નવા સમાચાર સામે આવ્યા છે..અમદાવાદમાં દીપડો આવ્યાની વાત અફ્વા હતી!એ તો એક બિલાડી હતી!!

શું વાત કરે છે...!દીપડો હતો જ નહીં...!'

બિલાડી હતી....!'

ચોક્કસ એ બિલાડી જાડી જ હશે...!તોજ લોકોને લાગ્યું કે દીપડો હતો...!'

અફ્વાનું બજાર આપણે ત્યાં હંમેશા ગરમ જ રહ્યું છે!

બાળપણથી જ આપણને અફ્વા ભરેલી કવિતા શીખવાડવામાં આવી છે!

એક બિલાડી જાડી..

એણે પહેરી સાડી...!'

કવિની દ્રષ્ટિએ સુંદર કલ્પના!આપણી દ્રષ્ટિએ નવી અફ્વા!બાળપણથી જ આપણે અફ્વા ગાતા આવ્યા છીએ..મોટાભાઈ!બિલાડી ક્યારેય સાડી પહેરે?!કવિએ પહેરાવી દીધી!એમને ખબર હતી કોઈ વાત પોહચાડવી હોય તો એમાં અફ્વાનું તત્વ ઉમેરવું પડે!તોજ લોકોને ગળે કવિતા વારંવાર ગવાય!સૌથી પહેલી આ અફ્વા આપણે સાંભળી હતી!અને પછી પેઢી દર પેઢી આપણે સંભળાવતા પણ આવ્યા છીએ!કવિની કલ્પના બેસ્ટ હતી..!કલ્પનામાં અફ્વાનું તત્વ ભરવામાં આવે તો આપણે તરત ગોખી કાઢીએ!બિલાડી ક્યારેય સાડી નથી પહેરતી!આ જગતમાં મનુષ્ય જ કપડાં પહેરે છે!વિશ્વના અન્ય પ્રાણીઓ વગર કપડે સુંદર લાગે છે!આપણે એમના જેવા થવા જઈએ તો સેન્સર બોર્ડ 'A' નું સર્ટિફ્કિેટ આપી દે!

અફ્વા આપણું ગમતું તત્વ છે!એનું બજાર શેરબજાર કરતાં પણ ગરમ હોય છે!શેરબજાર તો નરમ પણ થતું રહે છે પણ અફ્વાનું બજાર જેમ-જેમ આગળ વધે તેમ તેમ વધુને વધુ ગરમ થતું રહે!અનુસંધાનભાઈ એ અફ્વા વિશે એમના 'વધુ આવતા અંકે' નામના અનિયમિત સામાયિકનો અફ્વા વિશેષઅંક છપ્યો હતો! સુંદર મુખપૃષ્ઠ બનાવ્યું હતું...!

તેલની મોટી કડાઈમાં ભજીયા તળતા બતાવ્યા...એક માણસ હાથમાં પચાસની નોટ લઈને વરસાદમાં પલળતા ભજિયાની લાઈનમાં ઉભો રહેલો બતાવ્યો!

અને પછી ચાર પંક્તિ લખીઃ

વગર તેલમાં તળાતું 'ટેલ' એટલે અફ્વા...

વાતોનું 'વડું' મથક...એટલે અફ્વા...

શબ્દો તળાતા છમ્મ થશે..

વાક્ય અફ્વાનું 'મમમ' થશે...!'

છેલ્લે લખ્યું..

અફ્વાની કિંમત લાઈનમાં ઉભા રહી ચૂકવવી પડે!'

આવો આજે આપણે જાણીશું નાઇન્ટિના નોટી ઝીંણુંદાદા પાસે કે બિલાડી કેવી રીતે દીપડો થઈ...શું ગણિત છે આપણી અફ્વા પ્રેમી જનતાનું...!

બુધીયોઃઅફ્વાઓ સાંભળવાનો આપને નેવું વર્ષનો એક્સપિરિયન્સ છે...!શું કહેશો...?!

ઝીણુંદાદાઃએક બિલાડી જાડી...નેવું વર્ષ પહેલાં સાંભળી હતી..હવે નેવું વર્ષે એક બિલાડીનો લોકોએ દીપડો કર્યો એ સાંભળું છું...બિલાડી કોમન છે!!

બુધીયોઃબિલાડી કેમ કોમન છે?!

ઝીણુંદાદાઃઆપણે બધા સદીઓથી 'મ્યાઉ' મોડમાં જ જીવીએ છીએ..!કોઈ ઝાલી ન લે એ ડરથી બિલ્લી પગે ફરિયે છીએ...!

બુધીયોઃતો પછી એ જણાવો.. બિલાડી દીપડો કેવી રીતે બની જાય છે..??!

ઝીણુંદાદાઃડરવું એ સ્વભાવ બની ગયો છે...!વધુને વધુ ડરતા રહેવાની મજા આવે છે એટલે આપણી અંદરનો ડર જ બિલાડીને દીપડો ધારી લે છે!

બુધીયોઃઅવાજ પરથી તો ખબર પડે ને કે મ્યાઉ હતી કે ગર્જના હતી!?બસ પગલાં પરથી માની દીધું દીપડો જ હતો!!

ઝીણુંદાદાઃગરોળીને ડાયનાસોર સમજી લઈને ડરતા રહીએ છીએ...એ પણ આપણા જ ઘરમાં...!ડરવાની આદત પડી ગઈ છે...!

બુધીયોઃહાચી વાત છે....ડોહા!

ઝીણુંદાદાઃઓય... કોને ડોહો કહે છે...?!જાણવું છે મારી પાસે...મેળવવું છે મારી પાસે ને મને જ ડોહો ગણે છે..!

બુધીયોઃથોડું ઝેન ઝી જેવું થઈ ગયું!અમે સુપર જ્ઞાની જનરેશન પણ વડીલોના સંબોધનમાં જીભ લપસી જાય છે!એક્ચ્યુલી..સ્વતંત્ર થઈ જાય છે....!દાદાનું ડોહા થઈ જાય છે...!

ઝીણુંદાદાઃઅફ્વા પણ સ્વતંત્રતાની ચરમસીમા પર હોય છે!એને બોલવાનું ભાન નથી હોતું...!!સાંભળીને લાગે કે જોરદાર જ્ઞાન છે..પણ સંસ્કારનું બેઝિક સત્ય એમાંથી નીકળી જતું હોય છે....!!

બુધીયોઃઅતિ ઉત્સાહમાં થઈ ગયું....હવે!સોરી..ડોહા!

ઝીણુંદાદાઃઅફ્વાનું પણ વિચારધારા જેવું જ હોય છે!મૂળ વાત...અને અફ્વા વચ્ચે એક મોટો જનરેશન ગેપ હોય છે!અફ્વા... આંદોલન જેવી જ હોય છે!

બુધીયોઃએટલે....??!!

ઝીણુંદાદાઃસત્યની નજીક જવા શરૂ થાય..પછી અર્ધ સત્ય બનીને રહી જાય...!

બુધીયોઃવિગતે સમજાવો...ડો...!!

ઝીણુંદાદાઃઓય.....!!!

બુધીયોઃએટલે કે...ડો..હા...સોરી સોરી..દાદા!

ઝીણુંદાદાઃઅફ્વાનો વંટોળ પણ વિરોધના વંટોળ જેવો હોય છે..બંનેને બોલવાનું ભાન નથી હોતું....!!એક વાત ભાન ભૂલે ત્યારે અફ્વા બને...એક આંદોલન ભાન ભૂલીને શરૂ થાય....એની અંદર સત્ય કરતાં અર્ધ સત્યની અફ્વા વધારે હોય!!

બુધીયોઃઅરે..દાદા...બિલાડી કેવી રીતે દીપડો થાય...એ કહો ને...?!તમે તો સત્ય અને અર્ધ સત્ય સમજાવવા બેસી ગયા...મારે જે સમજવું છે એ સમજાવો ને....તમે તો ઓલ્ડ મેન...તમારે જે સમજાવવું છે એ જ સમજાવી રહ્યા છો!

ઝીણુંદાદાઃસમજનું એવું જ હોય...થોડું અફ્વા જેવું હોય!સમજ સમજ કર સમજ ગયે..હમ નયે ભલે..લેકિન સમજ સમજ કર સમજદાર બન ગયે..'સમજના ભૂલ ગયે'..જો સમજ સમજ કર સમજે હુવે હૈ...ઉસે નઈ સમજને નાસમજ ઘોષિત કર દીયે...!!

બુધીયોઃ,તમે ડોહાજી દોસ્ત...આડા પાટે વાત લઈ જઈ રહ્યા છો!

ઝીણુંદાદાઃએનું જ નામ અફ્વા.......

એનું જ નામ આંદોલન....

શરૂ થાય ચોક્કસ પણે સત્ય સાથે...

પણ પછી એનો એન્ડ અફ્વાના અર્ધસત્ય પર જ પૂરો થાય.......!

વાત આડા પાટે ચઢે એ જ અફ્વા એ જ આંદોલન!

બુધીયોઃબિલાડી...દીપડો કેમની થઈ......મારો ધીરજનો બાંધ તૂટી રહ્યો છે...પછી કહેતા નહીં.. હું તમને..ડોહા કહું છું...!!!

ઝીણુંદાદાઃએક દિવસ કઇંક જોરદાર બનશે....એ દરેકની કલ્પના છે...!એ દિવસ જોઈએ એવો હજુ આવ્યો નથી..

ને એટલે જ ડરતા રહેવાની..કઇંક જોરદાર બનવાની કલ્પના એટલે અફ્વા....!દરેક આંદોલનને એક પગલાં હોય છે...પગલાંબિલાડીના છેલ્લે દીપડાના જ બની જતા હોય છે!

બુધીયોઃકહેના ક્યાં ચાહતે હો...??!

ઝીણુંદાદાઃ*અફ્વા કદી સત્ય નથી..

પગલાં ને ઓળખો!'