આલ્કોહોલ - દારુ- નશો ય કરાવે પણ ઓછી માત્રામાં એ દવા ય બને , એટલે જ આપણે દવાદારુ શબ્દ પ્રયોગ કરીએ, આલ્કોહોલમાં માણસનો રસ સદીઓ જૂનો છે. એણે જોયું હશે કે અનાજના દાણા, ફ્ળો વગેરે પડયા પડયા અથાઈ જાય છે. જે જે પદાર્થો- ફ્ળો કે અનાજમાં સ્યુગર કે સ્ટાર્ચ હોય તે સમય જતાં ફરમેન્ટ થાય છે અને પછી એમાં આલ્કોહોલ બને. એટલે આ ઈથેનોલને પહેલાં 'ગ્રેઈન આલ્કોહોલ' તરીકે ય ઓળખતા.
આમાં ધંધાદારી રીતે કરતા હો તો ફરમેન્ટેશન માટે બહારથી યીસ્ટ નાખવી પડે, જેથી જલદી પ્રોસેસ થાય , બાકી તો ફ્ળોની છાલ વગેરે પર થોડીઘણી યીસ્ટ હોય જ જે આથો લાવવામાં મદદ કરે.
સાદી શરા એટલે ગ્લુકોઝ/ ક્ટોઝ - એનું રાસાયણિક સૂત્રC6H12O6 - એની યિસ્ટની હાજરીમાં પ્રક્રિયા થઈ ઈથેનોલ અને કાર્બનડાયોક્સાઈડ બને .
C6H12O6-। 2C2H5OH + 2CO2
ખાંડ અને ઈથેનોલનો સંબંધ તો હવેE20 પછી બધાને ખબર જ છે!
જેવા ફ્ળો એવું દારુનું નામ! દ્રાક્ષમાંથી બને તે ઈથેનોલને વાઈન કહીએ, એપલમાંથી એપલcider બને, પૅર માંથી perryબને.
અનાજમાં-જવ વગેરેમાં સાદી શર્કરા ઓછી પણ સ્ટાર્ચ વધારે હોય એટલે એમાં આથો લાવવાની પદ્ધતિ જુદી. એનું માલ્ટિંગ કરીને આથો આવે એવી શર્કરા બનાવાય.
ફ્કત કાર્બન અને હાઈડ્રોજન, આ બે તત્વો જ હોય એવી ચેઈન ધરાવતા પદાર્થોને હાઈડ્રોકાર્બન કહેવાય,એક કાર્બન અને ચાર હાઈડ્રોજન વાળો મિથેન, આવા જે કાર્બનિક રસાયણમાં કાર્બન સાથે- OHસમુહ હોય, એને લીધે એ આલ્કોહોલ કહેવાય, માનોને ફેમિલિ નેઈમ કે અટક! આલ્કોહોલ એ સામાન્ય નામ છે,
એમાં પછી કાર્બન કેટલા છે એ પ્રમાણે *ખાસ નામ* પડે. આ આલ્કોહોલ કુટુંબમાં, સૌથી નાનો, એક જ કાર્બન વાળો મિથેનનો આલ્કોહોલ એટલે, વિલન છે એ - મિથેનોલ, પણ બે કાર્બન અને છ હાઈડ્રોજન વાળો ઈથેન, હવે એ ઈથેનને પૂંછડીએ OHસમૂહ લાગે એટલે ઈથેનોલ!! આના પછી ત્રણ કાર્બન અને આઠ હાઈડ્રોજનમાં OHલાગે તે આલ્કોહોલને પ્રોપેનોલ કહેવાય. આમ, કાર્બનહાડ્રોજન ચેઈનમાં છેલ્લે OHલાગે તેને ઓલ- પ્રત્ય લગાડાય. કાર્બનની સંખ્યા પ્રમાણે આખી શ્રેણી બને.
જેમ એક અટકવાળા બધા એક જ કામ ન કરતા હોય એમ અહીં પણ પીવામાં કામ આવે છે એ બે કાર્બનવાળો આલ્કોહોલ-'ઈથેનોલ' . આ એક જ આલ્કોહોલ તમે માપમાં પાણી કે સોડા નાખી પી શકો!
