અમદાવાદ શહેરની સ્થાપનાને 615 વર્ષ પૂરાં થયા હવે આ શહેર 616માં વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે શહેરના સુંદર ભૂતકાળ પર એક નજર નાંખીએ. અમદાવાદ શહેરનું આંતરિક કલેવર એનું એ જ રહેવા છતાં તેનો બહારનો પરિવેશ સતત બદલાતો રહ્યો છે.  

ઓટોરિક્ષા આવી તે પહેલાં એટલે કે 40 કે 45 વર્ષ પહેલાં જ શહેરમાં ઘોડાગાડીઓ જોવા મળતી હતી. લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘોડાગાડીનો ઉપયોગ કરતા હતા. ઘોડાગાડીવાળો તેના ઘોડા માટેનો ઘાસનો પૂળો પણ સાથે રાખતો હતો. લોકો તેમના સરસામાન સાથે રેલવે સ્ટેશન જવા ઘોડાગાડીનો જ ઉપયોગ કરતા હતા. ઘોડાગાડીનું ભાડું ચાર, આઠ કે બાર આના તો બહુ થઈ ગયું. 1950 પછી ધીમે ધીમે ઓટોરિક્ષાઓ આવતી શરૂ થઈ, પરંતુ મધ્યમ વર્ગનો પરિવાર મ્યુનિસિપલ બસ કે લાલ બસ કહેવાતી તેનો જ ઉપયોગ કરતો હતો, બાકી ઘોડાગાડી. ઉપલા મધ્યમ વર્ગને જ ઓટોરિક્ષા પોસાતી હતી. રિક્ષામાં બેથી વધુ ઉતારુઓ બેસાડવાની મનાઈ હતી અને તેનો બરાબર અમલ થતો હતો. 1970 પછીના ગાળામાં જ રાજ્યમાં ત્રણ જણને બેસાડવાની છૂટ મળી. હવે રિક્ષામાં પાંચ-સાત જણ બેઠેલા પણ જોવા મળે છે.  

એ જ રીતે 1950ના ગાળામાં ગુજરાતનાં ગામડાંઓમાં વીજળી નહોતી. દૂર દૂરના ગામના લોકો અમદાવાદ આવે ત્યારે જ વીજળીનો ગોળો જોવા મળતો હતો. આઝાદી પહેલાં તો લોકો સો સો માઈલ દૂરથી ગાડાં લઈ તેમણે પકવેલું અનાજ કે રૂ લઈ અમદાવાદ આવવા નીકળતા. રસ્તામાં પડાવ નાખતાં. રાત્રે ખીચડી બનાવી લેતાં અને ગાડામાં જ સૂઈ જતા. ત્રણ-ચાર દિવસે અમદાવાદ આવી અનાજ, મગફ્ળી કે રૂ વેચતા અને બદલામાં તેલ અને બીજું કરિયાણું લઈ જતા.  

એ જમાનામાં બહારગામથી આવેલા ગ્રામજનો માટે રેલવે સ્ટેશન સામે રેવાબાઈ ધર્મશાળા અને મણિલાલ મેન્શન બે જાણીતી ધર્મશાળાઓ હતી. આ રૂમો નહિવત દરે મળતી. તાળું ઘરનું કે બજારમાંથી ખરીદી લાવી લગાડવું પડતું. રેલવે સ્ટેશન સામે જૂની અલંકાર સિનેમાની બાજુમાં મેડા ઉપર 'ગુજરાત લૉજ' હતી જ્યાં પાટલા પર બેસી જમવાનું મળતું અને ટેસ્ટફૂલ જમવું હોય તો કાલુપુર બ્રિજ પાસે રાજમહેલ હોટેલ હતી. હવે તો આ હોટેલોનું અસ્તિત્વ પણ નથી. મુસ્લિમ બિરાદરોને માટે રેવાબાઈ ધર્મશાળાની લાઈનમાં મુસ્લિમ મુસાફરિખાના પણ હતું.  

