કુદરતે બનાવેલી આ સૃષ્ટિ માં જેટલા માણસ એટલા મગજ અને જેટલાં મગજ એટલા વિચાર. માણસોથી ભરેલાં આ જગતમાં બધા નાં જ વિચાર સરખા હોય એવું બની શકે ખરું? જો બની શકતું હોય તો પણ શું એવું બનવું જોઈએ? ઘણીવાર વૈચારિક મતભેદ જ પડકાર અને પ્રગતિ બંને માટે કારણભૂત સાબિત થતો હોય છે. પ્રામાણિક અસહમતિ નો મતલબ એટલો જ હોય છે કે તમે જે વિચારો છો એના કરતાં સામે વાળી વ્યકિત થોડું જુદુ વિચારે છે. અહીં વાત સાચા ખોટાની નથી. અહીં વાત માત્ર વિચારધારા નાં જુદાપણાની છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે ક્યાંય ને ક્યાંક એવું માની લઈએ છીએ કે કોઈ વ્યકિત આપણી વાત સાથે અસંમત હોય એટલે એ આપણો વિરોધી છે ! આપણે એ ભૂલી જઈએ છીએ કે સામેની વ્યકિત આપણા એક બે વિચાર થી અસહમત છે આપણી આખેઆખી જાત સાથે અસહમત નથી. દરેક વ્યકિતની વિચારવાની શકિત જુદી જુદી હોય છે.બધા જ લોકો એક જ દિશામાં એક જ સરખું વિચારી શકે એ વાત ની કલ્પના કરવી એ પણ મૂર્ખામી છે. માનવસ્વભાવની એક મર્યાદા છે કે સામેની વ્યકિત જ્યાં સુધી એના વિચારો ને માન આપતી રહે, જ્યાં સુધી એની હા માં હા મેળવતી રહે ત્યાં સુધી એના માટે એ વ્યકિત પ્રિય રહે છે પરંતુ પેલી વ્યકિત જેવું કંઈક જુદુ વિચારવાનું શરૂ કરે કે સંબંધમાં તકલીફ્ શરૂ થઈ જાય છે. જો કે આવા કિસ્સા માં વિચાર ભેદ કરતાં પણ એના કારણે ઘવાયેલો અહમ વધારે જવાબદાર હોય છે.  

 ઓસ્કાર વાઈલ્ડે આ સંદર્ભ માં એક ખૂબજ અભ્દુત વાત કહી છે. એમણે એવું કહેલું કે, *કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોવો એ તેની સાથે દુશ્મની હોવાની નિશાની નથી, પણ બે અલગ મગજ સક્રિય હોવાનો પુરાવો છે.* કોઈ બે વ્યકિત કોઈ એક મુદ્દા ઉપર પોતાનો જુદો જુદો મત ધરાવતાં હોય એથી શું એ બંને એકબીજા નાં દુશ્મન થઈ ગયાં? શું દુશ્મન થવા જોઈએ? સ્વાભાવિક છે કે જે બાબત તમને પસંદ હોય એ સામે વાળી વ્યકિત ને ન પણ હોય. આપણી ખામી એ છે કે કોઈ વ્યકિત સાથે નો આપણો મતભેદ ખૂબજ ઝડપથી મનભેદ સુધી પહોંચી જાય છે.ઘણીવાર આપણે એવું ધારી લઈએ છીએ કે સામેની વ્યકિતની અસહમતિ એ એનો વિરોધ છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે અસહમતિ અને વિરોધ બંને માં ઘણો તફાવત છે. અસહમતી ને મુદ્દા સાથે લેવા દેવા છે જ્યારે વિરોધ ને એવી કોઈ જ લેવા દેવા નથી. સાચા મુદ્દા ની સામે પણ વિરોધ થઈ શકે. મૂળવાત તો એ છે કે જ્યારે કોઈ વ્યકિત સાથે કોઈ મુદ્દાને લઈને તમારો મતભેદ ચાલતો હોય ત્યારે એની સાથે નાં સંબંધ ને લઈને કેવું વલણ અખત્યાર કરવું. આ દુનિયામાં બધા જ માણસોની સમજ અને સ્વભાવ સરખાં નથી હોતા. એજ રીતે જ્ઞાન અને અનુભવ પણ સરખા નથી હોતા. ટૂંક માં બધા જ વ્યકિતનું માનસ સરખું નથી. આવા સંજોગોમાં મતભેદ થવા એતો સાવ જ સામાન્ય બાબત છે. પ્રશ્ન મતભેદનો તો છે જ નહીં. પ્રશ્ન છે મતભેદ પછી પણ સંબંધ ને ટકાવી રાખવાનો. કોઈ ની અસહમતી પચાવવી એ માનીએ એટલી સરળ નથી.માણસની અંદર બેઠેલું અહમ નામનું તત્ત્વ સામેનાં વ્યકિતનાં વિચારભેદ ને સ્વિકારવા દેતુ નથી પરિણામે પહેલા મતભેદ અને પછી વાત મનભેદ સુધી પહોંચી જાય છે.  

