પાંચ રાજ્યો અને કેટલાક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતા અત્યારે તો ચાર પ્રાદેશિક પક્ષોના જોડાણ અને વિલય ના સમાચાર આવવા લાગ્યા છે. મમતા બેનરજીનો તૃણમૂલ તૃણમૂલ કોંગ્રેસ, બાળાસાહેબ ઠાકરે સ્થાપિત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જુથ), મુલાયમ યાદવ સ્થાપિત સમાજવાદી પક્ષ અને શરદ પવાર સ્થાપિત રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ. આ પહેલા શિવસેનાના ભાગલા, એનસીપીના ભાગલા વ. ના સમાચારો તો આવી ચૂક્યા છે. સવાલ એ છે કે છેલ બે વર્ષથી આ નવો પ્રવાહ કેમ શરૂ થયો છે? શું આ ભારતીય રાજકારણમાં જોડાણ અને સંપાદન (વિલય) (merger and acquisition)નો સમય છે? લોકશાહી-પ્રજાસત્તાક બન્યા પછી (1950) ભારતના રાજકારણ ના ત્રણ તબક્કા પાડી શકાય.   


(1) પ્રથમ તબક્કો 1950-1974). આ તબક્કો વ્યવસ્થા ઊભી કરવાનો (system building) હતો. આ સમયમાં ભારતએ 562 રજવાડા, બ્રિટિશ તાબા નું ભારત અને કેટલાક આદિવાસી વિસ્તારો ની વૈવિધ્યપૂર્ણ શાસન વ્યવસ્થાને એક કરીને નવભારતની રચના કરી હતી. સમગ્ર ભારત માટે એક બંધારણ, એક કાયદો, એક વહીવટી વ્યવસ્થા, પંચાયતી રાજની સ્થાપના, હરિયાળી ક્રાંતિ, આઈઆઈટી અને આઇઆઇએમ જેવી આધુનિક શિક્ષણ વ્યવસ્થાની રચનાવ બનવાને કારણે એક માહોલ બન્યો જેમાં વિરોધ કરતાં વ્યવસ્થાના એક ભાગ બનવાનું મહત્વનું હતું. આમ હોવાથી સમાજવાદનું સૂત્ર, કોઈ આંદોલન નહીં, માત્ર સમગ્ર ભારતીય કક્ષાના કોંગ્રેસ ઉપરાંત જનસંઘ અને સામ્યવાદી રાજકીય પક્ષો, ત્રણ પ્રધાનમંત્રી તથા એક જ પક્ષ (કોંગ્રેસ)નું શાસન. હવે આ પ્રથમ 25 વર્ષના તબક્કાના વિકાસને કારણે અને પંચાયતીરાજને કારણે નવું અને સ્થાનિક નેતૃત્વ ઊબ ભુ થયું જેની એષણાઓએ નવા પ્રાદેશિક નેતૃત્વને જન્મ આપ્યો. આ નેતૃત્વ એ ભાગીદારી માંગી.   

(2) આમ બનતા બીજા તબક્કા (1974-1999)માં આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પક્ષ, તામિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કળગમ, આસામમાં આસામ ગણતંત્ર પરિષદ, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ, પંજાબમાં અકાલી દળ, હરિયાણામાં લોકદળ, મહારાષ્ટ્રમાં શિવસેના, ગુજરાતમાં શરૂમાં કિમલોપ અને પછી ગુજરાત જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ, એમ પક્ષો ઉભા થવા લાગ્યા. આ બધા વૈવિધ્યમાં સમજવાદનું સૂત્ર ભુલાઈ ગયું અને મિશ્ર અર્થતંત્ર ઉભરી આવ્યું. એટલું જ નહીં, કેન્દ્રમાં પચીસ વર્ષમાં અગિયાર પ્રધાનમંત્રીઓ અને સાત પક્ષની સરકાર આવી. આ સમયે વિવિધ સ્વરૂપના 14 આંદોલનો થાય. મેઘા પાટકરનું નર્મદા બચાઓ આંદોલન આમાનું એક હતું. આ સમયે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન મહત્વનું રહ્યું.   

(3) ત્રીજા તબક્કા (1999-2024)માં આ સ્થિતિ પછી બદલે છે. હવે વૈવિધ્ય માંથી હિન્દુ એકતા અથવા તો એક સ્વરૂપનો બહુમતીવાદ ઉદભવે છે. આ રાજકીય સંગઠન સૂત્ર મહત્વનું બને છે અને તેની સાથે આર્થિક વ્યવસ્થામાં નવ ઉદારવાદ આવે છે જેમાં રાજ્યની ભૂમિકા ઝડપી આર્થિક વિકાસ માટે સગવડો પૂરી પાડવાની રહે છે. પ્રાદેશિક પક્ષો વિવિધ ગાંઠબંધનો રચે છે. કોંગ્રેસના નેજા હેઠળ નું ગઠબંધન એટલે યુપીઆઈ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ), તો ભાજપના નેજા હેઠળનું ગઠબંધન એટલે એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ). ગુજરાતમાં રચાયેલ પ્રાદેશિક પક્ષો વિલય પામે છે. ગુજરાતમાં જે બને છે તે અન્ય પ્રાંતોમાં પછી બનવાનું છે. આ તબક્કામાં ખાસ કોઈ રાષ્ટ્રીય કક્ષાનું આંદોલન નથી થતું અથવા તો દાબી દેવામાં આવે છે. આ પચીસ વર્ષમાં ફરિ પાછું ત્રણ પ્રધાનમંત્રી અને બે રાજકીય ગઠબંધનો શાસનમાં રહે છે.   

 આ ત્રીજો તબક્કો ફરિ પાછો 2024માં બદલાય છે. ભારતની વસ્તી વધતાં સંસદની બેઠક વધવાની પ્રક્રિયા શરૂ થાય છે. ભારત માત્ર ભારત માટે કહી અન્ય દેશોના જે લોકો ગેરકાયદે રહેતા હોય તેની સામે હાંકો કાઢવાની પ્રક્રિયા શરૂ થાય છે. વિકાસની દોડમા સહેજ ઉગ્ર રાષ્ટ્ર વદ શરૂ થાય છે. ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો બગડે છે. ફરિ આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, વ. મા ઊભરી આવે છે અને પ્રાદેશિક પક્ષો પાછા પડવાનાં ચિહનો ઉભરી આવે છે. આ સ્થિતિમાં બે ગઠબંધન વધુ મજબૂત બને અને તે ગઠબંધનો મા પણ મુખ્ય પક્ષો- ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ફરિ મજબૂત બને તેવા ચિહનો દેખાય આવે છે. જો આમ બને તો ભારતીય રાજકારણ ફરિ પાછું બે પક્ષોનું રાજકારણ મુખ્યત્વે બને તેવી સ્થિત ઉદભવે. શા માટે આ પ્રાદેશિક પક્ષો નબળા પડવાની સ્થિતિ સર્જાઇ છે? કોઈ પણ રાજકીય પક્ષ ને પનપવા ચાર વાના (વસ્તુ) જોઈએ. (ક) નેતૃત્વ, (ખ) અનુયાયીઓ અથવા કાર્યકરો, (ગ ) સંગઠન અને (ઘ) વિચારસરણી. ભાજપ અને કોંગ્રેસ પાસે તેમનું નિવડેલ નેતૃત્વ, વિચારસરણી, કાર્યકરો અને સંગઠન છે. તેના સામે આ પ્રાદેશિક પક્ષોની શી સ્થિતિ છે તે જોઈએ.   

(1) સર્વપ્રથમ તો આવા પ્રાદેશિક પક્ષો તેના સ્થાપક નેતાના પડછાયા અથવા તો નેતાના વ્યક્તિત્વના વિસ્તરણ જેવા હોય છે. સન 1999માં મમતા બેનર્જીને લાગ્યું કે કોંગ્રેસમાં તેમનું ખાસ સ્થાન નથી તેથી તેમણે કોંગ્રેસથી છેડો ફાડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. તૃણમૂલ કોંગ્રેસને પોતાની કોઈ વિશિષ્ટ વિચારધારા નથી. તેનું કોઈ ખાસ સંગઠન પણ નથી. મમતાના વ્યક્તિત્વના કરિશ્માના આધારે જે મત મળે તે તૃણમૂલ કોંગ્રેસની સિદ્ધિ. આમ હોવાથી ટીએમસીના કાર્યકરો જ્યાં સુધી મમતાના નામે મત મળે ત્યાં સુધી પક્ષમાં જોડાઈ રહે. હવે 25 વર્ષ પછી આ કરિશ્મા ખતમ થવા આવ્યો છે. (ગુજરાતમાં ગુજરાત જનતા દળ એ ચીમનભાઈ પટેલનો પડછાયો અને રાષ્ટ્રીય જનતા પાર્ટી એ શંકરસિંહ વાઘેલાનો પડછાયો રહ્યા. આ નેતાઓનો કરિશ્મા વિલય પામવા લાગ્યો એટલે તે પક્ષો પણ વિલય પામ્યા.) જે પક્ષ વ્યક્તિત્વ નો પડછાયો હોય તેમાં *મારા* *તારા'ના ભેદભાવો ઉદભવે જ. મમતાએ પોતાના ભત્રીજાને આગળ વધારવાની કોશિશ કરતાં પક્ષમાં અસંતોષ પ્રગટયો અને હવે ભાગલા પડવાની શરૂઆત થઈ. એવું બને કે પક્ષના કેટલાક પદાધિકારીઓ ભાજપમાં ભળે તો મમતા પોતે પોતાના સાથીઓ સાથે કોંગ્રેસમાં ઓછા જાય.   

(2) ઉત્તર પ્રદેશમાં અગાઉ મુલાયમસિંહ યાદવે જનતા દળમાંથી છૂટા પડીને 1992માં સમાજવાદી પક્ષ ની સ્થાપના કરી હતી. આ પક્ષમાં પણ મુલાયમસિંહ સર્વેસર્વા હતા અને હવે તેમનો પુત્ર સર્વે સર્વા છે. આ પક્ષમાં કોઈ સમાજવાદી વિચારસરણીનો પાયો નથી. માત્ર નામ જ છે. તે શરૂમાં મૂલયમસિંહન કરિશ્મા પર અને પ્રાદેશિક એષણા પર ચાલ્યો. પછી ભાજપના હિન્દુવાદે યુપીમાં મજબૂત પાયો નાખતા સમાજવાદી પક્ષનું અસ્તિત્વ જોખમાવા લાગ્યું. તેમનો પુત્ર અખિલેશ ખૂબ શિક્ષિત છે, પરંતુ તેની પાસે પિતાનો કરિશ્મા નથી. આથી યાદવ અને મુસ્લિમ ના જ્ઞાતિવાદ પર આધારિત રહેતો પક્ષ નબળો પડે તે સ્વાભાવિક છે. આ પક્ષનું પણ કોઈ સંગઠન ખાસ નથી. સ્વાભાવિક છે કે મુલાયમસિંહ જેટલો કરિશ્મા અખિલેશમાં ન હોવાથી પક્ષના સાથીઓ છુટા પડતા જાય. ભાજપ સરકારના એક મંત્રી રાજભરે એક નિવેદન આપ્યું છે કે 2027ની ચૂંટણી પહેલા સમાજવાદી પક્ષ વિખેરાઈ જશે. અત્યારે તો સામ સામે આક્ષેપો ચાલે છે. પરંતુ દાળમાં કૉઈ કાળું છે તે દેખાઈ આવે છે.   

(3) ખરો ખેલ મહારાષ્ટ્રમાં જામ્યો છે. બાળાસાહેબ ઠાકરેએ સ્થાપેલ શિવસેના તેમના મૃત્યુ પછી તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરેના હાથમાં હતી. ભત્રીજા રાજ ઠાકરે એ અલગ પક્ષ સ્થાપ્યો પછી હમણાં જ એકનાથ શિંદે એ ઉધ્ધવથી છૂટા પડીને પોતાની શિવસેનાની સ્થાપના કરી. તેમ છતાં મહારાષ્ટ્રમાં ઉગ્ર પ્રાદેશિક લાગણી (મરાઠી માટે મહારાષ્ટ્ર) થકી ઉદ્ધવ ઠાકરે પક્ષનું સુકાન જાળવી શક્યા. પરંતુ હમણાં જ ફ્રિયાદ આવી છે કે ભાજપ તરફ્થી તેમના પદાધિકારીઓને પક્ષ છોડવા માટે લાંચ આપવામાં આવે છે. આથી મેદાન ગરમાયું છે. શક્ય છે કે જેમ કેટલાક શિવસૈનિકો ભાજપ તરફી થાય તો ઉદ્ધવ ઠાકરે જુથ કોંગ્રેસ તરફી થાય. મૂળ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના અત્યાર સુધીમાં ત્રણ ભાગ તો થાય છે. હજી ચોથો ભાગ થશે કે ઉદ્ધવ જુથ વિલય પામશે તે જોવું રહ્યું.   

(4) તેવું જ શરદ પાવર સ્થાપિત નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નું કહી શકાય. મૂળ કોંગ્રેસમાંથી ઇન્દિરા ગાંધી સાથેના મતભેદ થી છૂટ પડેલ શરદ પાવર એક વ્યૂહરચનાકાર ગણાય છે. પરંતુ તેઓ પણ મહારાષ્ટ્ર બહાર તેમનો પગદંડો જમાવી શક્ય નથી. તે પ્રાદેશિક પક્ષ બનીને રહી ગયા છે. શરદ પાવર 90 વર્ષના થાય. તેમની પુત્રીને નેતૃત્વ સોંપવાની મુહિમ સામે પડકાર થતા એનસીપીમાં ભાગલા પડયા. અજીત પવારના મૃત્યુ પછી અત્યારે તેના ભાગની એનસીપી અને મૂળ એનસીપી અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. શક્ય છે કે તે મૂળ કોંગ્રેસ તરફી પાછા ફરે. 

આ ચાર પક્ષોના સમાચારો તો આપણી સામે આવી ગયા છે. પરંતુ જે અંદરનાં પ્રવાહો વહી રહ્યા છે તે બતાવે છે કે અન્ય પ્રાદેશિક પક્ષોની સ્થિતિ પણ વધુ સારી નથી. નવીન પટનાયકની હાર પછી બીજું જનતા દળ અન્ય કોઈ પક્ષમાં વિલય પામી જાય તેવી સ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં. તેવી જ રીતે યુપીમાં માયાવતીનો કરિશ્મા ઓસરી રહ્યો છે. હરિયાણાનું લોકદળ તો લગભગ ખતમ જ થઈ ગયું છે. તેવી જ રીતે આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં પણ પ્રાદેશિક પક્ષો પાછા પડે. જો ગુજરાતની વાત કરી તો ગુજરાત જનતા દળ અને આરજેપીના વાવટા સંકેલાઈ ગયા છે. કેશુભાઈ સ્થાપિત ગુજરાત પરિવર્તન પાર્ટી પણ આજે વિલય પામી છે. ગુજરાતે બે રાષ્ટ્રીય પક્ષોના રાજકારણનો રસ્તો ભારતને વહેલો બતાવ્યો છે. માટે જ કદાચ ગુજરાતે ભારતીય રાજકારણ ની પ્રયોગશાળા ગણાય છે.   

આજની સ્થિતિમાં પ્રાદેશિક પક્ષોના અલગ અસ્તિત્વ માટેનો કોઈ તર્ક રહ્યો નથી. બંધારણ કઈ રીતે સચવાય તે અગત્યનું બની રહ્યું છે. તેમાં પ્રાદેશિક લાગણીઓ ને બહુ સ્થાન નથી, હવે તામિલનાડુમાં યુપીના મજૂરો હિન્દી બોલે છે. આંધ્રપ્રદેશમાં ઓડિયા મજૂરો રહીને કામ કરી શકે છે. વળી એક નેતાના વ્યક્તિત્વના પડછાયા રૂપ પક્ષોનો જમાનો પુરો થતો હોય તેવું લાગી કદાચ રહ્યું છે. 2047 સુધી તો આ કશમકશ ચાલતી રહેશે અને હજી અનેક નવા રાજકીય પ્રવાહો આ સમયમાં જોવાશે. કદાચ થોડી રાજકીય સખળડખળ જોવા મળે અને કદાચ આ સમયમાં કોઈ રાજકીય અનિશ્ચિતા આવે અને કદાચ કેટલાક આંદોલનો આવે તેવું પણ બને.  


  • Follow us on: