ફરી એક વાર ગુજરાતમાં લઠ્ઠાકાંડનું ભૂત ધૂણી ઉઠયું છે. 1978થી મારી ગણતરી મુજબ દર બે વર્ષે એક વાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાય છે. ઝેરી લઠ્ઠો પીવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. 1978માં સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે 250 લોકોના મૃત્યુ થયાં હતા. બે દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં લઠ્ઠો પીવાને લીધે અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુ નોંધાયા છે. કદાચ આ આંકડો હજુ વધે. ફરી એક વાર 'મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂ'નો ચર્ચા પ્રબુધ્ધ વર્ગમાં થશે અને ફરી એક વાર કડક કાયદાની માંગ ઉઠશે. ભ્રષ્ટાચાર મુક્ત તંત્રની માંગ ઉઠશે. શાંત જળમાં પથ્થર પડે અને આંદોલન થાય તેમ થોડા દિવસો ચર્ચા થશે અને ફરી સ્થિતિ શાંત બની જશે. સન 1978 મા આ લેખકે હરીશ દોશી સાથે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 'નશાબંધીના ફાયદા' નામથી બે સર્વે કરેલ. તેમાં આપેલી વિગતો જાહેર કરવા સામે સરકારે બંધી (મનાઈ) ફરમાવી હતી. તેથી આ લેખમાં જે વિગતો છે તે જાતમાહિતી અને વિવિધ અન્ય સર્વે માંથી પ્રાપ્ત થયેલ માહિતીનો ઉપયોગ કરેલ છે.   

 ગુજરાતમાં પરંપરાગત રીતે 35% જેટલા લોકોમાં મહાજન સંસ્કૃતિ પ્રવર્તે છે જેમાં નશા અને માંસાહારની મનાઈ છે. નશાબંધી અને શાકાહાર એ ગુજરાત માં મધ્યમ વર્ગીય શિક્ષિત લોકો નું મૂલ્ય છે. વળી કેટલાક લોકો ધાર્મિક કારણોસર દારૂ પીતા. આ બધાને બાદ કરતાં બાકીના લગભગ 35% લોકોને દારૂ પીવા સામે વાંધો નથી. કેટલાઈ જ્ઞાતિઓમાં તો દારૂ એ લગ્ન, મૃત્યુ કે તહેવારની સાથે સંકળાયેલ હોય છે. મૃત્યુ સમયે આવતા લોકો પૂછે છે, *વ્યવસ્થા કરી રાખી છે ને?* હોળી કે જન્માષ્ટમીના સમયમાં દારૂ જુગાર એ સ્વાભાવિક ગણાય છે. જંગલમાં રહેતા લોકો, સાગર કિનારે રહી મચ્છીમારી કરતા કે વહાણવટું કરતા લોકોમાં જે અસલામતી છે તેની સામે દારૂ માનસિક રક્ષણ આપે છે. કેટલીક જ્ઞાતિ માં તો દારૂ એ રિવાજ ગણાય છે. પરંતુ ઓળખના રાજકારણના જમાનામાં જ્ઞાતિનું નામ આપવામાં જોખમ એટલા માટે છે કે રાજકીય એષણા ધરાવતા લોકોની લાગણી તરત જ ઘવાય છે. જેન્ડરની વાત કરીએ તો જાહેરમાં દારૂ પીવામાં પુરુષો આગળ છે. મહિલાઓમાં દારૂ પીવાનું પ્રમાણ ખૂબ ઓછું છે. વયની વાત કરીએ તો દારૂ પીવાનું પ્રમાણ 35+ વય ધરાવતા લોકોમાં વધુ છે. આનો અર્થ એ થયો કે યુવા પેઢી બગડી નથી ગઈ. જેન ઝી દારૂના દૂષણથી દૂર છે. આર્થિક સ્થિતિનો વાત કરીએ તો ઉચ્ચ આર્થિક સ્થિતિ ધરાવતા લોકોમાં દારૂ પીવાનું પ્રમાણ વધુ છે. નીચલી આવક ધરાવનાર લપો જાહેરમાં વધુ દેખાય છે તેથી આ લોકો દારૂડિયા છે તેવી છાપ પડી ગઈ છે. ઉચ્ચ વર્ગના લોકો ક્લબમાં કે ઘરે દારૂ પી શકે છે તેથી તેમની વાત જાહેર થતી નથી.   

