ભારતમાં જ વિકસાવવામાં આવેલી યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમ ભારતનાં લોકો માટે ભારતમાં જ બનાવેલી અને ભારતનાં લોકો દ્વારા જ ઉપયોગમાં લેવામાં આવતી પૈસાની ચૂકવણી માટે સરળમાં સરળ સિસ્ટમ છે. ઓછું ભણેલી કે નહીં ભણેલી વ્યક્તિ પણ તેનો સારામાં સારી રીતે સરળતાથી ઉપયોગ કરી શકે છે. શાકભાજીનાં માર્કેટમાં વેચાણ કરવા બેસતી નહીં ભણેલી કે ઓછું ભણેલી મહિલા પણ યુપીઆઈ દ્વારા ચપટી વગાડતામાં ક્યુઆર કૉડનો ઉપયોગ કરીને પૈસા મેળવી શકે છે. આ સિસ્ટમની મોટામાં મોટી ખાસિયત એ છે કે તેમાં નથી કોઈ રોકડ નાણાંનાં વ્યવહારની જરૂર પડતી કે નથી ચેક દ્વારા પેમેન્ટ કરવાની ઝંઝટ. આમ ખિસ્સામાં રોકડ રાખીને ખિસ્સું કપાઈ જવાનો ડર પણ નથી રહેતો. વર્ષ 2025-26માં યુપીઆઈ દ્વારા દેશમાં રૂ. 24,162 કરોડની લેવડદેવડ કરવામાં આવી હતી. દરરોજ સરેરાશ 66 કરોડથી વધારે પૈસા ચૂકવવાનાં કે પૈસાની લેવડદેવડ કરવાનાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. ભારતમાં શરૂ કરાયેલી આ સિસ્ટમ હાલ તો 11 દેશો સુધી પહોંચી ગઈ છે. ભારતમાં લોકો માટે પૈસાનો વ્યવહાર કરવા તે અનિવાર્ય સાધન બની ગઈ છે. તાજેતરમાં સરકાર દ્વારા UPI દ્વારા કરવામાં આવતી રૂ. 2000થી વધારે રકમની લેવડદેવડ પર 0.4 ટકા મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. આને કારણે રોજબરોજનાં ખરીદ વેચાણનાં કામમાં UPIનો ઉપયોગ કરનારાઓદ્વારા ઉહાપોહ મચાવવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આનો કોઈ જાતનો બોજો ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં જે કંઈ MDR ચૂકવવાનો થશે તે વેપારી પાસેથી વસૂલ કરવામાં આવનાર છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિને કરવામાં આવતા નાણાકીય લેવડદેવડનાં વ્યવહારોને આ MDRથી મુક્ત રાખવામાં આવ્યા છે. નાના મોટા વેપારીઓ દ્વારા તેનો ઉગ્રવિરોધ કરવામાં આવ્યો છે. લોકોમાં એવી ચિંતા ફેલાઈ છે કે આખરે તો વેપારી ગમે તેમ કરીને તે ગ્રાહક પાસેથી જ આ દર વસૂલ કરશે. બીજી આશંકા એવી છે કે આને કારણે ફરી એકવાર રોકડમાં નાણાકીય વ્યવહારો કરવાનું ચલણ વધશે. બ્લેક મનીના વ્યવહારોમાં પણ વધારો થશે. વાત ગમે તે હોય પણ સરકારે લોકોમાં વહેતી થયેલી આ આશંકાને સ્પષ્ટ રીતે દૂર કરવાની જરૂર છે. નવી વ્યવસ્થામાં સામાન્ય યુપીઆઈ દ્વારા કરવામાં આવેલી પૈસાની ચૂકવણી ગ્રાહકો માટે મફત રહેવાની છે. પરિવારનાં સભ્યો કે મિત્રો સાથે જ્યારે યુપીઆઈથી વ્યવહાર કરવામાં આવે ત્યારે પૈસા મોકલનાર પાસેથી કે પૈસા મેળવનાર પાસેથી કોઈ ફી વસૂલવામાં આવનાર નથી. સામાન્ય ગ્રાહકો કે આમઆદમીએ યુપીઆઈ દ્વારા પૈસાની ચૂકવણી કરવાથી કોઈ ચાર્જ ચૂકવવો પડશે તેવો ડર કાઢી નાંખવાની જરૂર છે. સરકારની એ ફરજ છે કે પૈસાની ચુકવણી માટે નાગરિકોને મળતી આ મફત સુવિધા કોઈપણ સંજોગોમાં ચાલુ રહેવી જોઈએ.