સુપ્રીમના ચુકાદાથી ચર્ચાસ્પદ ઉદ્યોગ ભવન સ્થિત કોર્પોરેશનમાં 'નવો ખેલ' થયો છે. ત્રીજા- ચોથા માળની કચેરીમાં 16 જુલાઈએ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો તે નિવૃત સુપર ક્લાસ વન અફસર 16 ઓગસ્ટે પોતાના નેઈમ પ્લેટ વાળી ચેમ્બરમાં દેખાતા ઉદ્યોગ ભવન 'વાઈબ્રન્ટ' થયું છે. મુદ્દત પૂર્ણ થયા પછી ઠાઠથી સરકારી કાર ભોગવતા ટેકનિકલ કેડરના નિવૃત ક્લાસ- વને 16 ઓગસ્ટની સાંજે 7 કલાકે ઓફિસરોની સાથે બેસી કોર્પોરેશનમાં રસ્તા, ગટર, લેબર વર્ક, મેન પાવર અને પડતર બિલો સંલગ્ન અડધો ડઝનથી વધારે ફાઈલનો નિકાલ કર્યાની ચર્ચા છે. રાતે 9- 20 કલાક સુધી થયેલા 'વહિવટ'ના જાણકારોનું કહેવું છે કે, ક્લાસ- વનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી પણ ઓફિસનું ''આઉટ વર્ડ અને ઈન વર્ડ'' રજિસ્ટર 16 જુલાઈનું જ ચાલી રહ્યું છે. આથી, ક્યાંક જૂની તારીખોમાં ફાઈલ નિકાલ થયો નથી ને ? જો હા તો શું મેનેજિંગ ડિરેક્ટર-MD, ઉપાધ્યક્ષ-CEOને જાણ હતી ? સવાલોની વચ્ચે નીચે રહેલી 4000 નંબરની BMW સૌની નજરોમાં વસી છે, એથી આ રહસ્યમયી ઘટના ટોપ ટુ બોટમ ચર્ચામાં છે.
પ્રામાણિક કે 'સ્લેક' સુપરવાઈઝર ? કંટ્રોલ વગરની ખાખી = 'લઠ્ઠાકાંડ'
પોલીસ ભરતીમાં સિલેક્ટેડ જવાન દારૂની પાર્ટી આપે ને પછી લઠ્ઠાકાંડ થાય તે પરિસ્થિતિથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડયા છે.IPS, પોલિટિકલ બિરાદરીમાં ભાવનગરના DSP નીતિશ પાંડે ખૂબ પ્રમાણિક હોવાના દાવા થાય છે. જે સાચા છે. પરંતુ, સિક્કાની બીજી તરફ પોલીસ કોરિડોરમાં લઠ્ઠાકાંડમાં શરૂઆતને તબક્કે પોસ્ટમોર્ટમ વગર મૃતદેહ સોંપી દેવાયો છે તેને લઈને જે તાબેદારોને કંટ્રોલમાં ન રાખી શકે તે 'કાબેલ કેપ્ટન'ને શું 'સ્લેક' સુપરવાઈઝર ન કહેવાય ? સવાલો થઈ રહ્યા છે. પોલીસ વડાની ખરી કસોટી પોતાના ચોખ્ખા ચોપડે નહિ પરંતુ તળિયાના તંત્ર પર કડક પકડ રાખવામાં, ચોક્કસ બાતમી મેળવવા અને આવા કાંડને અટકાવવામાં છે. પરંતુ, ભાવનગરમાં તેમ થયું નથી. જ્યારે નીચેનું તંત્ર આંખ આડા કાન કરે અને માહિતીના અભાવે લોકો જીવ ગુમાવે, ત્યારે પ્રામાણિકતા કરતા બિનઅસરકારકતા- આ શબ્દ, તેમાં રહેલો હાર્દ ઘણો મોટો થઈ જાય છે. આ સ્લેક સુપરવાઈઝરથી નાગરિકો સુરક્ષિત રહેશે કે પછી માત્ર સાહેબની છાપ જ સચવાશે ?
બોલો, આ DDOએ તો સેક્રેટરીનો
પાવર અત્યારથી જ ભોગવી લીધો
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી-DDO અંચુ વિલ્સન તો વગર મંજૂરીએ રજા ઉપર જતા રહ્યા હતા પણ તેમના જૂનિયર, વષ્ર 2018ની બેચના IAS તેનાથીય આગળ વધી ગયા છે. વાત ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરીમાં UPSCએ સિલેક્ટ કર્યા પછીના વિવાદમાં રહેલા સ્નેહલ ભાપકરની છે. તેઓ અઢી વર્ષથી ગીર સોમનાથમાં DDO છે. તેમણે પોતાના જ સચિવાલય સ્થિત વિભાગના સેક્રેટરીની જેમ નિર્ણય કર્યો છે. જેથી ફરીથી વિવાદ થયો.DDO ભાપકરે માર્ગ મકાન ઈજનેર જે.આર.સીતાપરાનુ કામ નબળું હોવાનું ઠેરવી સિંચાઈ વિભાગ હસ્તક રહેલા એન.કે.પોરિયાને માર્ગ મકાનનો ચાર્જ સોંપવા ગેરકાયદે હુકમ કર્યો. આ સત્તાધિકારો તો સેક્રેટરીઓ પાસે છે, છતાંયે એ પાવર વાપરનારા DDO મેડમની 'ઓવર- સ્માર્ટનેસ' પર પંચાયત વિભાગે બ્રેક મારી છે. ઉપસચિવ દિલીપ નાઈએ DDOને ''રાજ્ય કક્ષાની ટેકનિકલ કેડરના અધિકારીઓના ચાર્જ- બદલીનો આખરી નિર્ણય માર્ગ-મકાન વિભાગના સેક્રેટરીનો છે,DDOનો નહીં !'' પત્ર લખીને કહ્યું છે. મેડમનો ચાર્જ સોંપણીનો આદેશ રદબાતલ ઠેરવ્યો છે. સચિવાલયમાં તીખો કટાક્ષ ચગી રહ્યો છે કે, નાના અધિકારીઓને આવા કિસ્સામાં મોટી શિક્ષા થાય છે તો સેક્રેટરીનો પાવર દેખાડતા IAS માટે એવું જ કંઈ થશે કે...
અમરેલી ટુ US પછી 'ઓન્લી' અફસર, 8 ડેલિગેશન 20 દેશોની જાતરા કરશે !
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કર્યા પછી 15 ઓગસ્ટની રાતે વાઈબ્રન્ટ સમિટ- 2027ના પ્રચાર માટે અમેરિકાનો પ્રવાસ શરૂ છે. આઠ IASનું ડેલિગેશન 27મી ઓગસ્ટેપાછું ફરે પછી વધુ આઠ ડેલિગેશન વિદેશ જશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયાના આ ડેલિગેશનોમાં ACS અંજુ શર્મા, જયંતી રવિ સહિત સિનિયર-જૂનિયર 12 IAS યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા સહિત 20 દેશો ખૂંદવા ઉપડશે. જેમાં ખરી ચર્ચા એ બે ડેલિગેશનની છે જ્યાં કોઈ મંત્રી જ નથી ! રશિયા- પોલેન્ડની ટૂર ACS રાજીવ ટોપનો એકલા સંભાળશો, તો ઓમાન- કતારમાં GNFCના MD રાજકુમાર બેનીવાલ, નાણા વિભાગના 'ખર્ચ'ના સેક્રેટરી જેનુ દેવન પણ મંત્રી વગર 'ઓન્લી અફ્સર' મોડમાં ઉપડશે ! વિદેશ ટૂરથી વંચિતોમાં કટાક્ષ થઈ રહ્યો છે કે મંત્રીઓ ભેગા જવા મળે એ તો ઠીક, પણ આ ત્રણેય તો નેતા વગર જ પોતાની ટિકિટો કન્ફોર્મ કરાવી ગયા છે. રોકાણ કેટલું આવે એ રામ જાણે, હાલ ટ્રીપ પાક્કી છે !
