આર્થર એશ યુ.એસ. ઓપન ટેનિસ ચેમ્પિયન બન્યો તેની આસપાસની આ ઘટના છે.
આર્થર જીની સાથે પરણ્યો ત્યારબાદ તે એક દીકરીનો પિતા બન્યો હતો. આમ તો એમણે વિચારી રાખ્યું હતું કે જીનીને દીકરો આવશે તો કેમેરોન નામ આપીશું અને દીકરી અવતરશે તો કેમેરા એવું નામ પાડીશું. અમેરિકામાં છોકરીઓ માટે 'કેમેરા' નામ હોતું નથી પરંતુ કેમેરોન નામનું સ્ત્રૈણ કરીને *કેમેરા* નામ ઉપસાવવામાં આવ્યું હતું. જોગાનુજોગ આર્થરની પત્ની જીની સારી ફોટોગ્રાફી પણ જાણે છે.
આર્થર એક ઉત્તમ ટેનિસ પ્લેયર તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યો હતો. પત્ની જીની અને તેમની પુત્રી એમ ત્રણ જણનું નાનકડું કુટુંબ મજેથી જિંદગી બસર કરતું હતું. એવામાં એક દિવસ આર્થરને તાવ આવ્યો. દવાઓ લેવા છતાં તાવ મટતો નહોતો. લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું અને રિપોર્ટ આવ્યો કે આર્થરને એઇડ્સ છે.
જાણે કે એક ધરતીકંપ સર્જાયો.
જીની ધ્રૂજી ઊઠી.
કેમેરા હજી નાની હતી. તેને એઇડ્સની ગંભીરતાની ખબર નહોતી. પરંતુ આર્થર સ્પોર્ટ્સમેન હતો. ડૉક્ટરોએ કહી દીધું કે, 'આર્થર, તારી જિંદગી હવે સીમિત છે. એઈડ્સનો કોઈ ઉપાય નથી. તારે મૃત્યુનો સામનો કરવો જ રહ્યો.'
આર્થરે વાસ્તવિકતા સ્વીકારી લીધી.
આર્થર આમેય જ્યારે નવ જ વર્ષનો હતો ત્યારે એની મા ગુજરી ગઈ હતી. માતાની થોડીક થોડીક સ્મૃતિઓ એના મગજ પર હતી.
એને વાત્સલ્ય પ્રાપ્ત થયું નહોતું એટલે દીકરીને તે ખૂબ ચાહતો હતો. આર્થર અને જીનીએ નક્કી કરી નાંખ્યું કે બીમારીએ મૃત્યુને નજીક લાવી જ દીધું છે તો જે કોઈ સમય બચ્યો છે તે સમય ત્રણેય જણે બધાને ખૂબ ખુશ રહે તે માટે સારી રીતે જીવી લેવું.
કેમેરા હજી તો બે જ વર્ષની હતી.
આર્થરે જીનીને વિનંતી કરી : 'આપણે બધાં લાંબો સમય સુધી સાથે રહી શકીશું નહિ તેથી આપણા કૌટુંબિક જીવનને તું કેમેરામાં મઢી લે.'
જીની સ્વયં એક ફોટોગ્રાફર હતી.
આર્થરે પોતાની દીકરી સાથે ખૂબ તસવીરો પડાવીને તે મોટી થાય ત્યારે પિતાની છબી અને યાદ તેને કાયમ રહે તેવું ફેમિલી આલ્બમ છોડી જવા માંગતો હતો.
નાનકડી કેમેરાને પણ હવે ખબર પડવા માંડી હતી કે ડેડી બીમાર છે. આર્થરે અઠવાડિયામાં કોઈક કોઈકવાર મુલાકાતીઓને ના કહેવી પડતી.
આખો દિવસ એને આરામ કરવો પડતો. એ જ્યારે ઘેર હોય ત્યારે કેમેરા ડેડીનું ધ્યાન રાખતી.
હવે તે પાંચ વર્ષની થઈ ચૂકી હતી. એવામાં અમેરિકાના એક અખબારે આર્થરના એઇડ્સ વિષે સમાચાર પ્રગટ કરવાની તૈયારી કરવા માંડી ત્યારે આર્થરે કહ્યું કે 'મારી દીકરીને મારા આવનારા મોતની અત્યારથી ખબર ન પડે તો સારું છે.'
