નેમાના આગમને જેમ નાટકની કેડ તોડી નાખી હતી તેમ વીડિયોના પ્રવેશથી છબીઘરોની અવદશા થઈ. બાકી નાટકોની એક આગવી દુનિયા હતી. આગવા રંગ હતા. આગવા રૂપ હતા, ગામડાની કોઈ લાટીમાં નાટક કંપનીઓ ડેરા નાખે. ચોરસ ખાડો ખોદાય ને એમાં ખુરશીઓ ગોઠવાય. એમાંથી નીકળેલી માટીનો ટેકરો જનતા કલાસ માટે બનાવાય. એક પછી એક ઘંટ પડે અને ત્રીજા બેલે ધડાકા સાથે પડદો ખૂલે એ દૃશ્યો હવે લુપ્ત થઈ રહ્યાં છે.
અમદાવાદના નાટયગૃહને જેમનું નામ મળ્યું છે એવા પ્રસિદ્ધ નાટય અભિનેતા જયશંકર 'સુંદરી' એ જમાનામાં અદ્ભુત સ્ત્રી ભૂમિકાઓ કરતા. કહેવાય છે કે સ્ત્રી-પાત્રમાં તેઓ એટલા તો જચતા કે સ્ત્રી પ્રેક્ષકોને પણ તેમનાં રૂપકમનીયતાની ઈર્ષ્યા થઈ આવતી. જયશંકર સુંદરી તો મુંબઈની શેઠાણીઓને સાડી પહેરતાં પણ શીખવતા. મુંબઈમાં ગામદેવી પર ચાલતી મહિલાઓે રંગભૂમિ પર જયશંકર સુંદરીની ચાલનું અનુકરણ કરતી હોય એમ લાગતું, પરંતુ ખરેખર તો જયશંકર સુંદરી પોતાના ગુરુએ કહ્યું હોય એવું સ્ત્રી નિરીક્ષણ કરી તેની ચાલની આબેહૂબ નકલ કરતા.
આવા સુંદરીના ગુરુ હતા શ્રી બાપુલાલ નાયક અને જયશંકર સુંદરીની જોડી હંમેશાં પતિ-પત્ની કે યુગલ પાત્રો ભજવતી. 'સૌભાગ્ય સુંદરી' નાટકમાં બાપુલાલ નાયક 'સૌભાગ્ય' બનતા અને જયશંકરભાઈ 'સુંદરી' બનતા, ત્યારથી જ તેમને સુંદરીનો ઇલકાબ મળી ગયો હતો. પરંતુ ગુજરાતની નવી પેઢી જેમને ઓછું જાણે છે એવા બાપુલાલ નાયક રંગભૂમિની એક મેધાવી પ્રતિભા હતા. વીસ વીસ વર્ષ સુધી નાટયકારોએ બાપુલાલ અને જયશંકર સુંદરીને લક્ષ્યમાં રાખી નાટકો લખ્યાં હતાં. તેમના સુપરહીટ નાટકોમાં 'સૌભાગ્ય સુંદરી' ઉપરાંત 'વિક્રમ ચરિત્ર','દાત્રે હસરત', 'જુગલ જુગારી', 'નંદબત્રીસી', 'દેવ કન્યા', 'ચંદ્રભાગા', 'નવલશા હીરજા', 'સ્નેહ સરિતા' અને 'મધુબંસરી'નો સમાવેશ થાય છે. કેટલાંક નાટકો તો ત્રણ વરસ સુધી ચાલ્યા હતા.
ગુજરાતની રંગભૂમિના સુવર્ણકાળના શિલ્પી પૈકીના એક એવા બાપુલાલ નાયકે માત્ર અગિયાર વર્ષની વયે રંગભૂમિ પર પ્રવેશ કર્યો હતો. શ્રી જયશંકર સુંદરીએ તેમની બાપુલાલ નાયક સાથેની પ્રથમ મુલાકાતનું વર્ણન આ પ્રમાણે કર્યું છે. 'ઘરમાં પ્રવેશતાં જ સુંદર દેખાવના અને પ્રતાપી વ્યક્તિત્વવાળા એક પુરુષને મેં જોયા. મોટી ભાવવાહી આંખોવાળા આ પુરુષ મને માપતા હોય તેમ તેમની વેધક અનુભવી આંખો મારા ઉપર ફરી વળી. તેમણે મને ગીત ગાવાની આજ્ઞા કરી. મેં ગીત ગાયું. ગીત પછી તેમણે મારા ગળાની આસપાસ હાથ ફેરવ્યો... મારી કસોટી લેનાર તે બાપુલાલ બી. નાયક...'
મહેસાણા જિલ્લાના ગેરીતા ગામે જન્મેલા અને ઉંઢાઈ ગામના વતની બાપુલાલ નાયકે એમની કારકિર્દી દરમિયાન અનેક સિદ્ધિવંત કલાકારો અને કસબીઓ આપેલા છે.
વિક્રમચરિત્ર' નાટકમાં રાજરતનની ભૂમિકામાં બાપુલાલને જોઈ અમેરિકાના એડમંડ રસેલ દંગ થઈ ગયા હતા. 'સૌભાગ્ય સુંદરી'માં સૌભાગ્યની ચિત્તવેધક ભૂમિકામાં તેમને જોયા બાદ એક અંગ્રેજે લખ્યું હતું કે, 'અંગ્રેજ સ્ત્રી પુરુષો હિન્દુસ્તાનમાં રહીને વર્ષો ગાળે છે છતાં ભારતીય રંગમંચ વિશે તથા બાપુલાલ જેવા અભિનેતાએ મેળવેલી પ્રવીણતા વિશે અજ્ઞાનમાં દિવસો વિતાવે છે તે ઘણા અફ્સોસની વાત છે.'
બાપુલાલ નાયક અને જયશંકર સુંદરી એ બેઉ તખ્તાના સાથી હતા. સુંદરી તો બાપુલાલ નાયકને ગુરુ જ માનતા.
બાપુલાલભાઈની આંખો નબળી હતી. એક વાર 'સૌભાગ્ય સુંદરી' નાટકમાં સુંદરીને નિયત જગ્યાએ ઊભા રહેવાનું હતું. પણ તે જરા દૂર હતા. બાપુલાલભાઈએ નિયત જગ્યાએ હાથ લંબાવી પોતાનો કાયમનો સંવાદ બોલવાનું શરૂ કર્યું : 'હેઇ સુંદરી...' પણ ત્યાં તો નટની ભૂલ પર પ્રેક્ષકોમાં હાસ્ય ફરી વળ્યું. ચાલાક શિક્ષક તોફાને ચડેલા વિદ્યાર્થીઓને કાબૂમાં લે તેમ પ્રેક્ષકોની નાડ પારખનાર આ કુશળ નટે પોતાની ભૂલ સુધારી લેતાં કહ્યું : 'સુંદરી ! તું ક્યાં છે? મને તો ચારે બાજુ સુંદરી જ દેખાય છે.'
અને પ્રેક્ષકોને પણ આ સંવાદ ગમી ગયો. પછી તો કાયમ માટે આ વાકય નાટકમાં ઉમેરી દેવાયું.
કોલેજ કન્યા' નામના નાટકથી ખૂબ જાણીતા બનેલા છગન રોમિયોને 'કાશ્મીરનું પ્રભાત' નાટકમાં સૈનિકનો રોલ આપવામાં આવ્યો. બાપુલાલભાઈ આ પાત્રને સૈનિક.... જાય ત્યારે સૈનિકે થાપ આપી નાસી જવાનું હતું. પણ ગુસ્સે થયેલ છગન રોમિયાએ બાપુલાલને છટકવા ના દીધા. બાપુલાલે છગન રોમિયોની આડોડાઈ જોઈને બૂમ મારી : 'છુપાઈ રહેલા દોસ્તો ! બહાર આવો અને આની કતલ કરો....' એટલે નેપથ્યમાંથી બે માણસો આવી છગન રોમિયોને અંદર ઢસડી ગયા અને ત્યારબાદ આ કલમ તે નાટકમાં કાયમ માટે દાખલ કરવામાં આવી.
આવા હતા બાપુલાલ નાયક.
ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની પ્રજાને પહેલેથી જ નાટકો પ્રિય રહ્યાં છે.
આજે વીતેલા જમાનાના એક સુપ્રસિદ્ધ એક્ટર જયશંકર સુંદરીની વાત કરવી છે. તેમનું અસલી નામ જયશંકર ભોજક હતું. એમના જમાનામાં સ્ત્રીઓને નાટકમાં અભિનય કરવાની છૂટ ના હોઈ પુરુષ કલાકારો જ સ્ત્રીનો રોલ કરતા હતા. જયશંકર ભોજક નાટયમંચ પર સ્ત્રીનો રોલ એટલો તો સરસ રીતે ભજવતા તેમની સુંદરતાના લીધે તેમનું નામ 'જયશંકર સુંદરી' પડી ગયું હતું. કેટલાક લોકો નાટકમાં અદાકારી કરતા જયશંકર સુંદરીને જોઈ તે એક પુરુષ કલાકાર છે તેમ માનવા પણ તૈયાર નહોતા. એક લેજન્ડ એવી છે કે જયશંકર સુંદરી આઝાદી પહેલાંના જમાનામાં કરાંચીમાં નાટક ભજવવા ગયા હતા. કહેવાય છે કે જયશંકર સુંદરી કરાંચીમાં તેમની બગીમાં બેસી નાટયગૃહ તરફ્ જવા નીકળ્યા ત્યારે એમને સુંદર સ્ત્રી સમજીને એક માણસે ઉઠાવી જવા પ્રયાસ કર્યો હતો. જો કે આ બાબત અંગે અગાઉથી માહિતી મળી જતાં એ પ્રયાસ નિષ્ફ્ળ બનાવાયો હતો.
