તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઈટમાં બનેલી અત્યંત ચકચારી ઘટનાએ ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન કોકપીટ સુરક્ષા તરફ ખેંચ્યું છે. ફ્લાઈટ હવામાં હતી ત્યારે કોકપીટની અંદર અણધારી રીતે કેપ્ટન પર અચાનક હુમલો થયો. જે હાથમાં સેંકડો નિર્દોષ મુસાફરોની જિંદગીનું સુકાન હતું, એ જ હાથ ઉપર કોકપીટની અંદરથી ઘાતક વાર કરવામાં આવ્યો. સદનસીબે અન્ય કરુ મેમ્બર્સ અને સાથીઓની સમયસૂચકતાને કારણે આકાશમાં સર્જાનારી એક બહુ મોટી ઘાત ટળી ગઈ અને વિમાનને ઈમરજન્સીમાં સલામત ઉતારી લેવાયું. ગુજરાતી પાઈલટની બહાદુરીને સલામ પરંતુ તમામ સ્ક્રિનિંગ અને બેકગ્રાઉન્ડ વેરિફ્કિેશન છતાં વિકૃત કો-પાઈલટ કોકપીટ સુધી પહોંચ્યો કેવી રીતે? આ કો પાઈલટનું નામ જાહેર થયું નથી અને તેને હાલમાં સાઉદી અરેબિયાથી યુએઈ ઓથિરીટીને સોંપવામાં આવ્યો છે. તેના ટેરર લીંક વિષે તપાસ ચાલી રહી છે. ઇઝરાયેલ જતા દરેક વિમાનના યાત્રિક ઉપરાંત કૃ વિષે તલસ્પર્શી વિગતો બાદ જ તે પ્લેનમાં ચડી શકે છે. કમર્શિયલ પાઇલટ્સની માનસિક સ્થિરતા અને મનોવૈજ્ઞાનિક ક્ષમતા ચકાસવા માટે એવિએશન રેગ્યુલેટર્સ અત્યંત કડક અને બહુસ્તરીય પ્રોટોકોલ અપનાવે છે. ભરતીના પ્રારંભિક તબક્કે જ સાયકોમેટ્રીક ટેસ્ટિંગ(MMPI જેવી પદ્ધતિઓ), બિહેવિયરલ એસેસમેન્ટ અને તણાવ હેઠળ નિર્ણય લેવાની ક્ષમતા ચકાસતા સિમ્યુલેટર ટેસ્ટ લેવાય છે. નિયમિત વાર્ષિક (અથવા 40 વર્ષ પછી છ માસિક) ક્લાસ-1 મેડિકલ પરીક્ષણમાં એવિએશન મેડિકલ એક્ઝામિનર (AME)પાઇલટના ઊંઘની પેટર્ન, કૌટુંબિક-નાણાકીય તણાવ, મૂડ સ્વિંગ્સ, ડિપ્રેશન અને નશાખોરીની ટેવોનું ઊંડાણપૂર્વક ક્લિનિકલ ઇન્ટરવ્યુ દ્વારા મૂલ્યાંકન કરે છે. જર્મનવિંગ્સ દુર્ઘટના બાદ સિસ્ટમમાં 'પાઇલટ પીઅર સપોર્ટ પ્રોગ્રામ્સ'(PPSP)ફરજિયાત બન્યા છે, જેમાં પાઇલટ્સ પોતાના લાઈસન્સ ગુમાવવાના ડર વિના અંગત માનસિક મુશ્કેલીઓ કાઉન્સેલર સમક્ષ શેર કરી શકે છે. આ ઉપરાંત કરુ રિસોર્સ મેનેજમેન્ટ (CRM)તાલીમ અનેઉડાન દરમિયાન સાથી કરુ દ્વારા વર્તણૂકનું સતત અવલોકન રાખવામાં આવે છે, જેથી અસામાન્ય વર્તન જણાય તો તાત્કાલિક ફ્લાઇટ ડયુટી પરથી ગ્રાઉન્ડ કરી શકાય.

જોકે, આકાશમાં સર્જાયેલો આ ગાંડપણનો પહેલો કિસ્સો નથી. એવિએશનનો ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે પણ કોકપીટમાં બેઠેલા માણસનું મગજ ભટક્યું છે, ત્યારે પાછળ બેઠેલા સેંકડો નિર્દોષોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. વર્ષ 1982ની જાપાન એરલાઇન્સ ફ્લાઇટ 350ની ઘટના યાદ કરો. ટોક્યોના હેનેડા એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી હતી ત્યારે કેપ્ટન સીજી કાતાગીરીએ અચાનક માનસિક સંતુલન ગુમાવી દીધું. તેણે જાણીજોઈને વિમાનને સીધા 

ડાઇવમાં નાખી દીધું અને થ્રસ્ટ રિવર્સર્સ એક્ટિવેટ કરી દીધા. કો-પાઈલટે તાત્કાલિક કંટ્રોલ ખેંચી લીધો અને ફ્લાઇટ એન્જિનિયરે કેપ્ટનને શારીરિક રીતે પકડી રાખી દબોચી લીધો. તેમ છતાં વિમાન રનવેથી થોડે દૂર તૂટી પડયું અને 174માંથી 24 લોકોએ જીવ ગુમાવ્યા. પાછળથી અદાલતે કાતાગીરીને માનસિક અસ્થિરતાના આધારે નિર્દોષ જાહેર કર્યો, પરંતુ 24 નિર્દોષ પરિવારોની જિંદગી તો હંમેશ માટે ઉજડી ગઈ હતી.

