીનો સ્ત્ર્રોત નથી, પણ સંશોધકની વિચારશક્તિ અને દૃષ્ટિને ઘડનાર માર્ગદર્શક છે. આનાથી સંશોધન માત્ર બૌદ્ધિક કસરત ન રહેતાં વ્યક્તિના ચરિત્ર અને જીવનમૂલ્યોના ઘડતરનું માધ્યમ બને છે.  

આચાર્ય રાજશેખરના મતે વિદ્વાન સંશોધકનું કાર્ય અસ્પષ્ટ અર્થને સ્પષ્ટ કરવાનું, અજ્ઞાતને પ્રકાશાભિમુખ કરવાનું, સંક્ષિપ્તને વિસ્તૃત કરવાનું અને વિખરાયેલા જ્ઞાનને સુગ્રથિત કરવાનું છે. આજના સમયમાં ઘણીવાર નવું સંશોધન એટલે કઇંક એવું શોધવું જે અગાઉ ક્યારેય કહેવાયું ન હોય, એવી એકાંગી સમજ ઘર કરી ગઈ છે. પરંતુ વાસ્તવમાં, અગાઉથી ઉપલબ્ધ જ્ઞાનને નવા પરિપ્રેક્ષ્યમાં મૂકવું, જુદા જુદા સ્ત્ર્રોતો વચ્ચેનો સંબંધ જોડવો અને જટિલ વિચારોને સરળ બનાવીને સમાજ સમક્ષ મૂકવા એનું પણ જ્ઞાનસર્જનમાં બહુ મોટું યોગદાન છે.  

બારમી સદીના મહાકવિ શ્રીહર્ષે વિદ્યાની ચાર મહત્વપૂર્ણ અવસ્થાઓ અધીતિ, બોધ, આચરણ અને પ્રચારણ દર્શાવી છે. આ ચારેય તબક્કા સંશોધનની યાત્રા માટે પણ સર્વકાલીન માર્ગદર્શક છે. માત્ર વાંચન કરવું એ અધીતિ છે; જ્ઞાનનો આંતરિક મર્મ સમજવો એ બોધ છે; તેને પોતાના કૌશલ્યમાં વણવું એ આચરણ છે; અને સંશોધનના નિષ્કર્ષોને યોગ્ય અને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવા એ પ્રચારણ છે. સમાજ સુધી ન પહોંચેલું જ્ઞાન માત્ર પુસ્તકાલયોના કબાટોમાં ધૂળ ખાતું રહી જાય છે.  

અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે ભારતીય સંશોધનદૃષ્ટિનો અર્થ આધુનિક વિજ્ઞાન કે પ્રયોગાત્મક પદ્ધતિઓનો અનાદર નથી. આંકડાશાસ્ત્ર્ર, નિરીક્ષણ અને અનુભવજન્ય પુરાવાનું વિજ્ઞાનમાં અદ્રિતીય મહત્વ છે જ. ભારતીય પરંપરાની સુંદરતા એમાં છે કે તે જ્ઞાનને માનવીય મૂલ્યો અને સામાજિક ઉત્તરદાયિત્વથી અલગ કરતી નથી. ન્યાય અને મીમાંસા દર્શનમાં પ્રમાણશાસ્ત્ર્ર, તર્કપરંપરા અને શાસ્ત્ર્રાર્થની પ્રક્રિયા દર્શાવે છે કે આપણા મનીષીઓ જ્ઞાનની સત્યતા અને વિશ્વસનીયતા અંગે અત્યંત કડક શિસ્તબદ્ધ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા.  

આજે સંશોધન ક્ષેત્રે સૌથી મોટો પડકાર એ છે કે હેતુ ઘણીવાર જ્ઞાનસર્જન કરતાં બાહ્ય લાભો સાથે જોડાઈ જાય છે. ડિગ્રી, પ્રમોશન, પબ્લિકેશન કે નોકરીની જરૂરિયાત સંશોધનનું પ્રેરક બળ બની જાય ત્યારે તેની વાસ્તવિક ઉપયોગિતા ઘટે છે. ભારતીય દૃષ્ટિ આપણને પૂછવા પ્રેરે છે કે, આ સંશોધનથી સમાજને શું નવું મળ્યું? સામાન્ય માનવીના જીવનમાં તેનો શો ઉપયોગ છે? આપણી પરંપરામાં ચરક, સુશ્રાુત, પાણિની અને આર્યભટ્ટ જેવા ઋષિતુલ્ય વિજ્ઞાનીઓ આપણને દર્શાવે છે કે ઊંડો અભ્યાસ, વ્યવહારિક અનુભવ અને માનવકલ્યાણ એકબીજાથી અલગ નથી.  

ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં જ્યારે માહિતીની તાકાત અભ્દુત રીતે વધી છે, ત્યારે તેના જવાબદારીપૂર્વકના ઉપયોગની જરૂરિયાત પણ એટલી જ વધી છે. સંશોધક પોતાના વિષયનો માલિક નહીં પણ જ્ઞાનનો સાધક બને, માહિતીનો સંગ્રહક નહીં પણ સત્યનો શોધક બને અને પોતાના સંશોધનને વ્યક્તિગત સિદ્ધિથી ઉપર ઉઠાવી સમાજહિતમાં અર્પિત કરે, એ જ ખરી જરૂરિયાત છે. ભારતીય પરંપરાની ઋષિચર્યા આપણને આ જ મહાન સંદેશ આપે છેઃ જ્ઞાન મેળવવું એ માત્ર પ્રારંભ છે, તેને સમજવું એ પ્રગતિ છે, જીવનમાં ઉતારવું એ તેની પરીક્ષા છે અનેલોકહિતમાં વહેંચવું એ જ તેની પૂર્ણતા છે.