ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે રાત્રે અચાનક હોદ્દા પરથી રાજીનામું આપીને સૌને અચંબામાં મૂકી દીધા. તેમણે નાદુરસ્ત તબિયતનું બહાનું બતાવીને હોદ્દો છોડયો છે.


તેમનાં રાજીનામાનાં કારણો માટે જુદાજુદા પ્રકારની જુદીજુદી થિયરી ચર્ચાવા લાગી છે. સોમવારે સંસદનાં ચોમાસું સત્રના પહેલા દિવસે તેઓ રાજ્યસભામાં હાજર રહ્યા હતા. ત્યાં સુધી બધું બરાબર હતું. તેમની તબિયત પણ સારી હતી. બપોર પછી અચાનક કોઈક ભડકો થયો અને તેમણે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ભવન જઈને પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મુને રાજીનામું આપી દીધું. આ પછી તેમનાં રાજીનામાનાં કારણો માટે અનેક મુદ્દા ચર્ચાતા રહ્યા. તેમનો કેટલોક મનમરજી મુજબનો વ્યવહાર કે પછી ભાજપ મોવડીમંડળ તેમજ પક્ષ પ્રમુખ સાથે કોઈ મુદ્દે મતભેદોને તેમની સત્તા પરથી વિદાય પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે.

તેમનો કાર્યકાળ હજી 2027માં પૂરો થતો હતો તેથી તેમનાં રાજીનામાએ અનેક માટે આંચકો સર્જ્યો હોય તે સ્વાભાવિક છે. હવે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ? એ મુદ્દે દેશભરમાં રાજકીય મંચ પર જુદીજુદી અટકળો થવા લાગી છે. મીડિયામાં જુદાજુદા નામ ચર્ચાવા લાગ્યા છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેથી નવા ઉપરાષ્ટ્રપતિ બિહારમાંથી હશે તેવી ચર્ચા જાગી છે. અત્યાર સુધી જે નામો ફ્રન્ટ રનર તરીકે ચર્ચાઈ રહ્યા છે તેમાં રાજ્યસભાનાં ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ, કેન્દ્રનાં કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રનાં પ્રધાન રામનાથ ઠાકુર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, પૂર્વ સાંસદ રામ દેવી, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, ઓમ માથુર, આરિફ મોહમ્મદ ખાન જેવા પીઢ રાજકારણીઓના નામનો સમાવેશ થાય છે. ભાજપ આ વખતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાવધાની પૂર્વક આગળ વધવા માગે છે.

નવા ઉમેદવાર ઇજીજી સાથે જોડાયેલા હોય તેવી માગણી ઊઠી છે. અગાઉ સત્યપાલ મલિક અને પછી ધનખડે પાર્ટી લાઇનની વિરુદ્ધ જઈને કેટલાક કાર્યો કરેલા છે. ટિપ્પણીઓ કરી છે જેને કારણે પાર્ટીને ફેસ સેવિંગ મોડમાં આવવું પડયું છે. હવે તેઓ છાશ ફૂંકી ફૂંકીને પીવા માગે છે. નવા ઉપરાષ્ટ્રપતિ પીઢ, પાર્ટી લાઇનનું પાલન કરનારા અને લાઇમલાઇટથી દૂર રહેવા માંગતા હોય તેને ઉપરાષ્ટ્રપતિની વરમાળા પહેરાવવામાં આવી શકે છે. પીએમ મોદી વિદેશ પ્રવાસેથી પાછા આવે એટલે પસંદગીની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અધિકારીઓ મતદાન માટેની યાદીને આખરી ઓપ આપી રહ્યા છે.ભાજપ દર વખતે દેશને કંઈક નવું આપવાની ફિરાકમાં હોય છે. કેટલાક રાજ્યોનાં મુખ્યમંત્રીઓની પસંદગીની કોઈને ધારણા ન હતી આમ છતાં ચર્ચામાં ન હોય તેવા લોકોને જ હોદ્દો કે સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે.


  • Follow us on: