ભારતમાં ચૂંટણી માત્ર લોકશાહીનો ઉત્સવ નથી રહી; તે હવે સતત ચાલતી રાજકીય પ્રક્રિયા બની ગઈ છે. પાંચ વર્ષમાં એક લોકસભા ચૂંટણી અને અલગ અલગ સમયે થતી વિધાનસભા ચૂંટણીઓના કારણે દેશનો કોઈને કોઈ હિસ્સો લગભગ સતત ચૂંટણીના વાતાવરણમાં રહે છે. આ પરિસ્થિતિ બદલવા માટે લાંબા સમયથી ચર્ચાતી વન નેશન, વન ઇલેકશન એટલે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની દરખાસ્ત હવે ફરી એક વખત રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ખાસ કરીને 2029ની લોકસભા ચૂંટણી સાથે 22 એનડીએ-શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાની ચૂંટણી યોજવાની સંભાવનાની ચર્ચાએ આ મુદ્દાને વધુ ગરમ બનાવી દીધો છે. તાજેતરના અહેવાલો અનુસાર, મૂળ વિચાર 2034થી સમગ્ર ચૂંટણીચક્રને એકસાથે લાવવાનો હતો, પરંતુ હવે 2029થી જ શરૂઆત કરવાનો વિકલ્પ વિચારણા હેઠળ છે.

આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC હાલમાં બંધારણીય, કાનૂની અને વ્યવહારુ પાસાંનો અભ્યાસ કરી રહી છે. 2024માં રજૂ કરાયેલા બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામાં સુધારા સંબંધિત બિલ JPCને સોંપવામાં આવ્યા હતા. સમિતિએ દેશના વિવિધ રાજ્યોમાં જઈને મુખ્યમંત્રીઓ, રાજકીય પક્ષો, કાનૂની નિષ્ણાતો, વહીવટી અધિકારીઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે. જુલાઈ 2026માં લોકસભાએ સમિતિનો અહેવાલ રજૂ કરવાની મુદત શિયાળુ સત્રના અંતિમ સપ્તાહ સુધી લંબાવી હતી.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે 2029 સુધી આ શક્ય કેવી રીતે બનશે? કારણ કે ભારતનાં તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ એકસાથે પૂરો થતો નથી. કેટલાક રાજ્યોમાં 2027માં અને કેટલાકમાં 2028માં ચૂંટણી થવાની છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ચૂંટણી 2029 પછી યોજાવાની છે. તેથી 2029માં એકસાથે ચૂંટણી યોજવી હોય તો અનેક વિધાનસભાઓનો કાર્યકાળ સમય પહેલાં પૂરો કરવો પડશે. હાલની ચર્ચા મુજબ એનડીએ શાસિત રાજ્યોમાં વિધાનસભાઓને સમય પહેલાં વિસર્જિત કરીને 2029ની લોકસભા ચૂંટણી સાથે ચૂંટણી કરાવવાનો વિકલ્પ તપાસાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આવા રાજ્યોની સંખ્યા 22 સુધી હોઈ શકે છે.

અહીં જ રાજકીય ગણિત પણ પ્રવેશ કરે છે. જો 2029માં લોકસભા સાથે મોટા પ્રમાણમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય અને તેમાંથી મોટાભાગના રાજ્યોમાં એનડીએ એકસાથે ચૂંટણી લડે, તો ભાજપને ચોક્કસ રાજકીય લાભ મળી શકે છે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના નેતૃત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર, રાષ્ટ્રીય વિકાસ અને કેન્દ્ર સરકારની કામગીરી જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક પ્રશ્નો, બેરોજગારી, ખેતી, પાણી, મોંઘવારી અને પ્રાદેશિક અસંતોષ જેવા મુદ્દાઓ વધુ મહત્વ ધરાવે છે. બંને ચૂંટણીઓ એકસાથે થાય ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓનો પ્રભાવ રાજ્યની ચૂંટણી પર પડવાની શક્યતા રહે છે.

