આપણે માનીએ છીએ કે અકસ્માત એટલે નુકસાની. પણ, ઘણીવાર અકસ્માત નુકસાનીને બદલે ફાયદો કરાવી આપતા હોય છે. વિજ્ઞાનની દુનિયામાં, આવા ફાયદાકારક અકસ્માતો માટે 'સેરેન્ડિપિટી' નામનો શબ્દ વપરાય છે. સાદા શબ્દોમાં કહીએ તો, આપણે શોધવા નીકળ્યા હોઇએ કંઈક ને હાથ લાગી જાય બીજું કંઈક, સાવ અલગ અને અદ્ભુત, જેણે માનવજીવન માટે ખૂબ જ આૃર્યજનક પરિણામો આપ્યાં હોય.
માનવ સભ્યતાનો ઈતિહાસ જોઇશું તો જણાશે કે, આપણે આજે જે સુવિધાઓ, દવાઓ અને ગેજેટ્સ વચ્ચે જીવીએ છીએ, તેમાંની ઘણી શોધો કોઈ સુનિયોજિત સંશોધનનું પરિણામ નહોતી, તે માત્ર એક 'ખૂબસૂરત અકસ્માત' હતી. વિજ્ઞાનીઓની બેદરકારી, ભૂલ કે કોઈ આકસ્મિક સંજોગોમાંથી જન્મેલી આવી શોધોએ આગળ જતાં માનવજાતનો નકશો અને નસીબ બંને બદલી નાખ્યાના અનેક દાખલા છે.
પેનિસિલિન' નામની દવાની શોધ આવો જ એક અકસ્માત છે. આધુનિક તબીબી વિજ્ઞાનનો જો સૌથી મોટો કોઈ ચમત્કાર હોય, તો તે છે એન્ટિબાયોટિક્સ, જેની શરૂઆત લંડનની સેન્ટ મેરી હોસ્પિટલમાં થઈ હતી. સપ્ટેમ્બર 1928માં સ્કોટિશ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કેટલાક બેક્ટેરિયા પર સંશોધન કરી રહ્યા હતા. રજાઓ પર જતાં પહેલાં તેઓ પોતાની કાચની પ્લેટો, લેબના ટેબલ પર સાફ્ કર્યા વગરની ભૂલી ગયા હતા. રજાઓ પરથી પાછા આવીને તેમણે જોયું તો આ પ્લેટો પર ફૂગ જામી ગઈ હતી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આ પ્લેટ ફેંકી દે, પરંતુ ફ્લેમિંગની નજર એક વિચિત્ર વાત પર પડી, જ્યાં ફૂગ ઊગી નીકળી હતી, તેની આસપાસના બેક્ટેરિયા નાશ પામ્યા હતા. આ ફૂગ હતી 'પેનિસિલિયમ નોટેટમ', જેમાંથી બની હતી વિશ્વની પ્રથમ એન્ટિબાયોટિક 'પેનિસિલિન', જેણે બીજા વિશ્વયુદ્ધમાં ઘવાયેલા સૈનિકોથી લઈને આજ સુધી અસંખ્ય ચેપી રોગો સામે અબજો લોકોના જીવ બચાવ્યા છે.
આવી જ એક મહત્વપૂર્ણ આકસ્મિક શોધ છે, 'માઇક્રોવેવ ઓવન'. ઓગળી ગયેલી ચોકલેટનું રહસ્ય આ 'ઓવન'ની શોધ માટે કારણભૂત છે. 'ઓવન' વાસ્તવમાં લશ્કરી રડાર ટેકનોલોજીની આડપેદાશ છે. સને 1945માં અમેરિકન એન્જિનિયર પર્સી સ્પેન્સર 'રેથિયોન' કંપનીમાં રડાર સેટ્સ માટે વપરાતા મેગ્નેટ્રોન પર કામ કરી રહ્યા હતા. કામ કરતી વખતે સ્પેન્સરે જોયું કે, તેમના ખિસ્સામાં રાખેલી પીનટ કેન્ડી અચાનક ઓગળી ગઈ હતી. તેમને સમજાયું કે, મેગ્નેટ્રોનમાંથી નીકળતા માઇક્રોવેવ્સે આ ચોકલેટ ગરમ કરી છે. એટલે તેમણે તરત જ પોપકોર્નના દાણા રાખીને પ્રયોગ કર્યો તો પળવારમાં પોપકોર્ન ફૂટવા લાગ્યા!
તબીબી નિદાન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર એક્સ-રે પણ એક સાવ અનપેક્ષિત શોધ હતી. 8 નવેમ્બર 1895ના રોજ જર્મન ભૌતિકશાસ્ત્ર્રી વિલ્હેમ રોન્ટજન, કેથોડ રે ટયુબ પર અંધારા રૂમમાં પ્રયોગ કરી રહ્યા હતા. આ સમયે ટયુબ કાળા કાર્ડબોર્ડથી ઢંકાયેલી હોવા છતાં, ટેબલથી થોડે દૂર પડેલી ફ્લોરોસન્ટ સ્ક્રીન પર એક ચમકતો પ્રકાશ દેખાય છે. રોન્ટજેને જોયું કે, આ અજ્ઞાત કિરણો કાર્ડબોર્ડ, લાકડું અને માનવ ત્વચા જેવા પદાર્થોને પણ પાર કરી શકતા હતા, પરંતુ હાડકાં તેને રોકી લેતા હતા. બસ, પછી તેમણે પોતાના પત્ની અન્ના બર્થાનો હાથ આ કિરણો સામે રાખી ફોટોગ્રાફ્કિ પ્લેટ પર રેકોર્ડ કર્યો, જેમાં તેમની આંગળીઓનાં હાડકાં અને લગ્નની વીંટી સ્પષ્ટ દેખાયાં. અજ્ઞાત હોવાથી તેમણે આ કિરણોને 'X-Rays' નામ આપ્યું, જેના માટે તેમને સને 1901માં ફિઝિક્સનું પ્રથમ નોબેલ પ્રાઈઝ મળ્યું. હૃદયના દર્દીઓ માટે સંજીવની ગણાતા 'ઈમ્પ્લાન્ટેબલ પેસમેકર'નું નિર્માણ પણ એક ઇલેક્ટ્રિકલ ભૂલને આભારી છે.
સુપર ગ્લુ' નામનો ગુંદર પણ આકસ્મિક શોધ છે. કોઈ પણ તૂટેલી ચીજને સેકન્ડોમાં સાંધતું 'ફેવિક્વિક' કે 'સુપર ગ્લુ' હકીકતમાં લશ્કરી સાધન બનાવતી વખતે એક નકામી આડપેદાશ તરીકે મળી આવેલ.1942માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડૉ. હેરી કૂવર 'કોડક લેબોરેટરી'માં સૈનિકોની રાઇફ્લ માટે પ્લાસ્ટિકના ગન-સાઇટ્સ બનાવી રહ્યા હતા. આ સમયે તેઓએ 'સાયનોએક્રીલેટ' નામનું એક કેમિકલ બનાવ્યું હતું, જે કોઈપણ વસ્તુના સંપર્કમાં આવતું તો તેને મજબૂતાઈથી ચોંટી જતું હતું. પણ,જે તે સમયે સાવ બેકાર લાગતું આ કેમિકલ બાજુ પર મૂકી દેવાયું હતું.
વિયાગ્રા' બ્લડ પ્રેશરની દવાનું આકસ્મિક સરપ્રાઇઝ પરિણામ છે. સને 1990ના દાયકામાં ફાર્મા કંપની 'ફાઈઝર'ના સંશોધકો 'સિલ્ડેનાફ્લિ' નામના કમ્પાઉન્ડ પર રિસર્ચ કરી રહ્યા હતા. આ દવાનો હેતુ હૃદયની ધમનીઓ સંકોચાવાથી થતા છાતીના દુઃખાવાની સારવાર કરવાનો હતો, પણ ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન જણાયું કે, આ દવા હૃદયના દુઃખાવામાં ખાસ અસરકારક નહોતી, પરંતુ ટ્રાયલમાં સામેલ પુરુષ દર્દીઓના પેલ્વિક એરિયામાં તે બ્લડ ફ્લો વધારતી હતી. પરિણામે ફાઈઝરે તરત જ દિશા બદલી ને સને 1998માં 'વાયાગ્રા' નામથી ઈરેક્ટાઈલ ડિસફ્ંક્શનની પ્રથમ ગોળી તરીકે મંજૂરી મેળવી માર્કેટમાં મૂકી, જેણે પછીથી ગ્લોબલ માર્કેટમાં ધૂમ મચાવી દીધી હતી.