 કોઈપણ સંબંધની શ્રોષ્ઠ અવસ્થા એ છે કે એમાં જોડાયેલ પક્ષકાર મુક્ત રીતે પોતાના વિચારો રજૂ કરી શકે અને જો વિચારો વચ્ચે વિરોધાભાસ હોય તો પણ સંબંધની ગરિમા અકબંધ રહી શકે. ઓસ્કાર વાઈલ્ડનાં મત મુજબ કોઈ વ્યકિત સાથે નો મતભેદ એ વ્યકિત સાથે ની દુશ્મની હોવાની સાબિતી આપતો નથી. કોઈ તમારી સામે પોતાનો અલગ વિચાર મૂકે એટલે તમે એને તમારો દુશ્મન માની લો એતો ક્યાં નો ન્યાય થયો ! આપણે સામે વાળાની વિચાર સ્વાતંર્ત્યતા ને પણ સ્વિકારવી જ જોઈએ. માણસ પાસે પદ,પ્રતિષ્ઠા કે પૈસા હોય એટલે સફ્ળ કે સજ્જન નથી થઈ જવાતું. તમારી વ્યકિત તમારી સામે કોઈપણ પ્રકાર નાં ડર અને પૂર્વગ્રહ વિના પોતાનો મત મુક્ત પણ રજૂ કરી શકતી હોય તો માનજો કે તમે સફ્ળ છો.જો કે પોતાના જ લોકો શું કામ અન્ય લોકો પણ તમારી સામે પોતાની વાત રજૂ કરતાં અચકાતા ન હોય તો માનજો કે તમે જીવનમાં કંઈક મેળવ્યું છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સામેની વ્યકિત એટલે પણ પોતાનો મત રજૂ નથી કરતી કારણ કે એને એવું લાગે છે કે એ કારણે સંબંધો માં વિક્ષેપ પડશે. આ દુનિયામાં મનનાં મોકળા માણસોની અછત છે. દિવસે ને દિવસે ગણ્યું ભૂલ્યું કરનાર ની સંખ્યા ઘટી રહી છે.દરેકે પોતાનો જ ક્કકો ખરો કરાવવો છે. હું કહું એજ સાચું હું પોતે એક જ શ્રોષ્ઠ આવી માનસિકતા જ્યાં હોય ત્યાં વેર નાં વાવેતર સિવાય બીજું કશું જ ન થાય. મૂળવાત છે સામેની વ્યકિતનાં વિરોધ ને વધાવવાની. કોઈ આપણા કરતાં અલગ છે, આપણા કરતાં અલગ વિચારે છે એટલે શું આપણે એને આપણો દુશ્મન માંની લેવાનો ? ઓસ્કારની ભાષામાં આપણે કેમ એવું નથી સ્વિકારી શકતાં કે આતો બે અલગ મગજ સક્રિય હોવાનો પુરાવો છે. આપણા મોટેભાગ નાં સંઘર્ષ એટલે જ થતાં હોય છે કારણ કે આપણે આટલી સહજ વાતનો પણ સ્વિકાર નથી કરી શકતાં. અબ્રાહમ લિંકન ની બાબતમાં એવું કહેવાય છે કે એમનો વિરોધ કરનાર લોકો સાથે પણ એટલા માટે પ્રેમ થી વર્તી શક્યાં કારણ કે એમણે પોતાની વાત નો વિરોધ કરનાર ને ક્યારેય પોતાના દુશ્મન માન્યા જ ન હતાં. ઉલ્ટા નું એમને જો સામે વાળાની વાત માં દમ લાગે તો એનો સહજ સ્વિકાર કરતાં પાછી પાની ન હતાં કરતાં.  

