એક ફેક્ટરી મેનેજરને એક જ અઠવાડિયામાં નવ અલગ અલગ પડકારોનો સામનો કરવો પડયો. સોમવારે ઉત્પાદન ઘટી રહ્યું હતું અને સિસ્ટમને મજબૂત બનાવવાની જરૂર હતી. મંગળવારે, એક કર્મચારીને માર્ગદર્શનની જરૂર હતી. બુધવારે, એક મુખ્ય ગ્રાહકે ઓર્ડર પાછો ખેંચવાની ધમકી આપી. શુક્રવાર સુધીમાં, મેનેજરને ગંભીર પાલન મુદ્દા પર ધ્યાન આપવું પડયું. સમાન નેતૃત્વ શૈલી દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકતી ન હતી. તેને શિસ્ત, કરુણા, હિંમત, સર્જનાત્મકતા અને પ્રામાણિકતાની જરૂર હતી - દરેક યોગ્ય સમયે. રસપ્રદ વાત એ છે કે, આ નવરાત્રીનો સાર છે. માતાજીના નવ સ્વરૂપો વિવિધ ગુણો અને શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના આધ્યાત્મિક મહત્વ ઉપરાંત, તેઓ મેનેજરો માટે મૂલ્યવાન પાઠ આપે છે જેમણે સંગઠનાત્મક સફ્ળતા સુનિશ્ચિત કરવા માટે બહુવિધ ભૂમિકાઓ ભજવવી આવશ્યક છે.

1. માં શૈલપુત્રીઃ મજબૂત પાયો અને દૂરદર્શિતા : નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય છે, જે હિમાલયના પુત્રી છે. મેનેજમેન્ટમાં આ સ્વરૂપ આપણને અડગતા શીખવે છે. એક સફ્ળ લીડરનો સૌથી મોટો ગુણ તેનો મજબૂત પાયો જે મૂળભૂત મૂલ્યો આધારિત હશે અને સ્પષ્ટ દૂરદર્શિતા છે. જ્યારે બજારમાં મંદી આવે કે પ્રોજેક્ટમાં મુશ્કેલીઓ ઊભી થાય, ત્યારે એક મેનેજરે પર્વતની જેમ અડગ રહીને ટીમનો આત્મવિશ્વાસ ટકાવી રાખવો પડે છે.

2. માં બ્રહ્મચારિણીઃ શિસ્ત અને પ્રક્રિયા-કેન્દ્રિત અભિગમ

તપ અને કઠોર સાધનાનું પ્રતિક એટલે માં બ્રહ્મચારિણી. કોર્પોરેટ ક્ષેત્રમાં કોઈપણ ટૂંકા રસ્તા લાંબાગાળાની સફ્ળતા અપાવતા નથી. માં બ્રહ્મચારિણી આપણને કામ પ્રત્યેની શિસ્ત, પ્રોફેશનલ એથિક્સ અને સતત નવું શીખવાની પ્રેરણા આપે છે. પ્રક્રિયાઓનું શિસ્તબદ્ધ પાલન કરવાથી જ બિઝનેસમાં ગુણવત્તા જળવાઈ રહે છે.

3. માં ચંદ્રઘંટાઃ દબાણ કે કટોકટી હેઠળ મેનેજમેન્ટ અને શાંતિ : માતાજીના આ સ્વરૂપના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર છે, જે યુદ્ધ માટેની સજાગતા અને મનની શાંતિ બંનેનું મિશ્રણ છે. આજના તણાવપૂર્ણ કોર્પોરેટ વાતાવરણમાં, એક મેનેજરે દરરોજ ડેડલાઈન્સ અને અણધારી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સ્વરૂપ શીખવે છે કે ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ માનસિક સંતુલન ગુમાવ્યા વિના શાંતિથી સાચા નિર્ણયો લેવા જોઈએ. 

4. માં કુષ્માંડાઃ સર્જનાત્મકતા અને નવીનતા

એવું માનવામાં આવે છે કે માં કુષ્માંડાએ પોતાની મધુર મુસ્કાનથી આખા બ્રહ્માંડનું સર્જન કર્યું છે. બિઝનેસની ભાષામાં કહીએ તો આ ઉદ્યોગસાહસિકતા (એન્ટરપ્રિન્યોરશિપ) છે. એક આધુનિક મેનેજરે માત્ર લિખિત નિયમોને ફોલો નથી કરવાના, પણ શૂન્યમાંથી નવું સર્જન કરવાનું છે. ટીમમાં સર્જનાત્મકતા લાવવી, નવીનતાને પ્રોત્સાહન આપવું અને સકારાત્મક ઉર્જાવાળું વાતાવરણ ઊભું કરવું એ જ આ સ્વરૂપનો મુખ્ય સંદેશ છે.

