આલેખનું હેડિંગ આશ્ચર્ય પમાડે એવું લાગે છે નહીં ? મરવાનું તો સારી રીતે ? જીવવાનું સારી રીતે હોઈ શકે પણ આ!!!! મોટાભાગના આ બાબતે અજાણ છે અથવા આ દિશામાં વિચારતા જ નથી. થોડાં સમય અગાઉ એક વરિષ્ઠ સનદી અધિકારીને મળવાનું થયું હતું. ચા પીવામાંથી વાત નીકળી. ત્યારે દલીલ થઈ કે સારી રીતે મરવા ચા બંધ કરી છે. એટલે સનદી અધિકારીએ કહ્યું કે સારી રીતે મરવા પણ સારી રીતે જીવવું જરૂરી છે. આ એક ચર્ચાનો મુદ્દો છે. ડૉક્ટર કે વડીલો યુવાવસ્થામાં અનેક પ્રકારની સલાહ આપતા હોય છે.
સામાન્ય રીતે આપણા સમાજમાં 'મૃત્યુ' વિશે વાત કરવાનું પણ ટાળવામાં આવે છે, ત્યારે સારી રીતે મરવું એવો વિચાર ચોક્કસપણે આશ્ચર્ય પમાડે તેવો લાગે.
અહીં સારી રીતે મરવાનો અર્થ કોઈ રહસ્યમય વાત નથી, પરંતુ ગૌરવપૂર્ણ, શાંતિપૂર્ણ અને બિમારીઓથી મુક્ત મૃત્યુ છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબો સમય પથારીવશ ન રહે, અંગો નકામા થઈ જવાને કારણે પરાવલંબી ન બને અને પીડામુક્ત વિદાય લે, તેને સારી રીતે મરવું કહી શકાય.
સારી રીતે મરવા માટે સારી રીતે જીવવું જરૂરી છે, એવું
પેેલા સનદી અધિકારીની આ વાતમાં 100% સત્ય છે. આપણે યુવાનીમાં કેવા પ્રકારની જીવનશૈલી જીવીએ છીએ, તેના પર જ આપણું ઘડપણ અને આપણું મૃત્યુ આધાર રાખે છે. આજની લાપરવાહી, કાલની બિમારી બની શકે છે. યુવાનીમાં આરોગ્ય પ્રત્યેની લાપરવાહી (જેમ કે વધુ પડતી ચા/કોફી, જંક ફુડ, વ્યસન, કે કસરતનો અભાવ) પાછલી ઉંમરે હોસ્પિટલોના ચક્કર કાપવા માટે મજબૂર કરે છે. શરીરમાં રોકાણ. આવું સાભળવું અજુગતું લાગે છે કારણ કે આપણે રોકાણ એટલે નાણાંનું રોકાણ એવું જ સમજીએ છીએ. જેમ આપણે ભવિષ્ય માટે પૈસા બચાવીએ છીએ, તેમ ઘડપણ માટે સ્વાસ્થ્યનું રોકાણ કરવું પડે છે. એનો અર્થ એ થયો કે શરીરને નિરોગી રાખવા એનું સિંચન કરવું પડે. યુવાવસ્થામાં આવી સલાહ અપાય ત્યારે મોટાભાગનાને તે ગમતું હોતું નથી. ડૉક્ટરો અને વડીલો જ્યારે યુવાનીમાં સ્વાસ્થ્ય સાચવવાની સલાહ આપે છે, ત્યારે યુવાનોને તે કંટાળાજનક લાગે છે. પરંતુ સત્ય એ છે કે જો તમે તમારી યુવાનીને વેરવિખેર જીવશો, તો ઘડપણ અને મૃત્યુ અત્યંત પીડાદાયક હોઈ શકે છે.
આપણે લાઈફ્ ક્વોલિટી પાછળ દોડીએ છીએ, પણ ડેથ ક્વોલિટી વિશે વિચારતા નથી. જે વ્યક્તિ આજે પોતાના શરીર, મન અને આહારનો આદર કરે છે, તે જ ભવિષ્યમાં એક ગૌરવશાળી અને શાંતિપૂર્ણ વિદાય મેળવી શકે છે.
