સૌરાષ્ટ્રની લોકોક્તિમાં દિવાળીનો ઉત્સવનો અંદાજ કંઈક આ રીતે અપાય છે : 'નવ નોરતા, દસે દશેરા, વીસ વજૈયા (ખાલી દિવસ)ને પછી દિવાળી.' દિવાળી સાથે જોડાયેલી એક મજાની કહેવત પણ મળે છે.


ગોકળિયો એવો થોડો ગાંડો છે

કે દિવાળીના દિવસે ઘેંસ ખાય ?'

દિવાળી એટલે આસો વદ અમાસનો ઝગમગતા દીવડાનો મોટો તહેવાર વિક્રમ સંવતનો છેલ્લો દિવસ. ભારતીય ઉત્સવોની વણઝારમાં નવરાત્રિ અને હોળી પછી દિવાળીના 6 દિવસ મહત્ત્વના મનાય છે. વાઘબારશ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. પ્રાચીનકાળથી ચાલ્યો આવતો દિવાળીનો ઉત્સવ ક્યારે આરંભયો તે અંગે અને પૌરાણિક કથાઓ અને કિંવદંતીઓ કહેવાતી આવી છે. પણ એના મૂળ અને કુળ સુધી કોઈ સંશોધક પહોંચ્યાનું સાંભળ્યું નથી. આવો આપણે દિવાળીના પર્વ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ કથાઓ ઉપર એક ઊડતી નજર કરી લઈએ.

દિવાળીના ઉત્સવના આરંભ માટે એવું કહેવામાં આવે છે કે શ્રીરામ ચૌદ વરસનો વનવાસ ભોગવીને અયોધ્યા પાછા ફર્યા. કારતક મહિનાની અમાસે કુલગુરુ વશિષ્ટએ રામનો રાજ્યાભિષેક કરાવ્યો. એ દિવસે અયોધ્યાવાસીઓના અંતરમાં આનંદના ઓધ ઊછળ્યા. રાત્રીના સમયે પોતાનો આનંદ અભિવ્યક્ત કરવા આખા અયોધ્યાનગરમાં ઘરેઘરે દીવડા પ્રગટાવીને પ્રકાશપૂંજ પાથરવામાં આવ્યો. એ પરંપરા દિવાળીના ઉત્સવની પરંપરારૂપે આજ પર્યંત ચાલતી આવી છે. કર્ણાટકની પ્રચલિત લોકગાથા આ વાતને સમર્થન આપે છે.

વિષ્ણુપુરાણ' અનુસાર દિવાળીનો સંબંધ પાતાલપુરીના બલિરાજા સાથે જોડાયેલો છે. બલિરાજાએ ત્રણે લોકમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇન્દ્ર દેવોને લઈ વિષ્ણુ પાસે ગયા અને બલિરાજાને મારવા માટે પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુ વામનસ્વરૂપે પાતાળમાં જઈને ત્રણ પગલાં ભૂમિ માગી. બલિરાજા સઘળી વાત પામી ગયા. પણ આંગણે આવેલા યાચકને નિરાશ ન કરવા ત્રણ પગલાં જમીન માપી લેવાની મંજૂરી આપી. વિષ્ણુએ ત્રણ પગલાંમાં આકાશ, પાતાળ અને ધરતી એમ ત્રણે લોક માપીને લઈ લીધા. એ પછી વિષ્ણુએ સ્વર્ગલોક અને મૃત્યુલોક પોતાની પાસે રાખીને પાતાળલોક બલિરાજાને પરત આપ્યું. એ દિવસે વિષ્ણુના આવવાની ખુશીમાં રાતવેળાએ પ્રજાએ દીવડાં પ્રગટ કર્યાં. તે દિવસથી દિવાળીની ઉજવણીનો ઉત્સવ શરૂ થયાનું કહેવાય છે.

દિવાળીના પર્વનો છેલ્લો દિવસ યમદ્વિતીયાના નામે ઓળખાય છે. યમદ્વિતીયાનો ઉલ્લેખ 'કઠોપનિષદ'માંથી મળે છે. કઠોપનિષદ અને વૈદિક સાહિત્યમાં યમ અને નચિકેતાની કથા જાણીતી છે. આ કથા અનુસાર નચિકેતાએ પોતાના પિતા દ્વારા માંદી, મરવા પડેલી ગાય બ્રાહ્મણોને દાનમાં દેવાતી હતી તેનો વિરોધ કર્યો. પિતાએ એની વાત ધરાહ ન માની, એટલે નારાજ થયેલા નચિકેતાએ પિતાને પ્રશ્ન કર્યો : 'તમે નચિકેતાનું દાન કોને દેવાના છે ?' ગુસ્સે ભરાયેલા પિતાએ કહ્યું : 'યમને'. આ સાંભળી નચિકેતા યમલોક તરફ ચાલી નીકળ્યા. અનેક વિટંબણાઓ વટાવીને તે યમલોક સુધી પહોંચી ગયો. આ કથા અનુસાર યમરાજાએ એને બ્રહ્મજ્ઞાન આપ્યું. કહેવાય છે કે તે દિવસે મૃત્યુલોકમાં પૃથ્વી પર સર્વત્ર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. એમાંથી યમદ્વિતીયાના ઉત્સવનો આરંભ થયો.

