ઉપનિષદની શિક્ષણ આપવાની પદ્ધતિમાં એક જ વાત ફરી ફરી અનેક ઉદાહરણો આપી સમજાવવામાં આવે, જેથી શિષ્યના મનમાં કોઈ શંકા ન રહે અને મૂળ વાતના સર્વસામાન્ય ઉપયોગોનો બરાબર ખ્યાલ આવે.
પિતા બન્યા ગુરુ , પુત્ર થયો શિષ્ય . ગયા અઠવાડિયેથી આગળ વધીએ તો, હવે પિતા ગુરુ બનીને પુત્ર શ્વેતકેતુને દાખલા આપી સમજાવવા બેઠા, 'એકને જ જાણી લેવાથી બધું જણાય,'
- હે વત્સ, એમાં એવું છે કે તારે ઘડા વિષે જાણવું હોય , તાવડી વિષે જાણવું હોય તો- એક માટીના ઢેફાને બરાબર જાણી લેવાથી માટીમાંથી બનતી બધી જ વસ્તુઓનો ખ્યાલ આવી જ જાય છે. પછી એ બધાના નામ ભલેને જુદા જુદા હોય. માટીમાં જે જે ફેરફાર આવે છે તે આકાર અને નામમાં આવે પણ ઘડો કે કુંજો કે તાવડી - છે તો અંતે બધું માટી જ.
મૃતિકા ઈતિ એવ સત્યમ્ !* ( મૃત્તિકા- માટી)
માટીની ચીજો , આકારમાં / કદમાં ભલે જુદી જુદી હોય પણ અંતે તો એનામાં માટીના જ બધા ગુણધર્મ હોવાના.
પિતાને એ જ્ઞાન આપવું છે કે જગતમાં એક જ માત્ર- એક જ સત્ય છે, રીયાલિટી છે.બાકી બધું, આ અલગ અલગ દેખાતી વસ્તુઓ, એ તો એ સત્ય પર થોપેલા 'superimpose' કરેલાં -અધ્યારોપણ થયેલાં નામ અને રુપને લીધે જ છે.
પિતા આ વાત આગળ વધારે છે,
હે સૌમ્ય, જેમ સોનાના એક ટૂકડાને જાણી લેવાથી એમાંથી બનેલા બધા જ ઘરેણાના ગુણધર્મ જણાઈ આવે... ભલે પછી એ અલગ અલગ નામે- કંગન, મુગટ કે હાર તરીકે ઓળખાય પણ એ બધા સોનાના બનેલા હોય એટલે જાણકારને ખ્યાલ જ હોય કે એ સોનું છે, અને એટલે એને કાટ નહિ લાગે. વધારે જાણનાર વૈજ્ઞાનિકોને સમજ હોય કે આ બધા અલંકારોમાં સોનું- તત્વ, જેની વૈજ્ઞાનિક સંજ્ઞા Au છે, તે જ છે. એ આવર્તકોષ્ટક - પીરીયોડિક ટેબલમાંનું 79 મું તત્વ છે, જેમાં કેન્દ્રમાં 79 પ્રોટોન અને 79 ઈલેક્ટ્રોન અને 118 ન્યુટ્રોન છે. કેન્દ્ર આજુબાજુ 79 ઈલેક્ટ્રોન છે, એ જ એની ખાસિયત છે.
તો આ બધા અલંકારોમાં સુવર્ણ જ સત્ય છે, એમાં રહેલા સૂવર્ણને એક આકારમાંથી બીજામાં પણ ઢાળીશકાય. આપણે ત્યાં લગનસરામાં તો આ કાયમનું છે,
બે બંગડી જૂના ઘાટની હતી, તે ભંગાવીને આ નવી ફેશનની કડલી ઘડાવી!* પણ સોનું તો 'તત્વ' રુપે એ જ છે. અંતે તો હેમનું હેમ હોયે.
એટલે હવે હજુ ત્રીજું ઉદાહરણ લોઢાના બનેલા નખ કાપવાના સાધન- ને લોખંડના નખનિકર્તન નું ( એ સમયે સ્ટીલ નહોતું.) આપે છે. જેમ આ એક નેઈલ કટરથી લોખંડના બનેલા બધા સાધનો વિષે જ્ઞાન મળે છે કે કોઈ પણ સાધન જો લોખંડનું બનેલું હશે તો તો ભેજ વાળા વાતાવરણમાં કટાશે જ..
કોઈ પણ સાધન / વસ્તુ, જો લોખંડની હશે તો એના નામ રુપ ભલે અલગ હોય પણ ગુણધર્મ એકસરખા હશે. એ બધામાં લોખંડ જ છે. એમ જ આ વિશ્વમાં એક જ *રીયાલિટી* છે! બધે બ્રહ્મ જ છે.
આપણે અત્યાર સુધી જોયું કે પિતા, શ્વેતકેતુને માટી, સોનું અને લોખંડના ઉદાહરણોથી દરેક વસ્તુમાં જે *તત્વ* છે એની વાત સમજાવે છે અને ફરી ફરી પૂછે છે કે જે *એક* ને જ જાણવાથી બધું સમજાય, જણાય, પામી જવાય એ તું ગુરુકુળમાંથી શીખીને નથી આવ્યો?
પોતાના નવા નવા મેળવેલા જ્ઞાનના નશામાં અહંકારી બનેલા શ્વેતકેતુને તરત જ ભાન થાય છે કે મારે તો મારા પિતા પાસે ઘણું જાણવાનું છે અથવા સાચું તો એ કે ઘણું નહિ પણ એ *એક* જ જાણવાનું છે અને એ પિતા જ જાણતા લાગે છે. એટલે હવે શ્વેતકેતુ ફરી વિદ્યાર્થી બની ગયો અને પિતાને પ્રણામ કરી નમ્રતાથી કહે છે કે, * મારા પૂજ્ય ગુરુઓને પણ ચોક્કસ આ વાત ખબર નહિ હોય, જો એ લોકો જાણતા હોય તો તો મારા જેવા એમના પ્રિય શિષ્યને એ લોકો કેમ ન કહે ? માટે, હે, તાત, આપ જ મને એ વિદ્યાનો *આદેશ* આપો.
પિતા ખુશ થયા, એમને તો આટલું જ જોઈતું હતું કે પુત્ર, બ્રહ્મ વિદ્યા-સત્ વિદ્યા જાણે. અને એ જાણ્યા પછી તો કોઈ જ મિથ્યાભિમાની રહી જ ન શકે.
પિતાએ કહયું, * હું અવશ્ય એ તને કહીશ.*
હે સૌમ્ય, આ જગત જે આપણે આજે જોઈએ છીએ એ પ્રગટ- વ્યકત (manifest) થયા પહેલા તો ફ્કત સત્ અસ્તિત્વ જ હતું, આ અસ્તિત્વ પણ કેવું? એક જ- જ્યાં કોઈ જ કે કાંઈ જ બીજું નથી તેવું- *અદ્વૈત-. એક કે જેના પછી બીજું કશું જ નથી.*
સત્ કે અદ્વૈત એટલે *છે* being- અસ્તિત્વ, હોવાપણું. અને એ અનંત, સર્વવ્યાપી નિરાકાર છે. વિચાર, વાણી થી ઉપર, ચેતન. *
જો કે, આના વિષે બીજા એવું પણ કહે છે, *આ જગતમાં સૌ પહેલા તો *NOTHINGNESS* - શૂન્ય જ હતું. એવું શૂન્ય કે એ એના સિવાય બીજું કાંઈ નહિ. અને એ શૂન્યમાંથી અસ્તિત્વ વ્યકત થયું. *
વેદાંતમાં શૂન્યમાંથી સર્જનની વાત નથી ,બ્રહ્માંડના પ્રારંભની કલ્પનામાં પણ એમાં *એક - અદ્વૈત*- નું અસ્તિત્વ મનાય છે. આ અદ્વૈત એવું કે જેમાં બધી જ શકયતાઓ છે પણ હજુ વ્યકત નથી -બહાર નથી આવ્યું, આખો સંસાર અપ્રગટ છે, હજુ વ્યકત થયો નથી.
વેદાંત શૂન્યમાંથી સર્જનને માન્ય રાખતું નથી. વૃક્ષ હોય તો બીજ હોય જ, એમ જ અસ્તિત્વ બીજા અસ્તિત્વમાંથી જ જન્મે, બ્રહ્માંડ બન્યું એ પેલા'મૂળ' - આદિ તત્વ' અદ્વૈત અસ્તિત્વની જ લીલા.
