બ્રિટિશ એરવેઝના પ્લેનમાં વૉશરૂમમાં ગુજરાતીમાં સૂચના હોય છે, *સફાઇ રાખો* સ્વિત્ઝરલેન્ડની હોટેલોમાં ભારતીયોને ધીમા અવાજે વાત કરવા સૂચના આપવા માં આવી છે. ભારત બહારના વિકસિત દેશોમાં ભારતીય નાગરિકની છાપ ગંદા, જાહેરમાં થૂંકતા, વૉશરુમ ગંદો કરતા, બુફેમાંથી ખાવાનું બેગમાં ભરી જતા જાહેરમાં મહિલાઓ સામે ટીકીને જોઈ રહેતા લોકો તરીકે ની છે. હા, આપણા દેશમાં પણ આપણું વર્તન આવું જ છે. પરંતુ અહી નાગરિક ફરજોનો ભંગ કરવો તે 'મોટા માણસ'ની નિશાની છે. આપણે ધાર્મિક લોકો તરીકે પણ જાણીતા છીએ. મંદિરમાં દર્શને જઈએ છીએ, કથા સાંભળી છીએ, આપણા સંપ્રદાયના ઓળખ ચિહનો ધારણ કરીએ છીએ, સંબોધનમાં અમુક ઈશ્વરની જય નો ઉચ્ચાર કરીએ છીએ. આમ કરતી વખતે આપણે કેટલા મહાન છીએ તેમ બતાવી છીએ. વિદેશી લોકો ભૌતિક સુખોમાં રાચે છે અને આપણે આધ્યાત્મિક છીએ તેમ પણ માનીએ છીએ. શ્રાવણનો પવિત્ર મનાસ આવ્યો છે. આપણું મંદિર દર્શન વધી જશે, સાથે દારૂ-જુગાર પણ ધર્મના નામે વધી જશે.   

ધર્મનો અર્થ થાય धारयते इति धर्म। અહી વસ્ત્ર ધારણ કે આભૂષણ ધારણની વાત નથી. કર્તવ્ય ધારણની વાત છે. આ ભારત મંદિરને આપણે બનાવ્યું છે અને આપણને અર્પણં કર્યું છે તેવું ભારતના બંધારણમાં લખ્યું છે. આથી ભારતીય નાગરિકતા આપણા સહુનો મજિયારો ધર્મ છે. અન્ય સંપ્રદાય મા તો અમુક રીત રિવાજ ન પણ પળાયાં તો તેને કાનૂની રીતે કઈજ ન કરી શકાય. પરંતુ નાગરિકત ધર્મનું પાલન કરવું ફરજિયાત છે. આપણા બંધારણના અનુચ્છેદ 51એમાં અગિયાર નાગરિક ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગિયાર ફરજો એટલે જ નાગરિક ધર્મ. આ ફરજોમાં દેશના બંધારણ અને કાયદાનું પાલન કરવું, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને અન્ય રાષ્ટ્રના પ્રતિકોનું સન્માન કરવું, સ્વાતંત્ર્ય સમયના રાષ્ટ્રના આદર્શોને અનુસરવું, દેશની સાર્વભૌમિકતાનું રક્ષણ કરવું, લોકોમાં સમાનતા અને ભાઈચારો વધારવો, આપણા સમૃધ્ધ વારસાનું જતન કરવું, જાહેર મિલકતનું રક્ષણ કરવું, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓમાં શ્રોષ્ઠતા હાંસલ કરવી અને 6થી 14 વર્ષના બાળકોને મફ્ત અને ફરજિયાત શિક્ષણનો સમાવેશ થાય છે. અલબત્ત, આપણા બંધારણમાં અન્યત્ર વૈજ્ઞાનિક મિજાજ (scientific temper) કેળવવાની ફરજ પણ લખી છે.   

 આપણે આપણા સાંપ્રદાયિક ધર્મનું પાલન તો જોરશોરથી કરીએ છીએ. પરંતું આ નાગરિક ધર્મનું પાલન કેટલી હદે કરીએ છીએ તે તપાસવું જરૂરી છે. સર્વ પ્રથમ વાત કરીએ આપણા જાહેર માર્ગો પરના વર્તનની. જાહેરમાં સિગારેટ પીવી, પાનની પિચકારી મારવી, માવાની પડીકી રસ્તા પર ફેંકવી, જાહેરમાં મળત્યાગ, પેશાબ અને સ્નાન એ બહુ જ સ્વાભાવિક ગણાય છે. વાસ્તવમાં આ વર્તનો માત્ર જાહેર મિલકતોના રક્ષણ ભંગનો જ નહીં, સ્વચ્છતાની ફરજનો પણ ભંગ કરે છે. મેં બહુ મોટા ગણાય તેવા લોકોને જાહેરમાં પાન-તમાકુ ખાઈને થૂંકતા જોયા છે. એક યુવાન આવા મોટા માણસને જાહેરમાં ન થૂંકવા માટે કહેવા ગયો તો તે મોટા માણસે કહ્યું, *તો તારા ખોબામાં થુંકું?* તેવી જ રીતે જાહેરમાં વાહન ચાલન પણ આ નિયમોના ભંગમાં આવે. ખાસ કરીને આવો ભંગ આધુનિક મોંઘીદાટ મોબાઈક અને કાર ચલાવનાર ખાસ કરે છે. માન્ય ઝડપ કરતાં વધુ ઝડપથી વાહન ચલાવવું, કાચ પર કાળી પ્લાસ્ટિક ફ્લ્મિ ચડાવવી, પિયુસી કે વીમો નિયમિત ન કરવા, સગીરને વાહન ચલાવવા આપવું, ટ્રાફ્કિ સિગ્નલ તોડીને નીકળી જવું, જમણી બાજુ વાહન ચલાવવું જેવા અનેક કાનૂન ભંગ કિસ્સાઓમાં આપણને આનંદ આવાતો હોય છે. આ બધી બાબતોમા આપણને આપણો વટ પડતો હોય તેવું લાગે છે. જો પોલીસ પકડે તો *તું જાણે છે,હુ કોણ છું?* કહી પોતે બહુ મોટા માણસ સાથે સંબંધ ધરાવે છે તેવું પુરવાર કરવું સ્વાભાવિક બની ગયું છે.આવા લોકો લાજતા નથી, પરંતુ ગાજે છે.   

 જાહેર મિલ્કતોનો ખાનગી ઉપયોગ ન કરવો તે પણ નાગરિક ધર્મ છે. આજકાલ મોટા ભાગના લોકો પાસે પોતાના વાહનના પાર્કિંગની જગ્યા નથી. તેઓ જાહેર માર્ગો પર વાહન પાર્ક કરે છે. આ સદંતર ગેરકાયદે છે. જેમની પાસે પાર્કિંગ જગ્યા નથી તેમને વાહન ખરીદી માટે શા માટે મંજૂરી આપવામાં આવે છે? તેવી જ રીતે પોતાના ઇ વાહનોનું સરકારી મકાનોમાં ચાર્જિંગ કરવું, સરકારી મિલ્કતોમાં ગેર કાયદે રહેવું, સરકારી મિલકતમાં ખાનગી વેપાર ચલાવવો, બિન અધિકૃત વ્યક્તિઓ સરકારી કચેરીમાં બેસી સરકારી કામમાં ડખલ કરે, સરકારી વાહનોમાં ખાનગી પ્રવાસ કરવા, સરકારી વાહનોમાં ગેર કાનૂની વસ્તુઓ ની હેરફેર કરવી વ. બાબતો બહુ જ સામાન્ય બની ગઈ છે. અહી રક્ષક જ ભક્ષક બને છે. જાહેર મિલ્કતોનો અન્ય દુરુપયોગ એટલે જાહેરમાં કાર્યક્રમોની આયોજન કરવું. ટ્રાફ્કિને અડચણ થાય તે રીતે સરઘસો કાઢવા, જાન પ્રસ્થાન કરવું અને વચમાં રસ્તામાં જ નૃત્ય કરવું, સાંપ્રદાયિક સરઘસો પણ જાહેર રસ્તા પાર દબાણો કરે છે. જાહેર રસ્તા પર શરૂમાં એક ઇંટ મૂકી દીવો કરવો કે લીલું કપડું મૂકવું પછી ધીમે ધીમે ત્ય કોઈ ધાર્મિક સ્થાન બનાવી દેવું તે આપણી ફ્તિરત છે. જો કોઈ મનાઇ કરે તો આપણી 'ધાર્મિક લાગણી' ઘવાય છે. કેમ જાણે આપણી લાગણી ગેર કાનૂની કામોમાં સચવાતી હોય? જો કોઈ આમ કરવાની ના પાડે તો લોકો તાડૂકી ઉઠે છે, *જો તો આ ધર્મના કામમાં ના પાડે છે. તને પાપ લાગશે અને તું રૌરવ નરકમાં જઈશ.* જાહેર મિલકતનો વેપારી દુરુપયોગ પણ એટલો જ ખતરનાક છે. આમ તો ફ્ુટપાથો ચાલવા માટે બની છે. પરંતુ દરેક દુકાનદાર પોતાની દુકાનનું વિસ્તરણ જાહેર ફૂટપાથ પર બોર્ડ મૂકીને, સામાન મૂકીને, એકાદ ટેબલ ખુરસી મૂકીને, સીડી બાંધીને, કે કોઈ આકર્ષક ચીજ મૂકીને કરે છે. પછી ધીમે ધીમે ફૂટપાથ પર આગળ બે ફૂટ ચણીને દરવાજો મૂકી દે છે. તો લારીવાળા, ખુમચા વાળા, પાથરણા વાળ, ફેરિયા, મોચી કે કુંભાર જેવા જયાં મળે ત્યાં બેસી જાય છે. આમાંના બધા જ ગરીબ છે તેવું માની લેવાની જરૂર નથી. એક મોટી રેસ્ટોરાં ચેન ચલાવનારે ફૂટપાથ પર ચા અને નાસ્તાની લારીથી શરૂઆત કરી હતી.   

બેંકમાં, વસ્તુ વિતરણમાં, બિલ ચુકવણીમાં, બસ, ટ્રેન કે મેટ્રોમાં ચડવામાં જેવી અનેક જગ્યાઓમાં લાઇન હોય છે. કેટલાક લોકોને લાઇનમન ઊભા રહેવું પોતાના ગૌરવ વિરુદ્ધધનું લાગે છે. તેથી તેઓ *પાર્ટનર, મારે જરા મોડું થાય છે, તેથી મારુ કામ પહેલા કરી આપો* તેમ તદ્દન બેશરમ બનીને કહે છે. આવા લોકોને વટ નો સવાલ હોય છે કે હું શા માટે લાઇનમમાં ઊભો રહું? પછી ભલે કામ પતાવી બહાર જઈ મિત્રો સાથે ચા પીતાં ગપ્પાં મારે. વાસ્તવમાં નિયમ તો એવો છે કે વૃધ્ધો, દિવ્યાંગો, મહિલાઓ કે બાળકોને લાઇનમાં પ્રથમ તક આપવાની હોય છે. પરંતુ મે ભલભલી સરકારી કચેરીઓમાં આ શ્રોણીના લોકોને લાઇનમાં ઊભા રહેતા જોયા છે એટલું જ નહીં, *એ બુઢા, જરા દૂર ખસ* કહી યુવાનો તેમણે હડસેલો મારે તેવું પણ જોયું છે.   

 ગેરકાનૂની બાંધકામો એ બહુ મોટો સવાલ બની રહેવાનો છે. શરૂમાં નિયમ મુજબ પ્લાન પાસ કરાવીને બાંધકામ શરૂ કરનાર પછીથી પ્લાન સિવાયનું બાંધકામ કરી નાખે તે વાત હવે બહુ જ સ્વાભાવિક બની ગઈ છે. એક આખો માળ કે પેન્ટ હાઉસ ગેર કાનૂની હોય, મંજૂરી કરતાં વધુ મકાન બાંધ્યા હોય અને અછી તેનું દબાણ ગટર લાઇન, વીજળી લાઇન કે કછર નિકાલ વ્યવસ્થા પર પડે છે. ક્યારેક ગેર કાનૂની ગટર કે વીજળી જોડાણો પણ સમસ્યા બને છે. મકાન રહેઠાણ માટે બન્યું હોય પરંતુ તેનો ઉપયોગ ધંધા માટે થતો હોય તે તો બહુ સ્વાભાવિક થઈ ગયું છે. ટયુશન, સંગીત વર્ગો, ચિત્ર વર્ગો, ખાખરા જેવી ખાદ્ય વસ્તુઓ બનાવવી, સિલાઈ કામ, ટિફ્નિ સેવા, ક્લિનિક ચલાવવું વ. અનેક ધંધાકીય કામો રહેણાંક મકાનોમાં થાય છે. સુરતમાં તો ઘરમાં શાળા ચાલતી હોય અને શાળાની નીચે જ વ્યક્તિ સૂઈ જાય તેવું બને છે. આ સવાલ માત્ર મોટા બંધકામોનો જ નથી. ગામડામાં ગોચરો પર અવૈધ કબજો અને તેમઆ ગેર કાનૂની બાંધકામ કે ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આમ આ બળિયાના બે ભાગ જેવી સ્થિતિ છે. ગોચરો જતા ગાય ના ચરિયાણ ને નુકસાન થાય છે, એક બાજુ ગૌરક્ષા અને ગોકૃષિ બહુ જ જરૂરી છે ત્યારે ગોચરો જ નાશ પામતા હોય તો આપણે ગાયની સેવા કઈ રીતે કરી શકશું? ગાયની પૂજા જરૂરી છે એટલું જ ગાયની સાચવણી પણ જરૂરી છે. આની સાથે એ જોવું પણ જરૂરી છે કે જે વેપારિઓ, ડોકટરો, વકીલો, તથા અન્ય સેવા આપનાર સેવાની રકમ તો લે છે પરંતુ બિલ આપતા નથી તેઓ કાળા અર્થકારણ ને ટેકો કરે છે. આથી બને એટલું પેમેન્ટ માત્ર યુપીઆઈથી જ થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. રોકડ વ્યવહાર જેટલો ઓછો થશે એટલો નાગરિક ધર્મ ખીલી ઉઠશે.   

 પર્યાવરણને નુકસાન પણ નાગરિકોની ફરજોનો મહત્વનો મુદ્દો બને છે. પાકની દવાથી માત્ર ખેતીને જ નહીં, માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, વૃક્ષો કપાય છે, કાર્બન ઉત્સર્જન જણે તેથી ગરમીનું પ્રમાણ વધતું જાય છે, ઔદ્યોગિક પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, વધતું જાય છે. શહેરીકરણ વધતું જાય છે. જલસ્રોતો મર્યાદિત થઈ રહ્યા છે. આથી પર્યાવરણને નુકસાન થાય છે અને કુદરત સાથે સામંજસ્યથી રહેવાની નાગરિક ફરજ ભયમાં મુકાય છે. વૈજ્ઞાનિક અભિગમ કેળવવો તે પણ નાગરિકની ફરજ છે. પરંતુ આપણા યુવા વર્ગને વૈજ્ઞાનિક અભિગમની તાલીમ કોઈ અભ્યાસક્રમમાં નથી અપાતી. આપણા યુવાનો વિજ્ઞાનીઓ ત્યારે જ બનશે જ્યારે તેઓ વિજ્ઞાન વિચારશે.   

 આપણે ધાર્મિક લોકો છીએ. આપણે આપણું અને સમાજનું ભલું કરવા માંગી છીએ. પરંતુ આપણે એ સ્વીકારવું જોઈએ કે ધર્મ આપણને મૃત્યુ પછી મુક્તિ અપાવશે, જ્યારે નાગરિક ધર્મનું પાલન આપણને આ જન્મમાં આ જ મુક્તિ અપાવશે. જો આપણું વર્તન નાગરિક ધર્મ મુજબનું હશે તો આપણે વિશ્વમાં સ્વીકૃતિ પમાંશુ અને વિશ્વગુરુ બનવા તરફ્ની આપની મજલ સફ્ળ થશે. હવે આપણને નાગરિક ધર્મ તરફ્ પ્રેરે તે માટે એક નવા ખા ભગતની જરૂર છે.