પંદરમી સદી સુધી ભારતની જીડીપી અને આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં સહુથી વધુ હતા. આથી તો વેર્પા અને ઔદ્યોગિક ક્રાંતિ થકી આગળ આવેલા યુરોપના દેશો ભારતમાં વેપાર અર્થે આવેલા. તેમણે ભારતનો કાચોમાલ લઈ જઈ, પોતાના કારખાનામાં ઉત્પાદન કરી પરત ભારત મોકલ્યો અને કમાયા. પછી તેમને લાગ્યું કે જો ભારત પર રાજ્ય કરી શકાય તો મફ્તમાં ભારતનો કાચો માલ યુરોપ લઈ જઈ શકાય.Pre and Post British Forestry નામનો એક અભ્યાસકહે છે એ પ્રથમ વિશ્વયુદ્ધના તમામ બ્રિટિશ યુદ્ધ જહાજો ભારતના સાગ માંથી બન્યા હતા. જનરલ કટિશો નામનું બહુ જાણીતું યુદ્ધ જહાજ વલસાડી સાગમાંથી બન્યું હતું. આપણું કુદરતી ધન બ્રિટિશરો લઈ ગયા. યાદ રહે, મુસ્લિમો અહી શાસક બનીને રહ્યા અને તેમણે ભારતની મૂડી ભારતમાં જ રાખી. તેથી તો 15મી સદી સુધી આપણે આર્થિક રીતે સમૃદ્ધ હતા. તેમ છતાં આપણે મુસ્લિમોને આપણા દુશ્મનો માનીએ છીએ અને અંગ્રેજોને આપણા સાહેબ માનીએ છીએ. તેનું કારણ એ છે કે આવો ઇતિહાસ આપણને અંગ્રેજોએ શીખવ્યો છે.   

પરંતુ બે વિશ્વ યુદ્ધ લડીને ખોખરું બની ગયેલું યુરોપ તેનું આર્થિક વર્ચસ્વ ગુમાવે છે અને અમેરિકા આર્થિક સુપર પવાર તરીકે ઉભરે છે. અમેરિકાની માનસિકતા વસાહતવાદની નહોતી, પરંતુ મુક્ત વેપારવાદી હતી. અમેરિકાને જગતના લોકો મુક્ત સમાજ અને મુક્ત અર્થકારણ તરીકે જોવા લાગ્યા હતા. સન 1969માં અમેરિકન ફ્લિસૂફ્ કાર્લ પોપરે Open Society and Its Enemies નામનું બહુ જાણીતું પ્રશિષ્ટ પુસ્તક લખ્યું. તેને કહ્યું કે મુક્ત સમાજ લાવવામાં સામ્યવાદ અને સરમુખત્યાર શાહી મુક્ત સમાજના દુશ્મનો છે, સરમુખત્યાર શાહી એટલે એક સમયે જર્મની અને ઈટાલીમા હતો તેવો ઉગ્ર રાષ્ટ્રવાદ. આમ અમેરિકા એ જગતને એક મુક્ત વ્યવસ્થાનું સ્વપ્ન આપ્યું અને તેમ બનાવમાં તેણે જગતને નેતૃત્વ પૂરું પડયું. સન 1945થી સન 2020 સુધી તે જગતના અર્થકારણની ટોચ પર રહ્યું. પરંતુ 1985 પછી જ્યારે જગતમાં રશિયાનું પતન થયું અને કહીને પણ મૂડીવાદ અપનાવ્યો ત્યારે End of Ideology કહેતા અમેરિકાનો નવઉદારવાદ એક માત્ર વિકલ્પ બનતા અમેરિકા જગતનું સમ્રાટ બન્યું. આ સમયે તેના મુક્ત સમજમાંથી બંધ સમાજ બનવા તરફ્ ની શરૂઆત થઈ ગઈ હતી. ટોચે પહોંચ્યા પછી દરેક દેશ કે નેતા એમ વિચારે કે અન્ય મારો હરીફ્ ન બને. તે સમયે એલન બ્લૂમ નામના એક અમેરિકન રાજકીય ફ્લિસૂફે એક પ્રશિષ્ટ પુસ્તક લખ્યું,The Closing of the American Mind. તેને કહ્યું કે હવે અમેરિકના મગજ નવી રીતે વિચારતું બંધ થતું જાય છે અને આ એક બૌધ્ધિક કટોકટી છે. 1987માં ઊભી થયેલી આ બૌદ્ધિક કટોકટી સન 2025માં બંધ અમેરિકન અર્થકારણ સર્જવા તરફ્ આગળ લઈ જાય છે. કોઈ પણ દેશના લોકો જ્યારે મુક્ત રીતે વિચારવાનું બંધ કરી દે ત્યારે તેના પતનની શરૂઆત થાય છે. શરૂમાં તો આ પતન દેખાતું નથી. પરંતુ એક પેઢી પછી તે દ્રષ્ટિગોચર થાય છે.   

