વિમાનની કોકપીટમાં હુમલો પ્રવાસની સુરક્ષા સામે ખતરો હવાઈ પ્રવાસમાં અત્યાર સુધીમાં ક્યારેય નહીં બનેલી ઘટના તાજેતરમાં બની ગઈ. ફ્લાય દુબઈનાં દુબઈથી ઈઝરાયેલનાં તેલ અવીવ જઈ રહેલા વિમાનમાં ઓમાની પાયલટ દ્વારા વિમાનનાં મુખ્ય પાયલટ પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પાયલટ પર હુમલો કરીને વિમાનને ક્રેશ કરવાની કોશિષ કરવામાં આવી. આ ઘટનાની મહત્વની વાત એ છે કે જે મુખ્ય પાયલટ પર ધારદાર શસ્ત્રથી હુમલો કરાયો હતો તેણે લોહીલુહાણ હાલતમાં પણ ઓમાનનાં ઝનૂની સહ પાયલટનો સામનો કર્યો અને મધ્ય આકાશમાં કોકપીટ ખોલીને અન્ય મુસાફરોની સહાયથી હુમલાખોર પાયલટને પકડીને વિમાન ક્રેશ થવાની દુર્ઘટના નિવારી. મૂળ ભારતીય અને ગુજરાતી એવા મુખ્ય પાયલટની સાહસિકતા અને ધીરજ દાખવવાની કુશળતાને કારણે 170 જેટલા પ્રવાસીઓનાં જીવ બચી ગયા. આકાશમાં ઉડી રહેલા વિમાનમાં બનેલી આ ઘટનાએ વિશ્વ સ્તરે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સુરક્ષાનાં પ્રોટોકોલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિમાન પ્રવાસમાં આને કારણે નવા જોખમો સર્જાયા છે. સહ પાયલટ દ્વારા જે રીતે આકાશમાં ઉડી રહેલા વિમાનને તોડી પાડવાનાં પ્રયાસો કરવામાં આવ્યા તેણે ગંભીર સમસ્યાઓ સર્જી છે. આમ જોવા જઈએ તો આ ઘટના ખતરનાક હતી જે 9/11 જેવી આતંકી ઘટનાની યાદ અપાવે છે. 9/11ની ઘટનામાં પણ આતંકીઓએ કોકપીટમાં ઘૂસીને પાયલટો પર કાબુ મેળવીને બે વિમાનને ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટાવર સાથે અથડાવ્યા હતા. વૉશિંગ્ટનમાં પેન્ટાગોનનાં હેડ ક્વાર્ટર સાથે બીજું એક હાઈજેક કરેલું વિમાન ટકરાવવા કોશિષ કરાઈ હતી. ફ્લાય દુબઈનાં પાયલટનાં ઈરાદા તો ઘણા ખતરનાક હતા. તેણે મુખ્ય પાયલટ પર જીવલેણ હુમલો કર્યા પછી વિમાનનાં એન્જિન સાથે ચેડાં કરવાનાં પ્રયાસો કર્યા હતા. તેની આવી હરકતો ઓમાની પાયલટ આતંકી હોવાની સાક્ષી પૂરે છે. તે ક્યાં તો વિમાનને હવામાં જ ક્રેશકરવા માંગતો હતો અથવા તો કોકપીટનો કબજો લઈને કોઈ મોટી ઈમારત સાથે વિમાનને અથડાવા માંગતો હતો. વિમાનનાં મુખ્ય પાયલટે સમયસૂચકતા દાખવીને કોકપીટનો દરવાજો ખોલ્યો ન હોત અને અન્ય મુસાફરોની મદદ લીધી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મૂળ ભારતીય મુખ્ય પાયલટે હિંમત અને સુઝબૂઝ દાખવીને વિમાનને બચાવ્યું છે, વિમાનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને બચાવ્યા છે અને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. આ ઘટના પછી વિમાન ઉદ્યોગે અને એરલાઈન્સોએ હવે પદાર્થપાઠ શીખવાની જરૂર છે. વિમાનની સુરક્ષા માટેનાં નવા ઉપાયો વિચારવાનાં છે અને તેને અમલમાં મુકવાના છે. વિમાનનાં પાયલટની અને વિમાનની સુરક્ષા માટે સઘન તપાસ કરવાની છે. આમાં કોઈપણ પ્રકારની બેદરકારી હજારોનાં જીવ લઈ શકે છે. આ ઘટના પછી ફ્લાઈટ્સનું સંચાલન વધુ સતર્કતા માંગી લે છે. વિમાનમાં ક્રેશ એક્સ રાખવાનો વિકલ્પ પણ વહેલી તકે વિચારવો પડશે. અન્યથા આખી દુનિયા ખતરામાં મુકાઈ જશે.