એક ટાઈમ હતો..જ્યારે ભોજનના પિત્તળના વાસણોને 'કલઈ' કરી નવસેરથી ચમકાવવામાં આવતા!અને અત્યારે..સ્ટીલના વાસણોમાં ચમક જોરદાર છે..પણ વાસણો ખખડે છે! અત્યારના વાસણોને ચમકનો નહીં..ખણક નો શોખ જાગ્યો છે!  

 વાસણ સમાજનું પ્રતિબિંબ કહેવાય છે!એ ટાઈમે કલઈ કરીને પિત્તળના વાસણ ચમકતા અને ગરીબી હોવા છતાં દરેક સમાજ ખુશીથી ચમકતો!કોઈની ખુશી ઘટી ગઈ હોય તો એને પણ સ્નેહની હુંફાળી ફૂંક મારીને કલઈ કરી આપવામાં આવતી!  

 સોડા-લેમનની પોળમાં આજે કલઈ વાળો આવ્યો હતો!  

કલલઈઇઈ....એ...!!'  

અરે..છોટુલાલ !નવો સ્ટાર્ટ અપ...??!'  

જૂનો સ્ટાર્ટ અપ....!!'  

તમે સ્ટાર્ટ કરો ત્યારે કઇંક નવું જ હોય છે!'  

નવુંમાં ફાવતો નથી !થોડો વ્હેલો પડું છું!એટલે આ વખતે હું જૂનું લઈ આવ્યો છું...!પિત્તળ ના વાસણ હોય તો લાવો ચમકાવી દઉં...!'  

વેચી માર્યા...!થોડા હતા એ ભાગ પડયા ત્યારે ભાઈ બહેનોમાં વહેંચી માર્યા..!'  

આ તમારા વેચવા અને વહેંચવામાં સમાજની કલ ભૂલાઈ ગઈ છે!ફેમેલીઓને કલઈ કરવાનો ટાઈમ આવી ગયો છે!'  

છોટુલાલ..પિત્તળનો ભાવ આસમાને છે!'  

પિત્તળમાં પિતૃઓના ભાવ હતા!એટલે એનું નામ પિત્તળ પડયું!સ્નેહના ભાવ પેઢી દર પેઢી જળવાઈ રહે એટલે વાસણો વારસામાં મળતા હતાં!વસ્તુઓના ભાવ આસમાને ગયા તમે હારા બધાએ આસમાને ગયેલા પિતૃઓના સ્નેહના વાસણો પણ ફૂંકી માર્યા!'  

ભાવ આવ્યો એટલે પરિવારનો ભાવ વેચી માર્યો!પાંચ વીઘા હતી એ પણ વેચી દીધી!સોનું ઉછડયું એ પણ વેચી દીધું..!નવી વસ્તુઓના ભાવ એટલા મોંઘા પડે છે કે જૂની પેઢીનું બધું વેચીને જ નવી પેઢી આગળ વધી શકે!'  

હા....પછી...હાથ ઘસતા રહેજો...!હાથની કલ ઈ કરવી હોય તો કહેજો.....!!કલઅઈઈઈઈઈઈઈ....એ!'  

 છોટુલાલનો જૂનો સ્ટાર્ટ અપ પણ જોખમમાં હતો!  

 જૂનું વેચીને આગળનું જીવન જતું હોય ત્યાં સોસાયટીના ઘરોમાં પિતૃઓના વાસણો ક્યાં મળે!હોય તો કોઈ ચમકાવે ને!?!હવે..પિત્તળ ગયું ને સ્ટીલ આવ્યું!  

 પિત્તળમાં સ્વાદ હતો!કલઈ કરી ચમકેલા પિત્તળના વાસણમાં મોઢું ન દેખાતું !..એટલે ક્યાંય કોઈ દેખાદેખી હતી જ નહીં!  

 સ્ટીલના વાસણમાં પાવડર બરાબર ઘસ્યો હોય તો ભોજન ગ્રહણ કરનારનું મોઢું દેખાઈ શકે છે!થાળીઓ ખાલી હોય તો..મોઢું આખ્ખું દેખાય!બાકી..બે શાક વચ્ચે અને દાળ-ભાત વચ્ચે વાટકીઓ પર વાંકુ ચુકું થઈને મોઢું અડધું તો દેખાય જ!ભોજન ભરેલો થાળ..છે તો પણ અત્યારે દેખાદેખી છે..મોટાભાઈ!  

 ત્યારે..કલઈની લારી પર કલઈ ઓછી વપરાતી તો..જોડે ઉભેલા પાડોશી માસી સમજી જતા..! નક્કી..કંઈક ગરબડ છે!'અને પછી પાડોશીની ગરબડનો ખાલી પિત્તળનો થાળ ભરી દેવામાં પાછી પાની ન થતી!વાટકી વ્યવહાર હતો..દરેકના ભોજનના થાળને વર્ષે એકવાર કલઈ તો થવી જ જોઈએ એવું આખો સમાજ માનતું!!  

 અત્યારે બધા પોતપોતાનો થાળ ભરવામાં જ વ્યસ્ત છે..એ ટાઈમ હતો જ્યારે..એકબીજાનો થાળ ભરવાનો વ્યવહાર હતો!હરિફાઈના યુગમાં આ વ્યવહાર લુપ્ત થઈ ગયો..એટલે અત્યારે પિત્તળના વાસણો શહેરમાંથી અને ભોજનમાંથી ગાયબ છે!..વાસણની ચમક કરતી કલઈ પણ ગાયબ છે!  

 અત્યારના વાસણોનો સંવાદ છે!  

