નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી 18મી બ્રિક્સ શિખર બેઠકને માત્ર એક આંતરરાષ્ટ્રીય પરિષદ તરીકે જોવી યોગ્ય નહીં ગણાય. બદલાતી વૈશ્વિક વ્યવસ્થા, અમેરિકા-ચીન સ્પર્ધા, વેપાર-યુદ્ધ, પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે વિસ્તરેલા બ્રિક્સ સમૂહની યજમાની કરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતની અધ્યક્ષતામાં 11 સભ્ય દેશો અને ભાગીદાર દેશોની હાજરી વચ્ચે નવી દિલ્હી ઘોષણાપત્ર સર્વસંમતિથી સ્વીકારાયું. 140 મુદ્દાઓ ધરાવતું આ ઘોષણાપત્ર બ્રિક્સના આગામી દાયકાની દિશા સમજવા માટે મહત્વનું દસ્તાવેજ છે.

ભારત માટે આ પરિષદની પહેલી ફ્ળશ્રુતિ વૈશ્વિક દક્ષિણ એટલે કે Global Southના મુદ્દાઓને વૈશ્વિક મંચ પર વધુ મજબૂત રીતે રજૂ કરવાની રહી. ભારતે એવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની તરફેણ કરી જેમાં વિકાસશીલ દેશોમાત્ર નિયમોના અનુયાયી નહીં પરંતુ નિયમોના ઘડવૈયા બને. બ્રિક્સ ઘોષણામાં વિકાસશીલ દેશોને IMF અને World Bank જેવી સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ આપવાની વાત ફરીથી કરવામાં આવી છે.WTOમાં પણ સુધારાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

આર્થિક ક્ષેત્રે પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. બ્રિક્સ દેશોએ એકતરફી ટેરિફ્ અને વેપાર પ્રતિબંધો સામે ચિંતા વ્યક્ત કરી છે અને WTO આધારિત બહુપક્ષીય વેપારવ્યવસ્થાને મજબૂત કરવાની વાત કરી છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે અનેક દેશો અમેરિકી ટેરિફ્ નીતિના પ્રભાવનો સામનો કરી રહ્યા છે, આ નિવેદનનું વ્યૂહાત્મક મહત્વ છે. જોકે બ્રિક્સે કોઈ એક સામાન્ય ચલણ બનાવવાનો નિર્ણય કર્યો નથી. સ્થાનિક ચલણોમાં વેપાર અને સરહદપાર ચુકવણી વ્યવસ્થાને વધુ સરળ બનાવવાના પ્રયાસોને આગળ વધારવાની સંમતિ મળી છે. એટલે ડોલરને રાતોરાત બદલી નાખવાનો બ્રિક્સનો નિર્ણય જેવી વાતો હકીકત કરતાં વધારે છે.

ભારત માટે ટેકનોલોજી અને AI ક્ષેત્ર પણ નોંધપાત્ર છે. ઘોષણામાં કૃત્રિમ બુદ્ધિમત્તાને વિકાસ, અર્થતંત્ર અનેસામાજિક કલ્યાણ માટે ઉપયોગી બનાવવાની સાથે તેની સલામતી, વિશ્વસનીયતા અને સમાવેશી વિકાસ પર ભાર મૂકાયો છે. ભારતના 2026ના AI Impact Summitને પણ બ્રિક્સે નોંધ્યું છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, ઉદ્યોગ અને નાના વ્યવસાયોને ટેકનોલોજી સાથે જોડવાના ભારતના કેટલાક પ્રસ્તાવો પણ ઘોષણામાં સ્થાન પામ્યા છે.

આતંકવાદના મુદ્દે પણ ભારત માટે રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ સંદેશ મળ્યો છે. નવી દિલ્હી ઘોષણામાં આતંકવાદ સામે સ્પષ્ટ વલણ અને આતંકવાદી હુમલાઓની નિંદા કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જોકે આંતરરાષ્ટ્રીય ઘોષણાઓની મર્યાદા એ છે કે તેમાં સહમતિ મેળવવા માટે ઘણી વખત ભાષા એવી રાખવી પડે છે કે તમામ સભ્ય દેશો તેને સ્વીકારી શકે. તેથી આ પ્રકારની ઘોષણાને તરત જ કોઈ દેશ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહીનું વચન માની લેવું યોગ્ય નહીં બને.

