સામાન્ય રીતે મુંબઈની લોકલ ટ્રેનમાં જઈએ એટલે આપણને જોઈને કોઈ કહે, 'ગાંડુ ગુજરાતી', અથવા 'શાંતિભાઈ' અથવા તો 'વો દાલભાત વાલા' અને આપણે સામાન્ય રીતે આવી બાબતોનો પ્રતિભાવ આપતા નથી. આપણે માનીએ છીએ, 'ઝગડો શા માટે કરવો, વેપાર કરવો' . આપણામાં ઈર્ષા ભાવ ઓછો છે. તો કોઈ બહારથી ગુજરાતમાં આવે તો આપણે તેની સાથે હિન્દીમાં વાત કરી છીએ. તેને ચા પીવડાવીએ છીએ. તેને ટ્રેનમાં કે બસમાં જગ્યા પણ આપીએ છીએ. આથી બહારની વ્યક્તિ 'ગુજરાતી સહકાર કરનાર, મદદ કરનાર અને તેની સાથે સંબંધ રાખવા જેવો' તેમ માને છે. દરેક સમુદાયની કોઈ ને કોઈ ખાસિયતો હોય છે જેના વડે તે સમુદાય ઓળખાય છે. આ ઓળખ અથવા અસ્મિતા એટલે સંસ્કૃતિ. અત્યાર સુધી ગુજરાતની સંસ્કૃતિના વિવિધ પાસા (સાહિત્ય, સંગીત, દૃશ્ય કળા, મંચન કળા વ. વિશે અલગ અલગ ઘણું લખાયું છે. પરંતુ ગુજરાત ને સમજવા માટે તેની સંસ્કૃતિને સમગ્રતયા જાણવી જરૂરી છે. કોઈ પણ લોકોને સમજવા માટે ત્રણ વાના જરૂરીઃ (1) તે સમુદાયના લોકોની વ્યક્તિમત્તા, (2) તે સમુદાયની સંસ્થાઓ અને (3) તે સમુદાયની સંસ્કૃતિ. બ્રેડફોર્ડ સ્મિથે Why We Behave Like Americans નામનું પુસ્તક લખ્યું હતું જે વાંચવાથી અમેરિકનો શા માટે ઝડપી વિકાસ પામ્યા તે વાત સમજાય છે. આના પરથી પ્રેરણા લઈને મે 'ગુજરાતની સંસ્કૃતિ ની રૂપરેખા' નામનું સચિત્ર અને રંગીન પુસ્તક લખ્યું.. (પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ) આ પુસ્તકના આધારે તટસ્થ ભાવે ગુજરાતની સંસ્કૃતિની ચર્ચા કરવી છે. સંસ્કૃતિ એટલે આપણે જે છીએ તે અને સભ્યતા એટલે આપણે જેનો ઉપયોગ કરી છીએ તે. (Culture is what we are and civilization is what we use -Mc Iver).   