નરકાસુર કામરુદેશનો રાજા હતો. તેણે ત્રણે લોકમાં પોતાની સત્તા જમાવી હતી. ત્રાસ વરતાવા લાગ્યો એ વખતે મનુષ્યો, દેવો અને ઋષિઓએ શ્રીકૃષ્ણને તેનો ત્રાસ દૂર કરવા વિનંતિ કરી. શ્રીકૃષ્ણએ કામરુપ્રદેશમાં જઈને એનો વધ કર્યો. નરકાસુરે મરતી વખતે વરદાન માગ્યું કે તેની મૃત્યુતિથિ પ્રસંગે ત્રણે લોકમાં ઉત્સવ ઊજવવામાં આવે, અને રાતવરતના તમામ ઘરોમાં દીવડા પ્રગટાવવામાં આવે. ત્યારથી દિવાળીનો ઉત્સવ આરંભાયો હોવાનું કહેવાય છે. કુમાઉ અને દક્ષિણ ભારતમાં નરક ચૌદશના દિવસે સવારના શેરડીના સાંઠાથી અખરોટ તોડવામાં આવે છે. અખરોટને નરકાસુરનું માથું માનવામાં આવે છે.

જેમ દિવાળીના સંદર્ભમાં અનેક પૌરાણિક કથાઓ પ્રાપ્ત થાય છે એમ દિવાળીના અવસરે પૂજાતા લક્ષ્મીજીના સંદર્ભમાં પણ અનેક કથાઓ અને કિંવદંતીઓ મળી આવે છે. દિવાળીના દિવસોમાં ધનસંપત્તિની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ઋગ્વેદમાં લક્ષ્મીજીના સન્માનમાં 'શ્રીસુકત' લખવામાં આવ્યું છે. સ્કંદપુરાણ અનુસાર ગંગાએ લક્ષ્મીને શાપ આપ્યો હતો. આ શાપ અનુસાર લક્ષ્મી પહેલાં રાજા ધર્મધ્વજને ત્યાં જન્મી, પછી શંખચૂડ નામના વેપારીની પત્ની બની. એ પછી એને તુલસીનો છોડ બનવું પડયું, ત્યારબાદ એ નદી બનને સમુદ્રમાં સમાઈ ગઈ. સમુદ્રમંથન વખતે તેનો ઉદ્વાર થયો. દેવાસુર સંગ્રામ પછી છેવટે વિષ્ણુ પાસે પહોંચી. આ રીતે તેને ગંગાના શાપમાંથી મુક્તિ મળી.

માર્કેન્ડેયપુરાણ કહે છે કે સૌ પ્રથમ લક્ષ્મીની પૂજા સ્વર્ગમાં નારાયણે કરી. બીજીવાર બ્રહ્માએ કરી, ત્રીજીવાર શિવે, ચોથીવાર મનુએ, પાંચમીવાર નાગોએ અને પછીથી પૃથ્વીના મનુષ્યોએ લક્ષ્મીની પૂજા કરી. એ સમયે સંધ્યા વખતે દીવડા પ્રગટાવવામાં આવ્યા. આમ તો લક્ષ્મીનું વાહન ઘુવડ માનવામાં આવે છે.અન્ય એક પૌરાણિક કથા અનુસાર લક્ષ્મીજી એક બહેનનું નામ 'દરિદ્રા' છે. તે જ્યાં જાય ત્યાં ગરીબી અને ભૂખમરો ફેલાવે છે. દરિદ્રાના પગલાં જ્યાં થાય ત્યાં અંધકાર છવાઈ જાય. એકવાર કારતકી અમાસના અવસરે બેય બહેનો મૃત્યુલોકમાં આવી. એ વખતે લોકોએ દીપકો પ્રગટાવીને દરિદ્રા દ્વારા ફેલાયેલા અંધકારને દૂર કર્યો અને લક્ષ્મીજીનું સ્વાગત કર્યું. આમ લક્ષ્મીદેવીની પૂજા ભારત વર્ષમાં વૈદિકકાળથી ચાલતી આવી છે. 'શ્રીસુક્ત'ની રચનાઓમાં લક્ષ્મીજીનું સુંદર વર્ણન આપ્યું છે : 'કમળના આસન પર લક્ષ્મી બિરાજમાન છે. એમના હાથમાં કમળ છે અને કમળ પાંખડીઓથી ઘેરાયેલી છે. હાથી સોનાના કળશ વડે એમના ઉપર અમૃતવર્ષા કરી રહ્યા છે. એમના માથા પર સફેદ છત્ર શોભી રહ્યું છે. લક્ષ્મીનું સમગ્ર શરીર આભૂષણોથી ચમકી રહ્યું છે.'

'કટનીમતંકાવ્યં' અનુસાર સમુદ્રમંથન પછી લક્ષ્મી સ્વર્ગમાં જઈ રહી હતી. એ વખતે રસ્તામાં ગોદાવરી નદીના કાંઠે વિશ્રાામ કરવા બેઠી. પછી પવિક્ષ નદીમાં સ્નાન કર્યું. કહેવાય છે કે એ વખતે નદીતટના તમામ નગરો અને ગામોેમાં સંધ્યાટાણે દીપકો પ્રગટાવવામાં આવ્યા. તે દિવસ દિવાળીનો હોવાનું કહેવાય છે.

આમ દિવાળીના સંદર્ભમાં અનેક પૌરાણિક કથાઓ પ્રાપ્ત થાય છે, એમ લક્ષ્મીજી સંદર્ભમાં પણ અનેક કથાઓ અને કિંવદંતીઓ મળે છે. પણ એકવાત નક્કી છે કે વિદેશી યાત્રાળુ અલ્બેરુની ભારતમાં આવ્યા ત્યારે સમગ્ર ભારતવર્ષમાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઊજવવામાં આવતું હતું. આમ દિવાળી હર્ષ ઉલ્લાસ અને સમૃદ્ધિનો તહેવાર રહ્યો છે. આજેય લક્ષ્મી ધન, ધાન્ય અને સમૃદ્ધિની દેવી તરીકે લોકજીવનમાં પૂજાય છે.


  • Follow us on: