સ્નેહલ જોશી, અધ્યાપિકા, સુરતઃ કોલેજમાં વિદ્યાર્થીઓ નિયમિત આવતા નથી. આર્ટસ કોમર્સ કોલેજમાં તો ભાગ્યેજ આવે છે. તો વિદ્યાર્થીઓની ગેરહાજરી કોલેજમાં કેમ છે? તેના ઉપાય શું?  

કોલેજના વર્ગખંડમાં પ્રવેશીએ ત્યારે એક દૃશ્ય અવારનવાર જોવા મળે છે. રજિસ્ટરમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય, પરંતુ વર્ગખંડમાં 60-65 વિદ્યાર્થીઓ જ દેખાય. ઘણી આર્ટસ અને કોમર્સ કોલેજોમાં તો 100 વિદ્યાર્થીઓના વર્ગમાં 10-15 વિદ્યાર્થીઓની હાજરી હોય તેવું પણ જોવા મળે છે. આ ગેરહાજરી એકાદ દિવસની નથી, પરંતુ સતત હોય છે. આચાર્ય જાણે છે, અધ્યાપક જાણે છે અને શિક્ષણ તંત્ર પણ જાણે છે; છતાં આ સમસ્યા યથાવત્ છે. તેથી પ્રશ્ન એ નથી કે વિદ્યાર્થી કોલેજમાં કેમ નથી આવતો; પ્રશ્ન એ છે કે તેને કોલેજમાં આવવાનું મન કેમ થતું નથી? 

આજના વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી, મોબાઇલમાં રસ છે' એવું કહેવામાં આવે છે. પરંતુ મોબાઇલ પોતે સમસ્યા નથી. આજનો વિદ્યાર્થી મોબાઇલથી વિશ્વની શ્રોષ્ઠ યુનિવર્સિટીઓનાં વ્યાખ્યાનો સાંભળી શકે છે, કોઈપણ વિષય પર વિડિયો જોઈ શકે છે, ઈ-બુક વાંચી શકે છે અને પોતાની શંકાનું સમાધાન શોધી શકે છે. કોલેજમાં તેને માત્ર પુસ્તકમાંથી વાંચીને સમજાવવામાં આવે, નોટ્સ લખાવવામાં આવે અને પરીક્ષામાં શું આવશે તેની જ ચર્ચા થાય, તો તે વિચારે કે 'આ બધું તો મને ઘરે બેઠાં મળી શકે છે, તો પછી હું રોજ કોલેજ શા માટે જાઉં?' આ કારણનો ઉપાય મોબાઇલ છીનવી લેવાનો નહીં, પરંતુ મોબાઇલ કરતાં વધુ મૂલ્યવાન અનુભવ વર્ગખંડમાં આપવાનો છે. શિક્ષકે ચર્ચા, પ્રયોગ, પ્રેઝન્ટેશન, જૂથકાર્ય, પ્રશ્નોત્તરી અને વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વર્ગને એવો બનાવો જોઈએ કે વિદ્યાર્થીને લાગે કે 'આ અનુભવ મને મોબાઇલમાંથી મળવાનો નથી.'  

બીજું કારણ છે શિક્ષણપદ્ધતિમાં એકવિધતા. પચાસ મિનિટ સુધી એક જ વ્યક્તિ બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે, નોટ્સ લખે અને બહાર નીકળી જાય તો રસ ઘટવો સ્વાભાવિક છે. શિક્ષક ખૂબ જ્ઞાની હોય છતાં તેની રજૂઆત એકતરફી હોય તો વિદ્યાર્થીનું ધ્યાન જળવાઈ રહે તે જરૂરી નથી. માટે શિક્ષણને પ્રવચનમાંથી સંવાદમાં ફેરવવું. એક જ પિરિયડમાં થોડું સમજાવવું, પછી પ્રશ્ન કરવો, વિદ્યાર્થીઓને ચર્ચામાં જોડવા, તેમના વિચારો સાંભળવા આથી વિદ્યાર્થી માત્ર હાજર નહીં રહે, પરંતુ સક્રિય પણ બનશે.  