ભારતના વિશાળ ફ્લક પર ગુજરાતની સંસ્કૃતિ વિશિષ્ટ રીતે અલગ તરી આવે છે અને આ અલગતા અથવા તો વિશેષતા દસ હજાર વર્ષના ઇતિહાસ થકી ઊભી થઈ છે. સમગ્ર ભારત સ્તરે જે આનુવંશિક લક્ષણોનો અભ્યાસ (Genome study) થઈ રહ્યો છે તે બતાવે છે કે ગુજરાતના લોકો સમગ્ર ભારતના લોકો કરતાં થોડા જુદા પડે છે. ગુજરાતમાં મળતા ડાયનસોરના અવશેષો દર્શાવે છે કે અહી એક લાખ કરતાં વધુ વર્ષ પહેલા જીવન હતું. આ સંસ્કૃતિના ધોળાવીરા અને લોથલ સહિતના હડપ્પન સંસ્કૃતિના એકસોથી વધુ નગરીય અવશેષો જણાવે છે કે અહીંની વિકસિત શહેરી અને બંદરીય વેપારી સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ કરતાં વધુ પ્રાચીન છે. અહીં દસ હજાર વર્ષ પહેલા ઉત્તર ભારત માંથી લોકો આવીને વસવા લાગ્યા હતા. ઇ. પૂ.500 મા કૃષ્ણ ના નેતૃત્વ હેઠળ યાદવો આવ્યા. દ્વારિકા નગરી વસાવી. ઇ. પૂ. 200 મા ચંદ્રગુપ્તની રાજધાની જૂનાગઢમાં સ્થપાઈ. ઇ. પૂ.100 મા ક્ષત્રપ, શક અને કૌલ અહીં આવ્યા. સં 388 મા મૈત્રકોએ વલ્લભી રાજધાની સ્થાપી. આ બધા સમયમાં અનેક પશુપાલક જાતિના લોકો અહીં આવીને વસ્યા. સં 1000 પછી અને ક્ષત્રિય રાજાઓ આવ્યા અને અહીં શાસન સ્થાપ્યું. સં 1300 આસપાસ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ. સં 1500 પછી અંગ્રેજોને અન્ય યુરોપિયન લોકો આવ્યા. તે પહેલા પારસીઓ આવ્યા. આમ ગુજરાતમાં એક પચરંગી અને સમન્વયકારી સંસ્કૃતિ સ્થપાઈ. જ્યારે અનેક પ્રકારના લોકો એક સાથે વસે છે ત્યારે સર્વ સમાવેશક સંસ્કૃતિ બને છે. વળી અહીં ભારતનો સહુથી મોટો દરિયાકાંઠો છે તેથી છેલ્લા 5000 વર્ષથી અહીં દરિયાઈ વેપાર વિકસ્યો છે.

કોઈ પણ સમુદાયના પાયાના મૂલ્યો તેં સમુદાયનું પાયાનુ ઘડતર કરે છે. ગુજરાતમાં ત્રણ પ્રકારની મૂલ્ય સૃષ્ટિ જોવા મળે છે. તળ ગુજરાત અને બંદરીય નગરોમાં મહાજન સંસ્કૃતિ જોવા મળે. આ મહાજન સંસ્કૃતિના મૂલ્યોમાં અહિંસા, નશાબંધી, શાકાહારી ભોજન, ભક્તિ સંપ્રદાયનું મહત્વ, વેપારી સાહસિકતા, દાન-ધર્મ, જીવદયા અને ધર્માદા સંસ્થાઓ, અને સમાવેશી સાંસ્કૃતિક મૂલ્યો જોવા મળે. આમ હોવાનું એક કારણ અહીં જમીન ધારણ રૈયતવારી હતું તે પણ મહત્વનું છે. તો મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જમીન ધારણ ગિરાસદારી, બારખલિદારી અને ઇનામદારી સ્વરૂપની જમીનદાર શાહી હતું. જમીનદાર શાહી હોય ત્યાં સામંતશાહી મૂલ્યો વિકસે. અહીં યુદ્ધ, શૌર્ય, વચન, વટ વ. મૂલ્ય મહત્વના બને. યુદ્ધ સામાન્ય હોવાથી બહારવટું પણ સ્વાભાવિક ગણાય. આમ હોવાથી સમગ્ર ભારતના 562 દેશી રાજ્યોમાંથી 222 તો માત્ર સૌરાષ્ટ્રમાં હતા. ત્રીજી બાજુ પૂર્વના ડુંગર અને જંગલમાં રહેતા આદિવાસીઓમાં જમીનની સામુદાયિક માલિકી હતી. આવું હોય ત્યાં મુખિયો મહત્વનો બને અને તેને અનુસરવાનાં મૂલ્યો મહત્વના બને. આમ મુખ્યત્વે મહાજન મૂલ્યો હોવા ઉપરાંત અહી અર્ધ સામંતી અને આદિવાસી મૂલ્ય પણ પ્રવર્તતા હતા. પરંતુ બહારના લોકો વેપારને કારણે માત્ર વેપારી ગુજરાતના સંપર્કમાં આવતા હોવાથી ગુજરાતને મહાજન સંસ્કૃતિથી ઓળખવામાં આવે છે.   