પિતા પુત્રને પૂછે છે કે કોઈ સર્જન શૂન્યમાંથી થયું હોય તો તો એ મોટી ઘટના છે, અને એની સાબિતી આપવી પડે, આની સાબિતિ શું? પણ જ્યારે તમે એક અદ્વૈતનો સંદર્ભ લઈ લો તો એમાંથી જ સૃષ્ટિ બની એમ કહેવાય.
જયારે અસ્તિત્વમાંથી જ વિસ્તરણ થાય, એકના અનેક બની શકે એટલે આ બધા જગતમાં સૌ પહેલા એક અદ્વિતીય અસ્તિત્વ હતું જેને *સત્* કહીએ.
કોઈ ફ્લિોસોફી એવું કહે છે કે બીજનો નાશ થાય પછી જ એમાંથી વૃક્ષ જન્મે પણ શંકરાચાર્ય સમજાવે છે કે બીજનો નાશ થયો જ નથી, જે બીજમાં 'અવ્યક્ત' છે, તે જ વૃક્ષમાં 'વ્યકત' થાય છે. એટલે વૃક્ષ, શૂન્યમાંથી નહિ પણ બીજમાંથી જ આવ્યું છે.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,'
વેદાંત કહે છે કે જગત કાયમનું છે પણ આજે આપણે જાણીએ છીએ તેવું કાયમ નહોતું. પહેલેથી દ્રવ્ય અને શકિત (matter & energy) ન પણ હોય, પણ ચેતન- conciousness તો પહેલેથી જ છે.
સૌ પ્રથમ સત્ હતું, એ અવ્યક્ત હતું, પછી એ અદ્વૈત- , એ સત્ , વ્યકત થવા માંડયું એમ અલગ અલગ નામ રુપ થયા.
ઉપનિષદની શિક્ષણ આપવાની પદ્ધતિમાં એક જ વાત ફરી ફરી અનેક ઉદાહરણો આપી સમજાવવામાં આવે, જેથી શિષ્યના મનમાં કોઈ શંકા ન રહે અને મૂળ વાતના સર્વસામાન્ય ઉપયોગોનો બરાબર ખ્યાલ આવે.
પિતાને એ જ્ઞાન આપવું છે કે જગતમાં એક જ માત્ર- સત્ય છે, એક જ 'રીયાલિટી' છે.
નામ રુપ તો જે દેખાય છે, જેને આપણે અલગ , અલગ ઓળખીએ છીએ- ઉપર ઉદાહરણો આપ્યા છે એ ઉપરાંત પણ સમુદ્ર અને એના મોજાના ઉદાહરણ અપાય. સમુદ્રમાં પાણી છે, સમુદ્રના મોજા ય અંતે તો શું છે- પાણી જ પાણી!
નામરુપ વ્યવહાર માટે સમજવાના, પણ અંતે તો એ નામરુપ પાછળ એક જ તત્વ છે તે જાણવાનું ને સતત અનુભવવાનું છે. જેમકે હાઈડ્રોજન અને ઓક્સિજન બે અલગ તત્વો છે પણ એમાં રહેલા ઈલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા અને ગોઠવણી અલગ છે, મૂળભૂત કણો એક જ છે. હવે તો સૂક્ષ્મ કણો-Subatomic Particles પણ Quark-ક્વાર્ક ના પરમ્યુટેશન કોમ્બીનેશનથી જ બનેલાં છે એમ જણાય છે.
જ્યારે બધા જ નામરુપોનું વિકલન કરતા જઈએ તો અંતે જે રહે તે બ્રહ્મ જ છે, બધામાં બ્રહ્મ છે અને બ્રહ્મમાં બધું છે. અદ્વૈત વેદાંત માટે આ આખી સૃષ્ટિમાં સજીવ નિર્જીવ ચીજોને એના સબટ્રેટમ Substratumને જ જોવાનું છે. 'આધાર' - અધિષ્ઠાન જ જોવાનું છે. આપણાં ભજનોમાં લોકબોલીમાં પણ અદ્વૈત વણાયેલું છેત્યાં એ લોકો આ જ 'તત્વ' 'વસ્ત' કે પરમ છે તેમ કહે.
Ref:
છાંદોગ્યઉપનિષદ_અધ્યાય6-
https://www.wisdomlib.org/hinduism/book/chandogya-upanishad-english
http://aryamantavya.in/upnishad/chandyogupnishad?ad=6&kh=1&sh=4
