છેલ્લા 150 વર્ષોથી જે નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે અને તેને લીધે વર્તન ભાતો અને મૂલ્યો બદલાતા જાય છે તેને લીધે 150 વર્ષમાં આઠ પેઢીઓ આવી ગઈ છે. સામાન્ય રીતે 25 વર્ષે પેઢી બદલે. પરંતુ ટેકનોલોજીના ઝડપી વિકાસને કારણે હવે 12થી 15 વર્ષે પેઢી બદલાય છે.   

સર્વ પ્રથમ તો ભારતીય રાજકારણ એકવ્યાપક અજંપાની કગાર પર 2024માં પહોંચ્યું છે તે સમજવું પડે. પ્રજાસત્તાક ભારતના 75 વર્ષને ત્રણ તબક્કામાં વહેંચી દઈએ તો પ્રથમ 25 વર્ષ (1950-74) કોઈ અજંપો નહોતો. કોઈ આંદોલન નહોતું. તેથી માત્ર ત્રણ પ્રધાનમંત્રી અને એક પક્ષે રાજ્ય કર્યું. બીજા (1974-99) તબક્કામાં અનેક અજંપા ઊભા થયાં અને 14 આંદોલનો થયાં. આ તબક્કામાં રાજકીય અસ્થિરતા આવી અને 11 પ્રધાનમંત્રીઓ આવ્યા અને 7 પક્ષોએ સત્તામાં રહ્યા. ત્રીજા તબક્કા (1999-2024)માં ફરી બહુમતીવાદ (હિન્દુવાદ) ના નામે સ્થિરતા આવે છે. કોઈ ખાસ અજંપો નથી,ખાસ આંદોલન નથી. બે પક્ષ અને માત્ર ત્રણ પ્રધાનમંત્રી સત્તા સંભાળે છે. 2024માં સ્થિતિ ફરી બદલે છે. એલપીજી (ઉદારીકરણ, ખાનગીકરણ, અને વૈશ્વિકરણ)ના સમયમાં બજાર નિર્ણાયક બને છે અને રાજ્ય બેકસીટ પર આવે છે. શિક્ષણનું ખાનગીકરણ થાય છે. જાહેર નોકરી ઘટે છે. ગિગ કામની સ્થિતિ કાર્ય-જીવન સમતુલા ખરાબ કરે છે. સમૃધ્ધિ વ આધે છે પરંતુ જીવનશૈલી બગડે છે. આર્થિક સલામતી ના સવાલો ઉપસ્થિત થાય છે. યુવાનોને આ વ્યાપક પરિસ્થિતિ પોતાના ભવિષ્ય માટે ચિંતાજનક લાગે છે. આ સમયમાં જો આ અજંપો સમજ્યા વિના જો તેને ધુત્કારી દઈશું તો ઉકેલ નહીં આવે. આ સ્થિતિ હતી તેમાં તાત્કાલિક અજંપો જોઈએ. આ અજંપાનો સ્પષ્ટ ઉકેલ આપણા બંધારણ પાસે છે તેવું નવી પેઢીને લાગે છે અને બંધારણના માળખા મા જ તેઓ વિકલ્પ શોધે છે. તેમની માંગણી વિકલ્પ દર્શાવી જાય છે.   

આ લોકો શું માંગે છે? (ક ) પ્રથમ તો તેઓ પારદર્શક પરીક્ષા વ્યવસ્થા માંગી રહ્યા છે. હજી સુધી તેની કોઈ વ્યવસ્થા સામે આવી નથી. આ યુવાનો પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માંગે છે. (ખ) તેઓ સલામત કામ માંગી રહ્યા છે. આજનું ગિગ અર્થકારણ તેમણે સામાજિક સલામતી આપતું નથી. બજાર એટલી હદે હાવી થઈ ગયું છે કે અનેક જૂન શ્રમ કાનુન બજારની તરફેણમાં બદલવા પડયા છે. એક યુવાન હવે રોજના 12 કલાક કામમાં વિતાવે છે. બે કલાક જવા આવવાના. આઠ કલાક નિદ્રાના. તેથી એક યુવાન પાસે કુટુંબ અને અન્ય સંબંધો માટે માત્ર બે કલાક જ રહે છે. આથી તેનું સામાજિક જીવન અસલામત બની જાય છે. (ગ) શાળા કોલેજોના કાળગ્રસ્ત અભ્યાસક્રમ બદલવા તે તેમની પાસે ત્રીજો વિકલ્પ છે. આજે માત્ર જ્ઞાન લક્ષી જૂના અભ્યાસક્રમ તેમણે કામ આપતા નથી અને કામમાં ઉપયોગી થતા નથી. તેઓ કૌશલ્ય વિકાસ પામે તેવા અભ્યાસક્રમો માંગી રહ્યા છે. (ઘ) આ યુવાનો ભાગીદારી અને સમાનતા માગી રહ્યા છે. આજે બજાર તેમણે કોઈ ભાગીદારી આપતું નથી. એટલું જ નહીં, તે,મને સમાન નાગરિક તરીકેનું સન્માન પણ મળતું નથી. ધીમે ધીમે નિર્ણય લેવાની વ્યવસ્થા જાણે કેન્દ્રિત બની રહી હોય તેવું તેમણે દેખાય છે. તેઓ બંધારણ પ્રેરિત વિકેન્દ્રીકરણ માંગી રહ્યા છે. ટૂંકમાં તેઓ રાજ્ય પાસે અધિકારોનું રક્ષણ માંગી રહ્યા છે. (ચ) છેલ્લે આ યુવાનો પર્યાવરણ અને ટકાઉ વિકાસ માંગી રહ્યા છે. હવે તેઓ ક્લાઇમેટ એક્શન, પ્રદૂષણ નાબૂદી, ઓઝોન લેયર રીપેર, સમુદ્ર જળની સપાટીની જાળવણી વ. પર્યાવરણીય સુધારા માંગી રહ્યા છે જેનાથી વિકાસ ટકાઉ બને.   

આ આંદોલન પાસે જેપી કે ઇન્દુ ચાચા જેવું કોઈ નેતૃત્વ નથી. પરંતુ ખુદ જેપી કે ઇન્દુચાચાના નેતૃત્વ નો જન્મ આંદોલનમાંથી થયો હતો. કોઈ પણ આંદોલન નવું નેતૃત્વ જન્માવતું હોય છે. આ આંદોલનને ટેકો આપવા અને નેતૃત્વ લેવા અનેક રાજકીય નેતાઓએ પ્રયાસો કર્યા છે. પરંતુ આ યુવાનો આ બાબતે સાવધ છે. સોનમ વાંગચૂક સિવાય તેમણે કોઈની સામેલગીરી સ્વીકારી નથી. સોનમ વાંગચૂક પણ બીજા અન્ના હજારે ન બની જાય તેનું ધ્યાન રાખે છે. 

કોઈ પણ આંદોલને આગળ વધવા માટે વિવિધ લોકો વચ્ચે શ્રમ વિભાજન કરવું પડે છે. આમાંથી જ આંદોલનનું સંગઠન ઊભું થાય છે, જ્યાં સુધી આંદોલનને લાગેવળગે છે ત્યાં સુધી તેમનું આંદોલન વિશિષ્ટ છે. અત્યાર સુધી કોઈ આંદોલન ડિજિટલ સંગઠન સ્વરૂપે ચાલ્યું નથી. કોઈ રાજકીય પક્ષ પણ સંપૂર્ણ પણે ડિજિટલ સ્વરૂપે બન્યો નથી. આંદોલનના 

ઇતિહાસમા આવું પ્રથમ વાર બની રહ્યું છે કે કોઈ ભૌતિક સગવડો (infrastructure) વિના સંગઠન ચાલતું હોય. આ વાત પરંપરાગત રાજકીય પક્ષોને તેની સાથે પનારો પાડવામાં મુસીબત ઊભી કરી રહી છે. કદાચ આ ડિજિટલ સ્વરૂપનું સંગઠન એ આ પેઢીની ખાસિયત અને સબળ પાસું છે. હવેના સમયમાં રાજકારણમાં આ ડિજિટલ સ્વરૂપ મહત્વનું બની રહેશે.