ભારતમાં કેટલાક આર્થિક નિર્ણયો માત્ર અર્થવ્યવસ્થા બદલતા નથી. લોકોની આદતો પણ બદલી નાખે છે.UPI પણ આવો જ એક બદલાવ હતો. 2016માં જ્યારે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI આવ્યું, ત્યારે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે એક દાયકા બાદ તે ભારતની રોજિંદી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બની જશે. ચાની દુકાનથી લઈને મોલ સુધી. શાકભાજીવાળાથી લઈને હોસ્પિટલ સુધી. ટેક્સીથી લઈને ટેક્સ કન્સલ્ટન્ટ સુધી. આજે પૈસા આપવા સરળ છે. પૈસા લેવા સરળ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે રોકડ સાથે રાખવાની જરૂરિયાત ઘટી છે. પણ હવે UPI સામે એક નવો સવાલ ઊભો થયો છે. શું ડિજિટલ પેમેન્ટ હંમેશા મફ્ત રહી શકે?
15 ઓક્ટોબર 2026થી રૂ.2,000થી વધુના પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ એટલે કે PTM UPI પેમેન્ટ પર 0.4 ટકા MDR લાગુ થવાનો છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી નહીં, પરંતુ વેપારી પાસેથી લેવામાં આવશે. રૂ.75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન પર MDRની મહત્તમ મર્યાદા રૂ.300 રહેશે. રૂ.2,000 સુધીના PTM પેમેન્ટ અને પર્સન-ટુ-પર્સન એટલે કે પી-ટુ-પી પેમેન્ટ મફ્ત રહેશે. સરકારના જણાવ્યા પ્રમાણે લગભગ 96 ટકા PTM ટ્રાન્ઝેક્શન આ બદલાવથી અપ્રભાવિત રહેશે. કાગળ પર આ નાનો બદલાવ લાગે છે.
UPI માત્ર પેમેન્ટએપ નહીં, નવી આર્થિક આદત છે
UPIને માત્ર મોબાઇલથી પૈસા મોકલવાની સુવિધા માનવી ભૂલ ગણાશે. આ એક સંપૂર્ણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. નાણાકીય વર્ષ 2016-17માં UPI પર આખા વર્ષ દરમિયાન લગભગ 1.78 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. નાણાકીય વર્ષ 2025-26માં આ જ સંખ્યા વધીને 24,162 કરોડથી વધુ થઈ ગઈ. ટ્રાન્ઝેક્શન વેલ્યૂ રૂ.0.07 લાખ કરોડથી વધીને લગભગ રૂ.314 લાખ કરોડ સુધી પહોંચી ગઈ. એટલે કે એક દાયકામાં વોલ્યુમમાં લગભગ 12,000 ગણો અને વેલ્યૂમાં લગભગ 4,000 ગણો વધારો થયો. જુલાઈ 2026માં UPI પર 2,365 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા. ઓગસ્ટમાં આ આંકડો વધીને લગભગ 2,451 કરોડ થયો. ઓગસ્ટ 2026 સુધીમાં 752 બેન્ક UPI પર લાઇવહતી.
હવે સવાલ ગ્રાહકનો નહીં, દુકાનદારનો છે
નવી વ્યવસ્થામાં સૌથી મહત્વની વાત એ છે કે MDR ગ્રાહક પાસેથી સીધો લેવામાં આવશે નહીં. પરંતુ બજારમાં કોસ્ટ ક્યારેય અદ્રશ્ય થતી નથી. જો કોઈ દુકાનદારને રૂ.10,000નું UPI પેમેન્ટ મળે છે, તો 0.4 ટકાના હિસાબે MDR રૂ.40 થશે. રૂ.50,000ના પેમેન્ટ પર રૂ.200. રૂ.75,000 કે તેથી વધુના પેમેન્ટ પર મહત્તમ રૂ.300. આ ગ્રાહકને કદાચ દેખાશે નહીં. પરંતુ દુકાનદારની કોસ્ટમાં દેખાશે. મોટા રિટેલર માટે આ કોસ્ટ નાની હોઈ શકે છે. પરંતુ નાના વેપારી માટે દરેક ટકા મહત્વનો હોય છે. માની લો કે કોઈ વેપારીનું માર્જિન 5 ટકા છે. તેમાં ભાડું છે. સ્ટાફ્ છે. વીજળી છે. જીએસટી છે. સ્ટોકની કોસ્ટ છે. ડિજિટલ પેમેન્ટની કોસ્ટ પણ છે. ત્યારે 0.4 ટકા માત્ર 0.4 ટકા રહેતું નથી. તે બિઝનેસ મોડલનો હિસ્સો બની જાય છે. હા, નાના વેપારીઓ માટે રાહત છે. ક્યૂઆર આધારિત UPIથી મહિને રૂ.1 લાખ સુધીની ચુકવણી મેળવનારા નાના વેપારીઓને MDR માંથી બહાર રાખવાની જોગવાઈ છે.