પરંતુ આનો અર્થ એ નથી કે વન નેશન, વન ઇલેકશન ભાજપ માટે આપમેળે ચૂંટણી જીતવાની ગેરંટી બની જશે. મતદાર હંમેશાં એકસરખું મતદાન કરે એવું જરૂરી નથી. ભારતના મતદારો અનેક વખત લોકસભા અને વિધાનસભામાં અલગ અલગ પક્ષોને સત્તા આપી ચૂક્યા છે. તેથી એકસાથે ચૂંટણી યોજવાથી ભાજપને સંભવિત લાભ મળી શકે, પરંતુ તેને નિશ્ચિત રાજકીય પરિણામ તરીકે જોવું યોગ્ય નહીં બને.

સરકાર અને સમર્થકોનો તર્ક પણ એટલો જ મહત્વનો છે. વારંવાર ચૂંટણી યોજવાથી સરકારી તંત્રનો મોટો હિસ્સો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહે છે. આચારસંહિતા લાગુ થવાથી નવી નીતિઓ અને યોજનાઓની જાહેરાત પર પણ નિયંત્રણ આવે છે. સતત ચૂંટણીના કારણે રાજકીય પક્ષો અને સરકારો લાંબા ગાળાની નીતિ કરતાં ટૂંકા ગાળાના રાજકીય લાભ તરફ્ વધુ ધ્યાન આપે છે એવી દલીલ કરવામાં આવે છે.JPCના અધ્યક્ષે પણ દલીલ કરી છે કે વારંવારની ચૂંટણીઓથી વહીવટ, શિક્ષણ, રોકાણ, પ્રવાસન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર અસર પડે છે અને ચૂંટણી ખર્ચ ઘટાડવાથી અર્થતંત્રને લાભ થઈ શકે છે.

વિપક્ષનો વિરોધ પણ માત્ર રાજકીય નથી. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોનું મુખ્ય કહેવું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને એકસાથે બાંધી દેવાથી ભારતના સંઘીય માળખાને અસર થઈ શકે છે. રાજ્યના પ્રશ્નો રાષ્ટ્રીય મુદ્દાઓની નીચે દબાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. જો કોઈ રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણીથી અલગ સમયે જનતાની સામે જવાની તક ગુમાવે તો રાજ્યના મતદારોને પોતાની સરકારની કામગીરીનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાની તક ઘટે છે એવી દલીલ પણ કરવામાં આવે છે.

વધુ ગંભીર પ્રશ્ન બંધારણીય છે. જો કોઈ રાજ્યની સરકાર પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં વિધાનસભા વિસર્જિત કરી દેવામાં આવે તો તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ ટૂંકો કરવો પડે. બીજી તરફ્ જો કોઈ સરકાર મધ્યમાં પડી જાય તો શું કરવું? શું બાકીનો સમય નવી સરકારને આપવો કે ફરી ચૂંટણી કરાવવી? આવી પરિસ્થિતિમાં વન નેશન, વન ઇલેકશનની સમયસૂચિ જાળવવી સરળ નહીં રહે. એટલે માત્ર ચૂંટણી એકસાથે કરાવવાનો નિર્ણય પૂરતો નથી; સરકાર પડી જાય, ત્રિશંકુ વિધાનસભા બને અથવા લોકસભા સમય પહેલાં ભંગ થાય ત્યારે શું કરવું તેની સ્પષ્ટ બંધારણીય વ્યવસ્થા પણ જરૂરી છે.

આ કારણે 2029નો પ્રસ્તાવ રાજકીય રીતે આકર્ષક હોવા છતાં કાનૂની રીતે અત્યંત પડકારજનક છે. કેટલાક અહેવાલો અનુસાર મૂળ માળખામાં 2034થી સંપૂર્ણ ચૂંટણીચક્ર સુમેળમાં લાવવાનો વિચાર હતો, પરંતુ એનડીએ શાસિત રાજ્યોમાં વહેલી શરૂઆત કરીને 2029થી જ પ્રક્રિયા આગળ ધપાવવાનો વિકલ્પ હાલમાં વિચારવામાં આવી રહ્યો છે.