100 બેસ્ટ પોલીસ ચીફમાં પ્રમોટીની બાજી, ડાયરેક્ટ IPS જોતા રહી ગયા !
પ્રાઈવેટ એજન્સી દ્વારા દેશના 100 બેસ્ટ પોલીસ કપ્તાનના રાષ્ટ્રીય સરવેમાં ગુજરાતના ત્રણ અફસરો બાજી મારીને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. જેમાં ખેડાના પોલીસ અધિક્ષક-DSP વિજય પટેલ, વડોદરા શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર-DCP જગદિશ ચાવડા તેમજ અમદાવાદ શહેરના DCP હર્ષદકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાત પોલીસ સેવા-GPSમાંથી પ્રમોશન મેળવીને IPS થયેલા અનુભવી અધિકારીઓ છે !UPSCની કઠિન પરીક્ષા પાસ કરીને 'ડાયરેક્ટ' અવતરેલા એકપણ યુવા IPSનું ટોપ-100 બેસ્ટ પોલીસમાં ન આવતાં ખાખી વર્તુળોમાં હળવી રમુજ છે. પોલીસ આલમમાં ચર્ચા છે કે, ગ્રાઉન્ડ ઉપર ક્રાઈમ સીન, કંટ્રોલ અને કનેક્ટિવિટી કેળવવાનો અનુભવ કદાચ સાચો માસ્ટરસ્ટ્રોક' સાબિત થયો હશે. એથી પ્રાઈવેટ એજન્સીની પ્રતિષ્ઠા મેળવવામાં સફળ રહ્યા હોઈ શકે છે. હવે UPSCથી અવતરિત ડાયરેક્ટ IPS પુસ્તકીય થિયરીમાં આગળરહે છે કે પ્રમોટીની જેમ કનેક્ટિવીટીના પાઠ ભણે છે તે જોવુ રહ્યું.
દિલ્હીનો 'પાવર ડોઝ' અને મંત્રીજીનું રૌદ્રરૂપ, અફસરાનને ઝાટકી નાંખ્યા
મંત્રી પરિષદના સ્પેશિયલ 26માં અત્યાર સુધી પોતાના સાલસ અને શાલિન સ્વભાવ માટે જાણીતા એક મંત્રી અચાનક જ અંગાર મિજાજમાં આવી જતાં બ્યુરોક્રેટ બિરાદરીમાં ફફડાટ થયો છે. કોઈ ખુલીને બોલતું નથી પણ જેમને શાબ્દિક ચાબખા પડયા છે તેવા ચારથી વધારે સનદી અફસરોના વર્તન, શબ્દો અને ધીમા ઉચ્ચારણથી સબ-ઓર્ડિનેટ અધિકારી કર્મચારી આખીય ઘટનાને પામી ગયાની ગોસિપ છે. તાજેતરમાં દિલ્હી પ્રવાસેથી પરત ફર્યા કે તુરંત મંત્રીએ ચર્ચિત ઘટનાક્રમ મુદ્દે તાબડતોબ બેઠક બોલાવી હતી. જેમાં ઉચ્ચ અફસરોને કંઈક ઝાટક્યા કે સ્થળ ઉપર સન્નાટો છવાઈ ગયો હતો. મંત્રીએ કડક શબ્દોમાં ''સરકારી તંત્રમાં વ્યવસ્થાનું સાચું સંચાલન કઈ રીતે થાય છે તે હવે સ્વંય જ નક્કી કરશે !'' કહ્યુ. કોરિડોરમાં તીખો કટાક્ષ ચગી રહ્યો છે કે, અફસરાન જેને નમ્રતા સમજતા હતા તે મંત્રીની શાંતિ હતી નબળાઈ નહીં ! દિલ્હીથી મળેલો પોવર ડોઝ શું એ ચાર-પાંચ પૈકીના એકાદને માટે હતો કે પછી બીજુ કંઈ ? હવે કડક અવતાર કોને સીધા દોર રાખે છે કે પછી સપ્ટેમ્બર અંત સુધીમાં થનારી આઘાપાછી- બદલીમાં નવો વળાંક લાવશે !
હેરસ્ટાઈલ ડિપ્લોમસીઃ શું પહેલાથી
જાણ હતી ?MAએ મેકઓવર કર્યું
વડોદરાના સાંસદ હેમાંગ જોષી 1991માં જન્મેલા મિલેનિયલ્સ અર્થાત GeN-Y છે, જેન-ઝી નથી ! ભાજપ હાઈમાન્ડે તેમને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા તે સમયે સાંસદનો અલ્ટ્રા-મોડર્ન અવતાર જોઈનો પક્ષના નેતાઓ, કાર્યકરો સ્તબ્ધ છે. 35 વર્ષિય આ રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ જેનું નામ જાહેર થયું તે વેળા 'હેર ટ્રાન્સપ્લાન્ટ' કરાવીને આવ્યા હતા. વડોદરા સ્થિત તેમના ફાર્સ્ટ સર્કલમાં કહેવાય છે કે, જોષીને પહેલાથી જ ખબર હતી કે નીતિન નવિનની ટીમમાં રાષ્ટ્રીય યુવા મોરચામાં જવાબદારી મળવાની છે. એથી, 15 ઓગસ્ટ પછી તેમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યુ હતુ. 18મી ઓગસ્ટે નામ આવી ગયું ! એથી, 'ન્યુ લૂક' એ કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો નથી. હવે, આ હાઈ- પ્રોફાઈલ યુવા અધ્યક્ષને 'સાંસદ' તરીકે લોકસભા પાસે બંગલો મળશે કે પછી જે ફ્લેટમાં રહેવું પડશે ? 'હેરસ્ટાઈલ ડિપ્લોમસી' ભાજપ માટે ચેલેન્જરૂપ અર્બન GeN-Zને મતમાં તબદીલ કરી શકશે કે કેમ ? તેના પર સૌની નજર છે.
CMનો આદેશ હવામાં ? પાલિકામાં MLA એ મારમારવાનું બાકી રાખ્યું
મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓને સાથે મળીને સ્વચ્છતાથી લઈને ગુણવત્તાયુક્ત વિકાસકામો માટે નિરીક્ષણ કરવા આદેશ આપ્યાને પખવાડિયુ માંડ થયુ નથી, ત્યાં 'પાવર ગેઈમ' શરૂ થઈ ગઈ છે. અહીં વાત અમદાવાદ નજીક આવેલા એક શહેરની છે. જ્યાં નગરપાલિકામાં સત્તાધારી પક્ષ- ભાજપનો આંતરિક ડખો રસ્તે આવ્યો છે. સંકલનની બેઠકમાં પોતાની જ પાર્ટીના ધારાસભ્ય, પાલિકાની ચૂંટાયેલી પાંખના જનપ્રતિનિધિઓ પ્રમુખ ને સરકારના ચીફ ઓફિસર-CO વચ્ચે ભારે ગરમાગરમી સર્જાઈ હતી. ધારાસભ્યે આક્ષેપ કર્યો કે,CO અને પદાધિકારીઓ મારા કામો ધ્યાને લેતા નથી. બબાલ કલેક્ટર સુધી પહોંચી અને પ્રાંત અધિકારી બેઠક યોજવા દોડી આવ્યા. પછી, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી તો ત્યાં પણ ડ્રામા પૂરો ન થયો ! ધારાસભ્યના કામોમાં પાલિકાના પદાધિકારી- નગરસેવકોએ જ વાંધો ઉઠાવી વિરોધ કરતા ફરી હોબાળો થયો. ધારાસભ્યે જાણે મારવાનું જ બાકી રાખ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આથી, શહેરમાં ચર્ચા છે કે, ધારાસભ્ય એવા તો કેવા કામો સૂચવી રહ્યા છે કે તેનો સ્વીકાર કરવાની પોતાના જ પક્ષના ચૂંટાયેલા સભ્યો ચોખ્ખી ના પાડે છે ! શુ તેમાં કંઈ યારી, ભાગીદારી કે ટકાવારી જેવું તો નથી ને ?