કુદરતની કમાલ જ છે ! ઈથેનોલ કુદરતી મળી આવે, ખૂબ પાકા ફ્ળો સડે એમાં ઈથેનોલ હોય પણ મિથેનોલ કુદરતી રીતે તો જરીતરી ઉત્પન્ન થાય!
પણ આ બે કાર્બન વાળો એ સોમરસ- મદ્ય, મદિરા, શરાબ- જે કહો તે- ઈથેનોલ.
ખાલી એક જ કાર્બનનો ફરક પણ મિથેનોલ એ લઠ્ઠાનો એક ઘટક, અને એ શરીરના મેટાબોલિઝમમાં ઘાતક બની જાય.
બીજા બધા 'આલ્કોહોલ' ઔદ્યોગિક રીતે કામના ખરા પણ પીવાય નહિ!
આમાં ફ્કત બે કાર્બનવાળા આલ્કોહોલને જ ઈથેનોલ કહેવાય. સૌ પહેલાં આ ઈથેનોલ નામ 1892 માં પડયું.
અલગ અલગ પ્રકારના દારુની બનાવટની વાત પણ પછી કરીશું. એનું તો બહુ મોટું શાસ્ત્ર્ર છે. આજે તો લઠ્ઠાકાંડ સંબંધિત -એક કાર્બન વાળો આલ્કોહોલ- મિથેનોલ અને બે કાર્બનવાળા ઈથેનોલ બે ભાઈઓની જ વાત કરવી છે.
સીધા મૂળ વાત પર આવીએ તો -
કોઈ પણ ગ્રેઈન/ ફ્રુટ વગેરેને આથો લવાય તો પીવાનો દારુ- ઈથેનોલ બને. એટલે જ ઈથેનોલને ગ્રેઈન આલ્કોહોલ પણ કહે છે.
આમ, એક કાર્બન કમ યા જ્યાદાકી કિમત તુમ કયા જાનો પિયક્કડ,આનંદબાબુ?
જ્યારે દારુ પીવામાં આવે ત્યારે લિવરમાં આલ્કોહોલ પર *આલ્કોહોલ ડીહાયડ્રોજીનેસ* નામના એન્ઝાઈમ વડે મેટાબોલિક પ્રક્રિયા થાય છે. ઈથેનોલ પીવામાં, આ એન્ઝાઈમની હાજરીમાં ઇથેનોલનું રુપાંતર એસિટાલ્ડીહાઈડમાં થાય છે. આ પણ એક ટોક્સીક કેમિકલ જ છે પણ દારુડિયાઓના સદ્નસીબે (!) એની આગળની પ્રક્રિયા એકદમ જલદી થઈ નિર્દોષ કાર્બનડાયોક્સાઈડ અને પાણી બની જાય છે. (અને છતાં રોજ પુષ્કળ દારુ પીનારનું લિવર લાંબા ગાળે બગડે છે એ આપણને ખબર છે. )
હવે કરીએ લઠ્ઠાની વાત. હમણાં ઓગષ્ટ 2026માં જ ભાવનગર લઠ્ઠાકાંડમાં 11થી વધારે મૃત્યુ થયા છે. આવા લઠ્ઠાકાંડ વારંવાર થયા કરે છે.
આવો દારુ બનાવીને વેચવાવાળાને બૂટલેગર કહેવાય છે. અમેરિકામાં ય 1920 -30 ના સમયમાં દારુબંધી હતી ત્યારે ગેરકાયદેસર દારુ બનાવી વેચવાવાળા લાંબા હાઈટૉપ બૂટ્સ ની અંદર પાતળી ચપટી દારુની બોટલો સંતાડી વેચતા ત્યારથી આવા દારુ વેચનાર માટે નામ પડયું-'બૂટલેગર'! સર્વજન હિત માટે રાજ્ય દારુબંધી કરે, ઠીક છે પણ ખરું તો 'લઠ્ઠાબંધી' કરી બતાવવી જોઈએ!
