જેના સામ્રાજ્યનો સૂરજ ક્યારેય આથમતો નહોતો - એક જમાનામાં બ્રિટન (યુનાઇટેડ કિંગડમ) માટે આ વાક્ય ગર્વથી વપરાતું હતું. દુનિયાના નકશા પર અડધાથી વધુ હિસ્સા પર રાજ કરનાર આ દેશ આજે એક એવા કટોકટીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યાં સત્તાનો સૂરજ દર થોડા મહિને આથમી જાય છે. છેલ્લા 10 વર્ષમાં બ્રિટને 7 વડાપ્રધાન બદલાતા જોયા છે. તાજેતરમાં જ, જુલાઈ 2024માં પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવેલા લેબર પાર્ટીના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પણ રાજીનામું આપી દીધું છે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે પ્રશ્નાર્થ ચિહન મૂકી દીધો છે કે આખરે બ્રિટનમાં ચાલી શું રહ્યું છે? બ્રિટનની આ વર્તમાન રાજકીય અસ્થિરતા, આર્થિક બદહાલી અને સામાન્ય માનવીની વેદનાને સમજવા માટે તેના આંતરિક રાજકારણ અને આર્થિક નીતિઓનું ઊંડું વિશ્લેષણ કરવું જરૂરી છે.
2024માં જ્યારે કીર સ્ટાર્મરે 14 વર્ષના કન્ઝર્વેટિવ (ટોરી) શાસનનો અંત આણીને લેબર પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી, ત્યારે લાગતું હતું કે બ્રિટનમાં સ્થિરતા આવશે. પરંતુ માત્ર બે વર્ષની અંદર જ તેમણે પદ છોડવું પડયું. કીર સ્ટાર્મરનું રાજીનામાના કારણે લેબર પાર્ટીમાં ભડકો થયો છે.
રાજીનામું આપવા પાછળના મુખ્ય કારણોઃ
1. પાર્ટીની અંદર બળવો અને સ્થાનિક ચૂંટણીઓમાં પરાજયઃ લેબર પાર્ટીમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી હતી. તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં લેબર પાર્ટીનો ભારે પરાજય થયો, જેનાથી સાંસદોમાં ગભરાટ ફેલાયો કે સ્ટાર્મરના નેતૃત્વમાં આગામી સામાન્ય ચૂંટણી જીતવી અશક્ય છે.
2. પિટર મેન્ડેલસન અને એપ્સટીન કૌભાંડઃ સ્ટાર્મર સરકાર એક મોટા વિવાદમાં ફ્સાઈ ગઈ જ્યારે વિવાદાસ્પદ નેતા પિટર મેન્ડેલસનને અમેરિકાના રાજદૂત બનાવવામાં આવ્યા, જેમનુ કનેક્શન કુખ્યાત સેક્સ ગુનેગાર જેફ્રી એપ્સટીન સાથે હોવાના આક્ષેપો હતા. આ સ્કેન્ડલે સ્ટાર્મરની છબીને મોટો ધક્કો પહોંચાડયો.
3. એન્ડી બર્નહામનો ઉદયઃ માન્ચેસ્ટરના લોકપ્રિય પૂર્વ મેયર એન્ડી બર્નહામે તાજેતરમાં જ સંસદની પેટાચૂંટણી જીતીને લંડનના રાજકારણમાં ધમાકેદાર વાપસી કરી. બર્નહામના વધતા પ્રભાવ અને લેબર સાંસદોના દબાણ સામે ઝૂકીને આખરે કીર સ્ટાર્મરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરવી પડી. હવે એન્ડી બર્નહામ બ્રિટનના આગામી વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ છે.
10 વર્ષમાં 7 વડાપ્રધાનઃ સત્તાની મ્યુઝિકલ ચેર
2016માં જ્યારે બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા (બ્રેક્ઝિટ -Brexit) માટે મતદાન કર્યું, ત્યારથી આ દેશ રાજકીય અસ્થિરતાનું કેન્દ્ર બની ગયો છે. ડેવિડ કેમેરોન, થેરેસા મે, બોરિસ જોન્સન, લિઝ ટ્રસ (જે માત્ર 45 દિવસ રહ્યા), ઋષિ સુનક, કીર સ્ટાર્મર અને હવે તેમના પછી આવનાર આગામી નેતા - આ યાદી દર્શાવે છે કે બ્રિટિશ લોકશાહી અત્યારે પક્ષીય રાજકારણ અને નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહી છે. લોકશાહીની જનની ગણાતા આ દેશમાં સત્તા જાણે 'મ્યુઝિકલ ચેર'ની રમત બની ગઈ છે.
બ્રિટનની આર્થિક હાલત : મોંઘવારી અને મંદીનો બેવડો માર
રાજકીય ડ્રામાની પાછળ બ્રિટનની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. બ્રિટન અત્યારે જી-7 દેશોમાં સૌથી ખરાબ આર્થિક તણાવ ભોગવી રહ્યું છે.
બ્રેક્ઝિટની કડવી વાસ્તવિકતાઃ યુરોપિયન યુનિયનથી અલગ થયા પછી બ્રિટનનો વેપાર ખોરવાઈ ગયો છે. જે સપના બતાવીને બ્રેક્ઝિટ કરાયું હતું, તે તમામ ખોટા સાબિત થયા છે અને દેશ આર્થિક રીતે એકલો પડી ગયો છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઉર્જા કટોકટીઃ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ગેસ અને વીજળીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેણે બ્રિટિશ અર્થતંત્રની કમર તોડી નાખી છે.
બ્રિટનના મધ્યમ અને ગરીબ વર્ગ માટે અત્યારે જીવવું દુષ્કર બની ગયું છે. ત્યાંના લોકો તેને 'કોસ્ટ ઓફ્ લિવિંગ ક્રાઈસિસ' (જીવનનિર્વાહની કટોકટી) તરીકે ઓળખે છે.
પરિસ્થિતિ કેટલી ગંભીર છે?
હીટ ઓર ઈટ' (Heat or Eat) ની નોબતઃ શિયાળામાં બ્રિટનના લાખો પરિવારો એ નક્કી કરવા મજબૂર બને છે કે તેઓ ઘરમાં હીટર ચલાવીને ઠંડીથી બચે કે તે પૈસા બચાવીને પરિવાર માટે ભોજન ખરીદે.
ધ્વસ્ત થતી મેડિકલ સિસ્ટમ (NHS): બ્રિટનની ગર્વ સમાન ગણાતી 'નેશનલ હેલ્થ સર્વિસ' (NHS) અત્યારેવેન્ટિલેટર પર છે. સામાન્ય સારવાર કે ઓપરેશન માટે લોકોને મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.
રોજગારી અને આવાસની સમસ્યાઃ મોંઘવારીના પ્રમાણમાં વેતન વધ્યું નથી. ઉપરથી ભાડાં અને હોમ લોનના વ્યાજ એટલા વધી ગયા છે કે લોકો પોતાના ઘર ગુમાવી રહ્યા છે.
આ સિવાય, 'રિફોર્મ યુકે' જેવી દક્ષિણપંથી પાર્ટીઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન (સ્થળાંતર) ના મુદ્દાને ઉછાળીને સામાન્ય જનતાના આક્રોશને હવા આપી રહી છે, જેનાથી સામાજિક તણાવ પણ વધ્યો છે. બ્રિટનની વર્તમાન સ્થિતિ દુનિયાના અન્ય દેશો માટે એક મોટો પાઠ છે કે ગમે તેટલી મોટી આર્થિક સત્તા હોય, જો ત્યાં રાજકીય સ્થિરતા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતું નેતૃત્વ ન હોય, તો દેશને પાયમાલ થતા વાર નથી લાગતી. કીર સ્ટાર્મરનું જવું એ માત્ર એક વડાપ્રધાનનું રાજીનામું નથી, પરંતુ બ્રિટિશ શાસન વ્યવસ્થાના પતનની સ્વીકૃતિ છે. હવે જોવાનું એ રહેશે કે નવા આવનાર વડાપ્રધાન બ્રિટનના આ ડૂબતા વહાણને ઉગારી શકે છે કે નહીં.