જરા કલ્પના કરો... સવારે જે દૂધથી તમારા બાળકના દિવસની શરૂઆત થાય છે, બપોરે જે મસાલાથી ભોજન તૈયાર થાય છે, સાંજે જે ચામાં ખાંડ ભળે છે અને તહેવારોમાં જે મીઠાઈથી ખુશીઓ ઉજવવામાં આવે છે... જો એ બધું જ નકલી નીકળે તો?
સવાલ માત્ર સ્વાદનો નથી. સવાલ સ્વાસ્થ્યનો છે. સવાલ વિશ્વાસનો છે. અને સૌથી મોટો સવાલ એ છે કે શું હવે આપણી થાળી ખરેખર સુરક્ષિત રહી છે? આજે ભારતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો વેપાર એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે હવે તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો રહ્યો નથી. આ સીધો દેશના કરોડો લોકોના સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને ભવિષ્ય પર હુમલો છે. દુર્ભાગ્ય એ છે કે જ્યાં સુધી કોઈ મોટી કાર્યવાહી, દરોડો અથવા દુર્ઘટના સામે આવતી નથી, ત્યાં સુધી આપણે જાગતા નથી. જ્યારે હકીકત એ છે કે આ ગેરકાયદે વેપાર દરરોજ, દરેક શહેરમાં અને દરેક રાજ્યમાં શાંતિથી ચાલતો રહે છે.
આંકડા દર્શાવે છે કે જોખમ આપણી ધારણા કરતાં ઘણું મોટું છે
આ કોઈ ડર ફેલાવવાની વાત નથી, પરંતુ સરકારી આંકડાઓ પરથી સામે આવેલી વાસ્તવિકતા છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) અનુસાર વર્ષ 2023-24 દરમિયાન દેશભરમાંથી 1.5 લાખથી વધુ ખાદ્ય નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. તેમાં 33 હજારથી વધુ નમૂનાઓ કોઈને કોઈ રીતે નિર્ધારિત ધોરણો મુજબના નહોતા. ક્યાંક ગુણવત્તા નબળી હતી, ક્યાંક લેબલિંગ ખોટું હતું અને અનેક કિસ્સાઓમાં ખાદ્ય પદાર્થો અસુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. એટલે કે તપાસાયેલા લગભગ દરેક પાંચમાંથી એક નમૂનો સવાલોના ઘેરામાં હતો.
આ તો માત્ર તપાસાયેલા નમૂનાઓનું ચિત્ર છે. દેશના લાખો નાના બજારો, બિન-બ્રાન્ડેડ ઉત્પાદનો અને સ્થાનિક સપ્લાય ચેઇનની સંપૂર્ણ હકીકત આના કરતાં પણ ઘણી મોટી હોઈ શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં નકલી ઘી, કૃત્રિમ દૂધ, ભેળસેળયુક્ત પનીર, નકલી મસાલા, કૃત્રિમ મધ અને ભેળસેળયુક્ત તેલના મોટા-મોટા નેટવર્ક ઝડપાયા છે. દરેક કાર્યવાહી બાદ છેવટે એક જ સવાલ સળગતો રહે છે- જે ઝડપાયું તે કેટલું હતું? અને જે હજુ સુધી ઝડપાયું નથી, તે કેટલું હશે?
નફાની ભૂખ માનવતાને ભરખી ગઈ
આખરે કોઈ આવું શા માટે કરે? તેનો જવાબ ખૂબ જ સીધો છે- પૈસા. શુદ્ધ ઘી બનાવવામાં જ્યાં વધુ ખર્ચ થાય છે, ત્યાં સસ્તા તેલ, કૃત્રિમ ફ્લેવર અને વિવિધ રસાયણો વડે તૈયાર કરવામાં આવતું નકલી ઘી અનેકગણો વધુ નફો અપાવે છે. આવો જ ખેલ દૂધમાં રમાય છે. આવું જ મસાલામાં થાય છે. આવું જ પનીરમાં થાય છે. અને આવું જ મીઠાઈઓમાં પણ થાય છે. કેટલાક કિસ્સાઓમાં ડિટર્જન્ટ, યુરિયા, કૃત્રિમ રંગો, કૃત્રિમ ફ્લેવર અને ઔદ્યોગિક રસાયણોના ઉપયોગની ફરિયાદો પણ સામે આવી છે. ડૉક્ટરો સતત ચેતવણી આપતા રહ્યા છે કે આવા પદાર્થો લાંબા ગાળે કિડની, લીવર, હોર્મોનલ અસંતુલન, પાચનતંત્ર સંબંધિત બીમારીઓ અને કેન્સર જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલે કે ભેળસેળ માત્ર તમારા ખિસ્સા પર જ ભાર મૂકતી નથી, પરંતુ ધીમે-ધીમે તમારા શરીરને પણ અંદરથી ખોખલું બનાવી દે છે.