 દોસ્તીમાં જેટલી ખાનદાની જોઈએ એનાંથી બે ઘણી ખાનદાની દુશ્મનીમાં હોવી જોઈએ. દોસ્ત ની વિરોધી વિચારધારા સ્વિકારવી સરળ છે કારણ કે ત્યાં દોસ્તી નામનું તત્ત્વ છે.પરંતુ દુશ્મની ની બાબત માં એવું કશું નથી. ત્યાં તો અહમ ને ટકરાતા વાર નથી લાગતી. સંબંધો ની બાબત માં હંમેશા એકવાત નક્કી કરી લેવી કે ' મુદ્દો અગત્યનો છે કે સામે નો માણસ.' જો તમારા માટે માણસ અગત્યનો હશે તો મુદ્દા ને ભૂલતાં વાર નહીં લાગે. વૈચારિક મતભેદ એ દરેક સંબંધો ની સુંદરતમ અવસ્થા છે. મતભેદ પછી પણ જો સંબંધો ની મજબૂતાઈ અકબંધ રહે તો માનવું કે એજ સંબંધ ખરો સંબંધ છે. જીવન માં ઘણાં એવા લોકો હશે જેની સાથે તમારે મતભેદ થયાં હશે એજ રીતે ઘણાં ને તમારી સાથે પણ મતભેદ થયાં હશે તો શું આ બધા મતભેદ નું પરિણામ એટલે દુશ્મનાવટ? ઈતિહાસ માં એવાં કેટલાય મહાપુરુષો થઈ ગયેલા કે જેમને એક બીજા સાથે અમુક બાબતો માં મતભેદ હતાં છતાં પણ એમના પ્રેમ, આદર અને સ્નેહની ગરિમા સાત માં આસમાને હતી. શું ગાંધીજી અને સરદાર કોઈ એક બે બાબતે એકબીજા સાથે અસહમત ન હતા થયાં ? શું સરદાર અને નહેરુ વચ્ચે અમુક સમય માટે મતભેદ ન હતાં ? આવા તો કેટલાય ઉદાહરણ હશે. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શું એ બધાએ એકબીજા ને પોતાના દુશ્મન માંની લીધેલા ? ના, હરગીઝ નહીં. એમના સ્વાભાવમાં એવી સંકુચિતતા ન હતી એટલે આજે તમે અને હું એમને યાદ કરીએ છીએ. માણસે સંબંધો ની સાથે જીવવાનું છે નહી કે જીતવાનું છે. અસહમતી નું પણ એક પોતાનું સૌંદર્ય હોય છે.જ્યારે તમે કોઈ ની વાત સાથે સહમત થાવ છો ત્યારે તમે કેવાં પ્રકારનું રિએક્શન આપો છો એનાં આધારે તમારી પરિપક્વતા નક્કી થાય છે. મતભેદ અગત્યનો નથી પરંતુ મતભેદ રજૂ કરવાની રીત અગત્યની છે. સામે ની વ્યકિત નાં આત્મસ્વમાન ને ઘસરકો ન લાગે અને આપણા વ્યક્તિત્વ ને દાગો ન પડે એ રીતે મતભેદ રજૂ થવા જોઈએ. અરે, જેની સાથે ભલે ને વર્ષોથી મતભેદ હોય પરંતુ એના સારા નબળા દિવસોમાં બધુ ભૂલી સહજ પણ ખચકાટ વિના એની પાસે પહોંચી જવાવું જોઈએ. કારણ કે,*કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોવો એ તેની સાથે દુશ્મની હોવાની નિશાની નથી, પણ બે અલગ મગજ સક્રિય હોવાનો પુરાવો છે.*