નીટનું પેપર લીક થયા પછી અને તેને કારણે 21 આશાસ્પદ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા પછી સરકારે સંસદમાં સજાની કડક જોગવાઈ કરતો પેપર લીક રોકતો કાયદો પસાર તો કર્યો છે પણ હવે જ તેનાં કડક અમલની જરૂર છે. જ્યાં સુધી સરકાર અને સરકારનાં ખાતાઓમાં બેઠેલા અધિકારીઓ તેનો કડક અમલ નહીં કરે ત્યાં સુધી આ કાયદો બનાવવાનો કોઈ હેતુ સરવાનો નથી. જો સરકાર વહેલી જાગી હોત તો નીટની પેપર લીકને ઘટનાને રોકી શકી હોત, વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને રોકી શકી હોત. ખેર, દેર આયે દૂરસ્ત આયે. કેન્દ્રમાં ભાજપની મોદી સરકારે નીટનાં પેપર લીકને રોકવા શ્રોણીબધ્ધ પગલાં લીધા છે. વિદ્યાર્થીઓએ જંતર મંતર પર આંદોલન કે વિરોધ પ્રદર્શન કર્યું ત્યાં સુધી બધું ઠીક હતું પણ સંસદ કૂચમાં અસામાજિક તત્વો ઘૂસી ગયા અને હિંસા ફેલાવી. અરાજકતા ફેલાવવાની કોશિષ કરી. અનેક પોલિસની મારપીટ કરવામાં આવી. આ બધું કરવાની કોઈ જરૂર ન હતી. ગનિમત સમજો કે પીએમ એ દૂરંદેશી દાખવીને વિદ્યાર્થીઓએ સાથે સંવાદથી સમજૂતી સુધી પહોંચવાનાં પ્રયાસો કર્યા જે કારગત નીવડયા. અન્યથા પેપર લીકનો પ્રશ્ન કોરાણે મુકાઈ ગયો હતો અને દેશમાં હૂતાશનની હોળી સળગી હોત. સરકાર દ્વારા પેપર લીક રોકવા માટે હાઈટેક સમિતિ નિમવામાં આવી છે. નંદન નીલેકણીનાં વડપણ હેઠળની આ સમિતિ દેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સિસ્ટમમાં સુધારા સૂચવશે. સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુધારા કરવા નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા છે. પેપર લીકને લગતા કેસોનાં ઝડપી નિકાસ માટે તમામ રાજ્યોમાં ફાસ્ટટ્રેક કોર્ટો સ્થાપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે ઝડપી ન્યાય તોળી શકાય. સંસદમાં પસાર થયેલું આ નવું બિલ વર્ષ 2024નાં કાયદાને વધારે મજબૂત બનાવે છે જેમાં પરીક્ષામાં ગેરરીતિઓ રોકવા તેમજ પેપર લીક કરનારને આકરામાં આકરી સજા કરવાની જોગવાઈ કરાઈ છે. રાજ્યોને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવા અનુરોધ કરાયો છે. નીટ અને તેના જેવી બીજી મહત્વની પરીક્ષાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે આથી વિપક્ષો દ્વારા નીટ પેપર લીક મામલે NTAની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા પણ સરકારે તેનો બચાવ કરીને કહેવું પડયું કે સરકાર વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે સંવેદનશીલછે, ચિંતિત છે અને પરીક્ષાની સિસ્ટમને મજબૂત કરવા સતત સુધારા કરી રહી છે. બિલ સંસદમાં પસાર થયા પછી પીએમ મોદીએ વધુ એક વીડિયો જાહેર કરીને દેશનાં યુવાનોને સંદેશ પાઠવ્યો હતો. તેમણે કહ્યું કે નવો કાયદો દેશમાં વિશ્વાસપાત્ર અને પારદર્શક પરીક્ષા પધ્ધતિનો માર્ગ ખોલશે. મોદીએ વીડિયો દ્વારા દેશનાં યુવાનો સાથે સંવાદનો જે માર્ગ અપનાવ્યો છે તે ખરેખર પ્રશસ્તિને પાત્ર છે. આધુનિક પેઢી સાથે આધુનિક ટેકનિક અપનાવીને જ સમસ્યાઓનું સમાધાન શોધી શકાય છે.