પશ્ચિમ એશિયાના સંઘર્ષ બાબતે પણ બ્રિક્સે મહત્તમ સંયમ, સંવાદ અને રાજદ્વારી ઉકેલની જરૂરિયાત વ્યક્ત કરી છે. ગાઝા અંગે પેલેસ્ટાઇનના અધિકારો, માનવતાવાદી સહાય અને બે-રાષ્ટ્ર ઉકેલને સમર્થન આપવામાં આવ્યું છે. અહીં પણ એક મહત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ - બ્રિક્સે અમેરિકા અથવા કોઈ એક દેશનું નામ લઈને સમગ્ર વિવાદનો એકતરફી નિર્ણય કર્યો નથી. 

પરંતુ આ સમગ્ર પરિષદમાં સૌથી વધુ ચર્ચા કોઈ ઘોષણાની નહીં, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યજમાની હેઠળના ગાલા ડિનરમાં હાજરી ન આપવાની થઈ રહી છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં તેને ડિનર બોયકોટ, ભારતને સંદેશ, મોદીને રાજદ્વારી ઝટકો વગેરે રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. હકીકત થોડી વધારે સાવધાનીથી જોવાની જરૂર છે.

શી જિનપિંગ 12 સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા, બ્રિક્સ બેઠકમાં હાજર રહ્યા અને ત્યારબાદ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી. બંને નેતાઓએ ભારત-ચીન સંબંધો અંગે ચર્ચા કરી. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર બંનેએ સંબંધોમાં સ્થિર પ્રગતિનું સ્વાગત કર્યું અને સરહદના પ્રશ્નનો વાજબી, યોગ્ય અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મોદીએ પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતને સંબંધોના માર્ગદર્શક સિદ્ધાંતો ગણાવ્યા. ચીન તરફ્થી પણ બંને દેશોને ભાગીદાર, પ્રતિસ્પર્ધી નહીં તરીકે જોવાની વાત કરવામાં આવી.

વાસ્તવમાં દિલ્હી સમિટનું મોટું રાજદ્વારી ચિત્ર ડિનર કરતાં ઘણું મોટું છે. ભારતે એક જ મંચ પર ચીન, રશિયા, ઈરાન, યુએઈ અને અન્ય ઉભરતી શક્તિઓને સાથે લાવીને પોતાના વ્યૂહાત્મક સંબંધોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ચીન સાથે સરહદી મતભેદ હોવા છતાં સંવાદ, રશિયા સાથે લાંબા સમયના સંબંધો અને અમેરિકા સાથેના આર્થિક-વ્યૂહાત્મક સંબંધો,આ ત્રણેયને એકસાથે સંભાળવાની ભારતીય વિદેશનીતિની કસોટી છે.

બ્રિક્સમાં ચીન અને ભારતના હિતો અનેક મુદ્દે અલગ છે; રશિયા-યુક્રેન અને પશ્ચિમ એશિયા જેવા પ્રશ્નોમાં પણ સભ્યોની પ્રાથમિકતાઓ જુદી છે. તેથી ઘોષણાપત્રમાં સર્વસંમતિ મળવી એક બાબત છે અને જમીન પર સંયુક્ત નીતિ અમલમાં મૂકવી બીજી.

અંતે, દિલ્હીના બ્રિક્સ સમિટને સમજવા માટે કદાચ એક જ માપદંડ પૂરતો છે,શી જિનપિંગે ડિનર લીધું કે નહીં તે નહીં, પરંતુ ભારતે વૈશ્વિક રાજકારણના આ જટિલ સમયમાં કેટલા જુદા હિત ધરાવતા દેશોને એક ટેબલ પર બેસાડયા અને પોતાના રાષ્ટ્રીય હિતો સાથે Global Southનો એજન્ડા કેટલો આગળ ધપાવ્યો. ડિનરની એક સાંજ કરતાં આ રાજદ્વારી પ્રક્રિયાનું મહત્વ ઘણું મોટું છે.