શ્રાદ્ધ પર્વમાં કરોડો લોકો પૂર્વજોની તૃપ્તિ માટે તર્પણ અને પિંડદાન કરે છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે પોતાના સમગ્ર જીવનની મૂડી અને યુવાની સંતાનોના સુખ પાછળ ખર્ચી નાખનારા અસંખ્ય મા-બાપ આજે વૃદ્ધાશ્રમની એકલતામાં આંસુ સારે છે. તૈત્તિરીય ઉપનિષદની ઉક્તિ 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' માત્ર દીવાલો પર શોભા પૂરતી રહી ગઈ છે. રામાયણમાં શ્રવણકુમારે પોતાના અંધ માતા-પિતાને કાવડમાં ઊંચકીને તીર્થયાત્રા કરાવી હતી, અને મહારાષ્ટ્રના ભક્ત પુંડલિકે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણને પણ માતા-પિતાની ચરણસેવા પૂરી ન થાય ત્યાં સુધી ઇંટ પર ઊભા રાખ્યા હતા. સનાતન સંસ્કૃતિમાં જીવંત માતા-પિતાની સેવાને જ સમસ્ત તીર્થોથી શ્રોષ્ઠ ગણાવી છે.
ગરુડ પુરાણ અને મહાભારતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જીવતેજીવ જે માતા-પિતાના હૃદયને ઠેસ પહોંચાડી હોય, તેમના મૃત્યુ પછી ગયાજી જઈને અપાતું પિંડદાન પણ વ્યર્થ નીવડે છે. જીવતેજીવ પ્રેમ અને સન્માનનો એક ઘૂંટડો પાણી ન આપનાર સંતાન મૃત્યુ પછી ખીર કે દૂધપાકના ભોગ ચડાવે તે શ્રદ્ધા નહીં પણ સામાજિક દંભ છે. શ્રાદ્ધનો સાચો અર્થ પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા છે, અને આ કૃતજ્ઞતાની ખરી શરૂઆત ઘરમાં બેઠેલા જીવંત દેવ સમાન મા-બાપના સ્નેહપૂર્ણ આદર અને સેવાભાવથી જ થાય છે.ભારતીય સનાતન સંસ્કૃતિમાં કૃતજ્ઞતા એ માત્ર લાગણી નથી, પણ જીવન જીવવાની એક ઊંડી આધ્યાત્મિક શૈલી છે. આપણા શાસ્ત્રો અનુસાર મનુષ્યના અસ્તિત્વ સાથે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ એમ ત્રણ મૂળભૂત ઋણ સંકળાયેલાં છે. જે વડીલોના અંશમાંથી આપણું લોહી, શરીર, સંસ્કાર અને ઓળખ ઘડાયાં છે, તેમના પ્રત્યે આદર અને સ્મૃતિ પ્રગટ કરવાનો ઉત્સવ એટલે 'શ્રાદ્ધ'. 'શ્રાદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ્'-જે કર્મ સંપૂર્ણ શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમપૂર્વક પૂવજો માટે કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે. સામાન્ય રીતે પિતૃની પુણ્યતિથિએ શ્રાદ્ધ કરવાની પરંપરા હોય છે, પરંતુ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના 15 દિવસ 'પિતૃપક્ષ' કે 'મહાલય' તરીકે જાણીતા છે. આ દિવસો પિતૃ આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે, અને જે પિતૃઓની તિથિ યાદ ન હોય તેમનું શ્રાદ્ધ સર્વપિત્રી અમાસના દિવસે કરીને વંશજો કૃતાર્થતા અનુભવે છે.
શ્રાદ્ધની મુખ્ય વિધિઓમાં તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કે દાનનો સમાવેશ થાય છે. દર્ભ (કુશ), જળ, કાળા તલ અને દૂધ સાથે અંજલિ આપીને કરાતું તર્પણ સૂક્ષ્મ જગતમાં વસતા પિતૃઓને તૃપ્તિ પહોંચાડે છે, જ્યારે જવ કે ચોખાના લોટમાંથી તૈયાર કરાતું પિંડદાન દેહમુક્તિ અને મોક્ષની પ્રાર્થનાનું પ્રતીક છે. આ પરંપરાનું સૌથી સુંદર પાસું 'પંચબલિ' છે, જેમાં બ્રાહ્મણ ભોજન પહેલાં પ્રકૃતિના પાંચ અંશોને અન્ન અર્પણ કરવામાં આવે છે. સમસ્ત દેવોના વાસ સમાન ગાય માટે ગૌ બલિ, યમરાજના વાહન સમાન શ્વાન માટે શ્વાન બલિ, પિતૃઓનું પ્રતીક મનાતા કાગડા માટે કાક બલિ તેમજ જીવદયાના ભાગરૂપે કીડી-મકોડા અને પક્ષીઓ માટે દેવાધિ કે પિપીલિકાદિ બલિ કાઢવામાં આવે છે. આ નિયમ દર્શાવે છે કે સનાતન પરંપરામાં પૂર્વજોની પૂજા માત્ર મનુષ્યો પૂરતી સીમિત નથી, પરંતુ પૃથ્વીના સમસ્ત જીવો પ્રત્યે દયા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો એક અદ્ભૂત પ્રકલ્પ છે.