અસલી પરીક્ષાઃ કોસ્ટ ગ્રાહક સુધી પહોંચશે?
અહીં સૌથી મોટો સવાલ છે. સરકાર અને NCPIનું કહેવું છે કે MDRનો બોજ ગ્રાહક પર નાખવાનો નથી. પરંતુ બજારનું પોતાનું ગણિત હોય છે. વેપારી પાસે ત્રણ રસ્તા છે. પહેલો. કોસ્ટ પોતે સહન કરે. બીજો. પોતાના માર્જિનમાંથી એડજસ્ટ કરે. ત્રીજો. ક્યાંક ને ક્યાંક તેને વસ્તુની કિંમતમાં સામેલ કરી દે. ત્રીજો રસ્તો સૌથી રસપ્રદ છે. ગ્રાહકને દુકાન પર અલગથી UPI ચાર્જ દેખાશે નહીં. પરંતુ વસ્તુની કિંમત થોડા રૂપિયા વધી શકે છે. એટલે MDR દેખાશે નહીં. પરંતુ તેની આર્થિક અસર દેખાઈ શકે છે. આથી આવનારા મહિનાઓમાં માત્ર એ જોવું પૂરતું નહીં રહે કે ગ્રાહક પાસેથી સીધો ચાર્જ લેવામાં આવ્યો કે નહીં. એ પણ જોવું પડશે કે દુકાનદારોનું પ્રાઇસિંગ બિહેવિયર બદલાય છે કે નહીં. શું રૂ.2,000થી ઉપરના પેમેન્ટ માટે વેપારી કાર્ડ અથવા બેન્ક ટ્રાન્સફર સૂચવે છે? શું મોટી ખરીદીને નાના ભાગોમાં વહેંચવાનો પ્રયાસ થાય છે?
UPIને પણ હવે કમાણીની જરૂર છે
આ વાત સામાન્ય ગ્રાહક માટે સમજવી જરૂરીછે.UPI ચલાવવું મફ્ત નથી. સર્વર જોઈએ. સાયબર સિક્યોરિટી જોઈએ. ફ્રોડ મોનિટરિંગ જોઈએ. બેન્કિંગ સિસ્ટમ જોઈએ. ગ્રાહક સહાયતા જોઈએ. ટેક્નિકલ સપોર્ટ જોઈએ. ટ્રાન્ઝેક્શન વધે તેમ સિસ્ટમનો ખર્ચ પણ વધે છે. છેલ્લાં વર્ષોમાં સરકારે UPI ઇકોસિસ્ટમને ઇન્સેન્ટિવ દ્વારા ટેકો આપ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 માટે લો-વેલ્યૂ ભીમ-UPI PTM ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા રૂ.1,500 કરોડની ઇન્સેન્ટિવ સ્કીમ મંજૂર કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે દુનિયાના સૌથી મોટા રિયલ-ટાઇમ પેમેન્ટ ઇકોસિસ્ટમમાંથી એકને લાંબા સમય સુધી માત્ર સરકારી ઇન્સેન્ટિવથી ચલાવી શકાય? કદાચ નહીં. અહીં MDRનું બીજું પાસું સામે આવે છે. આ માત્ર ક્ષ્ચાર્જ લગાવવાનીખ્ વાત નથી. આ UPIને સબસિડી-ડ્રિવન મોડલમાંથી સસ્ટેનેબલ મોડલ તરફ્ લઈ જવાનો પ્રયાસ પણ છે. મોટા પેમેન્ટમાંથી રેવન્યુ ઊભું થશે. આ રેવન્યુ પેમેન્ટ ઇકોસિસ્ટમના અલગ-અલગ હિસ્સેદારો સુધી જશે. બેન્ક, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર અને પેમેન્ટ એપ્સ માટે UPIમાં વધુ રોકાણ કરવાનો આધાર ઊભો થઈ શકેછે.