એવી જ રીતે 1987માં પેસિફ્કિ સાઉથવેસ્ટ 

એરલાઇન્સ ફ્લાઇટ 1771માં એક બરતરફ કરાયેલા અસંતુષ્ટ કર્મચારીએ મુસાફર તરીકે સવાર થઈને કોકપીટમાં ઘૂસી પોતાના ભૂતપૂર્વ સુપરવાઇઝર અને ફ્લાઇટ કરુ પર ગોળીબાર કરી દીધો હતો. વિમાન સીધું જમીનદોસ્ત થયું અને સવાર તમામ 43 લોકો મોતને ભેટયા. 

1994ની ફેડેક્સ ફ્લાઇટ 705ની રોમાંચક ઘટના તો કોઈ હોલીવુડ ફિલ્મની પટકથા જેવી છે. ઓફ-ડયુટી કર્મચારી ઓબર્ન કેલોવે જમ્પ સીટ પર બેસીને હથોડી અને અન્ય હથિયારો સાથે કોકપીટના ત્રણ કરુ મેમ્બર્સ પર તૂટી પડયો હતો. લોહીલુહાણ હાલતમાં પણ કરુ મેમ્બર્સે હિંમત હાર્યા વિના હવામાં જ તેની સામે જંગ લડી, તેને કાબૂમાં લીધો અને મેમ્ફ્સિમાં વિમાનનું સલામત લેન્ડિંગ કરાવીને ચમત્કાર સર્જ્યો.

પરંતુ 2015ની જર્મનવિંગ્સ ફ્લાઇટ 9525ની ઘટનાએ આખી દુનિયાને હચમચાવી મૂકી હતી. ફર્સ્ટ ઓફિસર એન્ડ્રેસ લુબિત્ઝે જ્યારે મુખ્ય કેપ્ટન વોશરૂમ જવા બહાર નીકળ્યો ત્યારે અંદરથી કોકપીટનો બુલેટપ્રૂફ્ દરવાજો લોક કરી દીધો. કેપ્ટન દરવાજો તોડવા માટે બહારથી કૂહાડી પછાડતો રહ્યો, ચીસો પાડતો રહ્યો, પરંતુ ડિપ્રેશન અને ગંભીર માનસિક બીમારી છુપાવીને બેઠેલા લુબિત્ઝે એરબસ A 320ને ફ્રેન્ચ આલ્પ્સના પહાડોમાં અથડાવી દીધું. તમામ 150 નિર્દોષ મુસાફરો પળવારમાં રાખ થઈ ગયા. ફ્રાન્સની તપાસ એજન્સી BEAએ ખુલાસો કર્યોહતો કે તબીબી પ્રમાણપત્ર વ્યવસ્થા ગંભીર માનસિક વિકૃતિ ધરાવતા પાઇલટને પકડવામાં નિષ્ફ્ળ રહી હતી. હજુ હમણાં 2022માં ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU 5735 બોઇંગ 737 વિમાનસાથે બનેલી રહસ્યમય ઘટનામાં NTSBના ડેટા મુજબ બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચ જાણીજોઈને 'કટઓફ' કરવામાં આવ્યા હતા, જેના પરિણામે વિમાન સીધું ઊભી દિશામાં જમીન પર પટકાયું અને 132 નિર્દોષો કાળનો કોળિયો બન્યા.

60 અને 70ના દાયકામાં શરૂ થયેલી પેલેસ્ટાઈન મુક્તિની ઝુંબેશ(Free Palestine movement) દરમિયાન પોપ્યુલર ફરન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈન(PFLP)દ્વારા શ્રોણીબદ્ધ વિમાન હાઈજેકિંગ કરવામાં આવ્યા હતા. 1970નું ડેવન્સ ફિલ્ડ હાઈજેકિંગ હોય કે પછી 1976નું એન્ટેબે ઓપરેશન-વિશ્વના વિવિધ એરપોર્ટ્સ પરથી સામાન્ય નાગરિકો ભરેલા વિમાનોનું અપહરણ કરીને કોકપીટ પર બંદૂકો તાણવામાં આવતી હતી. આ તમામ ઘટનાઓ એ સાબિત કરે છે કે એવિએશન સેક્ટરે 9/11 પછી ભલે કોકપીટના દરવાજા બુલેટપ્રૂફ્ અને અભેદ્ય બનાવી દીધા, પરંતુ દરવાજાની અંદર બેઠેલા માણસના દિમાગનું શું? બહારથી આતંકીઓ અંદર ન પ્રવેશે તે માટે બનાવેલા લોકિંગ સિસ્ટમે જ લુબિત્ઝ જેવા પાઇલટને અંદર બેસીને 150 લોકોને મારવાની છૂટ આપી દીધી હતી.