શ્રી જયશંકર ભૂદરદાસ ભોજક (સુંદરી)નો જન્મ 30મી જાન્યુઆરી 1889ના રોજ વિસનગર નજીક ઉંઢાઈ ગામે થયો હતો. એમના પિતા શ્રોષ્ઠ દરજ્જાના શાસ્ત્રીય સંગીતકાર હતા. લગભગ 80 વર્ષ પહેલાં પાલનપુરના મર્હુમ નવાબે રાજગાયક તરીકે એમની સેવાઓ સ્વીકારી હતી.
નવ વર્ષની વયે એમને એમના માતા-પિતાએ એમની અનિચ્છા છતાં કોલકાતામાં આટલી નાની વયે તેમણે 'પઢોરી' નું પાત્ર સુંદર રીતે ભજવ્યું. ત્યારબાદ 1901માં ગેઈટી થિયેટરમાં એમની કારકિર્દી શરૂ થઈ. તેઓ બાપુલાલ નાયકની 'ગુજરાતી નાટક કંપની'માં જોડાયા. લગભગ 70 નાટકોમાં એમણે અભિનય આપેલો અને બધા જ નાટકોમાં તેઓ 'નાયિકા'નો પાઠ જ ભજવતા. એમના સુવિખ્યાત પાત્રો એટલે 'સૌભાગ્ય સુંદરી'માં સુંદરી અને 'જુગલ જુગારી'માં લલિતા સુંદરીના પાત્રથી તેઓ 'સુંદરી' તરીકે ઓળખાવા લાગ્યા હતા.
સ્ત્રી પાત્રો એ એટલી સહજતાથી ભજવતા કે પ્રેક્ષકોને ખ્યાલ પણ ન આવી શકે કે આ પુરુષ હશે. 'બાજીદેશપ્રભુ'માં નાયિકા 'ગજરા'નું કામ કર્યું ત્યારથી એમને મહારાષ્ટ્રના 'ગુર્જર ગાંધર્વ' કહેવામાં આવતા. એમની વસ્ત્ર પરિધાનની કળા, પ્રતિષ્ઠિત ગુજરાતી કુટુંબની સુસંસ્કારી મહિલાઓમાં ફેશનના આદર્શ સમી થઈ ગઈ હતી.
1952માં એમને 'ગુજરાત વિદ્યા સભા'એ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કર્યો હતો. 1957માં નાટકમાં દિગ્દર્શક અને રજૂઆત માટે 'રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક' એનાયત થયો હતો. 1966થી 1969 સુધી ગુજરાત સરકારે એમની 'ઓનરરી મેજિસ્ટ્રેટ' તરીકે નિમણૂક કરેલી. 1971માં કેન્દ્ર સરકારે એમને 'પદ્મભૂષણ'નો ઇલકાબ આપ્યો હતો. તા. 22 જાન્યુઆરી 1975ના રોજ વિસનગર ખાતે તેમનું અવસાન થયું.
તેમની આત્મકથા 'થોડાં આંસુ થોડાં ફૂલ' ચાર વર્ષના સમયગાળામાં આંશિક લખાયેલી અને આંશિક તેમના પુત્ર દિનકર ભોજક અને સામાભાઈ પટેલને કહીને લખાયેલી છે. આ આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટયસ્થિતિને સમજવા માટે મહત્ત્વની છે.
અમદાવાદમાં એક નાટયગૃહને તેમની યાદમાં 'જયશંકર સુંદરી' નાટયગૃહ નામ આપવામાં આવ્યું છે. વડનગર, ઉત્તર ગુજરાતમાં આવેલું ભવાઈ ગવર્નમેન્ટ મ્યુઝિયમ તેમના કાર્યોનું પ્રદર્શન ધરાવે છે. મોરબીના કલા મંદિર દ્વારા જયશંકર સુંદરીનું તૈલચિત્ર અનાવરણ કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રના કલા મંદિરના સભાખંડમાં મૂકવામાં આવ્યું હતું.