રવિવારની 'સર્જિકલ સ્ટ્રાઈક'માં 26ને
SDMમાંથી હટાવાયા, મેડમ દરિયાકાંઠે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના થયાના બીજા જ દિવસે 16મી ઓગસ્ટની બપોરે મહેસૂલ વિભાગે 142 નાયબ કલેક્ટરોની બદલીનો મોટો ઘા ઝીંકાયો હતો. આ બદલી પછીના સપ્તાહમાં સૌથી ચર્ચિત કિસ્સો એ મેડમનો રહ્યો, જેમનું નામ જમીનના એક વિવાદમાં ઉછળ્યા પછી તેમણે ઉપરી સાહેબને સાધીને સઘળુ સમુસૂતરૂં પાર ઉતાર્યુ હતું. એમને 350થી વધુ કિલોમીટરને અંતરે આવેલા દરિયાકાંઠે હેડક્વાર્ટર ધરાવતા જિલ્લા ભેગા કરી દેવાયા છે ! માત્ર આ મેડમ જ નહિ જુનિયર સ્કેલના 48 GASને પણ આવો જ છાંટો વાગ્યો છે. 200થી 350 કિલોમીટર દૂરની સાઈડલાઈન જગ્યાએ મૂકીને સરકારે સ્પષ્ટ ચેતવણી આપ્યાની ચર્ચા છે. અલબત્ત 142 GASમાંથી માત્ર 12 જ અફસરો ટ્રાન્સફર પછી SDMની ખુરશી જાળવી શક્યા, જ્યારે 26 ડેપ્યુટી કલેક્ટરોની મેજિસ્ટ્રેટની સત્તા છીનવી મહેસૂલ વિભાગે DSO અને ડેપ્યુટી DDO જેવી જગ્યાએ ધકેલ્યા છે. રવિવારના જમ્બો ઓર્ડરમાં ખૂણે રહેલા 103 પૈકીના 43ને SDMની લોટરીલાગતા સ્ટેટ કેડરમાં ગોસિપ છે કે, રાજ્યના ખૂણે કોઈ પણ કંઈ કરતું- ભરતું હોય પણ ગાંધીનગરની જાદૂઈ 'સુપર-આઈ'થી કોઈ બચી શકતું નથી.
રિવિઝનનો જાદુ :CID ક્રાઈમના IPS
હવે IAS? આસામથી મેડમનું લેન્ડિંગ
બ્યુરોક્રેટમાં આજકાલ વર્ષ 2021ની બેચના IPS લોકશ યાદવની નવી 'ઈનિંગ્સ'ને લઈ ચર્ચા જામી છે. મૂળ હરિયાણાના ગુજરાત કેડરના યાદવ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રોબેશનકાળ પૂર્ણ કર્યા બાદ હાલ પોલીસ ભવન સ્થિત CID ક્રાઈમમાં પોલીસ અધિક્ષક-SP તરીકે કાર્યરત છે. અને હવે તેઓ IPSમાંથી IAS અર્થાત પોલીસમાંથી સિવિલ સેવામાં આવી રહ્યા છે ! આવું કેવી રીતે થઈ રહ્યું છે તે અંગે કોઈની પાસે નક્કર માહિતી નથી. કારણ કે, વિવાદ દિલ્હી સ્થિત UPSCએ વર્ષ 2020માં જાહેર કરેલા પરિણામમાં પડયો છે. એથી હવે તે પરિણામ રિવાઈઝડ થઈ રહ્યું છે. એટલે વર્ષ 2021 બેચ સાથે ગુજરાત કેડરમાં જ IAS તરીકે તેમનો સમાવેશ પણ થશે ! જે ગુજરાતના વહિવટી ઇતિહાસમાં પહેલીવાર હશે. આૃર્ય સર્જતા આ ફેરબદલ વચ્ચે વધુ એક IPS આસામથી ઈન્ટર સ્ટેટ કેડર ચેન્જ કરાવીને ગુજરાતમાં પગ મૂકી શકે છે ! તેઓ પણ રાજસ્થાનના છે, ગુજરાત કેડરના એક IPS સાથે મેરેજ કયર છે. તે ગ્રાઉન્ડ પર 2022ની બેચના મહિલા IPSને ભારત સરકાર મંજૂરી ગુજરાત આવશે.
