અત્યારે તો મોબાઈલનું ઓશીકું બનાવીને સુઈ જવાનો ટાઈમ ચાલે છે..!અને એટલે જ બેડરૂમનું 'ઓશીકું' નજીક સુતેલાને વાગે છે..!!જ્યારે એક ટાઈમ હતો..આખા વિસ્તારમાં કે ફ્લેટમાં માંડ એક જ ટેલિફોન હતો!અને તેમ છતાં દૂરના સ્વજનોને જોડેલા રાખતો!

એ જમાનામાં ટેલીફોનને ડબલુ કહેવાતું!આ 'ડબલુ' શબ્દ ત્યાંથી નીકળ્યો હતો જેની પાસે આ શ્યામ-રંગી મોંઘેરું 'દૂર દ્વિમાર્ગી ધ્વનિ સંચાર યંત્ર' નો'તું!આખા વિસ્તાર પોળ કે ચાલીમાં એકાદું ડબલુ જ હોય!આ ડબલુ લેનારે શબ્દોની ભારે કિંમત ચૂકવવી પડતી!

જે લઈ શકે એને ત્યાં જ આ શબ્દ સ્માર્ટ સિંહાસન મેળવી શકતા!બાકીના જે ન લઈ શકતા પોતાની શક્તિ નથી એવું કહેવાને બદલે એને ડબલુ કહી દેતા!

આ એ જમાનો હતો..જ્યારે ડબલુ નોંધાવવું પડતું!સાત આઠ વર્ષે લાગવગ હોય એને ત્યાં જ ડબલુ લાગતું!!આ એ જમાનો હતો જ્યારે 'ડબલુ' શબ્દ પાચનયંત્ર માટે જ વપરાતો હતો...!!પાચનતંત્ર વાળું 'ડબલુ' કોમન પીપલ માટે તદ્દન કોમન હતું!ખુરશીના ખેલ આઝાદી પછી શરૂ થઈ ચૂક્યા હતા એટલે લાકડું ચોંટાડવામાં લોકબોલી બની ગયેલું ગુંદરનું ડબલુ આવી ચૂક્યું હતું!એમાં તાર ભરાવી હાલક ડોલક કરતા પાચનતંત્રનો 'કોલ' પબ્લિક પુરી કરતી!પાચનતંત્રનો 'કોલ' ગુંદર-કોલનું ડબલુ પૂરું કરતું!એ જોઈને લોક બોલીના શબ્દ સર્જકો ને ટેલિફોન જોતા જ નવો શબ્દ સ્ફુરી ગયો!'ડ..બ..લુ....'!! બંનેમાં નવું નવું આવેલું પ્લાસ્ટિક મટીરીયલ હતું અને બંને યંત્રમાં વાત તો 'કોલ'ની જ હતી ને!અને પછી ધ્વનિ સંચારયંત્રને અધુરપના શબ્દ સર્જકોએ આપેલું પાચનયંત્રનું નામ કરણ 'ડબલુ' લોકબોલી બની ગયું!બધાને ખબર જ હતી..આ ખબરયંત્ર તો પાચનયંત્રના ડબલુ કરતા પણ કિંમતી ઘરેણું છે!જે 'હાથમાં' ન પકડી શકાય એટલું મોંઘું હોય એને હાથમાં પકડી શકાય એનું નામ આપી..સંતોષ માનતા લોકો હતા..એ જમાનામાં..મોટાભાઈ!

ટેલિફોન કિંમતી ઘરેણું જ હતું!આમ તો આપણે કિંમતી ઘરેણાં લૂંટાઈ જવાના ડરે લોકરમાં રાખીયે..પણ ટેલિફોનને લોક કરીને ઘરના દીવાનખંડમાં જ દેખાય એ રીતે મુકવામાં આવતો!દસ આંકડાનું ચકરડું ખૂબ મોંઘુ અને કિંમતી હતું!ઘરના જ વાતોડિયાઓ થી બચવા એને તાળું મરાતું!ચાવી ઘરના વડીલ પાસે રહેતી!એને ખુલ્લું મૂકી રાખો તો ફોન તો ના લૂંટાય પણ ફોન રાખનારો લૂંટાઈ જાય!શબ્દોની કિંમત હતી..મોટાભાઈ!એક ટંગ-કોલ વીસ થી પચાસ રૂપિયાનો મિનિમમ થતો!

અત્યારે આપણે એકબીજા પર આંગણીઓ કરીયે છીયે!એ ટાઈમ હતો જ્યારે આંગણી ફરતી અને એકબીજા જોડે સ્નેહ સમાચારની વાતો થતી!હવે ચકરડાં વાળા ફોન નથી એટલે આંગણીઓ નવરી પડી છે!કદાચ..એટલે જ આંગણીને બીઝી રાખવા એકબીજા પર આંગણી કરવાનો ક્રેઝ ચાલે છે!

પેલી કહેવત છે ને કે એક આંગણી સામેવાળા પર ઉઠે તો આપણી જ બાકીની આંગણીઓ આપણા પર ઉઠે!ચકરડાવાળા ટેલિફોન માટે આ કહેવત ખોટી પુરવાર થતી!એક આંગણી ફરતી અને સામેવાળા સ્વજનનો હાથ આપણા તરફ્ ઉઠતો!આંગણીથી ફોન થતો..અને હાથથી ફોન ઉઠતો!અને મદદની કે હૂંફ્ની જરૂર હોય તો બીજો હાથ એ માટે તૈયાર રહેતો!

રીંગની વેલ્યુ હતી!!