એ જમાનામાં ગાંધી રોડની એક હોટેલનો ડંકો હતો. ગામડેથી આવેલો માણસ તે હૉટલમાં જ અવશ્ય જમતો. તે હોટેલમાં અડધું અને આખું ભાણું એમ બે પ્રકારનું ભાણું મળતું. તે હોટેલની દાળ માટે પ્રખ્યાત હતી. આસપાસની પોળમાં રહેતાં પરિવારો તો બાકીની તમામ રસોઈ ઘેર બનાવે, પરંતુ દાળ તે હોટેલમાંથી મંગાવતાં હતાં. એ જ રીતે તે હોટેલના ફાફ્ડા અને જલેબી પણ પ્રખ્યાત હતા. રતનપોળના વેપારીઓ સવારે દુકાન ખોલતાં જ તે હોટેલમાંથી ગરમાગરમ ફાફ્ડા-જલેબી મંગાવતાં. કૃષ્ણ સિનેમાની બાજુના મકાનમાં બીજી એક લોજ શરૂ થયા બાદ લોકોની રુચિ તે લોજ તરફ્ ઢળી.   

એ પછી શહેરનો ભણેલોગણેલો અને ઉપલો મધ્યમવર્ગ રિલીફરોડ પરની નવી હોટેલમાં જવા લાગ્યો. ગામડેથી આવેલા લોકો પણ તે હોટેલમાં ટેસ્ટ કરવા જતાં, પણ મેનુ સમજ પડતી ના હોઈ બાજુના ટેબલ પર કોઈ 'ટુટીફુટી' ખાતું હોય તો એ જોઈને બતાવતા : 'પેલા ભાઈ ખાય છે તેવું લાવો.' એ સાંભળીને વેઈટર પણ મનમાં હસતો.  

નવતાડના સમોસા શહેરની પ્રજાના પ્રિય રહ્યા છે.  

માણેકચોક, કાંકરિયા, કેમ્પના હનુમાન અને લૉ ગાર્ડન ધીમે ધીમે પાણીપુરી, ભેળ અને રગડા પેટિસ માટે હંમેશા લોકપ્રિય સ્થળો રહ્યાં. 1970 સુધી ભાજીપાંઉ જોવા મળતું નહોતું.   

1950ના ગાળામાં સાઈકલ લોકપ્રિય હતી. શહેરમાં ટ્રાફ્કિ હતો જ નહીં. આખા શહેરમાં માત્ર સો જેટલી મોટરકારો હતી. એ વખતે ફ્યિાટ કે એમ્બેસેડર્સ દેખાતી જ નહોતી. શહેરના ધનવાનો મોરિસ, શેવરોલેટ, પ્લાયમાઉથ, બ્યૂક કે ઓલ્ડ્સ મોબાઈલ જેવી વિદેશથી આયાત થયેલી મોટરકારો વાપરતા. સ્કૂટર હજુ બજારમાં આવ્યું નહોતું તેથી સાઈકલ સ્વયં એક લક્ઝરી ગણાતી. સાઈકલ પર લેમ્પ રાખવો ફરજિયાત હતો. તેથી લોકો તેલથી બળતો દીવો લગાડી રાખતા. તેમાંથી નીકળતો પ્રકાશ અર્થહીન હતો, પરંતુ પોલીસ દંડ ના કરે તે માટે સાંજે તેલનો દીવો સળગાવી તેને સાઈકલ આગળ ભરાવી લોકો સાઈકલ ચલાવતા હતા.  

એક દિવસ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બી. જે. દિવાન કોઈને મળવા સાઈકલ પર ગયા હતા. પાછા આવવામાં મોડું થઈ ગયું અને સાંજ પડી ગઈ. તેઓ સાઈકલ પર નીકળ્યા. સાઈકલ પર દીવો ના હોઈ પોલીસે સિટી મારી તેમને ઊભા રાખ્યા. જસ્ટિસ દિવાન સાહેબે પોતાની ઓળખ આપ્યા વિના જ પોલીસના કહ્યા પ્રમાણે દંડ ભરી રસીદ લઈ લીધી. દિવાન સાહેબ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હોવા છતાં તેમણે કાયદાને માન આપવા સ્થળ પર જ દંડ ભરી જઈ અને કાનૂનપ્રિય નાગરિક તરીકેનો દાખલો દાખલો બેસાડયો હતો.  

1960થી 1970ના દાયકા સુધી કૉલેજના પ્રોફેસરો મ્યુનિસિપલ બસમાં બેસીને ભણાવવા કૉલેજ જતા હતા. સેન્ટ ઝેવિયર્સ કૉલેજના અર્થશાસ્ત્ર વિભાગના વડા પ્રાધ્યાપક બબાભાઈ પટેલ, મનોવિજ્ઞાન વિભાગના વડા રજનીકાંત પટેલ તથા પ્રો. દૂધારા પણ સાઈકલ પર બેસીને કૉલેજમાં ભણાવવા આવતા હતા. ઝેવિયર્સના અંગ્રેજી વિષયના પ્રોફેસર ફાધરે બ્રાગાન્ઝા સાઈકલ પર બેસીને જ કોઈને મળવા જતા હતા.   

આ વાત તો ત્રણ-ચાર દાયકા પહેલાંની થઈ, પરંતુ 1947 પહેલાંના દાયકામાં કોલેજમાં વિદ્યાર્થીઓ ધોતિયું પહેરીને આવતા. વિદ્યાર્થિનીઓ સાડી પહેરીને કૉલેજ જતી હતી. તેનાં ઘણાં વર્ષ પછી સ્કર્ટ આવ્યું અને ગુજરાતી યુવતીઓનો પંજાબી ડ્રેસ તો 1960 પછી જ આવ્યો. 1960 પહેલાં સ્કૂલ કે કૉલેજમાં વિદ્યાર્થિનીઓ સ્કર્ટ પહેરતી હતી. આઝાદી પહેલાં લખાયેલી ગુજરાતના સાહિત્યકારોની નવલકથાઓમાં કૉલેજમાં ભણતા વિદ્યાર્થીની ધોતીનાં વર્ણન જોવા મળે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ લખેલી સુપ્રસિદ્ધ નવલકથાનું મુખ્ય પાત્ર- 'સરસ્વતીચંદ્ર' પણ ધોતી જ પહેરતો હોવાનું વર્ણન છે.  

1950થી 60ના ગાળામાં શહેરની પ્રજાને ખાસ કરીને હાઈસ્કૂલ અને કૉલેજમાં ભણતાં યુવક-યુવતીઓને ફ્લ્મિો જોવાનો જબરો ક્રેઝ હતો. એ જમાનામાં દેવ આનંદ કૉલેજિયન યુવતીઓનો સૌથી પ્રિય એક્ટર હતા. દેવ આનંદનું પિક્ચર આવે એટલે કૉલેજિયન યુવતીઓ પડાપડી કરતી. એ પછી કૉલેજિયન યુવતીઓનો ક્રેઝ શમ્મી કપૂર તરફ્ વળ્યો. હાઈસ્કૂલના ઉપલા વર્ગની એક વિદ્યાર્થિનીએ આશા પારેખ અને શમ્મી કપૂરના અભિનયવાળું 'દિલ દે કે દેખો' પિક્ચર 33 વાર જોયું હતું. 

લુપ્ત થતી સંસ્થાઓ અમદાવાદ શહેરની ઓળખ એવી કેટલીક સુપ્રસિદ્ધ સંસ્થાઓ હતી, પણ હવે ધીમેધીમે તેમણે પોતાનું નૂર ગુમાવ્યું છે. એક જમાનામાં અમદાવાદ ભારતનું માંચેસ્ટર કહેવાતું હતું. શહેરમાં 100 જેટલી કાપડની મિલો હતી. હવે માંડ એક કે બે જ કાર્યરત છે. મિલોની પડતીની સાથે મિલમાલિક મંડળ અને મજૂર મહાજન સંઘ બેઉ હવે લુપ્ત થઈ રહ્યાં છે.  

મિલોના અંત સાથે મિલઉદ્યોગમાં સંશોધન માટે રચાયેલી સંસ્થા 'અટીરા' પણ હવે લાઈમલાઈટમાં નથી. ડૉ. વિક્રમ સારાભાઈના સમયમાં સ્થપાયેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઈસરોનું મહત્ત્વ અને કામગીરી ડૉ. સારાભાઈના અવસાન પછી નામનાં જ રહ્યાં છે.