ઈ'ન્યા હલવાણાઃ થાઈલેન્ડમાં નેતાજીને
એક્સ્ટ્રા સર્વિસમાં પોલીસ પાછળ પડી !
ગુજરાત સરકારમાં વાઈબ્રન્ટ સમિટી માટે વિદેશ પ્રવાસોની ગોષ્ઠી વચ્ચે ધારાસભ્યોમાં હમણાં પહેલીવાર ગાંધીનગર પહોંચેલા સૌરાષ્ટ્રના એક નેતાજીનો તાજ્જો કિસ્સો 'હોટ- ટોપિક' બની રહ્યો છે. બે વખત ચૂંટણી લડેલા અને બેઉ વખત અલગ અલગ સંસ્થાઓમાં વિજેતા થયેલા આ નેતા મિત્ર- મંડળીની સાથે 'હવાફેર' કરવા થાઈલેન્ડની સફરે હતા. તેનું ટૂર પેકેજ પહેલાથી જ નક્કી હતું. એટલે ત્યાં જઈ કંઈ ખાસ ખર્ચ કરવાનો થતો નહોતો, રોકાણ દરમિયાન ખાધું-પીધું અને જલ્સા કર્યા બાદ જ્યારે હોટલમાંથી ચેકઆઉટનો સમય આવ્યો, ત્યારે 'એક્સ્ટ્રા સર્વિસ'નું બિલ જોઈને નેતાએ પેમન્ટ ચૂકવવાની ચોખ્ખી ના પાડી દીધી ! ''આયા હંધુય પેકેજમાં જ શે'' કરીને નેતાએ મંડળી સાથે સીધા એરપોર્ટની વાટ પડકી તો મોટી માથાકૂટ થઈ. ચર્ચા તો એવી છે કે, હોટલ મેનેજમેન્ટે થાઈલેન્ડની પોલીસ જેવા લાગતા સિક્યોરિટી- બાઉન્સરને નેતાજીની પાછળ મોકલ્યા અને ઊભા ઊભા 'એક્સ્ટ્રા સર્વિસ'નું પેમેન્ટ કઢાવ્યું ! જો કે, આ એક્સ્ટ્રા સર્વિસ બીજી કોઈ નહીં પરંતુ, હોટેલ રૂમ્સની અંદર રહેતા 'બાર'ની હતી.
રખેવાળ CSના માનપાન વધી ગયા
મુખ્યમંત્રી અને રેગ્યુલર મુખ્ય સચિવના વિદેશ પ્રવાસ દરમિયાન સમગ્ર રાજ્યનું સુકાન બખૂબી સંભાળનારા 1991 બેચના ACS ડૉ. અંજુ શર્માના વહીવટી બેડામાં માનપાન વધી ગયા છે. સિનિયોરિટીમાં ત્રીજા ક્રમે આવતાં ડૉ. જયંતિ રવિના બદલે ચોથા ક્રમના અંજુ શર્માને સીએસ પદ સાથે નાણા વિભાગનો હવાલો સોંપાતાં બ્યુરોક્રસીમાં ભારે અચરજ સર્જાયું હતું. ચાર્જ દરમિયાન કેટલાકે ચા-પાણી માટે ઔપચારિક COSની બેઠક બોલાવવા સૂચવેલું, પણ તેમણે સસ્મિત બે હાથ જોડી અદબપૂર્વક કહ્યું કે 'લૂક આફ્ટર' ચાર્જમાં ફ્ક્ત ના ટાળી શકાય તેવાં જ અગત્યનાં કાર્યો કરવાના હોય છે.
