વર્ષ 1884ની ઓક્ટોબર મહિનાની એક સાંજે પૂના ખાતે શિક્ષણને નવી દિશા આપવા ઇચ્છતા કેટલાક યુવાન શિક્ષણવિદો એકત્ર થયા હતા. બહારથી જોનારને તે એક સામાન્ય બેઠક લાગતી હશે, પરંતુ બેઠક ખંડમાં ચાલી રહેલી ચર્ચા ભારતના ભવિષ્યને સ્પર્શતી હતી. પ્રશ્ન અંગ્રેજી ભાષાનો કે પશ્ચિમી જ્ઞાનનો વિરોધ કરવાનો નહોતો. પ્રશ્ન એ હતો કે શું એવી શિક્ષણવ્યવસ્થા, જે ભારતની જરૂરિયાતોને બદલે અંગ્રેજી વસાહતી શાસનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડાઈ હોય, તે ભારતનું ભવિષ્ય ઘડી શકે? આ પ્રશ્નના ઉત્તર શોધવાની દિશામાં શરૂ થયેલા પ્રયાસોએ આગળ જઈને ડેક્કન એજ્યુકેશન સોસાયટીને જન્મ આપ્યો. ઇતિહાસ તેને એક શૈક્ષણિક સંસ્થાની શરૂઆત તરીકે જુએ છે, પરંતુ વાસ્તવમાં તે આપણા રાષ્ટ્રીય અર્થાત્ ભારતીય શિક્ષણ વિશે શરૂ થયેલા એક અવિરત સંવાદનો પ્રારંભ હતો.
આ સંવાદના કેન્દ્રમાં હતા લોકમાન્ય બાલ ગંગાધર તિલક. આપણે સામાન્ય રીતે તેમને સ્વાતંત્ર્ય આંદોલનના પ્રખર નેતા તરીકે યાદ કરીએ છીએ, પરંતુ તેઓ એટલા જ ઊંડા શિક્ષણચિંતક પણ હતા. તેમના માટે શિક્ષણનો અર્થ માત્ર શાળાઓ ઊભી કરવી કે અભ્યાસક્રમ ઘડવો નહોતો. તેઓ માનતા હતા કે જે શિક્ષણ વ્યક્તિને પોતાની ભાષા, પોતાના ઇતિહાસ, પોતાના સમાજ અને પોતાની સાંસ્કૃતિક ચેતના સાથે જોડતું નથી, તે શિક્ષણ જ્ઞાન તો આપી શકે, પરંતુ રાષ્ટ્રને આત્મવિશ્વાસ આપી શકતું નથી. તેથી જ તેમના માટે રાષ્ટ્રીય શિક્ષણનો પ્રશ્ન રાજકીય સ્વરાજ્ય જેટલો જ મહત્ત્વનો હતો.
તિલકનો વિરોધ પશ્ચિમના જ્ઞાન સામે નહોતો. તેમણે આધુનિક વિજ્ઞાન, તર્ક અને બૌદ્ધિક અનુસંધાનનું મૂલ્ય સ્વીકાર્યું હતું. તેમનો મૂળભૂત આગ્રહ એટલો જ હતો કે જ્ઞાન વૈશ્વિક હોઈ શકે, પરંતુ શિક્ષણની જડ પોતાના સમાજ અને પોતાની સંસ્કૃતિમાં હોવી જોઈએ. કોઈપણ રાષ્ટ્રનું શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે તે વિશ્વ તરફ્ જોવાની દૃષ્ટિ આપે અને સાથે સાથે પોતાના અસ્તિત્વને સમજવાની ક્ષમતા પણ વિકસાવે. આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક લાગે છે.
દોઢ સદી પછી વિશ્વ ફરી એક નવા યુગના દ્વારે ઊભું છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ટેક્નોલોજી અને ઝડપથી બદલાતું જ્ઞાનવિશ્વ શિક્ષણના સ્વરૂપને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યાં છે. હવે માહિતી મેળવવી પડકાર નથી; સાચી માહિતી ઓળખવી, તેનું વિવેચન કરવું અને તેને માનવહિત સાથે જોડવી એ સૌથી મોટી જરૂરિયાત બની છે. આવા સમયમાં શિક્ષણનો મૂળ પ્રશ્ન ફરીથી આપણી સામે ઊભો થાય છે, શું શિક્ષણનો હેતુ માત્ર કુશળ માનવસંસાધન તૈયાર કરવાનો છે કે વિચારશીલ, જવાબદાર અને મૂલ્યનિષ્ઠ નાગરિક ઘડવાનો?