પણ સવાલ દારૂનો છે. એક પેગ સારો દારૂ પીવાથી કોઈ નુકસાન નથી થતું. ખરાબ દારૂ પીવાથી થાય છે. પરંતુ લાગણીના આવેશમાં આવીને કે બહાદુરી બતાવવા માટે વધુ દારૂ પીનાર વિનાશ નોતરે છે. આમ તો કોઈ પણ ખાદ્ય કે પેય વસ્તુ જરૂર કરતાં વધારે લેવાથી નુકસાન જ થાય છે. ગુજરાતમાં ઓવરલોડેડ ચીઝથી જેટલા લોકો બીમાર પડતા હશે એટલા લોકો દારૂથી બીમાર નહી પડતા હોય. તો સવાલ એ થાય કે દારૂ ખરાબ છે કે સારો? વળી એવા સવાલ પણ થાય કે અનેક પ્રકારના દારૂ મળે છે તેમાંથી કયો સારો કે ખરાબ તે કઈ રીતે જાણવું? તો થોડેક પ્રકાર જોઈએ.   

1. સહુથી નિર્દોષ 'દારૂ' એટલે તાડી. તાડના વૃક્ષને છેદી તેનો રસ કાઢવામાં આવે તે વહેલી સવારે આથો આવેલ ન હોય ત્યારે નીરો. આ નીરો આરોગ્યવર્ધક પીણું છે. બપોર પછી તેમાં સૂર્યના તાપને કારણે આથો આવે તેથી તે તાડી (toddy) બને. આ તાડીમાં 4થી 8 % દારૂ હોય છે. જો તેને ચૂલા પર ચડાવી કઢી બનાવવામાં આવે તો તેમાં દારૂ (alcohol) નું પ્રમાણ 40% સુધી જઈ શકે. આથી નીરો અને સવારે બાર સુધીની તાડી આરોગ્યવર્ધક પીણું છે. 

2. આદિવાસી વિસ્તારમાં મહુડાનાં વૃક્ષો બહુ હોય છે. આથી આદિવાસી મહુડાનાં ફૂલ માંથી બનતો દારૂ જેણે પણ મહુડો કહેવાય છે તે પીએ છે. મહુડાનાં ફૂલનો આથો લાવી, ઉકાળી, તેની વરાળ ઝીલી મહુડાનો દારૂ બનાવે છે. આ દારૂમાં 5 થી 10% દારૂનું પ્રમાણ હોય છે. પરંતુ જો આથાને ખૂબ જ ગરમ કરી દારૂ બનાવવામાં આવે તો તેમાં 40થી 45% દારૂ હોઇ શકે છે. આદિવાસી આને પહેલી ધારનો દારૂ કહે છે. ઓછા દારૂ વાળો અને ઓછા પ્રમાણમાં લેવાયેલ મહુડો કોઈ નુકસાન કરતો નથી.   

3. આ ઉપરાંત ગુજરાતમાં કેટલાક રઈસ લોકો ફ્ળોને આથો લાવીને પોતાનો દારૂ બનાવતા. ચોખા, વિવિધ ફ્ળો કે સુકા મેવા માંથી દારૂ બની શકે. દમણની કાજુ ફેણી જાણીતી છે. તમામ ગળી વસ્તુને આથો લાવી, ગરમ કરી તેની વરાળ અન્ય વાસણમાં કાઢી એટલે તે દારૂ. આમ જોઈએ તો ઘરમાં કૂકરમાં પણ દારૂ બની શકે.   

 આમ ગુજરાતમાં ઘરઘરાઉ દારૂ સ્વાતંત્ર્ય પહેલા મળતો હતો. તમને ખબર છે કે ગુજરાતમાં પહેલી દારૂબંધી કોણ લાવ્યું? ગાંધી નહીં, ગુજરાત સરકાર પણ નહીં. બ્રિટિશ સરકારે સ્વાતંત્ર્ય પહેલા મહેસૂલ વધારવા માટે જાહેર કર્યું કે કોઈ વ્યક્તિએ ઘરઘરાઉ દારૂ બનાવવાનો નહીં. તે સમયે સરકારે ઘણા તાડનાં અને મહુડાનું વૃક્ષો કપાવી નાખ્યા. સરકારે ખુદ દારૂ બનાવવાનું ચાલુ કર્યું અને આવો દારૂ ઠેકેદારો દ્વારા વેચાતો. ખાસ તો પારસીઓ ઠેકેદારો હતા. પારસીઓની દારૂવાળા, પીઠવાળા વ. અટકો આમાથી આવેલી. પૈસા આપીને દારૂ પીવાથી ખાસ કરીને ઘણા હળપતિ જમીન વિહોણા થઈ ગયેલા તેમ ઇતિહાસ નોંધે છે. 

4. દારૂનો ચોથો પ્રકાર એટલે ગોળ-નવસારનો દારૂ. લોકોને જ્યારે પોતાનો દારૂ ગાળવાનીના પાડવામાં આવી અને તાડ અને મહુડાનાં વૃક્ષો સરકારે કપાવી નાખ્યા ત્યારે લોકોને સરકારી પીઠા પરનો દારૂ મોંઘો પડયો. તેમાંથી નદીકાંઠે ગેરકાયદે ગોળ-નવસારનો દારૂ ગાળવાની શરૂઆત થઈ. તે સમયે ઉત્તરપ્રદેશમાં ખાંડના કારખાના હતા. તેમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયામાંથી અખાદ્ય ગોળ અથવા ગોળની રસી નીકળતી. આ રસી ગુજરાતમાં આવવા લાગી અને ચાર રેલવે મથકો પર ઉતરવા લાગી. ગુજરાતમાં ખાંડના કારખાના થયાં પછી આ અખાદ્ય ગોળ અથવા તો રસી નીકળવાનું પ્રમાણ વધી ગયું છે. ગેરકાયદે દારૂ બનાવનાર આ રસી ખરીદી તેમાં નવસાર કે ઉતરી ગયેલી બેટરી નાખતા જેથી જલ્દી આથો આવે. પછી નદી કિનારે ભઠ્ઠી કરીને તેના પર પીપ મૂકીને એક નળી મારફ્તે તે દારૂ અન્ય વાસણમાં ઉતારે. છૂટક વેચાણ માટે આ દારૂ પ્લાસ્ટિકની કોથળીમાં ભરવામાં આવતો. આથી આ દારૂને દેશી દારૂ કે પોટલી કહેવામાં આવે છે. આજે માધ્યમો શેરીઓમાં જે પ્લાસ્ટિકની પોટલીમાં વેચતો દારૂ બતાવે છે તે આ દેશી દારૂ. આ દારૂમાં નવસાર હોય અને બનાવવાની પ્રક્રિયા અશુદ્ધ હોય તેથી આ દારૂ નુકસાન કરે. ગુજરાતમાં જેણે બંધાણ થઈ ગયું છે તે લોકો આ દારૂ પીએ છે. 

5. પછી આવે ભારતમાં બનેલ પરદેશી દારૂ (Indian Made Foreign Liquor અથવા આઈ એમ એફ્ એલ) આ દારૂ કારખાનાઓમાં બને છે. ખાસ કરીને ગુજરાતમાં આવતા રમ, વ્હિસ્કી, જીન, વોડકા,ટકીલા, બ્રાન્ડી, શેમ્પેઇન વ. વિવિધ નામોથી ઓળખાય છે. આ દારૂની બોટલ 1200 થી 12000 રૂપિયાના ભાવે કાળા બજારમાં મળે છે. જો તમારી પાસે દારૂ પીવાનો પરવાનો હોય તો તે સસ્તામાં પડે. તેની હોમ ડિલિવરી થાય છે. અન્ય રાજયોમાંથી આ દારૂ દાણચોરીથી લાવવામાં આવે છે. તે લાવવા માટે ટ્રકમાં ચોરખાના બનાવે છે. આમાં પણ કેટલો ભ્રષ્ટાચાર થાય છે તે તપાસનો વિષય છે.   

6. ત્યાર બાદ પરદેશમાં બનેલ વ્હિસ્કી, રમ, વોડકા, જીન વ. દારૂ આવે. આ દારૂ વિમાનોમાં, જહાજોમાં લાવવામાં આવે છે. આ દારૂ ગુજરાતનાં એકાદ ટકાને ભાગ્યે પોસાય છે. 

