સ્તુતિ શાહ, ઓસ્ટ્રેલિયાઃ મારુ મોટાભાગનું શિક્ષણ ગુજરાતમાં થયું છે. અમે ભણતા હતા ત્યારે અમને સેકસ અંગેનું કોઈ શિક્ષણ આપવામાં આવતું નહતું. પણ ઓસ્ટ્રેલિયામાં કે.જી.થી સેકસ એજ્યુએક્શન આપવામાં આવે છે. તો બદલાતા સમયને ધ્યાનમાં રાખીને ભારતમાં સેકસ એજ્યુકેશન આપવાની શરૂઆત કરવી જોઈએ કે નહીં?   


 શિક્ષણ એ જીવન જીવવાની કળા અને સાચી દિશા આપવાનું માધ્યમ છે. આજના ડિજિટલ યુગમાં કિશોરાવસ્થામાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સામે શારીરિક, માનસિક અને સામાજિક પડકારો આવી રહ્યા છે. આજના માહિતી વિસ્ફેટના યુગમાં વિદ્યાર્થીઓને 'સેક્સ શિક્ષણ' (જાતીય શિક્ષણ) આપવું એ માત્ર વૈજ્ઞાનિક જરૂરિયાત નથી, પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે.આવા સમયે *જાતીય શિક્ષણ* (Sex Education) એ સમયની સૌથી મોટી માંગ છે. આપણા રૂઢિચુસ્ત સમાજમાં હજી પણ સેક્સ કે જાતીયતા વિશે ખુલીને વાત કરવી નિંદનીય માનવામાં આવે છે. આ મૌન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. કિશોરો ગેરમાર્ગે દોરાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓએ આ વિષયને શિક્ષણ પ્રણાલીમાં વણી લેવા પર ખાસ ભાર મૂક્યો છે.તેથી, વૈજ્ઞાનિક અને નૈતિક દ્રષ્ટિકોણથી સેક્સનું શિક્ષણ આપવું સામેની માંગ કહી શકાય.   

ઘણા લોકો માને છે કે સેક્સ શિક્ષણ આપવાથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાશે અથવા નાની ઉંમરે શારીરિક સંબંધો તરફ્ આકર્ષાશે. જે સંપૂર્ણપણે ખોટી માન્યતા છે. વાસ્તવમાં, જાતીય શિક્ષણ એટલે માત્ર શારીરિક સંબંધોની માહિતી આપવી એવું નથી. યુનેસ્કોના જણાવ્યા અનુસાર, વ્યાપક જાતીય શિક્ષણ એ ચોક્કસ અભ્યાસક્રમ આધારિત છે જે જાતીયતાના જ્ઞાનાત્મક, ભાવનાત્મક, શારીરિક અને સામાજિક પાસાઓ વિશે શીખવે છે. જેમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે જેમકે, માનવ શરીરની રચના અને તેમાં થતા હોર્મોનલ બદલાવો. કિશોરાવસ્થા દરમિયાન આવતા શારીરિક અને ભાવનાત્મક પરિવર્તનો. સુરક્ષિત શારીરિક સંબંધો અને ગર્ભનિરોધકના સાધનોની સાચી સમજ.

યુનેસ્કોના અહેવાલો દર્શાવે છે કે 15 થી 24 વર્ષની વયના આશરે 71% યુવાનો જાતીયતા અને સંબંધો વિશેની માહિતી ઇન્ટરનેટ પર શોધે છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે આમાંથી 54% યુવાનો નાની ઉંમરે જાતીય નુકસાન અથવા ખોટી માહિતીનો ભોગ બને છે. એશિયા ક્ષેત્રના એક સર્વે અનુસાર, ભારતમાં કિશોરાવસ્થામાં પ્રવેશતા પહેલાં 44% છોકરીઓ માસિક ધર્મ અને 45% છોકરાઓ શારીરિક બદલાવો વિશે પૂરતી માહિતી ધરાવતા નથી.   

આજે દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે શાળાઓ કે માતા-પિતા આ વિષય પર મૌન સેવે છે, ત્યારે વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અથવા પોર્નોગ્રાફીનો સહારો લે છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ મોટાભાગની માહિતી અધૂરી અથવા ભ્રામક હોય છે. જેથી તેઓ જાતીયતા વિશે ખોટી ધારણાઓ બાંધે છે. જો તેમને વૈજ્ઞાનિક અને સાચી માહિતી આપવામાં આવે, તો તેઓ આવી ભ્રામક સામગ્રીથી બચી શકે. કિશોરાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓના શરીરમાં ઝડપી બદલાવ આવે છે. સાચી માહિતીના અભાવે ઘણા બાળકો ડરી જાય છે, લઘુતાગ્રંથિ અનુભવે છે અથવા ડિપ્રેશનમાં આવી જાય છે. શિક્ષણ તેમને સમજાવે છે કે આ બદલાવો કુદરતી અને સામાન્ય છે. વ્યક્તિગત સ્વચ્છતા વિશેની માહિતી પણ આ શિક્ષણનો એક ભાગ છે, જે ગંભીર શારીરિક ચેપ અને રોગોથી બચાવે છે. વર્તમાન સમયમાં બાળકો સામે થતા જાતીય ગુનાઓ અને બાળ શોષણના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જોબાળકોને નાની ઉંમરથી જ 'ગુડ ટચ' અને 'બેડ ટચ' નું જ્ઞાન આપવામાં આવે તો તેઓ પોતાની સાથે થતી કોઈપણ અયોગ્ય પ્રવૃત્તિને ઓળખી શકે છે. 

નવયુવાનોમાં જાગૃતિના અભાવે ઘણીવાર નાની ઉંમરે વણજોઈતી ગર્ભાવસ્થાના કિસ્સાઓ બને છે, જે યુવતીઓના શારીરિક સ્વાસ્થ્ય અને ભવિષ્યને બરબાદ કરી નાખે છે. સુરક્ષિત સંબંધો અને ગર્ભનિરોધકના સાધનોનું જ્ઞાન આવી ગંભીર પરિસ્થિતિઓથી બચાવે છે. વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ જેવા કાયદાઓ અને જાતીય સતામણી વિરોધી કાયદાઓનું જ્ઞાન આપવું જોઈએ. તેનાથી તેઓ સમજી શકશે કે કઈ પ્રવૃત્તિ ગુનાની શ્રોણીમાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલીમાં ન મુકાય અને અન્યોના અધિકારોનો આદર કરે.  

જાતીય શિક્ષણ શારીરિક બાબતો ઉપરાંત નૈતિક મૂલ્યોનું પણ સિંચન કરે છે. તે છોકરા અને છોકરીઓને એકબીજાના શરીર અને લાગણીઓ પ્રત્યે આદર રાખતા શીખવે છે. જેનાથી ભવિષ્યમાં બળાત્કાર અને છેડતી જેવા ગુનાઓમાં ઘટાડો થઈ શકે છે. ઓડિશામાં કરેલ સંશોધન મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણ આપ્યા પછી કિશોરીઓમાં ગર્ભનિરોધક પદ્ધતિઓની જાગૃતિ 10.9% થી વધીને 87.1% થઈ ગઈ હતી. આ ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના રિપોર્ટ અનુસાર, યોગ્ય જાતીય શિક્ષણથી યુવાનોમાં જોખમી જાતીય વર્તણૂકમાં ઘટાડો થાય છે અને તેઓ સુરક્ષિત નિર્ણયો લઈ શકે છે.  

ભારતના કેટલાક રાજ્યો ગુજરાત અને મધ્યપ્રદેશમાં અગાઉ પરંપરાગત મૂલ્યોને ટાંકીને શાળાઓમાં આવિષય દાખલ કરવાનો વિરોધ થયો હતો. અહીં સૌથી મોટો પડકાર યોગ્ય શિક્ષકો અને વાલીઓની માનસિકતાનો છે. સેક્સ શિક્ષણ આપતી વખતે તેની રજૂઆતમાં સંયમ, શિષ્ટતા અને વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે. તેનો હેતુ ઉતેજના ફેલાવવાનો નહીં, પરંતુ જાગૃતિ અને સમજણ વધારવાનો હોવો જોઈએ. પ્રાથમિક શાળામાં શરીરના અંગોના સાચા નામ, વ્યક્તિગત સ્વચ્છતા અને 'ગુડ ટચ-બેડ ટચ'. માધ્યમિક શાળામાં કિશોરાવસ્થાના બદલાવો, માસિક ધર્મનું સંચાલન અને પ્રજનન તંત્રની વૈજ્ઞાનિક સમજ. ઉચ્ચતર માધ્યમિક અને કોલેજમાં સુરક્ષિત સંબંધો, સંમતિનું મહત્વ, ગર્ભનિરોધક પદ્ધતિઓ અને જાતીય રોગો વિશે વિગતવાર માહિતીનો સમાવેશ કરી શકાય. આ વિષય ભણાવવા માટે શિક્ષકો સંકોચ અનુભવ્યા વિના વૈજ્ઞાનિક ઢબે વાત કરે તે માટે તેમને ખાસ ટ્રેનિંગ આપવી જરૂરી છે. શાળાઓએ વાલીઓને સમજાવવું જોઈએ કે આ શિક્ષણ બાળકોના ભલા માટે જ છે. સેક્સનું શિક્ષણ આપવું એ કોઈ પશ્ચિમી સંસ્કૃતિનું અંધાનુકરણ નથી, પરંતુ આપણા યુવા ધનને સુરક્ષિત, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવાનું એક પગલું છે.   

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો (2025) છે કે, સેક્સ એજ્યુકેશન માત્ર નવમા ધોરણથી નહીં, પરંતુ બાળકોની નાની ઉંમરથી જ અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ. યુનેસ્કો વૈજ્ઞાનિક રીતે સાચી અને ઉંમર મુજબની માહિતી આપવાની હિમાયત કરે છે. તો સંયુક્ત રાષ્ટ્રનું લક્ષ્ય છે કે, 2030 સુધીમાં દરેક યુવા સુધી જાતીય સ્વાસ્થ્ય અંગેની સાચી માહિતી પહોંચાડવી. આ બધુ ધ્યાને લેતા આપણે ત્યાં પણ સેકસ એજ્યુકેશન ગંભીરતાપૂર્વક શરૂ કરવું જોઈએ.   

અશોકી : બાળકને ખોટા રસ્તે ભટકતો અટકાવવા સંકોચનું મૌન તોડવું પડશે, સાચી સમજણ લાવવી પડશે.   


  • Follow us on: