રાવબહાદુર રણછોડલાલ છોટાલાલે અમદાવાદ શહેરની સુખાકારીમાં શ્રોષ્ઠ પ્રદાન આપેલું છે.
ભગવાનલાલ આર. બાદશાહે 1899માં લખેલા પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સરકાર તરફ્થી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સભ્ય તરીકે નીમાયા હતા. 1885માં લોર્ડ રિપને હિન્દુસ્તાનને સ્થાનિક સ્વરાજ્યનો હક્ક આપ્યો હતો તેથી મ્યુનિસિપાલિટીઓમાં બ્રિટિશ-ઇન્ડિયા સરકાર તરફ્થી સભાસદોની નિમણૂક થતી હતી. સરકારે 1885માં રાવબહાદુર રણછોડલાલ છોટાલાલને તેમની યોગ્યતાના કારણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે નિમણૂક આપી. એ સમયે ગુજરાતમાં તેઓ સૌથી વધુ ધનવાન વ્યક્તિ ગણાતા હતા.
રાવબહાદુર રણછોડલાલનો એવો અભિપ્રાય હતો કે દરેક માણસે પોતાની તંદુરસ્તીનો ખ્યાલ પોતે જ રાખવો જોઈએ. તેમના પિતા પણ વૈદિકવિદ્યામાં નિપુણ હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા બાદ તેમણે શહેરના લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રયાસો શરૂ કર્યાં. મુંબઈ ઇલાકાના જુદાં જુદાં સ્થળોની વસતીના મરણના આંકડાઓ મગાવી તુલનાત્મક અભ્યાસનો આરંભ કર્યો અને એ આંકડા પરથી તેમણે તારણ કાઢયું કે, ખેડા, ગોધરા, સુરત, ભરૂચ, થાણા, અલીબાગ તથા મુંબઈ ઈલાકાના આખા ઉત્તરપ્રાંતમાં બીજાં બધાં સ્થળો કરતાં અમદાવાદમાં મૃત્યુ દર સૌથી વધુ છે. એ જ રીતે તાવ આવવાથી અમદાવાદમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા કાનપુર, મુંબઈ કે કોલકાતાથી પણ વધારે હતી. તે પછી તેમણે નોંધ કરી કે શહેરના લોકોની તંદુરસ્તી જાળવવાની વ્યવસ્થામાં કોઈ મોટી ખામી હોવી જોઈએ. આ ખામી દૂર કરવા (1) દરેક ઘરની ગંદકીનું ગંદું પાણી શહેર બહાર-ડ્રેનેજ કરીને લઈ જવાની યોજના હાલ નથી તેથી તેવી ડ્રેનેજની યોજના કરવી જોઈએ. (2) શહેરના લોકોને શુદ્ધ પાણી જેટલું જોઈએ તેટલું મળતું નથી (3) શહેરની વસતી ઘણી ગીચ છે. લોકોને તાવ આવવાના મુખ્ય કારણો આ છે.
એ સમયે શહેરમાં ગંદા પાણીના નિકાલ માટે દરેક ઘર પાસે ખાળકૂવા હતા. એ પાણી પીવાનાં પાણીના ઝરા સાથે ભળી જતું અને કૂવાઓમાં જતું. એ જમાનામાં લોકો કૂવાનું પાણી પીતા હતા અને ખાળકૂવાના ગંદાં પાણીથી મિશ્રિાત થઈ ગયેલું પાણી પીવાથી લોકો બીમાર પડતા હતા.
તેમણે નોંધ્યું હતું કે અમદાવાદ શહેરમાં હજારો એવાં ઘર છે જ્યાં ઘરનું ગંદુ પાણી કાઢવાની કોઈ યોજના જ નથી. વળી કેટલાંક ઘર એવી સાંકડી ગલીઓમાં છે જ્યાં પાંચ કે છ ફૂટની પણ પહોળાઈ નથી. અહીં સૂર્યના કિરણો પડતાં ના હોઈ ભેજ વધે છે અને તે જ મેલેરિયાના ઉદ્ભવનું કારણ બને છે. તેથી શહેરના ગંદા પાણીનો નિકાલ કરી તેને શહેરની બહાર લઈ જઈ તેનો ખેતી માટે ઉપયોગ કરવો. જરૂર પડે તો ખાળકૂવા બંધ કરાવવા. સરકારે જાહેર શૌચાલયો બાંધવા. દૂર દૂરથી આવતી સાબરમતી નદીમાં રસ્તામાં ગંદકી ઉમેરાતી જાય છે તેથી સાબરમતી નદીના પાણીને રસ્તામાં ક્યાંક ઠરવા દેવામાં આવે તો ગંદકી નીચે ચાલી જાય અને ઉપરનું પાણી સ્વચ્છ થાય.