UPI 3.0: ક્યૂઆરથી ક્રેડિટ સુધી
UPIની આગામી કહાની માત્ર પેમેન્ટ સુધી અટકવાની નથી. આજે UPIથી પૈસામોકલીએ છીએ. કાલે એ જ ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્રેડિટ માટે કામ આવી શકે છે. એક નાના વેપારી પાસે મોટું કોલેટરલ ન હોય. પરંતુ તેની પાસે ત્રણ વર્ષનો ડિજિટલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ હોય. બેન્ક માટે આ ડેટા તેના કેશ-ફ્લોને સમજવામાં મદદ કરી શકે છે. અહીં યુએલઆઈ એટલે યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ જેવી વ્યવસ્થાઓ મહત્વની બની શકે છે.UPI પેમેન્ટ રેલ છે. પરંતુ તેની આસપાસ ક્રેડિટ, લેન્ડિંગ, ઇન્શ્યોરન્સ અને અન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સનું મોટું ઇકોસિસ્ટમ ઊભું થઈ શકે છે. આથી UPI 3.0ની ચર્ચામાત્ર ઝડપી પેમેન્ટની નહીં હોય. તે પેમેન્ટથી ક્રેડિટ અને ક્યૂઆરથી ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ તરફ્ની યાત્રા બની શકે છે.
સવાલ ફ્રીનો નહીં, ટકાઉપણાનો છે
UPIની કહાનીમાં 2016 પહેલું પ્રકરણ હતું. પછી નોટબંધી આવી. ડિજિટલ પેમેન્ટની ચર્ચા વધી. કોવિડ આવ્યો.UPI ઘર-ઘર પહોંચ્યું. ક્યૂઆર આવ્યું.UPI ચાની લારીથી લઈને મોટા મોલ સુધી પહોંચ્યું. હવે MDRનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. આને માત્ર UPI પર ચાર્જ તરીકે જોવું કદાચ અધૂરું હશે. આ UPIના બિઝનેસ મોડલની પણ પરીક્ષા છે. વેપારી કહે છે- મારી કોસ્ટ કેટલી વધશે? ગ્રાહક કહે છે- મારા માટે ભાવ તો નહીં વધે ને? બેન્ક કહે છે- ડિજિટલ પેમેન્ટના વધતા ખર્ચનું શું? ફ્નિટેક કંપની કહે છે - નવા રેવન્યુ મોડલથી શું નવી સ્પર્ધા ઊભી થશે? અને દેશ સામે સવાલ છે- શું આપણે વિશ્વનું સૌથી મોટું રિયલ-ટાઇમ પેમેન્ટ ઇકોસિસ્ટમ લાંબા સમય સુધી ટકાઉ બનાવી શકીશું? જવાબ માત્ર સરકાર પાસે નથી. બેન્ક પાસે નથી.NCPI પાસે નથી. પેમેન્ટ એપ્સ પાસે પણ નથી. જવાબ બજાર આપશે. ગ્રાહક આપશે. દુકાનદાર આપશે. મફ્ત સુવિધાલોકોને ઝડપથી જોડે છે. પરંતુ લાંબા સમય સુધી ચાલતી વ્યવસ્થા માટે કોસ્ટ, કમાણી અને વિશ્વાસ- ત્રણેયનો હિસાબ જરૂરી છે.UPIએ ભારતને કેશથી ક્યૂઆર સુધી પહોંચાડયું છે. હવે તેની આગળની યાત્રા કદાચ ક્યૂઆરથી ક્રેડિટ સુધીની હશે. પેમેન્ટથી પ્લેટફોર્મ સુધીની હશે. અને ફરીથી ફાઇનાન્શિયલી સસ્ટેનેબલ સુધીની હશે. તાળી તો બંને હાથથી જવાગશે ને?