5. માં સ્કંદમાતાઃ માર્ગદર્શન અને ટીમનું જતન : ભગવાન કાર્તિકેય (સ્કંદ) ના માતા હોવાથી તેઓ સ્કંદમાતા કહેવાય છે. તેમની ગોદમાં હંમેશા તેમનું બાળક સુરક્ષિત હોય છે. એક આદર્શ મેનેજર ક્યારેય સરમુખત્યાર નથી હોતો, પણ તે પોતાની ટીમ માટે એક માર્ગદર્શક હોય છે. પોતાની ટીમના સભ્યોની ક્ષમતા ઓળખવી, તેમને સુરક્ષા આપવી અને તેમને ભવિષ્યના લીડર તરીકે તૈયાર કરવા એ જ ભવિષ્યલક્ષી મેનેજમેન્ટ છે.

6. માં કાત્યાયનીઃ સચોટ વ્યૂહરચના અને અમલીકરણ 

મહિષાસુર જેવા શક્તિશાળી રાક્ષસનો નાશ કરવા માટે બધા દેવોની સામૂહિક ઉર્જામાંથી માં કાત્યાયની પ્રગટ થયા હતા. આ સ્વરૂપ આપણને સહયોગ અને સચોટ રણનીતિ શીખવે છે. જ્યારે માર્કેટમાં સ્પર્ધા બહુ વધારે હોય, ત્યારે એક મેનેજરે બધા વિભાગોને સાથે રાખીને, યોગ્ય સંસાધનોનો ઉપયોગ કરી આક્રમક રીતે લક્ષ્ય તરફ્ આગળ વધવું પડે છે.

7. માં કાલરાત્રિઃ જોખમ વ્યવસ્થાપન અને કડક નિર્ણયો 

માં કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત ઉગ્ર છે, જે ભય અને નકારાત્મકતાનો નાશ કરે છે. મેનેજમેન્ટની સફરમાં ઘણીવાર એવા વળાંકો આવે છે જ્યાં કડક અને અપ્રિય નિર્ણયો લેવા પડે છે. જેમ કે, નુકસાન કરતા પ્રોજેક્ટ્સ બંધ કરવા અથવા ટીમની કાર્યક્ષમતા બગાડતા નકારાત્મક તત્વોને દૂર કરવા. એક લીડરે કંપનીના હિત માટે આવા કડક નિર્ણયો નીડરતાથી લેવા જ પડે છે.

8. માં મહાગૌરીઃ સમાનતા અને પક્ષપાત રહિત ન્યાય, નિષ્પક્ષ અને પૂર્વગ્રહ-મુક્ત નેતૃત્વ : શ્વેત વસ્ત્ર્રોધારી માં મહાગૌરી પરમ શાંતિ અને પવિત્રતાનું પ્રતિક છે. એક મેનેજર તરીકે તમારી નજરમાં પક્ષપાત કે ભેદભાવ ન હોવો જોઈએ. ટીમમાં થતા આંતરિક ઝઘડાઓનું નિવારણહંમેશા તટસ્થતા અને ન્યાયીક દ્રષ્ટિકોણથી થવું જોઈએ, જેથી દરેક કર્મચારીનો મેનેજમેન્ટ પર વિશ્વાસ જળવાઈ રહે.

9. માં સિદ્ધિદાત્રીઃ પરિણામ લક્ષી અભિગમ અને પુરસ્કાર  

નવમું સ્વરૂપ સર્વ પ્રકારની સિદ્ધિઓ અને સફ્ળતા આપનારું છે. કોર્પોરેટ વર્લ્ડમાં અંતે તો તમારા પરફોર્મન્સ અને રીઝલ્ટ જ બોલે છે. બધી યોજનાઓ અને મહેનત પછી જો પરિણામ ન મળે તો મેનેજમેન્ટ અધૂરું છે. માં સિદ્ધિદાત્રી શીખવે છે કે લક્ષ્ય હાંસલ કર્યા પછી જે ટીમ મેમ્બર્સે કઠોર પરિશ્રમ કર્યો છે, તેમને યોગ્ય સન્માન અને વળતર અવશ્ય મળવું જોઈએ.

નવરાત્રિ આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિમાં કોઈ એક ગુણ પૂરતો નથી. મેનેજર બ્રહ્મચારિણી જેવો શિસ્તબદ્ધ, ચંદ્રઘંટ જેવો હિંમતવાન, કુષ્માંડા જેવો સર્જનાત્મક અને સ્કંદમાતા જેવો દયાળુ હોવો જોઈએ. તેવી જ રીતે, મેનેજરે કાલરાત્રિ જેવી મુશ્કેલ વાસ્તવિકતાઓનો સામનો કરવો જોઈએ અને સિદ્ધિદાત્રી જેવા અન્ય લોકોને સશક્ત બનાવવું જોઈએ.

જેમ માતાજીના નવ સ્વરૂપો દૈવી શક્તિના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ સફ્ળ વ્યવસ્થાપન માટે નિર્માણ કરવાની સમજદારી, સામનો કરવાની હિંમત, સંવર્ધન કરવાની કરુણા અને અન્યને સક્ષમ બનાવવાની દૂરદર્શિતા હોવી આવશ્યક છે.