પૃથ્વીનો ઇતિહાસ અબજો વર્ષો જૂનો છે. તેનાં આ ઇતિહાસમાં તેનાં પર અનેક ભૌગોલિક અને આબોહવાકીય પરિવર્તનો આવ્યા છે. હિમયુગ, જ્વાળામુખીના મહાવિસ્ફેટો, અને ઉલ્કાપિંડોએ પૃથ્વી પરની જીવસૃષ્ટિને અનેકવાર નષ્ટ કરી છે. વળી, ઉત્ક્રાંતિના નિયમ મુજબ, બદલાતા પર્યાવરણ સાથે જે જીવો પોતાને અનુકૂળ ન કરી શક્યા, તે લુપ્ત થયા છે ને જે જીવો અનુકૂલન કરી શક્યા, તે ટકી શક્યા છે. ડાયનાસોર જેવી મહાકાય પ્રજાતિઓ પણ આ કાળચક્રનો શિકાર બની છે. તેમ છતાં, પૃથ્વી પર કેટલાક એવા જીવો પણ જીવે છે, જેણે સમયની ગતિને જાણે કે થંભાવી દીધી છે. કરોડો વર્ષોથી તેમનામાં કોઈ નોંધપાત્ર શારીરિક પરિવર્તન નથી આવ્યું છતાં તેઓ જીવી ગયા છે. વિજ્ઞાનની ભાષામાં આ અદ્ભુત જીવોને 'જીવંત ફોસિલ્સ' કે 'જીવંત અશ્મિઓ' કહેવાય છે.
જીવંત ફોસિલ્સ' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને વર્ષ 1859માં તેમના પ્રસિદ્ધ પુસ્તક 'ઓન ધ ઓરિજિન ઓફ્ સ્પીસીઝ'માં કર્યો હતો. 'જીવંત ફોસિલ્સ' એટલે એવી પ્રજાતિ કે, જે લાખો કે કરોડો વર્ષો પહેલાં જોવાં મળતાં તેમનાં અશ્મિઓ સાથે આજે પણ પહેલાં જેવી જ શારીરિક સામ્યતા ધરાવતી હોય. આવી પ્રજાતિઓએ પૃથ્વી પરની મહાવિનાશક ઘટનાઓનો સામનો કર્યો છે ને છતાં, તેમના જનીનિક કે શારીરિક માળખામાં કોઈ મોટો ફેરફાર થયો નથી. તેઓ ઉત્ક્રાંતિના એવા અવશેષો છે, જે આપણને પૃથ્વીના પ્રાચીન ભૂતકાળની સીધી ઝલક આપે છે. અહીં આપણે એવા કેટલાક નોંધપાત્ર જીવો અને વનસ્પતિઓ વિશે વાત કરવી છે, જે ખરા અર્થમાં ટાઈમ ટ્રાવેલર્સ' છે. 'સીલાકેન્થ' (અન્ય ઉચ્ચાર : કોએલકાન્થ -Coelacanth)નામની માછલી આવો જ જીવ છે, જે સમયને મ્હાત આપીને હજુ પણ જીવી રહ્યો છે. વિજ્ઞાન જગતમાં 'સીલાકેન્થ'ની શોધ 20મી સદીની સૌથી મોટી પ્રાણીશાસ્ત્ર્રીય શોધોમાંની એક છે. વૈજ્ઞાનિકો માનતા હતા કે, આ માછલીઓ લગભગ 6.5 કરોડ વર્ષ પહેલાં, ડાયનાસોરની સાથે જ લુપ્ત થઈ ગઈ હતી. કેમ કે, તેના માત્ર અશ્મિઓ જ મળતા હતા. પણ, ડિસેમ્બર 1938માં દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારે, માછીમારોની જાળમાં એક વિચિત્ર માછલી ફ્સાઈ. જેને મર્જોરી કોર્ટને - લેટિમર નામની એક સંગ્રહાલય ક્યુરેટરે ઓળખી કાઢી તો વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. કેમ કે, એ માછલી 'સીલાકેન્થ' હતી ને હજુ પણ એ જીવી રહી હતી. તેની પ્રજાતિ આશરે 40 કરોડ વર્ષ જૂની છે. તેની ખાસિયત એ છે કે, તેના મીનપક્ષમાં હાડકાં હોય છે, જે તેને જમીન પર ચાલતા પ્રાણીઓના પૂર્વજ તરીકે પ્રસ્થાપિત કરે છે.
હોર્સશૂ કરચલો' પણ સમયને મ્હાત આપનાર વિશેષ જીવ છે. વાદળી લોહીવાળા આ પ્રાચીન જીવનું નામ ભલે કરચલો હોય, પણ તે કરોળિયા અને વીંછીની પ્રજાતિની વધું નજીકનો છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે. તે આશરે 45 કરોડ વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. તે ડાયનાસોરના આગમન પહેલાથી પૃથ્વી પર છે ને તેણે ચાર જેટલા મહાવિનાશનો સામનો કર્યો છે. છતાં, હજી તે જીવે છે. તબીબી ક્ષેત્રે આ કરચલાનું વિશેષ મહત્વ છે. તેનું લોહી આછાં વાદળી રંગનું હોવાથી તેમાં આયર્નને બદલે કોપર આધારિત હિમોસાયનિન હોય છે. એટલે તેમાં રહેલ વિશિષ્ટ કોષો બેક્ટેરિયાના સંપર્કમાં આવતા જ ગંઠાઈ જાય છે. જેથી આધુનિક તબીબી વિજ્ઞાનમાં રસી અને દવાઓની શુદ્ધતા ચકાસવા માટે તેના લોહીનો વ્યાપક ઉપયોગ થાય છે.
જિંકગો બિલોબા (Ginkgo Biloba) નામનું વૃક્ષ પણ સમયને મ્હાત આપવામાં સફ્ળ રહ્યું છે. અમરત્વ પામેલું આ વૃક્ષ, 'જીવંત ફોસિલ્સ' માત્ર પ્રાણીઓ પૂરતા સીમિત નથી એ સાબિત કરે છે. વનસ્પતિ જગતમાં આ વૃક્ષ સૌથી પ્રચલિત 'જીવંત ફોસિલ' છે. તેના પાંદડાઓના અશ્મિઓ 27 કરોડ વર્ષ જૂના છે. આ વૃક્ષ રોગો, જંતુઓ અને પ્રદૂષણ સામે અસાધારણ પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેની જીવંતતાનો સૌથી મોટો પુરાવો એ છે કે, 1945માં હિરોશિમાં પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ વિસ્ફેટના કેન્દ્રથી માત્ર 1-2 કિલોમીટરના અંતરે હોવા છતાં તે બચી ગયું હતું ને આજે પણ તે જીવંત છે.
તુઆટારા' આવો જ ત્રણ આંખ વાળો અદ્ભુત સરિસૃપ શ્રોણીનો જીવ છે. ન્યૂઝીલેન્ડના ટાપુઓ પર જોવા મળતું 'તુઆટારા' દેખાવમાં ગરોળી જેવું છે. તે સ્ફ્નિોડોન્ટિયા નામના પ્રાચીન સરિસૃપ સમૂહનો એકમાત્ર જીવિત સભ્ય છે. આ જીવ 20 કરોડ વર્ષ જૂનો છે ને ડાયનાસોર કાળથી પૃથ્વી પર વિહરે છે. તેના માથાની ટોચે 'ત્રીજી આંખ' હોય છે, જે અન્ય બે આંખોની જેમ જોઈ શકતી નથી, પણ તે પ્રકાશ અને તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોવાથી ઋતુઓ પારખવામાં તેને મદદ કરે છે. આ પ્રાણી સો વર્ષ કરતા વધું સમય જીવી શકે છે.
સમુદ્રનો શંખવાળા પ્રાચીન રત્ન તરીકે જાણીતો 'નોટિલસ' પણ આવો જ અજીબ દરિયાઈ જીવ છે, જે ઓક્ટોપસ અને સ્ક્વિડના પરિવારનો સભ્ય હોવાનું મનાય છે. તેની પાસે અન્ય સભ્યોથી વિપરીત, એક સુંદર સર્પાકાર કવચ હોય છે. આ પ્રજાતિ 50 કરોડ વર્ષોથી સમુદ્રના ઊંડાણમાં જીવિત છે. 'નોટિલસ' પોતાના કવચની અંદરના ખાનાઓમાં ગેસ ભરીને દરિયાના પાણીમાં પોતાની તરવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. સબમરીનમાં આ સિદ્ધાંતનો જ ઉપયોગ કરવામાં આવે છે.
મગર પણ ઉત્ક્રાંતિના શક્તિશાળી વિજેતા જીવોમાં ગણતરી પામે છે. તેના પૂર્વજો આશરે 20 કરોડ વર્ષ પહેલાં ઉદ્ભવ્યાં હતાં. જ્યારે 6.5 કરોડ વર્ષ પહેલાં એસ્ટેરોઇડના અથડાવવાથી ડાયનાસોર નષ્ટ થઈ ગયા, ત્યારે પણ મગર બચી ગયાં. તેમની શારીરિક રચના એટલી સચોટ ને શિકાર માટે એટલી અનુકૂળ છે કે, પ્રકૃતિને તેમાં કોઈ સુધારો કરવાની જરૂર જ નથી પડી. ઓછાં ઓક્સિજનમાં જીવવાની ક્ષમતા ને મહિનાઓ સુધી ખોરાક વિના ચલાવી લેવાની તેમની પ્રકૃતિએ; તેમને મહાવિનાશમાંથી બચાવી લીધાં છે.
જીવંત ફોસિલ્સ' સમા આ જીવોનું વૈજ્ઞાનિક મહત્વ ખૂબ જ છે. આ જીવો જીવવિજ્ઞાનીઓ માટે 'ટાઈમ મશીન' સમાન છે. તેઓ ઉત્ક્રાંતિની કડીઓ હોવાથી, જળમાંથી જમીન પર તેઓ કેવી રીતે આવ્યા ? તે સમજવામાં આપણને મદદ કરે છે. તેમના DNAનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો જાણી શકે છે કે, લાખો વર્ષોમાં તેમના જનીનોમાં કેવા ફેરફારો થયા છે ને તેઓ રોગો કે રેડિયેશન સામે કેવી રીતે રક્ષણ મેળવી શક્યા છે.
આપણે એ સમજવું પડશે કે, આ 'જીવંત ફોસિલ્સ' માત્ર પ્રાણીઓ કે વનસ્પતિઓ નથી; તેઓ પૃથ્વીના ઇતિહાસના જીવંત દસ્તાવેજો છે. પ્રકૃતિની સર્જનશક્તિના તેઓ જીવતા જાગતા પુરાવા છે. કરોડો વર્ષનો ઇતિહાસ પોતાની ભીતર સમેટીને બેઠેલા આ જીવોને બચાવવા એઆપણી નૈતિક ફરજ છે. જો આપણે નહીં જાગીએ, તો જે જીવોને પ્રકૃતિ નષ્ટ ન કરી શકી, તે માનવીના સ્વાર્થનો ભોગ બની જશે ને પૃથ્વી પોતાના અણમોલ 'જીવંત ઈતિહાસ' ને કાયમ માટે ગુમાવી દેશે.
::: થ્રી ડૉટ્સ :::
માણસે ઉંદરકામ નહીં, સુંદર કામ કરવું જોઈએ.