આ વિષય માત્ર ચર્ચાનો નથી, પણ જીવનમાં ઉતારવા જેવો એક કડવો અને સાચો પાઠ છે. ધારો કે કોઈ યુવાન તેની યુવાનીમાં કમાય છે બધાં પૈસા ઉડાવી દે છે, કોઈ બચત કરતો નથી. પરિણામે, 60 વર્ષની ઉંમરે તેની પાસે હોસ્પિટલના ખર્ચના પણ પૈસા નથી હોતા અને તે બીજા પર નિર્ભર થઈ જાય છે. જ્યારે અન્ય એક યુવાન તેની યુવાનીથી જ થોડી-થોડી બચત કરે છે, જેથી ઘડપણમાં તે આત્મસન્માન સાથે જીવે છે. આપણું શરીર પણ આવું જ છે. યુવાનીમાં જે લોકો રોજ 30 મિનિટ કસરત કરે છે, સારો આહાર લે છે, તેઓ પોતાના શરીરમાં સ્વાસ્થ્યની એફ્ડી જમા કરે છે એવું કહી શકીએ. પરિણામે, મરણ પથારીએ તેઓ લાંબો સમય પીડાતા નથી, પણ ગૌરવભેર વિદાય લે છે. વધુ એક ઉદાહરણથી આ વાત સમજીએ. ધારો કે તમે એક મોંઘી કાર ખરીદો છો. જો તમે તેમાં સમયસર ઓઈલ નહીં બદલાવો, રફ્ ડ્રાઈવિંગ કરશો અને સર્વિસ નહીં કરાવો, તો એક દિવસ હાઈવેની અધવચ્ચે જ તેનું એન્જિન બંધ થઈ જશે અને કાર કચરો બની જશે. આપણું શરીર પણ આ કાર જેવું જ છે. જો યુવાનીમાં ચા-કોફીના બંધાણ, ઉજાગરા, અને જંક ફુડ ખાઈને શરીરનું રફ્ ડ્રાઈવ કરીશું, તો 50 કે 60ની ઉંમરે જ શરીર સાથ છોડી દેશે. અંગો નકામા થઈ જશે અને છેલ્લી ક્ષણો હોસ્પિટલના વેન્ટિલેટર પર અત્યન્ટ કષ્ટદાયક વીતશે. આપણે આસપાસ બે પ્રકારના વડીલો જોતા હોઈએ છીએ. એક એવા કે જેમણે આખી જિંદગી ખાવા-પીવામાં કોઈ કંટ્રોલ ન રાખ્યો. પરિણામે 50-55 વર્ષની ઉંમરે ડાયાબિટીસ, બીપી અને લકવો થવાને કારણે છેલ્લા પાંચ વર્ષથી પથારીવશ છે. તેમની ઈચ્છા મરવાની છે, પણ શરીર રિબાઈ રહ્યું છે. આ ખરાબ રીતે મરવા સમાન છે. જ્યારે બીજા એવા વડીલ કે જેઓ75 વર્ષની ઉંમરે પણ રોજ સવારે ચાલવા જાય છે, પોતાનું કામ જાતે કરે છે. એક દિવસ રાત્રે શાંતિથી સૂતા અને સવારે ઉઠયા જ નહીં. હ્રય સ્વસ્થ હોવાથી શાંતિથી વિદાય થઈ ગયા. આને કહેવાય સારી રીતે મરવું - કોઈના પર બોજ બન્યા વગર. છેલ્લું ઉદાહરણ. ઉતરાયણમાં જે પતંગની દોરી મજબૂત અને સારી હોય છે, તે આકાશમાં ઉંચે સુધી ઉડે છે અને જ્યારે કપાય છે ત્યારે પણ દૂર સુધી શાનથી જાય છે. પણ જે દોરી કાચી કે ગૂંચવાયેલી હોય, તે હજી આકાશમાં બરાબર ચગે તે પહેલાં જ અધવચ્ચેથી તૂટીને ફ્સાઈ જાય છે. આપણી જીવનશૈલી એ આપણી દોરી છે. જો તે સંયમ અને નિયમિતતાથી મજબૂત હશે, તો અંતિમ સમય પણ ગૂંચવણ વગરનો અને શાંત હશે.
મોટાભાગના લોકો પોતાના સ્વભાવને કારણે જ ત્રસ્ત રહેતા હોય છે. તેમની પાસે કોઈ આગવા શોખ હોતા નથી. એટલું જ નહીં, કોઈ શોખ પાળી શકતા નથી. તેમના મિત્રો પણ તાળી મિત્રો હોય છે. અંગત કહી શકાય તેવું કંઈ હોતું નથી. પરિણામે પોતાની વ્યથા ક્યાં ઠાલવવી તેનો તેમને ખ્યાલ હોતો નથી. આ બધી માનસિક વ્યથાની અસર છેવટે શરીર પર પડતી હોય છે. શરીર તો તેનું કામ કરે જ છે. આમ તેમના અંતિમ દિવસોમાં શરીરને અનેક રોગ ઘેરી વળે છે. હકીકતમાં 50 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ સારી રીતે જીવવાની જેમ સારી રીતે મરવા માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તેમાં મન અને શરીરને એ રીતે કેળવવા એ ઘણું અગત્યનું હોય છે. જો કોઈ વ્યક્તિ આ સ્કીલ મેળવી લે તો તેના અંતિમ દિવસો ચોક્કસપણે સુધરી જશે.
ટૂંકમાં કહીએ તો પેેલી વ્યક્તિએ ચા બંધ કરી, તે માત્ર એક પ્રતીક છે. તે દર્શાવે છે કે આપણે આપણી નાની-નાની આદતો પર કાબૂ રાખવો પડશે. મૃત્યુ એ જીવનની છેલ્લી ઓવરનો છેલ્લો બોલ છે. જો પહેલી 19 ઓવર સારી રમી હશે, તો છેલ્લો બોલ પણ સિક્સર સાથે ગૌરવપૂર્ણ જ રહેશે!