તારી થાળી મારા કરતાં ચમકીલી કેમ?!'  

 એ ટાઈમે વાસણોનો સંવાદ હતો..!  

તારી થાળી મારા જેટલી જ ચમકીલી છે!!'  

 એનું કારણ હતું..આખા મોહલ્લા ગામ શેરી કે પોળમાં બધાનો કલઈવાળો એક જ હતો!વાસણોમાં આટલી એકતા હોય ત્યારે જ તો બધાનું વાસણ એક જેવું ચમકે..મોટીબેન !   

 સ્ટીલને પોતાની નેચરલ ચમક હોય છે..!પણ પિત્તળને પોતાનો નેચરલ સ્વાદ હતો!ટેક્નિકલ કારણની તો ખબર નથી પણ સાંભળ્યું છે કે..કલઈ કરવાનું મુખ્ય કારણ વાસણની ચમક નહીં પણ સ્વાદ હતું!પિત્તળને કલઈ થતી અને ભોજનના સ્વાદ અને ચમક એકસાથે રિફ્રેશ થઈ જતા!  

 કલઈવાળો..'કલઈઈઈએ..એ..એ..'ની બૂમ મારતો!અને ગૃહણીઓ ચૂલા પર કાળી થઈ ગયેલી વાસણોની 'કલ'ને કલઈ કરાવવા કલઈવાળાને ઘેરી વળતી!  

 કાલના વાસણોની જેમ જ આજના સામાજીક સ્નેહના વાતાવરણને કલઈ કરાવવાની ખૂબ જરૂર છે!દિવાળી પછીના ગેટ ટુ ગેધરમાં.. પિત્તળ ના વાસણમાં ભોજન લેવાની થીમ રાખવા જેવી છે!'કલ..આઈ' પાછી યાદ આવશે..!આજને કલઈ થઈ હોય એવું લાગશે!!  

ફેમેલી ગેટ ટુ ગેધરમાં એકલી ચમક નહીં પણ સ્વાદનો ઉમેરો પણ થશે!  

 હંમેશા નીચેથી જ તપતી તપેલી કલઈ કરતી વખતે અંદરથી તપતી હતી!કલઈ કરનારો તપેલીને આગ ઉપર ઊંઘી મૂકી ગરમ કરતો!ગોળ હેન્ડલ જેવું કંઈક ફેરવી આગની ફૂંક તપેલીમાં ફેંકતો..તપેલીનું તપ પૂરું થતું!  

 તપમાં તપેલી..ગરમ તપેલીમાં કલઈને કપડાથી ફેરવ્યા પછી ..તપેલી અંદરથી ચમકી જતી!તપનું એવું જ હોય..ચહેરો ચમકી જ જાય!  

 કલઈએ એ સમયમાં ભોજપાત્રનું 'તપ' જ હતું!પિત્તળની તપેલીને કલઈ થતી અને એનું તપ ફ્ળી જતું..તપેલીનો ભોજભાગ સાઇનિંગ મારવા લાગતો!ખીલી ઉઠતો..!  

 અને..હવે ગામડાઓમાં પણ કલઈમાં તપ કરેલી પિત્તળની તપેલીઓ..વાસણો ભાગ્યે જ જોવા મળે છે!પ્રગતિના મોહમાં કોઈ મેનકા જેવી અપ્સરાએ ભોજનના પિત્તળ-ઋષિ કહેવાતા વાસણનો તપ-ભંગ કરી નાંખ્યો છે!  

 પિત્તળના વાસણો પિતૃઓનો વારસો હતા!કદાચ એટલે જ એનું નામ 'પિતા-થાળ'માં થી ટૂંકું કરીને 'પિત્ત-ળ' કર્યું હશે!  

 પરિવાર મોટો થયો..એટલે પિત્તળના વાસણોનો પિતા તરફ્થી મળેલો વારસો ભાઈ-બહેનોમાં વહેંચાઈ ગયો!અને પછી..'વેચાઈ' ગયો..!અને કલઈ બાપડી હવે ભવઈનો વેશ કરી પરિવારના સંપની ચમક શોધે છે!  

રંગલોઃઅલી રંગલી..પેલી કલઈ કરેલી..પિતાએ આપેલી પિત્તળની તપ કરેલી તપેલી ક્યાં ગઈ??!  

રંગલીઃમારા રંગલા..કલઈ..માં...'કલ'..બનીને ખોવાઈ ગઈ..તા..થૈયા..થૈયા..તા થૈઇ!!  

 પરિવારના સંપનું સમૂહ ભોજન વાળું પિત્તળ હવે સ્ટીલમાં ફેરવાઈ ગયું છે!પિત્તળના ભાગ પડી ગયા છે!..અને પતરાળા હવે પ્લાસ્ટિકના અને કાગળના થઈ ગયા છે!  

 એક ટાઈમ હતો..કલઈ કરેલા પિત્તળના વાસણોને પિતૃ વારસો કહી રસોડે સજાવીને ગોઠવવામાં આવતો હતો..અને અત્યારે એક જ માં-બાપના વારસો એક રસોડે કે એક થાળે સાથે જોવા નથી મળતા!  

બુધીયો બોલે છેઃ ચલો ને મિત્રો ફરીથી..સામાજિક સબંધો અને એક જ લોહીના સંબંધોને 'કલઈ' કરી ફરીથી પહેલાં જેવો રિફ્રેશ કરીયે..!  

છોટુલાલનો અવાજ પોળની વાંકી ચૂંકી છસ્સો વર્ષ જૂની શેરીઓમાં ગુંજી રહ્યો હતો..'કલને કરાવો..કલઈઈઈ..એ!'