બધું નકલી, બધું ભેળસેળિયુ- દારુ ય અને ઝેર પણ?
દારૂબંધીને લીધે ઇથેનૉલ સરળતાથી ન મળે અને મોંઘો હોય એટલે ગેરકાયદેસર રીતે દારૂના ભઠ્ઠાવાળા બજારમાંથી લાકડાની પૉલિશ કે રંગ-ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતી ફ્રેન્ચ પૉલિશ, થિનર અને ઔદ્યોગિક સૉલવન્ટ તરીકે વપરાતા મિથાઇલ આલ્કોહૉલને - મિથેનોલને - થોડાંક ઈથેનોલમાં મેળવી લઠ્ઠો બનાવે છે. લઠ્ઠામાં મુખ્યત્વે મિથેનોલ છે. મિથેનોલમાં આ ઉપર ઈથેનોલમાં કહી તે મેટાબોલિક પ્રક્રિયા ધીમી છે. અને એન્ઝાઈમથી મિથેનોલ નું રુપાંતર ફોર્માલ્ડીહાઈડ માં થાય છે. અને આ ફોર્માલ્ડીહાઈડ માંથી ફોર્મિક એસિડ બની જાય છે. આ ફોર્મિક એસિડનું જલદી નિર્દોષ રસાયણોમાં રુપાંતર થવાનું તો દૂર પણ શરીરમાં એની હાજરી લાંબો સમય રહે છે અને એનાથી ધીમે ધીમે પોઈઝનીંગ થાય છે. આંખોને લગતા ચેતાતંત્રને અસર થઈ માણસ આંધળો થઈ શકે અને મરી પણ જાય. ફ્કત ત્રીસ મિલિલીટર મિથેનોલ પણ ઘાતક નીવડી શકે.
ટૂંકમાં ઈથેનોલ શરીરની બહાર જલદી આવી ઉત્સર્જન થઈ જાય, મિથેનોલ શરીરમાં જ રહી જાય અને હેરાન કરે. મિથેનોલ પોઈઝનીંગમાં ઈથેનોલ પીવરાવાય છે જેથી એ મિથેનોલ સાથે હરીફાઈ કરી, શરીરમાં મિથેનોલમાંથી બનતા ઝેરી ફોર્મિકએસિડ બનવા જ ન દે અને આખી સિસ્ટિમ સાફ્ થઈ જાય.
ઈથેનોલ પી શકાય અને બીજી ઘણી જગ્યાએ વપરાય જેમ કે કોસ્મેટિક્સમાં, ઈન્ડસ્ટ્રીમાં. હેન્ડ સેનિટાઈઝરમાં.
શુદ્ધ ઈથેનોલને 'એબ્સોલ્યુટ' આલ્કોહોલ કહેવાય. એ ફ્કત રાસાયણિક ક્રિયાઓમં વપરાય અને મોઘો હોય .
અમે કેમીસ્ટ્રીની લૅબમાં 'એબ્સોલ્યુટ' ઈથેનોલને તાળાચાવીમાં લૉક કરી રાખીએ કારણ દારુબંધીમાં કોઈ લેબમાંથી તો ચોરીને *પી* ન જાય તેની તકેદારી માટે અને એ આલ્કોહોલનું રજિસ્ટર રાખી, એની આવન જાવન પણ નોંધવી પડે, ઈન્સ્પેક્ટરને દેખાડવી પડે.
ઉપરાંત આ ઈન્ડસ્ટ્રિયલ ઈથેનોલનો કોઈ પીવામાં ઉપયોગ ન કરે એ માટે એમાં સાવ થોડા પ્રમાણમાં મિથેનોલ ભેળવે o એને *ડીનેચર્ડ આલ્કોહોલ* કહેવાય આ ડીનેચર્ડ આલ્કોહોલ એટલે મિથેનોલ ભેળવેલો છૂટો રખાય, પણ કોઈક અળવીતરા એ ય પીવામાં વાપરે તો આવું કૌભાંડ થાય. જાણકારોને ખબર જ હોય કે આ ન પીવાય નહિ તો મરી જવાય! પણ કયારેક આવા મિથેનોલ ભેળવીને પીવાના દારુ અપાય કે પછી દારુ બનાવવાની આથો લાવવાની પ્રક્રિયામાં ઝડપ કરાય આથો લાવવા રસાયણો ઉમેરાય, આથો લાવવા વપરાતી યિસ્ટ અયોગ્ય હોય તો ઈથેનોલ સાથે મિથેનોલ પણ બની જાય.
કોઈપણ વાગવાના ઘા સાફ્ કરવા, ચામડીને સાફ્ કરવા કે ઇન્જેક્શન મારતા પહેલા ડૉક્ટર રૂના પોતામાં જે વાપરે તે સ્પીરિટ પણ ડીનેચર્ડ જ મળે.
જુના જમાનામાં લાકડાના ફર્નિચરમાંથી આવતી પોલિશની ખુશ્બુ પણ ડીનેચર્ડ સ્પીરિટની.
સો ટકા શુદ્ધ ઈથેનોલ તો કોઈ દારુડિયા ય ન પી શકે. બજારમાં વેચાતા દારુમાં સૌથી વધારે આલ્કોહોલનું પ્રમાણ વ્હીસ્કીમાં હોય 40-45%, અને એ ય પાણી બરફ્ કે સોડા મેળવી ડાઈલ્યૂટ કરીને જ લોકો પીએ, કોક જ દેવદાસ વ્હીસ્કી *નીટ* પીએ !--
સામાન્ય રીતે થિનર, સૉલવન્ટ તથા ડિનેચર્ડ સ્પિરિટ જેવાં રસાયણો અને પાણીના મિશ્રણમાં ફ્ટકડી (એલમ) ઉમેરી સ્પિરિટને ફાડવામાં આવે છે, જેથી તેમાં રહેલાં રેઝિન જેવા પદાર્થો નીચે બેસી જાય છે. ઉપરનું નિતારણ કાઢી લઈ તેનો પીવા માટે સીધો ઉપયોગ કરાય છે. આવા હેતુ માટેની પેદાશો ક્યારેક બજારમાં ટૉયલેટ-પ્રીપેરેશનની છટકબારીના નેજા હેઠળ વેચાય છે. અંધારી આલમમાં આવું પીણું 'ઘોડો', 'કૅટ' જેવાં નામથી પણ ઓળખાય છે.
આ પ્રકારની અણઘડ બનાવટમાં જાણે કે અજાણે મિથાઇલ આલ્કોહૉલ આવી જાય છે. આ પીણાંના સેવનથી ગંભીર તેમજ સામૂહિક જીવલેણ અકસ્માતો સર્જાય છે, જે 'લઠ્ઠાકાંડ' તરીકે ઓળખાય છે. આ પીણાંનો સહેલાઈથી ભોગ બનનાર જૂથમાં ઔદ્યોગિક કામદારો અને આર્થિક રીતે નબળી વ્યક્તિઓ હોય છે. આ લઠ્ઠામાં કેટલીક વખત ક્લૉરલ હાઇડ્રેટ નામના રસાયણની હાજરી પણ હોય છે. ક્લોરલ હાઈડ્રેટ તો ખાસ ઉમેરાય- કીક માટે! ક્લોરલ હાઈડ્રેટ એ સીડેટિવ અને હિપ્નોટિક છે, એટલે લઠ્ઠો થોડો નબળો હોય તો જોરદાર કીક માટે આવા જોખમી રસાયણો પણ ઉમેરાય. પણ આ રસાયણ જરાક જેટલું ય વધારે હોય તો મૃત્યુ થાય.
અને છેલ્લે-
ગાંધીજીનું 'કૅચલાઈન' જેવું વાક્ય-'દારુડિયો દારુ શું પીશે, દારુ જ દારુડિયાને પી જાય છે!' પણ આ લઠ્ઠો તો દારુડિયાને બાળીને જાણે ભસ્મ કરી નાખે!
