માખણ તફ્ડાવવાની થ્રીલ

તમે ક્યારેય ઘરમાંથી ચોરીને માખણ / પેંડા કે મિઠાઈઓ નથી ખાધા? તાજા ઘી / માખણ નો લોંદો લઈ મોમાં પધરાવી દેવાની એક અનોખી મઝા છે! અને એટલે જ કૃષ્ણકથા- બધાને ગમે, બધા એમાં પોતાની જાતને અહીં કે તહીં જોઈ જ લે !

કૃષ્ણની જિંદગી કહે છે-

ભાર વગરના ભણતરની જેમ-

ભાર વગરનું જ્ઞાન,

ભાર વગરની ભક્તિ,

ભાર વગરની જિંદગી શક્ય છે.

દફ્તર હળવું રાખવું એવું નહિ, દફ્તર રાખવું જ નહિ!

હાથ હલાવતાં આવ્યા હતા,

હાથ ખોલીને , હાથ ખંખેરીને ચાલ્યા જવાનું.

મજ્જાની લાઈફ્ પોસિબલ છે,

સોગિયા ડાચા એ સ્થિતપ્રજ્ઞતા નથી,

રોતલ વેવલાઈ એ ભકિત નથી,

જ્ઞાન મળ્યું હોય એની સાબિતી સતત પ્રસન્નતા છે,

જીવન , પોતે દુઃખી થવા માટે કે

કોઈને પણ દુઃખી કરવા માટે હરગીઝ નથી.

અને છતાં ય કુરુક્ષેત્રમાં આપણી સામે આવી પડીને, આપણી સામે અધર્મ કરીને કોઈ આપણાથી દુઃખી થાય તો-it is his problem, Boss!

કોઈ પણ સંજોગોમાં આનંદમાં રહેવું ,

બીજાને દુઃખ આપ્યા સિવાય, એ જ જીવની એકમાત્ર ફરજ છે.

શ્રીકૃષ્ણને એક અવતાર પુરુષ કહીએ તો રેશનલ લોકોને એ *માયથોલોજીકલ પાત્ર* લાગે. અને જો એમને કાલ્પનિક કથાનાયક કહીએ તો તો ધાર્મિકો છંછેડાઈ જાય.

પણ- ખરેખર તો કૃષ્ણ- એ એક વિચાર- એક આત્મવિચાર- મનને ઢંઢોળતું મંથન લાગે, એક ફ્લિોસોફી છે. દુનિયાભરના બૌદ્ધિકોએ એ ગીતાના તત્વજ્ઞાનને સમજવા પ્રયત્ન કર્યો છે.

જે રુઢિગત રીલીજીયન - મજહબ છે એને *સંપ્રદાય* ગણાય , અને બધા સંપ્રદાયો જે તે સમયની અને જે તે સમુહની આવશ્યકતા હતા, અને હજુ ય છે. અને એનાથી સમાજમાં એક સામાજિક શિસ્ત, એક જૂથતા લાવવાનો ઉદ્દેશ હોય.

પણ ગીતામાં જ્યારે ધર્મની વાત થાય છે, ત્યારે એ સંપ્રદાયની નથી, જડતાની નથી- સંકીર્ણતાની નથી.

કૃષ્ણ સ્વધર્મની વાત કરે એ કોઈ પણ સંપ્રદાયની વ્યકિતને 

લાગુ પડે,

દરેક યુગમાં ખરી ઉતરે. એક વૈજ્ઞાનિક સિદ્ધાંત જેવું .

વિજ્ઞાનમાં સિદ્ધાંત જેટલો યુનિવર્સલ,

એટલો જ લચીલો- ફ્લેક્સીબલ હોવો જોઈએ! અલગ અલગ પરિસ્થિતિમાં લાગુ પડવો જોઈએ.

નવાઈ લાગે છે ને? પણ સિદ્ધાંતના સમીકરણમાં જ તાપમાન T, દબાણ P કે વેગ V એવી સંજ્ઞાઓ આપેલી જ હોય તો?

મૂળ સમીકરણ એ જ -

PV= nRT

પણ તાપમાનનું મૂલ્ય બદલાય તો એ મૂકવું પડે..દળ બદલાય તો એની કિંમત મૂકીને જ આગળ વધાય.. અને એટલે સમીકરણ છોડતાં દરેક વખતે જવાબ બદલાય .R એ એક અચળાંક હોય !

ગીતામાં જે સ્વધર્મની વાત છે એમાં *સ્વ* ની વ્યાખ્યા કરવી પડે - સ્વ કોણ છે - સંસારી/ પ્રવૃત્ત/ નિવૃત્ત/યોદ્ધો/ સન્યાસી/ ... અને *સ્વ* ગમે તે હોય, એના પ્રમાણેના પરિમાણ મૂકો,R અચળાંક એટલે આ છે માણસ !

એટલે દરેક *સ્વ* સ્થિતપ્રજ્ઞ થઈ શકે-

સ્થિતપ્રજ્ઞમાં નથી લિંગભેદ/ જાતિભેદ કે સંપ્રદાય ભેદ. એક સાચો ઈસ્લામી સ્થિતપ્રજ્ઞ થવા માટે ગીતાની મદદ લઈ શકે. અને એક રાજા પણ વિદેહી બની શકે.

