NEETથી JPSC-JSSC સુધી, વિદ્યાર્થી આંદોલનોને માત્ર વિરોધની રાજનીતિ તરીકે જોવું સરળ છે. મુશ્કેલ સવાલ એ છે કે શું ભારતની પરીક્ષા વ્યવસ્થા એ પેઢીનો વિશ્વાસ જાળવી રાખવા છે, જે મહેનતના બદલામાં નિષ્પક્ષતા અને સિસ્ટમના બદલામાં જવાબદારી ઇચ્છે છે?
ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર એક પરીક્ષા નથી હોતી. તેની પાછળ અનેક વર્ષોનો અભ્યાસ, પરિવારની બચત, કોચિંગની ફી, બાળકનાં સપનાં અને ઘણી વખત સમગ્ર પરિવારની આશાઓ જોડાયેલી હોય છે. તેથી જ્યારે કોઈ પેપર લીક થાય છે, પરીક્ષા રદ થાય છે, પરિણામ પર સવાલ ઊભો થાય છે અથવા ભરતી પ્રક્રિયા વર્ષો સુધી અટકી રહે છે, ત્યારે નુકસાન માત્ર એક પરીક્ષાનું નથી થતું - નુકસાન વિશ્વાસનું થાય છે.
તાજેતરનો NEET-UG 2026 વિવાદ તેનું મોટું ઉદાહરણ છે. 3 મેના રોજ યોજાયેલી પરીક્ષાને પેપર લીક સાથે જોડાયેલા મામલાઓ બાદ રદ કરવી પડીઅને લગભગ 23 લાખ ઉમેદવારોએ ફરી પરીક્ષા આપવી પડી.NTA એ 21 જૂનેપુનઃપરીક્ષા યોજી અને મામલાની તપાસ CBIને સોંપવામાં આવી.
આ પ્રોટેસ્ટ જનરેશન નથી, પરંતુ અકાઉન્ટેબિલિટી જનરેશન છે. આજના વિદ્યાર્થીને માત્ર એટલું કહી શકાતું નથી કે, મહેનત કરો, સફ્ળતા ચોક્કસ મળશે. તે આગળનો સવાલ પૂછે છે- જો મેં મહેનત કરી, તો શું સિસ્ટમ પણ ઈમાનદાર રહેશે? આજની પેઢી અને અગાઉની પેઢીઓ વચ્ચે આ સૌથી મોટો તફાવત છે.
આ એ પેઢી છે જે પોતાના મોબાઇલ પર ખાવાનું ક્યાં પહોંચ્યું છે, તે જોઈ શકે છે.UPIથી મોકલેલા પૈસા કઈ સેકન્ડમાં પહોંચ્યા, તે જોઈ શકે છે. ઓનલાઈન ખરીદીમાં પોતાનો ઓર્ડર ક્યાં છે, તે જોઈ શકે છે. ડિજિટલ દુનિયાએ તેને રીયલ-ટાઇમ ઇન્ફેર્મેશન અને ટ્રાન્સપરન્સીની આદત પાડી છે. તો પછી પરીક્ષા વ્યવસ્થામાં તે કેમ નહીં પૂછે - પેપર ક્યાં છપાયું? કોના સુધી પહોંચ્યું? સુરક્ષા કેવી રીતે થઈ? ઉત્તરવહીઓ કેવી રીતે તપાસવામાં આવી? કટઓફ્ કેવી રીતે નક્કી થઈ? ભૂલ થઈ તો જવાબદાર કોણ છે? અને ફરિયાદનો જવાબ ક્યારે મળશે? આ અસંતોષ માત્ર ગુસ્સો નથી. આ અકાઉન્ટેબિલિટીની માંગ છે.
પેપર લીકથી મોટું સંકટ શું છે?
પેપર લીક થવું ગંભીર ગુનો છે. પરંતુ તેનાથી પણ મોટો ખતરો ત્યારે ઊભો થાય છે, જ્યારે વિદ્યાર્થીને એવું લાગવા લાગે કે ઈમાનદારીથી ભણનાર અને સિસ્ટમ સાથે રમત કરનાર એક જ લાઇનમાં ઊભા છે. એક વિદ્યાર્થી બે વર્ષ NEETની તૈયારી કરે છે. બીજો કોઈ સરકારી નોકરીની પરીક્ષા માટે ત્રણ-ચાર વર્ષ રાહ જુએ છે. બંને પાસે મર્યાદિત ઉંમર, મર્યાદિત અટેમ્પ્ટ્સ, મર્યાદિત આર્થિક સંસાધનો અને મર્યાદિત તકો છે. આવી સ્થિતિમાં પરીક્ષા વ્યવસ્થાની એક મોટી ભૂલનો અર્થ થઈ શકે છે - એક વર્ષનું નુકસાન. એક અટેમ્પ્ટનું નુકસાન. પરિવારના લાખો રૂપિયાનું નુકસાન. અને ક્યારેક કારકિર્દીની સમગ્ર દિશા બદલાઈ જવી. તેથી સવાલ માત્ર એટલો ન હોવો જોઈએ કે પેપર લીક કોણે કર્યું ? સવાલ એ પણ હોવો જોઈએ - સિસ્ટમની ભૂલની કિંમત આખરે વિદ્યાર્થીએ જ કેમ ચૂકવવી?
શું પરીક્ષા વ્યવસ્થા વિશ્વાસમાં નિષ્ફ્ળ થઈ રહી છે?
અહીંથી વાત જનરેશન મેરિટ સુધી પહોંચે છે. ભારતમાં વર્ષોથી બાળકોને એક સરળ સામાજિક સમજ આપવામાં આવી છે - મહેનત કરો - પરીક્ષા આપો - મેરિટમાં આવો - આગળ વધો. આ જ મેરિટોક્રસીનો આધાર છે. પરંતુ જો વિદ્યાર્થીને એવું લાગવા લાગે કે પરિણામ મહેનત કરતાં સિસ્ટમની ખામીઓથી વધુ પ્રભાવિત થઈ શકે છે, તો સૌથી મોટું નુકસાન કોઈ એક પરીક્ષાનું નથી થતું. નુકસાન થાય છે મેરિટના વિચારનું. અને આ સૌથી ખતરનાક સ્થિતિ હશે. કારણ કે કોઈપણ સમાજને આગળ વધારવા માટે એ વિશ્વાસ જરૂરી છે કે પ્રતિભા, મહેનત અને ઈમાનદારીનું કોઈ મૂલ્ય છે.
વિદ્યાર્થી આંદોલનને લો એન્ડ ઓર્ડરની સમસ્યા માનવું સરળ છે
જ્યારે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરે છે, ત્યારે કેમેરા ઘણીવાર બતાવે છે - સૂત્રોચ્ચાર, ભીડ, બેરિકેડ, પોલીસ, ધક્કામુક્કી અને ધરપકડ. પરંતુ કેમેરાની પાછળ બીજી એક કહાની હોય છે. એ વિદ્યાર્થી જે રાત-દિવસ અભ્યાસ કરી રહ્યો હતો. એ માતા-પિતા જેમણે ફી ભરવા માટે કર્જ લીધું. એ નાના શહેરનું બાળક જેણે સરકારી નોકરીને પોતાની સામાજિક મોબિલિટીનો માર્ગ માન્યો. અને એ યુવાન જે પૂછી રહ્યો છે - ક્ષ્મારું ભવિષ્ય મારા પ્રદર્શનથી નક્કી થશે કે સિસ્ટમની ભૂલથી?ખ્ તેથી વિદ્યાર્થી આંદોલનને માત્ર લો એન્ડ ઓર્ડર પ્રોબ્લેમ માનવું સરળ છે. પરંતુ તેને સિસ્ટમ ઓડિટ તરીકે જોવું વધુ મુશ્કેલ અને કદાચ વધુ ઉપયોગી છે. જો હજારો બાળકો રસ્તા પર આવી ગયા છે, તો પહેલો સવાલ એ ન હોવો જોઈએ કે ક્ષ્તેમને કેવી રીતે હટાવવામાં આવે?ખ્ પહેલો સવાલ હોવો જોઈએ - તેઓ અહીં સુધી પહોંચ્યા કેમ?
AIના યુગમાં પરીક્ષા વ્યવસ્થા હજુ પણ વિશ્વાસના યુગમાં કેમ અટવાયેલી છે?
Gen-Z પછી આવનારી Gen-Alphaની દુનિયા વધુ અલગ હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમના માટે ભવિષ્યની કોઈ વસ્તુ નહીં, પરંતુ રોજિંદું ટૂલ હશે. તેઓ એવી દુનિયામાં મોટા થશે, જ્યાં ડેટા તરત ઉપલબ્ધ છે, એલ્ગોરિધમ્સ નિર્ણયો પર અસર કરે છે અને ડિજિટલ સિસ્ટમ્સ દરેક પ્રવૃત્તિનો રેકોર્ડ રાખે છે. આવી સ્થિતિમાં પરીક્ષા વ્યવસ્થા પાસેથી તેમની અપેક્ષાઓ પણ બદલાશે.
તેઓ પૂછશે -
જો ટેક્નોલોજી નકલ પકડી શકે છે, તો પ્રશ્નપત્રની સુરક્ષા વ્યવસ્થા વધુ સારી કેમ ન બની શકે? જો બાયોમેટ્રિક વેરિફ્કિેશન શક્ય છે, તો પરીક્ષા કેન્દ્રોની જવાબદારી સુનિશ્ચિત કેમ ન કરી શકાય? જો દરેક ડિજિટલ વ્યવહારનો હિસાબ અને દેખરેખ શક્ય છે, તો પરીક્ષા પ્રક્રિયાનો કેમ નહીં? જો કૃત્રિમ બુદ્ધિમત્તા(AI) લાખો આંકડાઓનું વિશ્લેષણ કરી શકે છે, તો શંકાસ્પદ પરિણામો, અસામાન્ય જવાબોના પેટર્ન અને પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓને અગાઉથી કેમ ઓળખી ન શકાય? અહીં ટેક્નોલોજીને કોઈ જાદુઈ ઉકેલ તરીકે જોવું પણ યોગ્ય નહીં હોય. પરંતુ ટેક્નોલોજી, માનવીય જવાબદારી અને પારદર્શિતાના યોગ્ય સંયોજનથી પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, નિષ્પક્ષ અને વિશ્વસનીય ચોક્કસ બનાવી શકાય છે.
એક પરીક્ષા, એક વર્ષ અને એક બાળકનું ભવિષ્ય, શું સિસ્ટમ પાસે એરર માર્જિન છે?
આ જ એ સવાલ છે, જેના પર પોલિસી મેકર્સે સૌથી ગંભીરતાથી વિચારવું જોઈએ. એરલાઇનની ભૂલ થાય તો તપાસ થાય છે. બેન્કિંગ સિસ્ટમમાં ગેરરીતિ થાય તો ટ્રાન્ઝેક્શન ટ્રેસ થાય છે. કોઈ કંપનીમાં ડેટા બ્રીચ થાય તો અકાઉન્ટેબિલિટી નક્કી થાય છે. પરંતુ પરીક્ષામાં ગેરરીતિ થાય ત્યારે?
ઘણી વખત પહેલો ઉકેલ હોય છે - પરીક્ષા ફરી કરાવી દો.
પરંતુ વિદ્યાર્થી માટે આ 'ફરી' માત્ર બે શબ્દો નથી. તેના માટે તેનો અર્થ છે - ફરી એ જ અભ્યાસ. ફરી એ જ તણાવ. ફરી એ જ મુસાફરી. ફરી એ જ અનિશ્ચિતતા. અને ફરી એ જ ડર કે આ વખતે સિસ્ટમ સુરક્ષિત રહેશે કે નહીં. તેથી એક્ઝામિનેશન રિફોર્મ્સનો હેતુ માત્ર પેપર લીક રોકવો ન હોવો જોઈએ. હેતુ હોવો જોઈએ - એવી વ્યવસ્થા ઊભી કરવી જેમાં વિદ્યાર્થીને સિસ્ટમ પર વિશ્વાસ કરવા માટે મજબૂર ન થવું પડે, પરંતુ સિસ્ટમ પોતાના કામથી વિશ્વાસ ઊભો કરે.
શું આપણે મેરિટોક્રસી બચાવી શકીશું?
NEET અને ઝારખંડના વિદ્યાર્થી આંદોલનોની સૌથી મોટી શીખ એ જ છે કે આજનો યુવા માત્ર નોકરી કે સીટની માંગ કરી રહ્યો નથી. તે વિશ્વસનીય પ્રક્રિયાની માંગ કરી રહ્યો છે. સરકારની પણ પોતાની મજબૂરીઓ છે. લાખો વિદ્યાર્થીઓની પરીક્ષાયોજવી સરળ કામ નથી. સુરક્ષા, લોજિસ્ટિક્સ, ટેક્નોલોજી અને વહીવટ, દરેક સ્તરે પડકારો છે. આંદોલનકારીઓની પણ જવાબદારી છે કે વિરોધ શાંતિપૂર્ણ રહે અને મિસઇન્ફેર્મેશન આંદોલનની વિશ્વસનીયતાને નુકસાન ન પહોંચાડે. પરંતુ સિસ્ટમની જવાબદારી તેનાથી મોટી છે. કારણ કે વિદ્યાર્થીની ભૂલનું નુકસાન એક વિદ્યાર્થીને થાય છે, જ્યારે સિસ્ટમની ભૂલનું નુકસાન સમગ્ર પેઢીને થઈ શકે છે. તેથી ઉકેલ પણ માત્ર પરીક્ષા રદ કરવો ન હોઈ શકે.
જરૂર છે - સમયબદ્ધ તપાસ, પારદર્શક સંવાદ, મજબૂત પ્રશ્નપત્ર-સુરક્ષા વ્યવસ્થા, સ્વતંત્ર દેખરેખ, સ્પષ્ટ જવાબદારી અને એવી ફરિયાદ-નિવારણ વ્યવસ્થાની, જેમાં વિદ્યાર્થીઓની ફરિયાદોનું સમયબદ્ધ અને નિષ્પક્ષ નિરાકરણ થઈ શકે. જેમાં વિદ્યાર્થી રસ્તા પર આવે તે પહેલાં જ તેને જવાબ મળી જાય. કારણ કે લોકશાહીમાં વિદ્યાર્થીનો સવાલ સમસ્યા નથી. સવાલ પૂછવાનું બંધ થઈ જવું સમસ્યા છે.
આજે રસ્તા પર વિદ્યાર્થીઓ છે. આવતીકાલે આ જ વિદ્યાર્થીઓ આ દેશના ડૉક્ટર, એન્જિનિયર, અધિકારી, શિક્ષક, ઉદ્યોગસાહસિક અને પોલિસી મેકર્સ હશે. જો આજે તેઓ એ શીખે છે કે - મહેનત કરતાં સિસ્ટમ વધુ મહત્વની છે, તો આ માત્ર એક પરીક્ષાની હાર હશે. પરંતુ જો તેઓ એ શીખે છે કે - સિસ્ટમમાં ભૂલ થઈ શકે છે, પરંતુ સવાલ ઉઠાવવાથી તેને સુધારી શકાય છે, તો આ જ આંદોલન લોકશાહીની તાકાત બની શકે છે.
આખરે કોઈપણ દેશની પરીક્ષા માત્ર તેના વિદ્યાર્થીઓની નથી હોતી. ક્યારેક વિદ્યાર્થીઓનું આંદોલન એ સમગ્ર સિસ્ટમની પરીક્ષા હોય છે. અને આજે સવાલ એ નથી કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થશે કે નહીં. સવાલ એ છે- પરીક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓના વિશ્વાસમાં પાસ થશે?
