આજકાલ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંમેલન ચાલી રહ્યું છે. દરેક સભ્ય રાજ્યો તેમાં તેમની વ્યથા કથા તેમજ પડી રહેલી મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ તેમાં સામેલ થઈને ભારતનાં વિચારો અને અભિગમને રજૂ કર્યા હતા. ખાસ કરીને વર્ષોથી એકના એક ઢાંચામાં ચાલી આવતા સંયુક્ત રાષ્ટ્રમાં મોટાપાયે સુધારા કરવાની જરૂર પર તેમણે ભાર મુક્યો હતો. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં ઢાંચામાં સુધારા કરીને તેમાં કાયમી સભ્યપદ માટે દાવેદારી કરી હતી. આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી ભારત UNSCમાં તેનાં કાયમી સભ્ય પદ માટે દાવેદારી કરી રહ્યું છે પણ કોઈ કારણોસર તેમાં વાત આગળ વધતી નથી. આ વખતે ભારતે ફરી એકવાર તેનો સૂર રજૂ કર્યો છે. જે દેશો સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમને ભારતે ખરી ખરી સાફ વાત સંભળાવી દીધી છે. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે લોકો સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેઓ આ વૈશ્વિક સંગઠનનો ખોટી રીતે દુરુપયોગ કરી રહ્યા છે. તેમને આ સંસ્થા કે તેની કામગીરીની કોઈ પરવા નથી.UNમાં સુધારા નહીં થવાને કારણે દુનિયામાં નિરાશા વધી રહી છે. યુએનમાં સુધારાની ભાવના હવે વધારે મજબૂત થઈ રહી છે. વાસ્તવમાં જો આપણે સુધારા માટે ગંભીર છીએ તો તમામ સભ્ય દેશોએ ટેકસ્ટ આધારિત વાતચીત કરવાની જરૂર છે. ટેક્સ્ટ વિના કોઈ વાતચીત કરીએ તો તે ફક્ત સમય વેડફી નાંખવાનો પ્રયાસ બનીને જ રહી જાય છે. દિવસે દિવસે UNમાં સુધારાની ભાવના વધારે ઘેરી બની રહી છે. સંયુક્ત રાષ્ટ્ર હાલ બદલાયેલા સમય કરતા ઘણું પાછળ ચાલી રહ્યું છે. જે લોકો સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેને UNની કે તેની કામગીરીની કોઈ પરવા નથી. ભારતે UNની મહાસભામાં સુધારાનાં મુદ્દાને ઉઠાવવાની સાથે કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોની વાત કરી હતી. કેટલાક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં સંદર્ભમાં વિશ્વશાંતિ માટે તમામ દેશોને પ્રયાસો કરવા હાકલ કરી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેનાં યુદ્ધનો અંત લાવવા અને તમામ દેશોને સંયમ જાળવવા અપીલ કરી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચેનાં યુદ્ધને કારણે હોર્મુઝનો જળ માર્ગ છેલ્લા કેટલાક સમયથી બંધ છે ત્યારે વિકાસશીલ દેશોને ક્રૂડ ઓઈલ તેમજ ખાતર મેળવવામાં પડી રહેલી તકલીફનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઈંધણ તેમજ ખાતરની કટોકટી વહેલી તકે દૂર કરવા પર ભારતે ભાર મુક્યો હતો. વિશ્વમાં શાંતિ અને સ્થિરતા જ દુનિયાને કટોકટીમાંથી ઉગારશે તેવી આશા વ્યક્ત કરી હતી.
