મનોજ મકવાણા, સરકારી શિક્ષક, મોડાસાઃ સરકાર દ્વારા શિક્ષકોને બિનશૈક્ષણિક અનેક કામ સોંપવામાં આવે છે. જેના કારણે શિક્ષણ કાર્ય બગડે છે. તો તેના ઉપાયો જણાવશો?   

એક આદર્શ સરકારી શાળાની કલ્પના કરીએ ત્યારે આપણી આંખ સામે કાળું પાટિયું, હાથમાં ચોક પકડીને અત્યંત ઉત્સાહથી ભણાવતા શિક્ષક અને તેમની સામે એકચિત્તે બેસીને જ્ઞાન અર્જન કરતા નિર્દોષ બાળકોનું ચિત્ર ઉપસે છે. પરંતુ આજના સમયમાં ગુજરાતની કોઈપણ અંતરિયાળ સરકારી શાળામાં જઈને વાસ્તવિકતા તપાસીએ, તો ચિત્ર તદ્દન વિપરીત અને ચિંતાજનક જોવા મળશે. આજે આપણો શિક્ષક ગણિતના અઘરા દાખલા ગણાવવા કે વિજ્ઞાનના અવનવા પ્રયોગો કરવાને બદલે શાળાના કંપાઉન્ડના ખૂણે ઊભો રહીને મોબાઈલમાં મધ્યાહન ભોજનના પત્રકો અપલોડ કરવા માટે ઇન્ટરનેટનું નેટવર્ક શોધતો નજરે ચડશે. વર્ગખંડમાં જ્યારે પાઠયપુસ્તકો ખુલ્લાં હોવા જોઈએ, ત્યારે શિક્ષક ટેબલ પર પત્રકો, સર્વે ફોર્મ્સ અને જુદા જુદા સરકારી વિભાગોના ડેટાના ઢગલા વચ્ચે ગૂંગળામણ અનુભવતો હોય છે.  

આજે શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરવા માટે મુક્ત નથી. વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સર્વેક્ષણો, ઉપરાંત અંદાજે 56 થી લઈને 123 જેટલા જુદા જુદા પ્રકારના બિન-શૈક્ષણિક અને વહીવટી કાર્યોમાં જોતરી દેવામાં આવ્યા છે. વિવિધ શિક્ષક સંગઠનોના આંકડા મુજબ, વર્ષના કુલ 365 દિવસોમાંથી 100 કરતાં પણ વધુ કિંમતી દિવસો તો માત્ર અને માત્ર ચૂંટણી ડયુટી, મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી, પશુ ગણતરી, વિવિધ યોજનાઓના આધાર કાર્ડ લિંકિંગ અને દૈનિક ઓનલાઈન ડેટા એન્ટ્રી પાછળ જ હોમાઈ જાય છે.  

જ્યારે લાયકાત ધરાવતો, તાલીમબદ્ધ શિક્ષક વર્ગખંડ છોડીને ગામની ગલીઓમાં ઘેર-ઘેર ફરીને મતદારયાદી સુધારવા કે નામ કમી કરવા નીકળે છે, ત્યારે વર્ગખંડમાં બેઠેલા પેલા ગરીબ, શ્રમિક અને વંચિત પરિવારના બાળકના ભવિષ્યમાં અંધકારની એક નવી લીટી ઉમેરાય છે. મધ્યમ અને ઉચ્ચ વર્ગના પરિવારોના બાળકો પાસે ખાનગી શાળાઓ અને ટયુશન ક્લાસીસના વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકો માટે તેનો શિક્ષક જ તેનો સર્વસ્વ અને જ્ઞાનનો એકમાત્ર સરોત હોય છે. જ્યારે એ જ સરોત વહીવટી કામોમાં વ્યસ્ત થઈ જાય, ત્યારે બાળકોનું શિક્ષણ કથળે છે. પ્રાથમિક શિક્ષણ એ બાળકના ભવિષ્યનો પાયો છે. જો આ પાયાના વર્ષોમાં જ બાળકને પૂરતો સમય અને ગુણવત્તાસભર શિક્ષણ ન મળે, તો તેની અસર તેના સમગ્ર જીવન અને કારકિર્દી પર પડે છે.  

શિક્ષક કોઈ વહીવટી ક્લાર્ક, ડેટા કલેક્ટર કે ફ્લ્ડિ સર્વેયર નથી. તે એક રાષ્ટ્રનિર્માતા છે. તેને આવા બિન-શૈક્ષણિક કામો સોંપવાથી આખરે તો દેશની ભાવિ પેઢીના પાયાના શિક્ષણને જ કલ્પના બહારનું કાયમી નુકસાન થાય છે. આ ગંભીર સળગતી સમસ્યાનો ઉકેલ સરકાર શોધી શકી નથી એ સરકારની નિષ્ફ્ળતા ગણાય. આ માટે વહીવટી તંત્રમાં મૂળભૂત, ક્રાંતિકારી અને નીતિગત પરિવર્તન લાવીને જ વ્યવહારુ ઉકેલો શોધવા પડશે. આ ગંભીર સમસ્યાના ઉપાયો છે. જરૂર છે સરકાર પક્ષે નિષ્ઠાની.  

આ સમસ્યાના ઉકેલની શરૂઆત છેવાડાના ગામથી જ થઈ શકે છે, જેને આપણે *સ્થાનિક ગ્રેજ્યુએટ સહાયક મોડેલ* તરીકે ઓળખાવી શકીએ. આ એક એવો અદભુત અને ત્રિપાંખીયો Win-Win ઉકેલ છે જે એકસાથે ત્રણ મોટી સમસ્યાઓ હલ કરી શકે છે. આ મોડેલ અંતર્ગત શિક્ષકને સોપવામાં આવતા બિન-શૈક્ષણિક કાર્યો સરકારી સર્વેક્ષણો કે ચૂંટણી પત્રકો વગેરે. જેમાં તૈયાર કરવાની વહીવટી જવાબદારી અને માર્ગદર્શન જે તે શાળાના મુખ્ય શિક્ષક કે આચાર્યનું જ રહેશે. પરંતુ, તેનું વાસ્તવિક ફ્લ્ડિ વર્ક, ઘરે-ઘરે જઈને ફોર્મ ભરવાનું કામ કે ડેટા કલેક્શન કરવાનું કામ તે જ ગામમાં રહેતા અને નોકરીની તલાશમાં હોય તેવા કોઈ બેરોજગાર શિક્ષિત યુવાન કે યુવતી પાસે કરાવવામાં આવે. આ કામગીરી બદલ આ યુવાન-યુવતીને કામ આધારિત મહેનતાણું સીધું તેના બેંક ખાતામાં ચૂકવવામાં આવે. જે શિક્ષકને મળતા કુલ મહેનતાણામાંથી કાપી લેવામાં આવે. આનાથી ત્રણ બહુમૂલ્ય ફાયદા થશે. પ્રથમ, શિક્ષકોનો કિંમતી સમય બચશે, દ્વિતીય, વર્ગખંડનું શિક્ષણ બગડશે નહીં,તૃતીય, ગામડાના શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમના પોતાના જ ગામમાં જ કામ અને રોજીરોટી મળી રહેશે. શિક્ષક માર્ગદર્શન આપશે, કામનુંસુપરવિઝન કરશે અને અંતે સહી કરીને ડેટા વેરિફાય કરશે, જેથી સરકારી કામની સચોટતા પણ જળવાઈ રહેશે. શિક્ષકને જ જણાવવામાં આવશે કે, કામ તમારે નથી કરવાનું, બીજા પાસે કરાવવાનું છે, પણ જવાબદારી તમારી.   

ખાનગી શાળાઓના સફ્ળ સંચાલન પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ત્યાં ભણાવવા માટે શિક્ષકો હોય છે અને વહીવટ કાગળિયા સંભાળવા માટે અલગ વહીવટી સ્ટાફ્ હોય છે. સરકારી શાળાઓમાં પણ આ જ મોડેલ અપનાવવું અત્યંત જરૂરી બન્યું છે. કારણ હવે સમય અને કામનું ભારણ તેમજ અપેક્ષાઓ બદલાઈ છે. રાજ્યની દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળા દીઠ અથવા તો બે-ત્રણ શાળા વચ્ચે એક કાયમી 'એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ' અથવા ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી થવી જોઈએ. આનાથી શિક્ષક ક્લાર્કના કંટાળાજનક કામમાંથી કાયમ માટે મુક્ત બનશે અને તેનો સમય માત્ર શિક્ષણ પાછળ જ ખર્ચશે.  

દરેક તાલુકા મથકે અને મોટી ગ્રામ પંચાયત સ્તરે 'ડેટા સેન્ટર' સ્થાપવા જોઈએ. ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અથવા પંચાયતના અન્ય સ્ટાફ્ને વહીવટી કામોની જવાબદારી સોંપવી જોઈએ. પંચાયત સ્તરે પહેલેથી જ ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનું માળખું ઉપલબ્ધ હોવાથી આ કામ વધુ ઝડપી બનશે અને શાળાની શૈક્ષણિક વ્યવસ્થા ક્યારેય ખોરવાશે નહીં.  

હાલની વ્યવસ્થામાં સૌથી મોટી ખામી એ છે કે શિક્ષણ વિભાગ અને અન્ય સરકારી વિભાગો દ્વારા અલગ-અલગ ડિજિટલ પોર્ટલ અથવા એપ્લિકેશન પર વારંવાર એક જ પ્રકારની માહિતી મંગાવવામાં આવે છે. 

ઉદાહરણ તરીકે, બાળકની હાજરી, તેના પિતાનું નામ, આધાર નંબર વગેરે વિગતો અલગ-અલગ પત્રકોમાં વારંવાર ભરવી પડે છે. આ માટે સમગ્ર રાજ્યમાં એક જ સેન્ટ્રલાઈઝ્ડ ઓટોમેશન પોર્ટલ' હોવું જોઈએ. આ પોર્ટલ પર શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એકવાર વિદ્યાર્થીનો ડેટા એન્ટર થયા પછી, તે ડેટા તમામ સરકારી યોજનાઓ, સ્કોલરશિપ અને હાજરીના પત્રકોમાં આપોઆપ અપડેટ થઈ જવો જોઈએ. આનાથી ડેટા એન્ટ્રીના ડુપ્લિકેશનમાંથી મુક્તિ મળશે અને શિક્ષકોનો કલાકોનો શ્રમ બચી જશે.  

ઔદ્યોગિક કંપનીઓના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફ્ંડનો મોટો હિસ્સો સરકારી શિક્ષણ પાછળ વાળવો જોઈએ. જે તે વિસ્તારના ઉદ્યોગો સ્થાનિક સરકારી શાળાઓને દત્તક લે. તેઓના ફ્ંડ દ્વારા શાળાઓમાં કાયમી ધોરણે પ્રાઈવેટ કમ્પ્યુટર ઓપરેટર્સ, સિક્યોરિટી ગાર્ડ્સ, લેબ આસિસ્ટન્ટ્સ અને સફાઈ કામદારોનું ભંડોળ પૂરું પાડી શકાય. આનાથી સરકારની તિજોરી પર આર્થિક બોજ વધ્યા વિના શાળાનું વહીવટી અને ભૌતિક માળખું અત્યંત આધુનિક અને સ્માર્ટ બની જશે.  

સરકારના અધિકૃત 'ડિજિટલ લોકર' પ્લેટફોર્મને શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ ઓનલાઈન પોર્ટલ સાથે સીધું જ સાંકળી દેવું જોઈએ. જ્યારે કોઈ વિદ્યાર્થી સ્કોલરશિપ માટે ફોર્મ ભરે, ત્યારે સિસ્ટમ આપોઆપ જ ડિજીલોકરમાંથી તેના જાતિ કે આવકના પ્રમાણપત્રો વેરિફાય કરી લે. આનાથી નકલી ફોર્મ સબમિટ થવાની સમસ્યા જડમૂળથી નાબૂદ થશે અને શિક્ષકોનો સમય બચશે.  

અશોકીઃ કોઈપણ સમસ્યા કાયમી હોતી નથી. સમસ્યા તેના ઉકેલ સાથે જ જન્મે છે. તે દૂર નહિ થવા પાછળના કારણે છે સાચી દિશાના નિષ્ઠાપૂર્વકનાપ્રયાસનો અભાવ.