તાજેતરમાં જ શિક્ષક દિન ગયો. એ સંદર્ભમાં આજે એક મૂલ્યનિષ્ઠ સારસ્વત ડૉ. પ્રભુદાસ પટેલની શિક્ષણ તથા સમાજસેવાના ક્ષેત્રમાં આપેલી મૂલ્યનિષ્ઠ સેવાઓની વાત કરવી છે. આજે તેઓ એક નિવૃત્ત આચાર્ય છે અને 86 વર્ષની ઉંમરના થયા છે. તેમનું જીવન અને કવન અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. ડૉ.પ્રભુદાસ પટેલનું વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમના જીવનને આ રીતે વર્ણવી શકાય.
ઉચ્ચ શૈક્ષણિક લાયકાત : ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ડો. પટેલ એમ.એ. ।।. બી.એડ. ।। એલ.એલ.બી. ।। પીએચ.ડી. સુધીની તમામ ડિગ્રીઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ અને બીજા વર્ગમાં મેળવી છે. એલ. એલ.બી. માં પ્રથમ વર્ગ સાથે વિશેષ યોગ્યતાને કારણે નેશનલ સ્કોલરશીપ માટે લાયક ઠરેલા. કોલેજમાં પ્રથમ વર્ષે જ બેસ્ટ એન.સી.સી. કેડેટ થયેલ.
શેરથામાં આચાર્ય : શરૂઆતમાં અમદાવાદમાં હાઈસ્કૂલમાં શિક્ષક/સુપરવાઈઝર તરીકે 10 વર્ષની સેવા બાદ 80 ના દાયકામાં શેરથા, જિ. ગાંધીનગરમાં આચાર્ય તરીકે જોડાયા. ત્યાં તેમની ઉત્કૃષ્ઠ શૈક્ષણિક સેવાઓ બદલ રાજ્ય સરકારે *શ્રોષ્ઠ શિક્ષક* તરીકે નવાજ્યા. (1886), ત્યારબાદ ભારત સરકાર દ્વારા શ્રોષ્ઠ આચાર્ય તરીકે નેશનલ એવોર્ડથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પુરસ્કૃત કરાયા (1988). આ શાળામાં ડો. પટેલે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના અનેક શૈક્ષણિક અને યુવા પ્રવૃત્તિઓનાં આયોજન કર્યા. શેરથામાંથી સરકારી 18 વીઘા પડતર જમીનમાં ફ્ળાઉ વૃક્ષો તથા ઔષધીય છોડ ઉગાડી *બાલવન* તૈયાર કર્યું. તે જ રીતે અદ્યતન ભઠ્ઠીવાળું સ્મશાનવન *શાંતિવન* તૈયાર કર્યું. જ્યાં અગ્નિ સંસ્કારમાં અડધો સમય અને અડધા લાકડાં બચી શકે.
અમદાવાદમાં શ્રી વિદ્યાનગર સ્કૂલમાં આચાર્ય : ત્યારબાદ 90 ના દાયકામાં અમદાવાદની પ્રખ્યાત શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જોડાયા. આ શાળામાં તેમના લાંબા અને કર્મઠકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપ્યો. અહી પ્રિન્સિપાલ ઉપરાંત ટ્રસ્ટી તરીકે રહીને વિદ્યાર્થીઓની અને સંસ્થાની ઉન્નતિમાં તેમના જ્ઞાન અને માર્ગદર્શને અગત્યનો ભાગ ભજવ્યો
શિક્ષણમાં શ્રોષ્ઠતા, સંસ્કારમાં અગ્રેસરતા અને પરિણામોમાં રાજ્યવ્યાપી 100% સફ્ળતા એવી વિદ્યાનગર સ્કૂલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસથી જવાબદાર નાગરિકનું નિર્માણ અને ગુણવત્તાસભર શિક્ષણ માટે વિશ્વસનીય એટલે શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ. આ શાળામાં માત્ર અભ્યાસ જ નહી. પરંતુ વ્યક્તિત્વ વિકાસ, લીડરશીપ, કમ્યુનિકેશન સ્કીલ, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારી સાથે માનવમૂલ્યો પર વધારે ભાર અપાતો હતો. આ શાળાએ ઉત્તમ કક્ષાના એન્જિનિયર્સ, શ્રોષ્ઠ ડોક્ટર્સ, જાણીતા ઉદ્યોગપતિઓ, ખ્યાતનામ લેખકો, શ્રોષ્ઠ કલાકારો, નામાંકિત નાટયકારો, રમતવીરો અને ખાસ કરીને ઈન્ટરનેશનલ ક્રિકેટરો ગુજરાત અને ખેલ જગતને ભેટ આપ્યા છે. મોટા ભાગની શાળા રિસેશ પડે અથવા તાસ બદલાય એટલે ઘંટ વાગે. જ્યારે આ શાળામાં સુંદર ભજન કે ગીતની ધૂન વાગતી.
જી.પી.એસ.સી.માં નિમણુંક : ડો. પટેલની વિવિધ ક્ષેત્રોમાં શૈક્ષણિક સાહિત્યિક અને સામાજિક સેવાઓ સમગ્ર સમાજને સમૃધ્ધ બનાવે છે. તેમની પ્રતિબદ્ધતા અને શ્રોષ્ઠતાની ભાવના આગામી તમામ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. રાજ્ય સરકારે તેમની 36 વર્ષની મૂલ્યનિષ્ઠ શૈક્ષણિક-સામાજકિ સેવાઓ બદલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં (જી.પી.એસ.સી.) 6 વર્ષ માટે નિમણૂંક કરી. (1997 થી 2003) આ મોભાદાર કમિશનમાં રહી ડો. પટેલે રાજ્ય સરકારમાં વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ભરતી કરવાનું કાર્ય ઔદાર્યપૂર્વક બજાવ્યું.
મૂલ્યનિષ્ઠ સારસ્વત : ડો. પટેલે ગુજરાતના મૂલ્યનિષ્ઠ સારસ્વતોમાં એક છે. તેમણે સમગ્ર ગુજરાતમાં શિક્ષણસેવાના અજવાળા પાથર્યા છે. ડો. પટેલે ગુજરાતના પ્રથમ નંબરના આધ્યાત્મિક કવિ *મકરદ દવે* ઉપર 475 પાનાનો શોધ નિબંધ 'કવિ મકરદ દવે' એક અધ્યયન તૈયાર કર્યો. જેને આધારે ગુજરાત યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી. ની પદવી એનાયત કરી. આ શોધ નિબંધ બીએ અને એમએ ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો સાબિત થયો છે.
નિવૃત્તિ બાદ(2006 થી 2016) અમદાવાદની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા 'સ્ત્ર્રી કેળવણી ઉત્તેજક મંડળ'માં કેમ્પસ એજ્યુકેશન ચેરમેન પદે રહી સંસ્થાના વિકાસમાં મહત્વનો કાળો આપ્યો આજ સમયમાં ઉમિયા માતાજી સંસ્થાન - ઊંઝાના મુખપત્ર ઉમિયા જ્યોતનાં ચીફ એડિટર તરીકે (2012 થી 2020)
અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સામયિક 'ઉમા સૃષ્ટિ' ના મેનજિંગ એડિટર તરીકે લગભગ 162 વોલ્યુમ સંપાદન
કર્યા અને પ્રકાશિત કર્યા. તેમના કેટલાક વિશિષ્ટ સ્પે. અંકો નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ. 'પ્રમુખ સ્વામી'. 'મા', 'દીકરી' તો અદભૂત અને ઉત્કૃષ્ઠ સાબિત થયા છે. જેની નકલો દસ હજારથી પંચાસ હજાર સુધી પ્રકાશિત થઈ છે. સામયિકોની દુનિયામાં આ બંને સામયિકો ઉત્તમ અને અદભૂત બની ચુક્યા છે.
કર્તવ્યબદ્ધ કેળવણીકાર : ડો. પટેલે તેમના ગામ (સાન્થલ. જિ. મહેસાણા)ની શેરીમાંથી નીકળી સફ્ળતાનાં અનેક શિખરો સર કર્યા છે. અનેક સન્માનો, અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર એક અદના શિક્ષણકાર અને કેળવણીકાર તરીકે રાજ્યમાં સ્થાન પામ્યા છે. તેઓ પ્રખર રાષ્ટ્રભક્ત અને દેશભક્ત સંન્યાસી ભારતમાતાના પરમ આરાધક સ્વામિ સત્યમિત્રાનંદ ગિરીના પરમ કૃપાપાત્ર રહ્યા છે.
ગુજરાત ગરિમા એવોર્ડ : આ કર્તવ્યબદ્ધ કેળવણીકાર અને શિક્ષણકાર ડો. પ્રભુદાસ પટેલને તેમની તમામ ઉત્કૃષ્ઠ શૈક્ષણિક સેવાઓને ધ્યાને લઈને ગુજરાત સરકારે તેના સૌથી મોટા નાગરિક સન્માન 'ગુજરાત ગરિમા એવોર્ડ'થી વિભૂષિત કર્યા છે. (2025) અત્યારે 86 વર્ષની ઉમરે પણ ડો. પટેલ નિરામય આયુષ્ય ધરાવે છે. સાયકલિંગ, ઘોડેસવારી, તરણ અને યોગ તેમના મુખ્ય શોખ રહ્યા છે. હાલમાં ગુજરાત, અમદાવાદની આઠ જેટલી સંસ્થામાં તેઓ પ્રમુખ, ટ્રસ્ટી કે સભ્ય તરીકે નિયમિત સેવાઓ આપે છે.
ડૉ. પટેલને ઘોડેસવારી અને તરવાનો શોખ છે. 80 વર્ષની ઉંમરે મહાબળેશ્વર ગયા ત્યારે હરીફાઈમાં એક 'યુવરાજ' નામનો ઘોડો લઈ પ્રથમ નંબરે આવેલા. તેમના કોલેજ અભ્યાસ દરમિયાન વિસનગર એમ.એન. કોલેજમાં એન.સી.સી. વાર્ષિક કેમ્પમાં 'Best N.C.C cadet' તરીકે વિજયી થયેલા.
વિશિષ્ટ સેવાઓ : છેલ્લા 20 વર્ષથી દર વર્ષે અમેરિકા જઈ ત્યાં વસતા ગુજરાતી પરિવારોમાં નવી પેઢીના બાળકોને ગુજરાતી ભાષા, યોગ-પ્રાણાયામ શીખવાડે છે. આમ છેલ્લા 20 વર્ષથી ચાલતા આ અવિરત સેવા શિક્ષણનો જ્ઞાનયજ્ઞ બન્યો છે. તેમના આ પ્રયાસથી ત્યાંના બાળકો ગુજરાતી ભાષા બોલતાં-લખતાં-વાંચતા થયા છે... અત્યારે 86 વર્ષની ઉંમરે પણ દરરોજ 40 મિનિટ સાઇકલ ચલાવવી, 30 મિનિટ સ્વીમિંગ અને દરરોજ પ્રાણાયામ યોગા 15 મિનિટ કરે છે. તે જ રીતે ડૉ. પટેલે તેમની માતાની પાવન સ્મૃતિમાં એક ટ્રસ્ટ ઊભું કર્યું.
આ ટ્રસ્ટમાં તેમની પેન્શનની તમામ રકમ જમા કરાવી. તેમાંથી શાળાની ગરીબ પણ તેજસ્વી પાંચ દીકરીઓને દત્તક લઈ તેમના વર્ષનો તમામ ખર્ચ આપે છે. વળી ગામમાં વિધવા, ત્યક્તા કે અનાથ બહેનોને દર માસે તેમને જરૂરી રાશનકીટ છેલ્લા દસ વર્ષથી આપે છે.