આ પવિત્ર પરંપરાનો આધાર ભારતના મહાન પ્રાચીન ગ્રંથોમાં અત્યંત ગંભીરતાથી નોંધાયેલો છે. 'મહાભારત'ના શાંતિપર્વ તેમજ અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શ્રાદ્ધની ઉત્પત્તિ, નિયમો અને તેની પાછળનું ગહન તત્વજ્ઞાન સમજાવે છે. વનપર્વમાં વર્ણન મળે છે કે, પ્રભુ શ્રીરામે વનવાસ દરમિયાન પિતા દશરથ માટે પિંડદાન કર્યું હતું. 'ગરુડ પુરાણ' આત્માની મરણોત્તર યાત્રા, પ્રેતયોનિમાંથી પિતૃયોનિમાં સંક્રમણ અને પિંડદાનથી મળતી આત્મિક શાંતિ વિશે વિસ્તૃત પ્રકાશ પાડે છે. તે જ રીતે 'મનુસ્મૃતિ'ના ત્રીજા અધ્યાયમાં પિતૃયજ્ઞને પાંચ મહાયજ્ઞોમાંનું એક અનિવાર્ય કર્તવ્ય ગણાવવામાં આવ્યું છે અને 'માર્કંડેય પુરાણ' અનુસાર શ્રાદ્ધથી પ્રસન્ન થયેલા પિતૃઓ પોતાના વંશજોને દીર્ઘાયુષ્ય, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ અને મોક્ષ સુધીના આશીર્વાદ આપે છે.
ભારતમાં પિતૃતર્પણ માટે બિહારનું ગયાજી વિશ્વભરમાં સર્વોચ્ચ મોક્ષતીર્થ માનવામાં આવે છે. ફલ્ગુ નદીના તટે, વિષ્ણુપદ મંદિરના સાનિધ્યમાં અને અક્ષયવટ નીચે કરાતા પિંડદાનથી પિતૃઓને સીધો વૈકુંઠવાસ પ્રાપ્ત થાય છે તેવી શાસ્ત્રોક્ત શ્રદ્ધા છે. પુરાણોક્ત કથા અનુસાર ભગવાને ભક્ત ગયાસુરની છાતી પર પગ મૂકી તેને સ્થિર કર્યો હતો અને વરદાન આપ્યું હતું કે, આ ક્ષેત્રમાં શ્રાદ્ધ કરનારના પૂર્વજો તમામ પાપોમાંથી મુક્ત થશે. દર વર્ષે ભાદરવા મહિનામાં અહીં ભવ્ય 'પિતૃપક્ષ મેળો' યોજાય છે, જેમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ત્રિપાક્ષિક પિંડદાન માટે ઉમટે છે. આ ઉપરાંત ભારતમાં પિતૃકાર્ય માટે અનેક મહત્વપૂર્ણ સ્થાનો આવેલાં છે, જેમાં ગુજરાતના પાટણ સ્થિત સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભગવાન પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હોવાથી તે 'માતૃગયા' તરીકે પૂજાય છે. નર્મદા, ઓરસંગ અને સરસ્વતીના સંગમે આવેલું ચાંદોદ-કરનાળી 'ગુજરાતના કાશી' તરીકે પિતૃતર્પણ માટે પ્રસિદ્ધ છે, જ્યારે ઉત્તરાખંડમાં બદરીનાથ ધામનું બ્રહ્મકપાલ આખરી પિંડદાનનું સ્થાન મનાય છે. આ સાથે કાશી, પ્રયાગરાજ અને તમિલનાડુનું રામેશ્વરમ પણ પિતૃમુક્તિ માટેના પરમ પવિત્ર ધામ ગણાય છે.
પૂર્વજો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ વિચાર માત્ર ભારત પૂરતો સીમિત નથી, પરંતુ વિશ્વભરની પ્રાચીન સંસ્કૃતિઓમાં આ ભાવ ધબકે છે. મેક્સિકોમાં દર વર્ષે નવેમ્બરમાં 'દિયા દે લોસ મુએર્તોસ' (Day of the Dead) ઉત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાય છે, જ્યાં ઘરોમાં રંગબેરંગી વેદી સજાવી પૂર્વજોની પ્રિય વાનગીઓ અને પીળાં ફૂલો અર્પણ કરી તેમના આત્માનું પૃથ્વી પર સ્વાગત કરાય છે. ચીનમાં વસંત ઋતુ દરમિયાન 'કિંગમિંગ ફેસ્ટિવલ' મનાવાય છે, જેમાં પરિવારો પૂર્વજોની કબરો સાફ કરી અન્ન અને કાલ્પનિક ચલણ અર્પણ કરે છે જેથી પરલોકમાં તેમને સુવિધા રહે. જાપાનમાં બૌદ્ધ પરંપરા આધારિત 'ઓબોન ફેસ્ટિવલ' ઊજવાય છે, જેમાં પૂર્વજોના ભટકતા આત્માઓને શાંતિ આપવા નદીઓમાં સુંદર ફાનસ તરતા મૂકવાની પ્રથા છે. દક્ષિણ કોરિયામાં પાકની લણણી વખતે 'ચુસોક' પર્વ પર નવી ફસલના અન્ન વડે પિતૃપૂજા થાય છે, જ્યારે કંબોડિયામાં આપણા પિતૃપક્ષની જેમ જ 15 દિવસનો 'પચુમ બેન' ઉત્સવ ઊજવાય છે, જેમાં લોકો મંદિરોમાં જઈને આત્માઓની શાંતિ માટે ભાત અને ભોજનના પિંડ અર્પણ કરે છે.