તહેવાર આવતા જ બજારનું વાતાવરણ બદલાઈ જાય છે. દુકાનોની રોશની વધી જાય છે. મીઠાઈની સુગંધ વધવા લાગે છે. પરંતુ આ વખતે એક સવાલ પણ વધી રહ્યો છે. શું તહેવારની મીઠાશ આપણા ખિસ્સા પર ભારે પડવાની છે? ખાંડના ભાવને લઈને ચિંતા વધી છે. મામલો માત્ર ખાંડ મોંઘી થવાનો નથી. તેની પાછળ શેરડી છે. શેરડીની પાછળ ખેડૂત છે. ખેડૂતની પાછળ પાણી, વીજળી, ખાતર અને ખેતીનો ખર્ચ છે. અને સૌથી આગળ છે કરોડો ગ્રાહકોનું રસોડું. આ જ કારણ છે કે ખાંડનું બજાર માત્ર બજાર નથી. તે ઘરના રસોડાથી લઈને ખેડૂતના ખેતર અને સરકારની નીતિ સુધી જોડાયેલો મુદ્દો છે.
તહેવાર આવ્યો અને ખાંડનું સંકટ સામે આવ્યું
ભારતમાં તહેવાર અને મીઠાઈ લગભગ એકબીજાના પર્યાય છે. રક્ષાબંધન હોય. જન્માષ્ટમી હોય. નવરાત્રિ હોય. દશેરા હોય. દિવાળી હોય. દરેક મોટા તહેવાર પર ખાંડની માંગ વધે છે. મીઠાઈની એક દુકાન પર નજર નાખો. રસગુલ્લા. ગુલાબજામુન. બરફી. પેંડા. જલેબી. લાડુ. તેમાં ખાંડની ભૂમિકા કેટલી મોટી છે, તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે ખાંડના ભાવમાં સામાન્ય ફેરફાર પણ મીઠાઈની પડતર કિંમતને અસર કરે છે. પરંતુ આ વખતે વાતમાત્ર માંગ વધવાની નથી. ખાંડની ઉપલબ્ધતા, ઉત્પાદન, નિકાસ અને ઇથેનોલની માંગ વચ્ચે સંતુલન જાળવવું મોટો પડકાર બની ગયો છે. આ જ અસલી કહાની છે.
ઉત્પાદન વધ્યું, છતાં ભાવનો ડર કેમ?
પહેલી નજરે મામલો ઊલટો દેખાય છે. દેશમાં ખાંડનું ઉત્પાદન નબળું નથી. પરંતુ ઉત્પાદનનો મોટો આધાર પણ ઉપલબ્ધ છે. ભારત વિશ્વના મુખ્ય ખાંડ ઉત્પાદક દેશોમાં સામેલ છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક દેશનાં મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યો છે. પરંતુ ખાંડનું બજાર માત્ર એટલા પરથી નક્કી થતું નથી કે કેટલી ખાંડનું ઉત્પાદન થયું. એ પણ જોવું પડે કે કેટલી ખાંડ બજારમાં આવી. કેટલી નિકાસ થઈ. કેટલી ઇથેનોલના ઉત્પાદન માટે ગઈ. અને આગામી સિઝન માટે કેટલી બચી. અહીંથી અસલી ગણિત શરૂ થાય છે.
એક રિપોર્ટ અનુસાર, 2023-24માં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે 33.10 લાખ મેટ્રિક ટન અને 2024-25માં આશરે 27.08 લાખ મેટ્રિક ટન થયું હતું. આંકડા દર્શાવે છે કે ઉત્પાદનમાં આવતી વધઘટ બજાર પર અસર કરી શકે છે. બીજી તરફ્ સરકાર સામે વધુ એક લક્ષ્ય છે - ઇથેનોલ.
ખાંડ બનાવવી કે ઇથેનોલ? આ જ સૌથી મોટો સવાલ
શેરડીમાંથી માત્ર ખાંડ જ બનતી નથી. શેરડીમાંથી ઇથેનોલ પણ બને છે. અને ઇથેનોલ હવે દેશની ઊર્જા નીતિનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય વધારવામાં આવ્યું છે. તેના કારણે શેરડી અને ખાંડ ઉદ્યોગ સામે એક નવું બજાર ઊભું થયું છે. પરંતુ અહીં એક રસપ્રદ ટકરાવ પણ છે. જો શેરડીના વધુ ઉત્પાદનનો ઉપયોગ ઇથેનોલ તરફ્ જાય તો પેટ્રોલિયમની આયાત પર દબાણ ઘટી શકે છે. વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે છે. ખેડૂતોને શેરડી માટે વધુ સારું બજાર મળી શકે છે. પરંતુ બીજી તરફ્ ખાંડની ઉપલબ્ધતા પર અસર પડી તો સ્થાનિક ભાવ વધી શકે છે. એટલે કે એક જ શેરડી બે અલગ-અલગ જરૂરિયાતો વચ્ચે ઊભી છે. એક તરફ્ ઊર્જા સુરક્ષા. બીજી તરફ્ ખાદ્ય ચીજોના ભાવ. સરકાર સામે પડકાર એ છે કે બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું.
મોંઘી ખાંડ ખેડૂત માટે હંમેશાં સારા સમાચાર નથી
સામાન્ય ગ્રાહક વિચારી શકે છે કે ખાંડ મોંઘી થશે તો ખેડૂતને ફાયદો થશે. પરંતુ મામલો એટલો સરળ નથી. શેરડીની ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાતર મોંઘું છે. ડીઝલ મોંઘું છે. સિંચાઈ મોંઘી છે. મજૂરી મોંઘી છે. ખેતીનાં મશીનોનો ખર્ચ પણ વધી રહ્યો છે. ખેડૂત ઇચ્છે છે કે તેને શેરડીનો યોગ્ય ભાવ મળે. સમયસર ચુકવણી મળે. સુગર મિલ ઇચ્છે છે કે તેની પડતર કિંમત નિયંત્રણમાં રહે. તેને બજારમાં ખાંડનો યોગ્ય ભાવ મળે. સરકાર ઇચ્છે છે કે ગ્રાહક પર અચાનક મોંઘવારીનો બોજ ન પડે. ત્રણેયની જરૂરિયાતો અલગ છે. આ જ કારણ છે કે ખાંડનું બજાર માત્ર વ્યાપારિક મુદ્દો નથી. તે કૃષિ નીતિનો પણ સવાલ છે.
અસલી દબાણ મીઠાઈની દુકાન પર દેખાશે
હવે તેની સીધી અસર ક્યાં જોવા મળશે? મીઠાઈની દુકાન પર. મીઠાઈના વેપારીની પડતર કિંમતમાં માત્ર ખાંડ જ નથી હોતી. દૂધ છે. માવો છે. ઘી છે. સૂકા મેવા છે. ગેસ અને વીજળી છે. મજૂરી છે. પેકેજિંગ છે. આમાંથી એક પણ વસ્તુ સતત મોંઘી થાય તો દુકાનદાર સામે બે રસ્તા હોય છે. કાં તો ભાવ વધારે. અથવા પોતાનું માર્જિન ઘટાડે. તહેવારોમાં બીજો વિકલ્પ લાંબો સમય ચાલી શકતો નથી. તેથી જો ખાંડના ભાવ ઉપર જાય તો તેની અસર માત્ર એક કિલો ખાંડની થેલી સુધી મર્યાદિત નહીં રહે. મીઠાઈના ભાવ પર પણ તેની અસર જોવા મળશે. આ જ એ જગ્યા છે જ્યાં સામાન્ય માણસને મોંઘવારીનો સીધો અનુભવ થાય છે.
પરંતુ કહાનીનો બીજો ચહેરો પણ છે
ખાંડ ઉદ્યોગ માત્ર મીઠાઈ વેચનારાઓની કહાની નથી. તે લાખો ખેડૂતો સાથે જોડાયેલો ઉદ્યોગ છે. ખાંડ મિલો સાથે જોડાયેલો છે. પરિવહન સાથે જોડાયેલો છે. શ્રમિકો સાથે જોડાયેલો છે. બેન્કિંગ અને ચુકવણી વ્યવસ્થા સાથે પણ જોડાયેલો છે. ખાંડ મિલોની આર્થિક સ્થિતિ ખરાબ થાય તો સૌથી પહેલાં તેની અસર શેરડીની ચુકવણી પર પડી શકે છે. મિલોની સ્થિતિ સારી હોય તો ખેડૂતોને ચુકવણી કરવાની તેમની ક્ષમતા વધે છે. આથી ખાંડના ભાવને ખૂબ નીચા રાખવાની નીતિ પણ હંમેશાં ઉકેલ નથી. સવાલ એ હોવો જોઈએ કે એવો કયો ભાવ હોવો જોઈએ, જેમાં ખેડૂતને યોગ્ય વળતર મળે, મિલ ચાલુ રહે અને ગ્રાહક પર પણ અસહ્ય બોજ ન પડે. એટલે ઉકેલ માત્ર ક્ષ્ખાંડ સસ્તી કરોખ્ નથી. ઉકેલ છે - સમગ્ર વેલ્યુ ચેઇન વચ્ચે સંતુલન જાળવો.
સરકાર સામે સૌથી મુશ્કેલ પરીક્ષા
સરકાર સામે આવનારા સમયમાં ત્રણ મોટા પડકારો છે.
પહેલો - તહેવારો દરમિયાન ખાંડનો પૂરતો જથ્થો સુનિશ્ચિ કરવો.
બીજો - ખાંડના ભાવમાં અચાનક વધારો થતો અટકાવવો.
ત્રીજો - ઇથેનોલ અને ખાંડ વચ્ચે સંતુલન જાળવવું.
પ્રસ્તુત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે ખાંડની ઉપલબ્ધતા અને ભાવને નિયંત્રણમાં રાખવા માટે નીતિગત પગલાં લીધાં છે. કાચી ખાંડની આયાત અંગે પણ નીતિ સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ માત્ર આયાત કે નિકાસ નીતિથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. ભારતને ખાંડ માટે લાંબા ગાળાની વ્યૂહરચનાની જરૂર છે. કેટલી શેરડી જોઈએ? કેટલી ખાંડ જોઈએ? કેટલું ઇથેનોલ બનાવવું છે? કેટલી નિકાસ કરવી છે? અને કેટલો બફર સ્ટોક રાખવો છે? આ સવાલોના જવાબ દર વર્ષે બજાર બગડયા પછી નહીં, પરંતુ અગાઉથી તૈયાર હોવા જોઈએ.
ખાંડની મીઠાશમાં છુપાયેલું કડવું સત્ય
તહેવારની મીઠાશ માત્ર ખાંડથી નથી આવતી. તેમાં ખેડૂતની મહેનત છે. શ્રમિકનો પરસેવો છે. મીઠાઈ વેપારીની મૂડી છે. અને ગ્રાહકનું ખિસ્સું છે. તેથી ખાંડનું સંકટ માત્ર ખાંડનું સંકટ નથી. તે આપણા કૃષિ મોડેલનો અરીસો છે. એક તરફ્ દેશને ઇથેનોલ જોઈએ. બીજી તરફ્ સસ્તી ખાંડ જોઈએ. ખેડૂતને વધુ સારો ભાવ જોઈએ. મિલને નફો જોઈએ. અને ગ્રાહકને મોંઘવારીમાંથી રાહત જોઈએ. ચારેયને એકસાથે ખુશ કરવા સરળ નથી. પરંતુ આ જ સરકારની અસલી પરીક્ષા છે. કારણ કે તહેવારમાં મીઠાઈ મોંઘી થવી માત્ર બજારના સમાચાર નહીં હોય. આ તે ખેડૂતના સમાચાર પણ હશે, જેણે શેરડી ઉગાડી. તે મિલના સમાચાર પણ હશે, જેણે શેરડી ખરીદી. તે દુકાનદારના સમાચાર પણ હશે, જેણે મીઠાઈ બનાવી. અને તે પરિવારના સમાચાર પણ હશે, જે તહેવાર પર પોતાના બાળકો માટે મીઠાઈ ખરીદવા બજારમાં પહોંચ્યો. આથી આ વખતે સવાલ માત્ર એટલો ન હોવો જોઈએ કે ખાંડનો ભાવ કેટલા રૂપિયા કિલો છે. સવાલ એ હોવો જોઈએ - ક્કખાંડના ભાવ પાછળની સમગ્ર રમત શું છે? અને જો આ સંતુલન જાળવી શકાય નહીં તો ખતરો માત્ર ખાંડના ભાવ વધવાનો નથી. ખતરો એ છે કે આવનારા તહેવારોમાં મીઠાઈ તો એ જ રહેશે, પરંતુ તેને ખરીદવાની ખુશી કડવી થઈ જશે.