7. સહુથી છેલ્લે અને સહુથી ખતરનાક દારૂ એટલે લઠ્ઠો. આ લઠ્ઠો એટલે ડિનેચર્ડ સ્પીરીટ. દારૂ કહેતા આલ્કોહોલ બે પ્રકારના હોય. એક ઇથેનોલ (ઇથાઇલ આલ્કોહોલ) અને બીજો મિથેનોલ (મિથાઈલ આલ્કોહોલ). ઇથેનોલ એ શુદ્ધ દારૂ છે. તે વિવિધ દવાના અને સ્વચ્છતા (sanitation)ના અને પ્રસાધનનાં ઉપયોગમાં અને અન્ય ઉપયોગમાં લેવાય છે. તેને ગ્રેન આલ્કોહોલપણ કહે છે. કફ્ સિરપમાં આનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. લોકો આ કફ્ સિરપ પીને નશો કરે છે. પરંતુ મીથેનોલ એ સામાન્ય રીતે વૂડ આલ્કોહોલ તરીકે ઓળખાય છે. એવિવિધ ઔદ્યોગિક પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. લોકો આનો ઉપયોગ ન કરે તે માટે વિવિધ પ્રકારના અખાદ્ય તત્વો ઉમેરાય છે. આથી તે ઝેરી બને છે. આ મિથેનોલમાં ફ્ટકડીનો પાવડર મિશ્ર કરીને તેને હલાવી નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા ઝેરી તત્વોને નીચે બેસાડી દેવામાં આવે છે. 

 જેમને ગુજરાતમાં રમ, વ્હિસ્કી વ. દારૂ પીવા છે તે લોકોને તે દારૂ પૂરો પાડનાર વધુ નફા માટે તેમાં નિસ્યંદન કરેલ મિથેનોલ મેળવે છે. પછી તેમાં અમુક એસેન્સ નાખી અસલ દારૂ છે તેવો દેખાવ કરવામાં આવે છે. આ દારૂમાં મિથેનોલ જો અશુધ્ધ રહી ગયો હોય તો પીનારા મરે. ભાવનગરમાં બિલકુલ આવું બન્યું હતું. हर शाख पे उल्लू बैठे है, अंजामे गुलिशतां क्या होगा !

 નશાબંધી નીતિનો ઇતિહાસ કહે છે કે કોઈ દેશમાં કે રાજ્યમાં આ નીતિ સફ્ળ નથી થઈ. રાજ્યનું કામ જ નૈતિકતા પ્રસરાવવાની નથી. રાજ્યનું કામ વ્યવસ્થા તંત્ર ચલાવવાનું છે. જેમ સિગારેટ પીવાનું, પાન ખાવાનું, પાઇપ પીવાનું, છીંકણી સૂંઘવાનું ઓછું થઈ ગયું છે તેવી જ રીતે સામાજિક સુધારણા પ્રક્રિયા દ્વારા દારૂ પીવાનું ઓછું થશે. અમેરિકામાં પણ એક વખત દારૂબંધી હતી અને ત્યારે જોન કેનેડીના પિતા ગેર કાનૂની રીતે દારૂ વેચીને ઘણું કમાય હતા. આજે ત્યાં દારૂબંધી નથી, પરંતુ Temperance movement(મિત પાન આંદોલન) ચાલે છે જેને લીધે દારૂ પીવાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. ગુજરાતમાં આ કામ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક કથાકારને સોંપી દેવું જોઈએ.એક વખત ગુજરાતમાં નશાબંધી મંડળ સફ્ળતા પૂર્વક કામ કરતું હતું. તેને મૃતપ્રાય બનાવી દેવાયું છે. ફરી ગુજરાતમાં સામાજિક સંસ્થાઓને આ કામમાં જોડવાથી સારું પરિણામ મેળવી શકાશે. જો સામાજિક સંસ્થાઓ નહીં જોડાય અને પોલીસની આ ભૂમિકા ચાલુ રહી તો સમસ્યા કરવાની છે. માંગ વધુ હોય અને પુરવઠો મર્યાદિત હોય ત્ય ભ્રષ્ટાચાર થાય અને ખરાબ માલ વેચાય તેમ અર્થશાસ્ત્ર્ર કહે છે.