અત્યારે રિંગ મારો તો મિસકોલ થઈ જાય!અને એ ટાઈમ હતો..રિંગ વાગતી અને આખું ઘર એલર્ટ થઈ જતું!કિચનમાંથી મમ્મી દોડતી અને રૂમમાંથી વહુ!બાથરૂમમાં ગયેલા ડેડી અંદરથી જ બુમો મારતા!'અરે..રિંગ ઉઠાવો!'

રિંગ વાગતા ટેલીફોનને ઘરના સભ્યો બોક્સિંગની રિંગ હોય એમ ઘેરી વળતા!એક જ રીંગમાં ફોન ઉઠાવવામાં બીક લાગતી!કપાઈ જશે તો??!એટલે..સાત આઠ રીંગ વાગ્યા પછી જ ફોન ઉઠતો! સામેવાળા સ્વજન પણ સમજુ હતા!ચાર પાંચ રિંગ મારી ફોન કાપી નાંખતા!કારણ??ઘરના સ્વજનોને ફોન સુધી પોહચવાનો સમય તો આપવો પડે ને!!બીજી રિંગ આવે ત્યાં સુધી ઘરમાં સોંપો પડી જતો!એકબીજાની સામે મુક બનીને સવાલ પૂછતાં.. 'કોનો ફોન હશે?!'

બાપુજી બાથરૂમની નિરાંતની પળોમાંથી ભીના હાથે અને અડધા પલળેલા છાપે..સો મીટરની દોડ પુરી કરીને ફોન પાસે પોહચતાં!વેલણ પકડેલી વાઇફ્ને વઢી નાંખતા!

તું દર વખતે ધીમી દોડે છે!!'

અને તમે ફોન આવે ત્યારે બાથરૂમમાં જ ભરાયેલા હોવ છો!'

વહુ..ખુશ થઈને મુક સવાલનો જવાબ બોલતી!

રિંગ પરથી તો મારી મમ્મીનો જ લાગે છે!રાજકોટથી ટ્રંક કોલ હોય ત્યારે આવી જ રિંગ વાગતી હોય છે!'

કોલર ટયુન નોહતા!તેમ છતાં..રિંગ પરથી ઝઝમેન્ટ લેવાતું!લગભગ સાચું પણ પડતું!કારણ બીજું પણ હતું!દરેક દૂરના સ્વજનોનો ખુશી વ્યક્ત કરવાના સંદેશાઓ આપવાનો એક ટાઈમ ફ્ક્સિ હતો!મુંબઈ વાળા માસી બપોરે જ ફોન કરે..અને રાજકોટવાળા વેવણ.. વેલણ પકડયું હોય ત્યારે..સવારે જ ફોન લગાવે!

સવારે..મારી મમ્મી જ ફોન કરતી હોય છે!એનો જ હશે!'

એ ખરું!સારું તું ફોન પાસે ઉભી રહે..રોટલી બળી ગઈ હશે!ઉતારી લઉં!'

એ વખતે ફોનની રાહમાં રોટલી બળી જવાની કોઈને ફ્કિર નોહતી!એ ટાઈમે સંદેશા વ્યવહારમાં ભોજન વ્યવહાર થોડોક ટાઈમ અટકી જતો!અત્યારે ભોજન વ્યવહાર ખોરવાઈ ગયો છે!!ત્યારે રોટલીઓ બળી જતી..અત્યારે રોટલીઓ પડી રહી છે..મોટીબુન!

ટ્રીન..ટ્રીન..ટ્રીન!'

ઉપાડ..!'

બીજી રીંગમાં ફોન જલ્દી ઉપાડી લેવામાં આવતો!આવું કરવાનું કારણ તો દુરસંચાર એન્જીનયર્સ પાસે પણ ન હતો!સામેથી કોમન સવાલ પુછાતો!

હેલો..ઓવ..કોણ બોલે?!'

રોંગ નંબરનો ડર દરેકને સતાવતો!એટલે આ સવાલ પૂછી જ લેવાતો!દિલ ધડકતું..અને બીલ વધી ન જાય એટલા જ શબ્દોની ઝડપથી આપલે થતી!

મમ્મી..શીલુ બોલું..!!'

અવાજ પરથી સ્વજન ઓળખાઇ જતો!

એક જ ફોનના રિસીવરમાં આખું ઘર વારાફરતી વાત કરતું!!અને અત્યારે..પોતપોતાના રૂમમાંથી વારાફરતી પોતાની ફુરસદે બધા વાત કરે છે!મોબાઈલને વાયર નથી..તો પણ છૂટતો નથી!અને ત્યારે ટેલીફોનને ગુંચડા વાળો વાયર હતો..અને એ ગુંચડું..આખા ઘરના બધા પ્રશ્નોના ગુંચડા એક જ ટ્રંક કોલમાં ઉકેલી નાંખતું!

આ તો એની વાત જેના ઘરે ફોન હતો!પણ જેના ઘરે ફોન ન હોય એની વેદના જુદી જ હતી!

ફોનવાળા પાડોશી જોડે સબંધ સારો રાખવો પડતો!પણ એક વાત એ ટાઈમે જોરદાર હતી! ટેલિફોન ગ્રાહક પાડોશી જોડે બોલવાના સબંધ ન હોય..તો પણ એ ફોન આવે ત્યારે બોલાવતો!!

ટેલીફોનમાં નહીં બોલનારના પણ બોલવાના સંબંધ જડવાયેલા રહે એવી ખેલદિલી ત્યારે હતી..!!

બુધીયો કહે છે..એક ટાઈમ હતો..રાત્રે ઘંટડી વાગતી તો ખતરાની ઘંટી લાગતી!'નક્કી કોઈ ગયું..!'રીંગની આડે દુશ્મની નડતી નહીં!અને અત્યારે..રિંગને બ્લોક કરવાનો રિવાજ ચાલે છે..મોટાભાઈ!