રસોડામાં વપરાતા નોન-સ્ટીક વાસણોથી લઈને સ્પેસશટલના વાયરિંગ સુધી વપરાતું 'ટેફ્લોન' પણ પ્રયોગ દરમિયાન આપમેળે બનેલું મટીરિયલ છે. 1938માં ડયુપોન્ટ કંપનીના 27 વર્ષીય કેમિસ્ટ રોય જે. પ્લંકેટ ફ્રિજ માટે નવો નોનટોક્સિક રેફ્રિજરેન્ટ ગેસ-ક્લોરોફ્લોરોકાર્બન બનાવવાનો પ્રયાસ કરતા હતા એટલે, તેમણે ટેટ્રાફ્લોરોઇથિલિન ગેસને એક સિલિન્ડરમાં ભરીને ડ્રાય આઈસમાં સ્ટોર કર્યો હતો. બીજા દિવસે જ્યારે વાલ્વ ખોલ્યો ત્યારે ગેસ બહાર ન આવ્યો. સિલિન્ડરનું વજન એટલું જ હતું, તેથી તેમણે સિલિન્ડરને વચ્ચેથી કાપી નાખ્યું.અંદર ગેસને બદલે એક અત્યંત લપસણો, સફેદ પાવડર જામી ગયો હતો! બનેલું એમ કે, ગેસના મોલેક્યુલ્સ આપમેળે જોડાઈને પોલિમરાઇઝ થઈ ગયા હતા. આ પદાર્થ એટલે જ 'ટેફ્લોન', જે એસિડ, ગરમી કે પાણીથી પ્રભાવિત થતું નથી.
ફાઇલ પર ચોંટાડાતી રંગબેરંગી નાની નોટ્સ પણ નબળા સંશોધનનું જ ઉત્તમ ઉદાહરણ છે. સને 1968માં 3M કંપનીના વૈજ્ઞાનિક ડૉ. સ્પેન્સર સિલ્વર એક અત્યંત શક્તિશાળી, એરોસ્પેસ-ગ્રેડ એડહેસિવ (ગુંદર)બનાવવા પ્રયત્ન કરતા હતા, પણ પ્રયોગ દરમિયાન ગુંદર ખૂબ નબળી કક્ષાનો બન્યો. તે સપાટી પર ચોંટતો હતો, પણ કોઈ નિશાન છોડયા વગર આસાનીથી ઉખડી જતો હતો ને ફરી ચોંટાડી શકાતો હતો. વર્ષો સુધી આ નબળા ગુંદરનો કોઈ ઉપયોગ ન થયો. પણ,1974માં તેમના સહયોગી આર્ટ ફ્રાય પુસ્તકમાં પેજ-માર્કર રાખવામાં પરેશાન થતા હતા. આથી તેમને ડૉ. સિલ્વરના ગુંદરનો વિચાર આવ્યો. કારના વિન્ડશિલ્ડમાં વપરાતો સેફ્ટી ગ્લાસ, પણ આકસ્મિક શોધ જ હતી.1903માં ફ્રેન્ચ રસાયણશાસ્ત્ર્રી એડવર્ડ બેનેડિક્ટસ પોતાની લેબમાં કામ કરતા હતા ત્યારે, ભૂલથી એક કાચનો ફ્લાસ્ક ઊંચાઈ પરથી નીચે પટકાયો. ફ્લાસ્ક પર તિરાડો પડી, પણ તેના ટુકડા વેરવિખેર ન થયા. તપાસ કરતાં માલૂમ પડયું કે, ફ્લાસ્કમાં 'લિક્વિડ પ્લાસ્ટિક' (સેલ્યુલોઝ નાઇટ્રેટ) ભરેલું હતું, જે સુકાઈ જતાં કાચની અંદરના ભાગમાં એક અદ્રશ્ય પ્લાસ્ટિક કોટિંગ બની ગયું હતું. જેના પરથી બેનેડિક્ટસે કારમાં વપરાતો 'ટ્રિપ્લેક્સ' સેફ્ટી ગ્લાસ બનાવ્યો.
આ તમામ શોધો જિજ્ઞાસા અને ઓપન માઇન્ડસેટનું પરિણામ છે. વૈજ્ઞાનિકોની મહાનતા અહીં અણધારી ઘટનાને 'નિષ્ફ્ળતા' ગણવાને બદલે, તેની પાછળ રહેલા વિજ્ઞાનને પકડવાની તેમની તીક્ષ્ણ દૃષ્ટિમાં હતી. કોઈ પ્લાન નિષ્ફ્ળ જાય ત્યારે, નિરાશ થવાને બદલે આપણે આસપાસ જોવું જોઈએ; શક્ય છે કે કુદરત આપણી સામે કોઈ નવા 'અકસ્માત'થી ક્રાંતિ કરવાની તક આપી રહી હોય!
::: થ્રી ડૉટ્સ :::
જ્યારે વૃક્ષોના થડ કરતાં બત્તીના થાંભલાની સંખ્યા વધી જાય, ત્યારે સમજવું કે નગર હવે મહાનગર બનીગયું છે.