 આમ તો એવું કહેવાય છે કે ઉદારવાદ એક આંતરિક સુધારણા ધરાવતી વિચારધારા છે જે સમયે સમયે પોતાનામાં સુધારો કરીને બચી જાય છે. જ્યારે 1960 ની આસપાસ અમેરિકન અર્થકારણમાં સમસ્યાઓ દેખાવા લાગી ત્યારે જોસેફ્ સ્ટીગલીઝે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ દ્વારા અર્થકારણ નું સુકાન બદલીને અમેરિકન અર્થકારણને બચાવી લીધું. પરંતુ આ જોસેફ્ સ્તીગલીઝને 2003માં લાગ્યું કે તેણે ભૂલ કરી છે અને માત્ર બજારના હવાલે સમાજને સોંપી ન શકાય. રાજયની ભૂમિકા બજારનું નિયમન કરવામાં મહત્વની છે જે ટકી રહેવી જોઈએ. પરંતુ અમેરિકન નેતાઓએ તેની આ વાત ન માની. તેનો અર્થ જ એ કે અમેરિકામાં બૌદ્ધિક કટોકટી દાખલ થઈ ચૂકી હતી. જ્યારે બૌદ્ધિક કટોકટી દાખલ થાય છે ત્યારે શરૂમાં તો વિચારવાનું બંધ થાય છે અને આ સ્થિતિ થી જે લોકો લાભ પામે છે તેઓ બંધ બૌદ્ધિક વ્યવસ્થાનો શરૂમાં પ્રચાર કરે છે. લાગે છે પરંતુ એક પેઢી પછી આ બૌદ્ધિક કટોકટી પરિમાણો 2025થી દેખાવા લાગ્યા છે. અમેરિકા તેનું આર્થિક વર્ચસ્વ ગુમાવે તેવી શક્યતા ઉભી થતી જાય છે.   

1. ટ્રમ્પ દ્વારા સર્વ પ્રથમ જગતમા કુદરતી તેલના વેપાર પર કબજો જમાવવાનો પ્રયાસ થયો. તેણે જોયું કે ઈરાન અને રશિયા તેલમાંથી કમાય છે. તેથી તેણે રશિયા સામે યુક્રેનને ટેકો કર્યો. પરંતુ આજ સુધી તે યુદ્ધનો કોઈ અંત નથી. આફ્રિકન તેલના ભંડારો ધરાવતા નાઈજીરિયા જેવા દેશોની તેલ કંપનીઓ તો અમેરિકન જ છે. આ ઉપરાંત તેણે વેનેઝુએલાનો કબજો પણ મેળવ્યો. આમ જગતનો તેલ નો વેપાર હસ્તગત કરવાની તેની નેમ હતી. આમ જ હોરમુઝની ખાડી પર કબજો મેળવવા અને તેલ ઉત્પાદક ઈરાન સામે યુદ્ધ છેડયું. તેનું કોઈ પરિણામ ન આવ્યું અને 40000 કરોડ ડોલરની ખોટ ખાઈને યુદ્ધ બંધ કરવું પડયું. હવે ઈરાન પર આર્થિક અંકુશો મૂકવાની ચાલ ટ્રમ્પ ચાલે તો નવાઈ નહીં. પરંતુ યાદ રાખવું જોઈએ કે ભૂતકાળમાં જે યુદ્ધો અમેરિકાએ શરૂ કર્યા તેમાં એકમાં પણ તેને સંપૂર્ણ વિજય નથી મળ્યો. હવેનો સમય યુધ્ધથી કબજો મેળવવાનો નથી, પરંતુ વેપાર કરાર થકી નફો રળવાનો છે તેમ માનવશાસ્ત્ર્ર (anthropology) કહે છે. આ યુરોપના દેશો આ જાણતા હોવાથી તેમણે અમેરિકાને ઇરાનના યુદ્ધમાં ટેકો ન આપ્યો.   