સરકારની કાર્યવાહી જરૂરી છે, પરંતુ સમાજની જવાબદારી પણ એટલી જ મોટી છે
એવું કહેવું સહેલું છે કે સરકાર કડક કાર્યવાહી કરે. પરંતુ શું માત્ર દરોડા પાડવાથી જ આ સમસ્યાનો અંત આવી જશે? કદાચ નહીં. દેશમાં લાખો ખાદ્ય વ્યવસાયકારો પર સતત નજર રાખવી સરળ નથી. નિરીક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે, પ્રયોગશાળાઓને વધુ સક્ષમ બનાવવામાં આવી રહી છે અને રાજ્યોને પણ વધુ સત્તાઓ આપવામાં આવી રહી છે. છતાં, જ્યાં સુધી સમાજ જાગૃત નહીં બને, ત્યાં સુધી ભેળસેળ કરનારાઓનો ધંધો ચાલુ રહેશે.
ઘણા ગ્રાહકો આજે પણ બિલ વગર જ સામાન ખરીદી લે છે. બહુ ઓછા લોકો પેકેટ પર દર્શાવેલો FSSAI લાઇસન્સ નંબર તપાસે છે.
અસામાન્ય રીતે સસ્તો માલ જોઈને લોકો તરત જ ખરીદી લે છે. આ જ વલણ નકલી માલ-સામાનના વેપારીઓને વધુ પ્રોત્સાહન આપે છે. જો ગ્રાહક પ્રશ્ન પૂછવાનું શરૂ કરે... જો લાઇસન્સ વગરના ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવે... જો ફરિયાદ કરવાની સંસ્કૃતિ વિકસે... તો આ ગેરકાયદે વેપારની કમર આપમેળે તૂટી જશે.
હવે સમય માત્ર દરોડાનોનહીં, પરંતુ ખાદ્ય સુરક્ષાને રાષ્ટ્રીય અભિયાન બનાવવાનો છે.
જે રીતે 'સ્વચ્છ ભારત અભિયાન'થી દેશની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું... જે રીતે ડિજિટલ ચુકવણી સામાન્ય જીવનશૈલીનો ભાગ બની ગઈ... એ જ રીતે હવે ખાદ્ય સુરક્ષાને પણ જનઆંદોલન બનાવવાની જરૂર છે. શાળાઓમાં બાળકોને ભેળસેળ ઓળખતા શીખવવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ નિયમિત તપાસના અહેવાલો જાહેર કરવા જોઈએ. આવા કેસોની સુનાવણી ફાસ્ટ-ટ્રેક અદાલતોમાં થવી જોઈએ. વારંવાર ગુનો કરનારાઓના લાઇસન્સ કાયમ માટે રદ થવા જોઈએ. અને જો કોઈ સભાનતાપૂર્વક ઝેરી ખાદ્યપદાર્થોનું વેચાણ કરે, તો તેને માત્ર વેપારી ગુનેગાર નહીં, પરંતુ જાહેરઆરોગ્ય સામે ગુનો કરનાર તરીકે ગણવો જોઈએ. કારણ કે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વ્યક્તિ માટે કાયદાનો ભય દેખાવવો પણ એટલો જ જરૂરી છે.
એક સવાલ, જે દરેક ભારતીયે પોતાને પૂછવો જ જોઈએ
ભારતમાં ભોજનને માત્ર ભોજન નહીં પરંતુ તેને અન્નનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેને પ્રસાદનું સ્થાન આપવામાં આવ્યું છે. તેને જીવનનું પ્રતિક માનવામાં આવ્યું છે. પરંતુ જો એ જ અન્નમાં ભેળસેળ થવા લાગે... જો બાળકોને પીવડાવવામાં આવતા દૂધ પર વિશ્વાસ ન રહે... જો તહેવારોની મીઠાઈઓ પણ શંકાના ઘેરામાં આવી જાય... તો આ માત્ર ખાદ્ય સુરક્ષાનો સંકટ નથી, પરંતુ સમાજના નૈતિક અધઃપતનનો સંકેત છે. સરકાર પોતાની કાર્યવાહી કરશે. કાયદો પોતાનું કામ કરશે. પરંતુ સૌથી મોટી જવાબદારી આપણી પણ છે.
કારણ કે જે દિવસે ગ્રાહક સાચા અર્થમાં જાગૃત બનશે, તે જ દિવસથી નકલી ખાદ્યપદાર્થોના સૌથી મોટા બજારનો અંત શરૂ થઈ જશે. યાદ રાખો... દેશની સૌથી મોટી સુરક્ષા માત્ર સરહદપર ઊભેલા જવાનોથી શરૂ થતી નથી, પરંતુ તે થાળીથી શરૂ થાય છે, જે દરરોજ કરોડો ભારતીયોના ઘરમાં પીરસાય છે. જો એ જ થાળી સુરક્ષિત નહીં હોય, તો વિકાસના મોટા-મોટા દાવા પણ અધૂરા જ રહેશે.