 ગુજરાતની અસ્મિતા અથવા ઓળખ આમાંથી ઊભી થઈ. નર્મદ અને મુનશી એ ગુજરાતની આ અસ્મિતા ઉજાગર કરવાનું મહત્વનું કામ કર્યું. આ અસ્મિતામાં ગુજરાતી ભાષા પરંતુ તેના પર ઝગડો નહીં, વેપાર કરવા માટે શાંતિ અને અહિંસા, બીજાના હિતનો સ્વીકાર, શાકાહાર, નશાબંધી વ ગુજરાતની અસ્મિતા બની. આમ તો ગુજરાતના 35% જેટલા લોકો અહિંસક, શાકાહારી અને ચા પીનાર (teetotaler) છે. અહીં 60થી 65% જેટલા લોકોને માંસાહાર અને નશા સામે છોછ નથી. પરંતુ પ્રભાવી મૂલ્યો મહાજન હોવાથી તે વાત ખાસ બહાર આવતી નથી. 

 ગુજરાતની સભ્યતા (civilization) પણ બહુ આયામી રહી છે. શરૂમાં ધોળાવીરા અને લોથલના બાંધકામ સ્થાનિક સ્વરૂપના હતા. પરંતુ શહેરી આયોજન અને ખાસ કરીને પાણીની વ્યવસ્થા અદભૂત હતી. છઠ્ઠી સદીથી અહીં મંદિરના બાંધકામ શરૂ થાય છે. આપણા જ સોમપુરાઓ એ તૈયાર કરેલ મંદિર સ્થાપત્ય આજે પણ મજબૂત ઊભા છે. તેવી જ રીતે વહાણો નું બાંધકામ પણ સ્થાનિક સુથારો દ્વારા અને પછીથી પારસીઓ દ્વારા કરવામાંઆવતું હતું. પારસીઓની વાડિયા અટક જહાજ વાડા પરથી પડી હતી. અગિયારમી સદી પછી અહીં મુસ્લિમ સ્થાપત્યની અસર જોવા મળે છે. ખાસ કરીને ગુંબજ બંધ સ્થાપત્ય એક બળકટ શૈલી છે. મંદિરો, તોરણો, હવેલીઓ, મહેલો, કિલ્લાઓના સ્થાપત્યો આજે પણ પર્યટકો માટે આકર્ષક બને છે. અનેક મહેલોને હેરિટેજ હોટેલ માં પરિવર્તિત કરાઇ છે. બ્રિટિશરો આવ્યા પછી ગોથિક અને અન્ય યુરોપિયન શૈલીના મકાન અહીં બનવા લાગ્યા. આ ઉપરાંત આપણી હસ્તકળા, વસ્ત્ર્ર કળા, આભૂષણ વ. બાબતો પણ આપણી સભ્યતા નો ભાગ છે.   

 આચાર્ય હેમચંદ્રાચાર્ય ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ રચીને અનેક બોલીને એક ભાષાના સ્વરૂપમાં બાંધી. ગુજરાતનું સાહિત્ય શરૂમાં ધાર્મિક અને ભક્તિ સંગીત વાળું રહ્યું. તે સમયે નરસિંહ, દયારામ, ભોજો, મીરા અને આખા જેવા અનેક કવિઓ અને કથાકારો થઈ ગયા. તે સમયે ચારણી અને લોકસાહિત્ય અલગ સ્વરૂપનું હતું. દલપતરામ પછી દુન્યવી વિષયો સાહિત્યમાં પ્રવેશવા લાગ્યા. શરૂમાં પંડિત યુગમાં અને પછી ગાંધી યુગમાં અનેક સમર્થ સાહિત્યકારો સર્જાયા. આ પુસ્તકમાં ગુજરાતી સાહિત્ય વિશે એક સચિત્ર પ્રકરણ આપવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ધારાના સાહિત્ય ઉપરાંત લોકસાહિત્ય, દલિત સાહિત્ય અને નારીવાદી સાહિત્ય વિશે વિગતો આપી છે.   

 મંચન કળા અને દૃશ્ય કળા માં પણ ગુજરાત પાછળ નથી. અહીંનો ગરબો તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યો છે અને અનેક સ્વરૂપ બદલી ચૂક્યો છે. ગુજરાતી લોકો ઉત્સવપ્રિય છે. તેમણે ઉત્સવો ઉજવવાનું બહાનું જોઈએ છીએ. નવરાત્રી એ જગતનો સહુથી મોટો અને લાંબો નવ દિવસનો નૃત્ય ઉત્સવ છે.આ પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં ગુજરાતના નૃત્ય, નાટય અને ચલચિત્રોની સચિત્ર સમીક્ષા કરવામાં આવી છે. 

ગુજરાતની લોકપ્રિય સંસ્કૃતિ તેના ઉત્સવો, મેળાઓ અને રમતોમાં ખાસ વ્યક્ત થાય છે. આ ઉત્સવમાંજગન્નાથની રથયાત્રા, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, શરદોત્સવ અથવા રણોત્સવ, નવરાત્રી, મોટેરા નૃત્યોત્સવ, સપ્તક સંગીત ઉત્સવ વ. સાથે પચીસેક જેટલા લોકમેળાઓની સચિત્ર સમીક્ષા કરવામાં આવી છે. મેળાઓમાં ભવનાથનો મેળો , જન્માષ્ટમીનો મેળો, કવાંટ નો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, વૌઠાનો ગધેડાનો મેળો, ઇન્દ્ર નો મેળો, અંબાજીનો મેળો વ. અનેક મેળાઓ મહત્વના છે. તો પ્રવાસનની દ્રષ્ટિ એ સરકાર આ મેળાઓના આયોજનમાં મદદ કરે છે. આ ઉપરાંત હોળી-ધુળેટી,ઉર્સ, નાતાલ, ડાંગ દરબાર તથા અન્ય ધાર્મિક ઉત્સવોની વાત કરવામાં આવી છે. રમતોમાં ખાસ કરીને દેશી અને ગામડાંની રમતોની વાત કરી છે. આવી જ રીતે પહેરવેશન પ્રકરણમાં પ્રાચીન પહેરવેશથી લઈને આધુનિક પહેરવેશ તથા વિવિધ સમૂહોના પહેરવેશની વાત કરી છે. પાઘડી અને કેડિયા ના ચિત્રો આકર્ષક છે.   

 ગુજરાતીઓ આમ તો માંસાહાર ઓછો કરે છે, પરંતુ ગુજરાતી વાનગીઓ જેવી વાનગીઓ દેશના અન્ય ભાગમાં નથી. પરંપરાગત ગુજરાતી થાળી સર્વ સંપૂર્ણ ખોરાક છે. તેમ જરૂરી તમામ પોષક તત્વો અને રસો આવી જાય છે. તે ઉપરાંત નાસ્તા તરીકે ઢોકળા, ખમણ, લોચો, ગાંઠિયા, ફાફ્ડા, ભજીયા,ખાખરા, ફરસાણ વ. નું જે વૈવિધ્ય ગુજરાતમાં જોવા મળે છે તે દેશના અન્ય ભાગોમાં નથી દેખાતું. તેમ પાછું હવે તો દેશના અન્ય ભાગોના તથા વિદેશી ખોરાક અને તેમાં પણ Fast and Fusion Food યુવાનોમાં ખૂબ જ પ્રિય થઈ પડયા છે. અઠવાડિયામાં એક વાર હોટેલમાં ખાવા તે શિરસ્તો બની ગયો છે. ટિકિટ ખરીદવામાં કે મંદિરે દર્શન કરવામાં લાઇન તોડતા ગુજરાતી લારી પર પીઝા ખાવા માટે લાઇન લગાડવામાં ગૌરવ અનુભવે છે.