આ જ પ્રશ્ન લોકમાન્ય તિલકના શિક્ષણચિંતનને આજના સમય સાથે જીવંત રીતે જોડે છે. કદાચ તેથી જ આજે 1 ઓગષ્ટે, તેમની પુણ્યતિથિએ તેઓનું સ્મરણ કરવાનો અર્થ માત્ર તેમના જીવન-કવનને યાદ કરવાનોનથી; પરંતુ તેમણે શરૂ કરેલા શિક્ષણના અવિરત સંવાદને આપણા સમયના સંદર્ભમાં આગળ વધારવાનો છે. ખરેખર, શું રાષ્ટ્રીય શિક્ષણ નીતિક્ર2020 આ સંવાદનો સ્વાભાવિક વિકાસ છે, કે પછી તે તેના નવા અધ્યાયની માત્ર શરૂઆત છે?
આ પ્રશ્નનો જવાબ કદાચ સીધો 'હા' કે 'ના'માં આપી શકાય તેમ નથી. અત્રે લોકમાન્ય તિલક અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિક્ર2020 વચ્ચે ઐતિહાસિક જોડાણ શોધવાનો કોઈ પ્રયાસ નથી. બંને અલગ-અલગ યુગોની ઉપજ છે, જુદા પડકારોમાંથી જન્મ્યા છે. પરંતુ તેમની વચ્ચેનું વૈચારિક જોડાણ નિઃસંદેહ અનુભવાય છે. તિલકે ઓગણીસમી સદીના ભારત માટે જે મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા હતા કે, શિક્ષણનો હેતુ શું છે, તે કોના માટે છે અને તે કેવો સમાજ ઘડે વિગેરે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિક્ર2020 એ જ પ્રશ્નોને એકવીસમી સદીના ભારતના સંદર્ભમાં ફરીથી સમજવાનો અને તેના ઉત્તર શોધવાનો પ્રયાસ કરે છે.
તિલકની વિશેષતા એ હતી કે તેમણે શિક્ષણને વર્ગખંડની ચાર દિવાલોમાં કેદ રહેવા દીધું નહીં. ડેક્કન એજ્યુકેશન સોસાયટી દ્વારા તેમણે શિક્ષણને સંસ્થાકીય આધાર આપ્યો, તો જાહેર ગણેશોત્સવ દ્વારા તેને સામાજિક અભિવ્યક્તિનું માધ્યમ પણ બનાવ્યું. ગણેશોત્સવ તેમના માટે માત્ર ધાર્મિક ઉજવણી નહોતો; તે ભારતીય સમાજને એકમતે જોડવાનો, જાહેર સંવાદ જગાડવાનો અને રાષ્ટ્રીય ચેતનાને પ્રેરવાનો અવસર હતો. કદાચ આથી જ તેમના શિક્ષણચિંતનમાં સમગ્ર સમાજ એક જીવંત પાઠશાળા બની જાય છે.
આ જ દૃષ્ટિએ જોવામાં આવે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું મહત્ત્વ પણ માત્ર તેના સુધારાઓમાં નથી, પરંતુ તેની દિશામાં છે. ભારતીય જ્ઞાનપરંપરા, માતૃભાષા, સર્વાંગી વિકાસ, બહુવિષયક શિક્ષણ, સંશોધન, કૌશલ્ય, ટેકનોલોજી અને મૂલ્યનિષ્ઠ જીવનદૃષ્ટિ પર મૂકાયેલો ભાર એ સંકેત આપે છે કે શિક્ષણનો હેતુ માત્ર રોજગારક્ષમતા વધારવાનો નથી; વિચારશીલ, સર્જનાત્મક અને જવાબદાર નાગરિક ઘડવાનો પણ છે. આ અર્થમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિક્ર2020 અને તિલકના વિચારો વચ્ચેનો સંબંધ શબ્દોનો નહીં, પરંતુ દર્શનનો છે.