અને આ સમીકરણ માંડવું કે નહિ એ ય મારે નક્કી કરવાનું, સમીકરણ છોડતા મારે જેવો જવાબ જોઈતો હોય એમ હું *પેરામિટર* બદલી શકું.

મારે મોક્ષ જોઈએ છે, અને મારા *સાંપ્રદાયિક ધર્મ* માં એની કોઈ જોગવાઈ નથી તો હું એ સંપ્રદાયિક ધર્મ છોડી મોક્ષ માટે ગીતા લઈ નીકળી શકું.

આપણો *હું* સમાજમાં શું છે એ જ વિચારતા રહીએ છીએ - સ્ત્ર્રી પુરુષ/ ગરીબ પૈસાદાર- બીજું કેટલુંય

પણ ગીતામાં તમે કયા પગથિયે છો એનો ય ખ્યાલ આવે-

હું વિષાદી છું? હું કર્મયોગી છું? ભક્ત છું? સ્થિતપ્રજ્ઞ છું?

ગીતાજ્ઞાન એકલું જ કૃષ્ણવિચાર નથી.

ગીતાજ્ઞાન તો થિયરી છે, કૃષ્ણચરિત્ર પ્રયોગો છે. કૃષ્ણલીલા એકલી વાંચીએ તો કેટલાય ગમતા અણગમતા સવાલ થાય પણ ગીતા વાંચીએ ત્યારે એના જવાબ જડે.

કૃષ્ણનું જીવન એવું દેખાડયું છે- પેરાડોક્સથી ભરપૂર.. મસ્તી ભર્યું, એમાં કોઈ * રોનાધોના* નહિ. બધી વાતનો સંપૂર્ણ સ્વીકાર.. બધા બહારના પરિબળોનો સ્વીકાર અથવા ઉકેલ.. લડત ફ્ક્ત આંતરિક પરિબળો સામે- તે ય તમને લાગતું હોય તો..અને એ પાછું સેન્સ ઓફ્ હ્યુમર જાળવીને.

ગીતામાં અર્જુન સવાલો પૂછતો જ જાય,

અને કૃષ્ણ ફેરવી ફેરવીને એક જ વાત અઢાર અઢાર પ્રકરણમાં સમજાવે!

ને છેલ્લે ય પાછું કોઈ compulsion નહી કે મારી વાત જ માન!

મેં તો તને આજ્ઞાન કહ્યું , હવે, તું એના પર વિચાર કરી પછી તને યોગ્ય લાગે તેમ કર! *

विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु}}-

18.63।।

આખી ગીતા ઘણી વાર વાંચી છે

જ્યારે બીજો અધ્યાય તો ઘણી ઘણી વાર વાંચ્યો.

મોટાઓએ મનમાં એવી છાપ પાડેલી કે ગીતાનો બીજો અધ્યાય વાંચો એટલે બસ!

પછી ત્રીજો અધ્યાય સ્વતંત્ર રીતે વાંચ્યો ત્યારે થયું કે,

અરે! - સંસારી - ( પછી એ આસ્તિક હોય કે નાસ્તિક) માટે બીજા અધ્યાયને આત્મસાત કરવામાં હજુ ઘણી વાર છે, આત્મા મરતો નથી કે મારતો નથી એ વાત ઘણાંને *થિયરી* જ લાગે.

બધાએ ખરેખર તો ત્રીજો અધ્યાય વારંવાર વાંચી સમજવા જેવો છે. સ્પષ્ટ કરું કે આ મારું loud thinking જ છે, હું કાંઈ આ વિષયમાં બહુ જ્ઞાની નથી, ઉલટું ઘણાં ગીતા ભણેલાં વિદ્વાનો અહીં છે. હું તો મારા જીવન સાથે જે પ્રયોગો કરું તે લખું પણ થીયરી તો જ્ઞાની જ સમજાવી શકે.

-

કૃષ્ણે તો વિચાર્યું હશે કે અર્જુનને આ બીજા અધ્યાયમાં જ જ્ઞાન અને કર્મ બંને વિષે સમજ પાડી દીધી એટલે સિલેબસ પૂરો!

પણ અર્જુન તો ન સમજાય ત્યાં તરત પૂછે એવો વિદ્યાર્થી !

એટલે અર્જુને તો લાડકો શિષ્ય લઈ શકે તેવી છૂટ લઈ કૃષ્ણને રીસથી પૂછી લીધું,

अर्जुन उवाच

ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन}

तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव}}3.1}}

એક બાજુથી તમે જ્ઞાનને કર્મ કરતા ઉચ્ચ માનો છો અને બીજી તરફ્ મને તો યુદ્ધ જેવા ઘોર કર્મ માં ધકેલો છો! આવું કેમ કરો છો? તમારા બંને બાજુના ઉપદેશથી મને તો મુંઝવણ થઈ ગઈ છે, મારા મૂળ પ્રશ્નનો ઉત્તર તો ન મળ્યો, ઉલટા મારા મનમાં બીજા કેટલાય સવાલો ઊભા થયા. તમારી આવી ગોળગોળ વાતથી તો મારી તો બુદ્ધિ બહેર મારી ગઈ, માટે હે કૃપાળુ , મને સ્પષ્ટ ચોક્કસ વાત કરો! જ્ઞાની થઈ કશું કર્યા વગર બેસી જાઉં કે યુદ્ધ કરું ? * (3.1 & 3.2)

હે નિષ્પાપ, કોઈ પણ મનુષ્ય પ્રકૃતિને અનુસરી કાર્ય કર્યા વગર રહી જ શકતો નથી.જન્મ્યા એટલે કર્મ શરુ જ. જીવન ટકાવી રાખવા ય કર્મ તો કરીએ જ.

આગળ કહે છે કે મારે તો ત્રણે લોકમાં ન કાંઈ પ્રાપ્ત કરવું છે, ન કશું કામ છે તો ય મેં જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો તો મારે મારા * કર્તવ્ય કર્મ* કરવા જ રહ્યા.

એ જ અધ્યાયના બીજા એક શ્લોકમાં કેવા કર્મ કરવા એ બહુ જ ઉંડાણથી સમજાવે છેઃ

-

सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत}कुर्याद्विद्वांस्तथासक्तश् चिकीर्षुर्लोकसंग्रहम्}}3.25}}

અજ્ઞાની લોકો આસક્તિથી કરવા જેવા અને ન કરવા બધા કર્મ કર્યા જ કરે છે જ્યારે જ્ઞાની, આસક્તિ રહિત થઈ ફ્ક્ત *લોકસંગ્રહ* માટે કર્મ કરે છે. આ જ્ઞાનીઓએ લોકો પર દાખલો બેસાડવા માટે પણ, જરાય જરુર ન હોય તો ય લોક કલ્યાણના કામ કરતા રહેવા જોઈએ. અને એટલે જ ઘણા ધનવાન કાર્યરત રહી પૈસા કમાઈ એ ધન સમાજસેવામાં પાછું આપે છે, હોસ્પિટલ, સ્કૂલ કોલેજ બંધાવે છે, ગરીબોને મદદ કરે છે. મેં ખૂબ કમાઈ લીધું એવું માની હાથ જોડી બેસી રહેતા નથી.

અને વારંવાર બીજા બધા અધ્યાયોમાં પણ કર્મયોગની વાત વાંચી જવા જેવીઃ

બારમા અધ્યાયનો આ શ્લોક જુઓઃ

श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते}ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम्}}12.12}}

અભ્યાસ યોગ થી શાસ્ત્ર્રોનુંજ્ઞાન વધુ સારું , એનાથી ય સારું ધ્યાન. પણ બધા કર્મોના ફ્ળત્યાગ કરી કરેલ કર્મયોગ સૌથી ઉત્તમ છે. એનાથી તરત જ પરમ શાંતિ મળે છે.

બહુ આધારભૂત સંદર્ભો છે કે ગીતા ઉપનિષદ પછી મોડેથી લખાઈ જ્યારે બૌદ્ધ ધર્મ નો પ્રસાર થયો ત્યારે.

આજે તો આ વાત યાદ કરાવવાનું કારણ - હિંદુ લોકોએ *હિંદુત્વ* નો પ્રસાર બૌદ્ધિકોમાં- અને સમગ્ર સમાજમાં કરવા માટે મધ્યયુગીન અંધશ્રદ્ધાઓ અને સમજ્યા વગરના ધાર્મિક ટૂરીઝમને બદલે ગીતા વાંચવી/ વંચાવવી અને સમજવી જોઈએ, એવું વારંવાર લાગે. કેટલા હિન્દુઓએ ગીતા વાંચી? સમજી? ગોખવાની વાત નથી. સમજવાની અને બને એટલું જીવનમાં ઉતારવાની વાત છે.

ઉપનિષદનો ઋષિ કોઈ મહાત્મ્ય / ચેતવણી આપ્યા સિવાય પોતાના તાનમાં જ એક બ્રહ્મશાસ્ત્ર્ર - વિજ્ઞાન ખોલે છે.જે કદાચ અમુક લોકોને ન ફાવે પણ ગીતા તો સર્વશાસ્ત્ર્રગ્રાહી અને સર્વ લોકગ્રાહ્ય છે.

જ્યારે જ્યારે સમાજ આડા અવળા રસ્તે જતો હોય ત્યારે સમાજના *સાચા સેવકો* એ ગીતાપ્રસાર જ કરલો!

અને છેલ્લે-

JSK.

- પછી તો શ્રી કૃષ્ણ બગડયા અને 'આજના' અર્જુનને આમ કરી ખખડાવી નાંખ્યો : *હે અર્જુન, આળસવીર, તું કેમ કરી યોગ કરીશ? તું તો મારું નામ પણ પૂરું લખી શકતો નથી! તને આખું *જય શ્રીકૃષ્ણ * લખતા ય જોર પડે છે, તું કેવો ભક્ત છે?