પરંતુ એ શક્ય નહોતું.
ત્રણેય જણ હવે જુદાં જુદાં સ્થળોએ સાથે જ ફરવા જતાં. કોઈ દરિયાકિનારે રેતીની ઢગલીઓ બનાવીને ખેલતા. કદીક ટેનિસ કોર્ટમાં જતાં. સૂર્યપ્રકાશ મેળવવા ખુલ્લામાં જઈ ગીતો ગાતાં. જીની ડેડી અને દીકરીની તસવીરો પાડતી. આખુંય પરિવાર અમેરિકામાં રહેતું હતું. એકવાર તેઓ લંડન પણ જઈ આવ્યાં. કેમેરા આર્થરના ખોળામાં બેસીને પુસ્તક વાંચતી.
આર્થરને દીકરી એટલી બધી પ્રિય હતી કે કેમેરાને બાથરૂમમાં બેસાડીને આર્થર ખુદ એને નવરાવતો. એના માથાના વાળ પણ ધોઈ આપતો. જીની એ બધી ક્ષણોને કેમેરામાં કેદ કરી લેતી.
સમયનું કાળચક્ર આગળ વધતું હતું. હવે તો અખબારોમાં પણ વાત આવી ગઈ કે ટેનિસ ચેમ્પિયન આર્થરને એઇડ્સ છે. સમાચારપત્રોમાં જાહેરાત થઈ ગયા બાદ તેઓ ન્યૂયોર્કના ઉપલા પૂર્વવિભાગમાં રહેવા ગયાં.
બીજા દિવસે શાળામાં કોઈકે કેમેરાને કહ્યું : 'કેમેરા ! મેં તારા ડેડીને કાલે ટી.વી. પર જોયા હતા. તેમને એઇડ્સ છે.'
કેમરાએ એની સખીને કહ્યું : 'મને ખબર છે.'
એ રાત્રે ખાણાના ટેબલ પર જીની અને આર્થર ખૂબ ચિંતામાં હતાં. ઘરમાં જે કાંઈ થઈ રહ્યું છે એની જાણ પુત્રીને કેવી રીતે કરવી તેની ગડમથલમાં તેઓ પડી ગયાં હતાં.
આર્થર અને જીનીએ કેમેરાને બોલાવીને કહ્યું : 'બેટા, અમે બાળકો માટે એક પુસ્તક તૈયાર કરવા માંગીએ છીએ. 'એઇડ્સના દર્દીની સાથે જિંદગી' વિષય પર એ બુક હશે. તું અમને મદદ કરીશ ?'
કેમેરાએ ખૂબ નિર્દોષભાવે પૂછયું : 'તમને એઇડ્સ કેવી રીતે થયો ?'
આર્થરે કહ્યું : '1983માં મને હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર બાદ મારા હૃદયનું ઑપરેશન કરાવવું પડયું હતું. આ ઑપરેશન દરમિયાન મારે બહારથી જે લોહી લેવું પડયું તે એઈડ્સના વાયરસવાળું હતું.'
કેમેરાએ ફરી પૂછયું : 'ડેડી, તમે જે વ્યક્તિનું લોહી લીધું તેને ખરેખર એઈડ્સ હતો ?'
હા. બેટા.'
આ વાત સાંભળીને તે સૂઈ ગઈ.
આર્થરે સહેજ હાશ અનુભવી. ઘરમાં એઇડ્સનો દર્દી હોવા છતાં આ રોગ જીની કે કેમરાને ટ્રાન્સફર થશે એવી એને બીક નહોતી. જીની અને કેમેરાનો બ્લડ ટેસ્ટ કરાવી લીધો હતો. બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આર્થર જાતે જ કેમેરાને સ્કૂલડ્રેસ પહેરાવતો હતો. રોજ રાત્રે એ ઊંઘી જાય તે પહેલાં એ પુસ્તકો વાંચી સંભળાવતો. પાર્કમાં લઈ જઈને નાનકડા વૃક્ષ પર ચડતાં શીખવતો. આર્થર એને મિયામી પણ લઈ ગયો અને ટેનિસ રમતાં પણ શીખવ્યું. 1975માં વિમ્બલ્ડનમાં એણે જીમી કોનોર્સને હરાવ્યો હતો તે જગા પણ બતાવી પણ આર્થરને ખબર હતી કે તે હવે કદીયે આ જગાએ પાછો નહીં આવી શકે.
આર્થર હવે વધુ બીમાર રહેવા લાગ્યો. કેમેરા હવે ડેડીનો તાવ માપતાં શીખી ગઈ હતી. સમય પ્રમાણે દવા આપી દેતી હતી. અશક્ત ડેડી સૂઈ ગયા હોય ત્યારે અવાજ ના થાય એ રીતે તે રમતી. આર્થરને હવે વારંવાર હૉસ્પિટલમાં રહેવા જવું પડતું હતું. કેમેરા ડેડીને મળવા હૉસ્પિટલ જવા લાગી હતી.
1993ના ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં આર્થરે હૉસ્પિટલમાંથી દીકરીને લાંબો પત્ર લખ્યો હતો. એમાં ડેડીએ લખ્યું હતું : 'કેમેરા, હું જ્યાં પણ હોઉં અને તું બીમાર પડે, તને કોઈ ચિંતા સતાવતી હોય, અથવા તું ક્યાંય પણ જાય તો તું મને યાદ કરજે. હું જ્યાં પણ હોઈશ ત્યાંથી તને નિહાળતો જ હોઈશ. તને ઊભી થતી જોઈને હું સ્મિત કરતો હોઈશ. હું તને બોલાવતો હોઈશ.'
આ પત્ર લખ્યાના બે સપ્તાહ બાદ આર્થર મૃત્યુ પામ્યો. એ વખતે એ 49 વર્ષનો હતો. ન્યુમોનિયાનો હુમલો તે ખાળી શક્યો નહોતો. એઇડ્સના કારણે એના શરીરની પ્રતિકારાત્મક શક્તિ ખતમ થઈ ચૂકી હતી. ન્યુમોનિયા થયાના માત્ર 24 કલાકમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. દીકરીને ગુડબાય કહેવાની પણ તક એને સાંપડી નહોતી.
કેમેરાએ ડેડીને તો છેલ્લે કાસ્કેટમાં જ જોયા. વતનમાં મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે સાત હજાર જેટલા લોકો એકત્ર થયા હતા. પત્ની જીનીએ પતિની અંતિમ યાત્રાનું પણ ચિત્રીકરણ કરી લીધું. આર્થર સાથે સત્તર વર્ષનો એનો પત્ની તરીકેનો નાતો હતો. આ છબીઓ પણ એ પોતાની દીકરીને પિતાની કાયમ યાદ માટે આપવા માંગતી હતી.
કેમેરાને કાસ્કેટમાં રાખેલા પિતાના મૃતદેહ પાસે લઈ જવામાં આવી. કેમેરાએ માને પૂછયું : 'મમ્મી ! ડેડીએ મને ગુડબાય કેમ ના કહ્યું ?'
અને જીનીના ગળામાં ડચૂરો બાઝયો. ડૂસકું એ ખાળી શકી નહીં. થોડીક વાર પછી એ બોલી : 'આપણે એમને ગુડબાય કહ્યું જ છે, કેમેરા. જે રીતે આપણે એમને ચાહતાં હતાં એ જ એક પ્રકારનું ગુડબાય હતું.'
અને આર્થરને એમના માદરે વતનમાં દફ્નાવવામાં આવ્યો.
આજે જીની અને કેમેરા એકલાં છે પણ સાથે સાથે એક પતિ અને એક પિતાએ આપેલી સંખ્યાબંધ યાદોને જીવંત રાખતી તસવીરો પણ એમની પાસે છે. એઇડ્સના દર્દી એવા પિતાની સાથે કેવી રીતે જીવી શકાય અને ડેડીને કેવી રીતે ચાહી શકાય તેની પ્રેરણા આપતું 'ડેડી એન્ડ મી' નામનું તસવીરો સહિતનું પુસ્તક અમેરિકામાં પ્રગટ થયું. આ પુસ્તકની ફોટોસ્ટોરીના લેખકો આર્થર એશ અને તેમની દીકરી કેમેરા ખુદ છે.