કેટલાક વિદ્યાર્થીઓની ગેરહાજરીનું કારણ ખરાબ મિત્રમંડળ છે. શરૂઆતમાં મિત્ર કહે, 'આજે એક લેકચર છોડીએ,' પછી એક દિવસ બે દિવસ બને અને ધીમે ધીમે ગેરહાજરી ટેવ બની જાય. સારો વિદ્યાર્થી પણ ખોટી સંગતમાં આવીને અભ્યાસથી દૂર થઈ શકે છે. અહીં સજા કરતાં મેન્ટરિંગ વધુ અસરકારક છે. શિક્ષકે વિદ્યાર્થી સાથે વ્યક્તિગત વાતચીત કરીને વિદ્યાર્થીને સારા મિત્રવર્તુળ, રમતગમત, કલા, પ્રોજેક્ટ કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેની ઊર્જાને યોગ્ય દિશા આપી શકાય.  

કેટલાક વિદ્યાર્થીઓ માટે ફી ઉપરાંત પુસ્તકો, નોટ્સ, મુસાફરી અને અન્ય શૈક્ષણિક ખર્ચ પણ મુશ્કેલ બની શકે છે. આવા વિદ્યાર્થીને બેદરકાર ગણવો અન્યાય છે. કોલેજે શિષ્યવૃત્તિ, ફી હપ્તાની સુવિધા, પુસ્તકોની બેંક અને ઉપલબ્ધ સરકારી સહાય અંગે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીને માત્ર ક્ષ્કોલેજ આવોખ્ કહેવું પૂરતું નથી; કોલેજે તેને આવવામાં મદદ કરવી જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓને પરિવારની આવકમાં મદદ કરવી પડતી હોય છે. કોઈ વિદ્યાર્થી પિતાની દુકાને બેસતો હોય, પરિવારના ધંધામાં હાથ બટાવતો હોય, ખેતીમાં મદદ કરતો હોય અથવા અન્ય કોઈ કામ કરીને પરિવારની આવકમાં ફળો આપતો હોય. આવા વિદ્યાર્થીઓ માટે કોલેજ અને પરિવાર વચ્ચે પસંદગી કરવી સરળ નથી. આવા વિદ્યાર્થીને માત્ર ગેરહાજરીના આંકડાથી બેદરકાર ગણવો યોગ્ય નથી. કોલેજે તેની પરિસ્થિતિ સમજીને વધારાનું માર્ગદર્શન અને શક્ય હોય ત્યાં સમયનું યોગ્ય આયોજન કરીને તેને અભ્યાસ સાથે જોડાયેલો રાખવો જોઈએ. પરિવારની જવાબદારી નિભાવતો વિદ્યાર્થી ગેરહાજર છે એટલે તે શિક્ષણ પ્રત્યે ઉદાસીન છે, આવો સીધો નિર્ણય નહીં, પરંતુ તેની પરિસ્થિતિને સમજતો માનવીય અભિગમ જરૂરી છે.  

ગેરહાજરીનું એક કારણ ગયા વર્ષે વિદ્યાર્થીનું પરિણામ નબળું આવ્યું હોય. તો તેના મનમાં નિષ્ફ્ળતા કે શરમની લાગણી ઘર કરી શકે છે. પરિણામે ગેરહાજરી વધે, આવા વિદ્યાર્થી સાથે મેન્ટર બેસીને મુશ્કેલ વિષય ઓળખે, વધારાનું માર્ગદર્શન આપે અને નાના લક્ષ્યાંક નક્કી કરાવે. વિદ્યાર્થીને ફરીથી આત્મવિશ્વાસ મળે એ અહીં મુખ્ય ઉપાય છે. કેટલાક વિદ્યાર્થીઓને વિષય સમજાતો નથી એટલે તેઓ વર્ગમાં આવવાનું ટાળે છે. વિદ્યાર્થી નક્કી કરી લે છે કે 'આ વિષય તો મારાથી થવાનો જ નથી.' તેનો ઉપાય નબળા વિદ્યાર્થીઓને અલગ પાડવાનો નહીં, પરંતુ તેમને વધારાની શૈક્ષણિક મદદ આપવાનો છે. સરળ ભાષામાં પુનઃસમજૂતી, નાના અભ્યાસ જૂથો, સહાધ્યાયી સહાય અને વધારાના સત્રો દ્વારા વિદ્યાર્થીને ફરી વિષય સાથે જોડવો જોઈએ.   

કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય થયો હોય, તેની વાત સાંભળવામાં ન આવી હોય અથવા તેની ફરિયાદને ગંભીરતાથી લેવામાં ન આવી હોય તો તેના મનમાં સંસ્થા પ્રત્યે અવિશ્વાસ ઊભો થાય છે. તેનો ઉપાય પારદર્શક અને સંવેદનશીલ ફરિયાદ વ્યવસ્થા ઊભી કરવી છે. છોકરીઓની વધુ ગેરહાજરીનું કારણ સલામતી, પરિવહન, ઘરનું વાતાવરણ, પરિવારની મર્યાદાઓ અને ઘરકામની જવાબદારીઓ હોઈ શકે. કોઈ વિદ્યાર્થીનીને 'તું નિયમિત કેમ નથી આવતી?' પૂછવા કરતાં 'કોલેજ આવવામાં તમને કોઈ મુશ્કેલી કે અસુરક્ષા તો નથી ને?' પૂછવું વધુ માનવીય અભિગમ છે. લગ્ન પછી અભ્યાસ ચાલુ રાખતી વિદ્યાર્થીનીઓને ઘરકામ, સાસરીની જવાબદારી, પતિની નોકરીનું સ્થળ, સંતાનની સંભાળ અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે નિયમિત કોલેજ આવવું મુશ્કેલ બની શકે છે. આવી વિદ્યાર્થીનીઓને બેદરકાર ગણવાને બદલે તેની વાસ્તવિક પરિસ્થિતિ સમજવી જોઈએ. શક્ય હોય ત્યાં આત્મીય ભાવે સલાહ, વધારાનું શૈક્ષણિક માર્ગદર્શન, અભ્યાસસામગ્રી અને જરૂરી શૈક્ષણિક લવચિકતા આપવી જોઈએ.   

આપણે વારંવાર કહીએ છીએ કે આજના વિદ્યાર્થીઓ બદલાઈ ગયા છે. હા, વિદ્યાર્થીઓ બદલાયા છે; પરંતુ તેમની સાથે દુનિયા પણ બદલાઈ છે. જ્ઞાન મેળવવાની રીત બદલાઈ છે, ટેક્નોલોજી બદલાઈ છે, વ્યવસાયોની દુનિયા બદલાઈ છે તો પછી વર્ગખંડ કેમ ન બદલાય?  

રજિસ્ટરમાં હાજરી 90 ટકા હોય અને વિદ્યાર્થીઓના ચહેરા પર કંટાળો હોય તો એ શિક્ષણની સફ્ળતા નથી. ગેરહાજરીના આંકડા પાછળ છુપાયેલા દરેક વિદ્યાર્થીને એક જ માપદંડથી ન જોવો જોઈએ. કોઈને સારા મિત્રની જરૂર છે, કોઈને સન્માનની, કોઈને આર્થિક સહાયની, કોઈને વિષયની સમજની, કોઈને આત્મવિશ્વાસની, કોઈને પરિવારની જવાબદારીમાંથી થોડો સહકાર જોઈએ છે અને કોઈને માત્ર એટલી ખાતરીની જરૂર છે કે કોલેજમાં કોઈ તેની વાત સાંભળનાર છે.વિદ્યાર્થીના મનમાં 'કોલેજમાં જવું પડશે'ના બદલે 'આજે કોલેજ જવું છે' એવો ભાવ જન્મે, ત્યારે જ હાજરીનો સાચો પ્રશ્ન ઉકેલાશે.  

અશોકી : હાજરી દબાણથી નહીં, રસથી વધે; અને રસ શિક્ષણની ગુણવત્તામાંથી જન્મે છે.