અમદાવાદ શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમણે એવું પણ નોંધ્યું હતું કે, અમદાવાદ શહેરના 8,000 ઘરોમાં અંદર પાણીના ટાંકા છે. તેને ધોવડાવી સ્વચ્છ કરવા અને તેમાં પવનની આવન-જાવન થાય તેવી ગોઠવણ કરવી. આ પાણીને એનાલાઈઝ કરાવ્યું તો માલૂમ પડયું કે ટાંકાનું પાણી ઊંડા અને કૂવાના પાણી કરતાં ચઢિયાતું છે. તેથી ટાંકાને સ્વચ્છ રાખીએ તો વધુ સારું.
એ જમાનામાં તેમણે એવું સૂચન કર્યું કે અમદાવાદ શહેરની નજીક કાંકરિયા નામનું મોટું તળાવ છે જેનું ક્ષેત્રફ્ળ 72 એકરનું છે. સરાસરી ઊંડાઈ 10 ફૂટ છે. તેમાં 3,13,63,200 ધનફૂટ અથવા 19,90,20,000 ગેલન પાણીનો સમાવેશ થાય છે. આ પાણી ઠરેલું હોય તો તેનો પણ પીવા માટે ઉપયોગ કરી શકાય તેમ છે.
રાવબહાદુરે એવી પણ નોંધ કરી કે તા. 10 નવેમ્બર, 1883ના મુંબઈ ગેઝેટ પરથી એ તારવ્યું છે કે મુંબઈ અને લંડનની વસ્તી દર એકરે પર અને 49 માણસની છે. અને અમદાવાદમાં દર એકરે 88 માણસની વસતી છે. ખાડિયા અને કાળુપુરમાં તો દર એકરે 134 અને 170 માણસની વસતી છે.
આ બધો અભ્યાસ કર્યા બાદ શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રાવબહાદુર રણછોડલાલે લેખિતમાં આ પ્રમાણે સૂચનો કર્યા : (1) ગીચ વસતી દૂર કરવા પ્રવચનો અને પુસ્તકો દ્વારા લોકોને સમજાવવું (2) સરકારે અને મ્યુનિસિપાલિટીએ એવા ઉપાયો કરવા કે તેથી લલચાઈને પોતાના મકાનો શહેરની બહાર બાંધે. (3) શહેરમાં નવા રાજમાર્ગો અને ચોગાનો-મેદાનો કરવા (4) ખાળકૂવા દૂર કરવા (5) ડ્રેનેજ સિસ્ટમ શરૂ કરવી (6) જાહેર શૌચાલયો બાંધવા (7) શહેરમાં રેલવે અને ટ્રામવે નાંખવી (8) જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તે ખાડા પૂરી દેવા (9) સાબરમતીનું પાણી કાઢીને જરૂર પડે તો ઉપયોગમાં લેવું. (10) કાંકરિયાના પાણીનો ઉપયોગ કરવાનો અભ્યાસ કરવો. (11) જેમના ઘરોમાં પાણીના ટાંકા છે તે ધોવાની સલાહ આપવી (12) ગરીબ અને અંધશ્રદ્ધા ધરાવતા લોકોના ઘેર જઈ ડોક્ટર મફ્ત સારવાર કરે તેવી વ્યવસ્થા કરવી અથવા શહેરની હોસ્પિટલમાં તેમને માફ્ક આવે તેવી સગવડ કરવી.
તા. 8મી ડિસેમ્બર, 1883ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રણછોડલાલ છોટાલાલે પોતાની સહી સાથે આ પત્ર શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિચારણા માટે મોકલી આપ્યો હતો. તેની એક નકલ તે વખતના વર્તમાનપત્રોને પણ મોકલી હતી.
તેઓ શહેરની ગીચ વસ્તી દૂર કરવાના જબરદસ્ત હિમાયતી હતા. તેમણે એ પણ નોંધ્યું હતું કે, 1848થી 1864 સુધીના વર્ષોમાં મુંબઈમાં કોલેરાના રોગથી 39,154 લોકોના મોત નીપજ્યાં હતા. પરંતુ 1865માં ત્યાં જ્યારથી સ્વચ્છ પાણી લાવવાનું શરૂ થયું ત્યારથી 17 વર્ષ સુધી કોલેરાથી 11,029 લોકોના મોત થયા એટલે કે 25,000 લોકોના ઓછા મોત થયાં તેનું કારણ સ્વચ્છ પાણી અને શહેરના લોકોના આરોગ્યની બાબતમાં બીજા સુધારાઓ. લોકોનો જીવ બચાવવાનો સવાલ છે ત્યાં સુધી કોઈ પણ ખર્ચ કરવાની બાબતમાં મ્યુનિસિપાલિટીને આનાકાની કરવી જોઈએ નહીં. તે પછી તેમણે શહેરમાં પાણીના તળ અને ગટરની યોજના પણ સૂચવી હતી. આ અંગેનો પત્ર તેમણે થોમ્સ બ્લેની, મુંબઈને તા. 22 જાન્યુઆરી, 1886ના રોજ મોકલ્યો હતો.
1886માં પણ અમદાવાદની મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે રણછોડલાલ છોટાલાલ શહેરના લોકોના સ્વાસ્થ્ય અંગે કેવા જાગ્રત હતા તેનો આ નમૂનો છે.
રાવબહાદુર રણછોડલાલ છોટાલાલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે કરેલી કામગીરીની કથા આગળ વધે છે. રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલના જીવન અંગે 1899માં વિસ્તૃત ગ્રંથ લખનાર ભગવાનલાલ આર. બાદશાહે એમની કામગીરીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. 1896-97ના વર્ષમાં હિન્દુસ્તાનમાં પ્લેગ-મરકીની બીમારીનો આરંભ થયો. મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં લોકો ભાગીને અમદાવાદ આવ્યા. અમદાવાદના પરાં અને ભાગોળો ઠસોઠસ ભરાઈ ગયા. આ પરિસ્થિતિ જોઈને રણછોડલાલે કેટલાંક સખત પગલાં લીધાં. તેઓ જીવ્યા ત્યાં સુધી અમદાવાદ શહેરમાં પ્લેગનો એક પણ કેસ થવા દીધો નહીં.
મુંબઈ, સુરત જેવા સ્થળોથી પ્લેગવાળો કોઈ માણસ આવ્યો હોય તો તો તેના ઝૂંપડા કે મકાનોમાંથી તેમને બહાર લાવી એમના ઝૂંપડા કે મકાનોને બાળી મૂકવામાં આવતાં અને એવા લોકોને મ્યુનિસિપાલિટી પાસેથી થયેલ નુકસાનીનું પૂરતું વળતર તેઓ અપાવતા હતા. એ જ રીતે કોઈ માલગાડી-ટ્રેન પ્લેગવાળા સ્થળેથી આવી હોય તો રેલવેનાએ ડબાઓમાં રહેલો માલ અને ગાંસડીઓને ગંધક અને ડાબરના ધુમાડાથી સ્વચ્છ કર્યા બાદ-સેનિટાઇઝ કર્યા બાદ જ શહેરમાં પેસવા દેતા.
નોંધપાત્ર વાત એ છે કે રાવબહાદુર રણછોડલાલના અવસાન બાદ જ છેક 1899ના માર્ચ માસમાં અમદાવાદમાં પ્લેગની બીમારીના આઠ-દસ કેસ નોંધાયા હતા. એ જમાનાના લોકો ખુલ્લેઆમ કહેતા કે, જ્યાં સુધી રણછોડલાલ જીવ્યા ત્યાં સુધી પ્લેગ અમદાવાદ તરફ્ નજર પણ કરી શક્યો નહોતો.
રાવબહાદુર રણછોડલાલને સાઠોદરા નાગર જ્ઞાતિ તરફ્થી તથા બીજી અનેક સંસ્થાઓ તરફ્થી માનપત્ર એનાયત થયા હતા. આવા હતા અમદાવાદ મ્યુનિસિપાલિટીના વર્ષો પૂર્વેના પ્રમુખ.