અલબત્ત, નીતિઓ પોતે પરિવર્તન લાવતી નથી. તેઓ માત્ર દિશા સૂચવે છે. સાચું પરિવર્તન ત્યારે જન્મે છે, જ્યારે શિક્ષક નીતિને પોતાના વર્ગખંડમાં પોષીને જીવન આપે, વિદ્યાર્થી તેને અનુભવમાં ફેરવે અને સમાજ તેને પોતાના વર્તનમાં ઉતારે. શિક્ષણનો ઇતિહાસ સાક્ષી છે કે મહાન દસ્તાવેજો કરતાં મહાન શિક્ષકો સમાજને વધુ લાંબો પ્રભાવ આપી ગયા છે. આ ચર્ચા આજે કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં વધુ અર્થસભર બની જાય છે. માહિતી હવે સહેલાઈથી ઉપલબ્ધ છે, પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તાથી વિવેક અને નૈતિકતા જેવાં સનાતન મૂલ્યો ડાઉનલોડ કરી શકાતાં નથી. કૃત્રિમ બુદ્ધિમત્તા અસંખ્ય જવાબો આપી શકે છે, પરંતુ યોગ્ય પ્રશ્ન પૂછવાની ક્ષમતા, સત્યને ઓળખવાની દૃષ્ટિ અને જ્ઞાનનો જવાબદાર ઉપયોગ કરવાની સમજણ હજુ પણ શિક્ષણે જ વિકસાવવાની છે. ભવિષ્યનું શિક્ષણ કદાચ એટલા માટે માહિતીના સંચય કરતાં વધુ વિવેકના વિકાસ પર આધારિત બનવાનું છે.
ભારતીય જ્ઞાનપરંપરાની સૌથી મોટી શક્તિ પણ એ જ છે. ઉપનિષદો પ્રશ્નથી શરૂઆત કરે છે, ભગવદ્ ગીતા સંવાદ દ્વારા સમાધાન સુધી પહોંચે છે અને ભારતની પ્રાચીન વિશ્વવિદ્યાલયોની પરંપરા જ્ઞાનને મુક્ત વિચારવિમર્શ સાથે જોડે છે. આ પરંપરા આપણને શીખવે છે કે શિક્ષણનો હેતુ માત્ર બુદ્ધિને પ્રખર બનાવવાનો નથી; મનુષ્યને પરિપક્વ બનાવવાનો છે. તેથી ભારતીય જ્ઞાનપરંપરાનો સમાવેશ માત્ર ભૂતકાળનું ગૌરવીકરણ નથી, પરંતુ ભવિષ્યને વધુ માનવીય બનાવવાનો પ્રયાસ છે.
આજે ભારત મજબૂત નેતૃત્વના હાથોમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં ટેક્નોલોજી, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધા અનિવાર્ય છે, પરંતુ એટલું જ જરૂરી છે કે વિકાસનું કેન્દ્ર મનુષ્ય જ રહે. શિક્ષણ જો જ્ઞાન સાથે વિવેક, કૌશલ્ય સાથે ચારિર્ત્ય અને પ્રગતિ સાથે સામાજિક જવાબદારીનું સંવર્ધન કરે, તો જ વિકાસ રાષ્ટ્રના જીવનમાં સ્થાયી સંસ્કૃતિ બની શકે.
કદાચ તેથી જ લોકમાન્ય તિલક આજે પણ આપણા સમકાલીન લાગે છે. તેમણે આપણને તૈયાર જવાબો આપ્યા નથી; તેમણે એવા પ્રશ્નો આપ્યા છે, જે દરેક યુગે ફરીથી પૂછાવાના છે. શિક્ષણનો સંવાદ ક્યારેય પૂર્ણ થતો નથી. દરેક પેઢી તેને પોતાના સમયના પડકારો, પોતાના અનુભવ અને પોતાના સ્વપ્નો સાથે સમૃદ્ધ બનાવે છે. રાષ્ટ્રો માત્ર નિયમોના બંધારણોથી નહીં, શિક્ષણથી ઘડાય છે અને શિક્ષણ ત્યારે જ જીવંત રહે છે, જ્યારે સમાજ તેના વિશે વિચારવાનું, ચર્ચા કરવાનું અને પ્રશ્ન પૂછવાનું ક્યારેય બંધ કરતો નથી. લોકમાન્ય તિલકનો સૌથી મોટો વારસો આ અવિરત વિચાર-સંવાદ જ છે.