2. રશિયા અને ચીન અમેરિકાના પરંપરાગત હરીફ્ છે. આ દેશો સાથે વેપાર કરતાં દેશો સામે અમેરિકાએ ટેરિફ્ નું શસ્ત્ર્ર ઉગામ્યું. ભારત સામે શરૂઆતમાં 100 % ટેરિફની ધમકી આપ્યા પછી ભારતથી આયાત થતા સામાન ઉપર 50% ટેરિફ્ લાદી. ભારતનો માલ અમેરિકામાં મોંઘો પડતા વેપાર ઓછો થઈ જાય. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે અમેરિકાને નથી ગમાતુ. આ પ્રકારનો ટેરિફ્ ટ્રમ્પ સરકારે અનેક દેશો સામે નાખી. એનું પરિણામ શું આવશે? આ દેશો નિકાસ વિકલ્પ શોધશે. ભારતીય સામાન અમેરિકા મોકલતું હતું તે હવે અન્ય દેશોમાં મોકલી વેપાર વિકલ્પ શોધશે. આને પરિણામે નુકસાન તો અમેરિકાને જ થાય. જે દેશ પર ટેરિફ્ નાખી હોય તે દેશનો સામાન અમેરિકામાં મોંઘો મળે અને મોંઘવારી વધે. 

3. ટેરિફ્ અને યુદ્ધની સીધી અસર અમેરિકાના આર્થિક વર્ચસ્વ ઘટવા તરફ્ દોરી જાય તેવું બને. આના ચિહનો દેખાવા લાગ્યા છે. અમેરિકામાં ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ ઘટયું છે. તેના હરીફો વધ્યા છે. ચીન દરેક ક્ષેત્ર માં સબળ હરીફ્ તરીકે ઉભર્યું છે. ભારત પણ હવે વિમાન, શસ્ત્ર્રો, સેમી કંડકટર વ. ક્ષેત્રોમાં નિર્ભર બનવા તરફ્ આગળ વધી રહ્યું છે. અમેરિકાએ ટેરિફ્ વોર શરૂ કર્યા પછી બ્રિક્સ ( બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા અને અન્ય પાંચ દેશમાં બનેલ સંગઠન મજબૂત બનતું જાય છે. ભવિષ્યમાં એવું પણ બને કે આ દેશો પોતાનો પરસ્પરનો વેપાર ડોલર સિવાયના ચલણમાં કરે. 

4. મોર્ગન સ્ટેન્લીનો એક અહેવાલ કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર નું વર્ચસ્વ તૂટે તેવા ચિહનો દેખાઈ રહ્યા છે. વૈશ્વિક વિદેશી હૂંડિયામણની અનામતમાં ડોલર 90%થી હેઠળ ઉતરીને 60% પર પહોંચી ગયો છે. કુદરતી તેલનો વેપાર બિન ડોલર ચલણમાં થવાની શરૂઆત થઈ ગઈ છે. જેમ યુરોનું ચલણ આવ્યું તેમ બ્રિક્સ દેશો પરસ્પર વેપાર ડોલર સિવાયના ચલણમાં ચલાવે તેવી શક્યતા વધતી જાય છે. ડોલર નબળો પડે તેમાં યુરોનું હિત પણ સમાયેલું છે. બેન્કો ડોલર સામે સોનું અને ચાંદી અનામત તરીકે રાખે તેવું વધતું જાય છે.   

5. અમેરિકાનું વિદેશી દેવું વધતું જાય છે. હાલમાં આ વિદેશી દેવું 40 ટ્રિલિયન ડોલર છે જે તેની 28 ટ્રિલિયન ડોલર જીડીપી કરતાં 12 ટ્રિલિયન ડોલર વધુ છે. આ દેવું અમેરિકન અર્થકારણ પર એક બોજ લાદે છે.   

6. મૂડીઝે ચેતવણી આપી છે કે ટેરિફ્ને કારણે અમેરિકાનો વિદેશી વેપાર ઓછો થઈ જતા અમેરિકામાં મંદી આવે. જાણીતા અર્થશાસ્ત્ર્રીઓ કહે છે કે અમેરિકા પર મંદીનું 40% જોખમ છે. ઉત્પાદિત થયેલ માલ લેનાર કોઈ ન મળે તો સ્વાભાવિક રીતે જ મંદી આવે. અમેરિકન મંદીની અસર દેખાવા લાગે છે. 

7. અમેરિકા જગતમાં સહુથી વધુ આર્થિક અસમાનતા ધરાવતો દેશ બની ગયો છે. અહીં ઉપરના 1% લોકો અમેરિકાની 31.77% મિલકતની માલિકી ધરાવે છે. નીચેના 90% લોકો પણ આટલી સંપત્તિ ધરાવે છે. આમાં વળી પ્રજાતિ અને જેન્ડર ગેપ પણ બહુ જ છે. નિગ્રો અને હિસ્પેનિક લોકો અમેરિકન 33% વસ્તી ધરાવે છે, પરંતુ કુલ મિલકતના માત્ર 5% ધરાવે છે. આ અસમાનતા રાજકીય તણાવ સર્જે છે, ડેલ કાર્નેગી એ કહ્યું હતું તેમ બધાની આવક વધતી નથી વધુ અને મુક્ત બજાર એ સમાનતા લાવનાર નહીં, પરંતુ અસમાનતા વધારનાર પરિબળો બન્યું છે. 

8. અમેરિકન યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધી ગયું છે. ટ્રમ્પ સરકારે અમુક વિદેશી કંપનીઓ પર અમેરિકામાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ વધતા અનેક નોકરી જેમાં અગાઉ માનવ શ્રમની જરૂર પડતી તે હવે કૃત્રિમ બુધ્ધિ કરે છે. આ વાત હવે અમેરિકન ઉદ્યોગપતિઓ પણ સ્વીકારે છે. મશીન લર્નિંગ આવતા અનેક કંપનીઓના એચ. આર. વિભાગો બંધ પડી ગયા છે.   

9. પોતાના યુવાનોને તકો મળી રહે તે માટે અમેરિકા એ વિદેશીઓને અમેરિકામાં આવતા રોક લગાવવાનું શરૂ કર્યું છે. એક વખત સહુને આવકારનાર અમેરિકા હવે લોકોને અમેરિકામાં વસવાટ માટે ના પાડી રહ્યું છે. જે વિદેશીઓ અમેરિકામાં આવવા માંગે છે તેના માટે વિઝા માટે ઈન્ટરવ્યૂની તારીખો આપવાનું હમણાં બંધ કર્યું છે. જ્યારે જ્યારે મૂડીવાદ અથવા ઉદારવાદ ને સમસ્યાઓ નડી છે ત્યારે ત્યારે તેણે ખુલી જઈને વિરો ધોને પોતાનામાં સમાવી લીધા છે. આને કારણે જ બદલાતા સંદર્ભોમાં મૂડીવાદ સ્વરૂપ બદલીને ટકી રહ્યો છે. આ પહેલી વાર એવું બની રહ્યું છે કે નવ ઉદારવાદ સ્વરૂપનો મૂડીવાદ પોતાના વિકલ્પ બંધ કરી રહ્યો છે, પીકેટી, સ્ટીગલીઝ, અમર્ત્ય સેન કે અન્ય અર્થશાસ્ત્ર્રીઓ જે સલાહ આપી રહ્યા છે તેની વિરુદ્ધ જઈને ટ્રમ્પ સરકાર નિર્ણય લઈ રહી છે. આ ઓળખ (identity)નું અથવા તો બહુમતીનું રાજકારણ છે. એવું લાગી રહ્યું છે કે અમેરિકા સંકુચિત બની રહ્યું છે, પોતાના વિકલ્પ બંધ કરી રહ્યું છે. જે સમાજ બંધ બની જાય છે તે સંકોચાઈ જાય છે અને તેનો વિકાસ અટકાવી દે છે.