એકબાજુ અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સમજૂતી થઈ હોવાની જાહેરાત કરાય છે, 14 મુદ્દાના સમજૂતી કરાર દુનિયા સમક્ષ જાહેર કરાય છે. બીજીબાજુ G7 નાં મંચ પર અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પ ખૂલ્લેઆમ કહે છે,ઈરાન સાથે સમજૂતી ફાઈનલ નથી, ગમશે નહીં તો અમે ગમે ત્યારે હુમલા કરીશું. આ સંજોગોમાં દુનિયાએ શું સમજવું.? આ સમજૂતીમાં કોણ ફાવ્યું ?કોણે નુકસાન થયું ? એવા પ્રશ્નો ઊભા થાય છે. આ નિવેદન સામાન્ય માણસને વિરોધાભાસી લાગેઃ એક તરફ્ શાંતિ, બીજી તરફ્ ફરિ બોમ્બ વરસાવીશું.


હકીકતમાં અહીં સમજૂતીના બે સ્તર છે.તે સમજવા પડશે.

પહેલું -આ કાયમી શાંતિ કરાર નથી. અત્યાર સુધી જે જાહેર થયું છે તે સંપૂર્ણ સંધિ નહીં પરંતુ એક મેમોરેન્ડમ ઓફ્ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) છે , એટલે કે આગળની વાટાઘાટ માટેનું રાજકીય માળખું.

બીજું-ડોનાલ્ડ ટ્રમ્પનું G7 પરનું નિવેદનમૂળભૂત રીતે ડેટેરેન્સિ ડિપ્લોમસી એટલે કે દબાણ સાથેની રાજનીતિ છે. તેમણે જાહેરમાં કહ્યું કે જો ઈરાન કરારનું પાલન નહીં કરે તો અમેરિકા ફરિ હુમલા પર જઈ શકે.

દુનિયા આને સામાન્ય રીતે આ રીતે જુએ છેઃ

અમેરિકા કહે છે,અમે યુદ્ધ બંધ કરી રહ્યાં છીએ, પરંતુ સૈન્ય વિકલ્પ પાછો ખેંચતા નથી. ઈરાન કહે છે,અમે દબાણ હેઠળ ઝૂક્યાં નથી; સમાનતા સાથે વાત થઈ. યુરોપ અને બજારો કહે છે,હાલ માટે તણાવ ઓછો થયો . બસ એટલું જ.

આ ભાષા નવી નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણી વખત શાંતિ કરારમાં અંદરથી એક અદ્રશ્ય વાક્ય હોય છે, વિશ્વાસ કરો, પણ તૈયારી ચાલું રાખો.

એટલે આ પ્રકારનું નિવેદન બે સંદેશ મોકલે છેઃ

1. પોતાના દેશની અંદર કડક છબી જાળવવી.

2. સામે પક્ષને બતાવવું કે ,કરાર તોડશો તો કિંમત ચુકવવી પડશે. પણ તેનો નકારાત્મક અર્થ પણ છે. જો એક પક્ષ પહેલાંથી જ કહે કે, મને ન ગમે તો ફરિ હુમલો, તો લાંબા ગાળાનો વિશ્વાસ ઊભો કરવો મુશ્કેલ બને. ઘણાં વિશ્લેષકો એ જ કારણથી આ સમજૂતીને યુદ્ધનો અંત નહીં પરંતુ સશરત વિરામ કહી રહ્યાં છે.બીજા શબ્દોમાં કહીએ તો, આ શાંતિનો ઘંટ નથી વાગ્યો; હમણાં માત્ર ગોળીબાર થોભ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જાહેર થયેલી 14 મુદ્દાની સમજૂતી એ જ પ્રકારનો પ્રશ્ન ઊભો કરે છે , શું આ અમેરિકાની જીત છે કે ઈરાનનો ટકી રહેવાનો વિજય?

સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે આમાં અમેરિકાને શું મળ્યું?

તો શુ ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ બંધ થયો?

હાલ સુધી જાહેર થયેલા મુદ્દાઓમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાની સ્પષ્ટ જોગવાઈ જાહેર થઈ નથી. આ કારણે સમજૂતીના વિવેચકો અમેરિકાની અંદર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે કે જો અણુ અને મિસાઈલ બંને પર અંતિમ નિયંત્રણ ન હોય તો લાંબા ગાળે આ સમજૂતી કેટલી અસરકારક રહેશે.

તો પછી હાથ ઉપર કોનો રહ્યો?

જો સંતુલન માપવામાં આવે, તો પ્રથમ દ્રષ્ટિએ આ ડીલમાં ઈરાનનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.

ઈરાનને શું મળ્યું?: ઈરાન પરથી ઓઈલ નિકાસના પ્રતિબંધો તાત્કાલિક હટાવી લેવાશે. અમેરિકા અને તેના સાથી દેશો ઈરાનના પુનઃનિર્માણ માટે ખાનગી ક્ષેત્ર દ્વારા 300 અબજ ડૉલરના ફ્ંડની વ્યવસ્થા કરશે. ઉપરાંત, ઈરાનની ફરિઝ થયેલી અસ્કયામતો (આશરે 24 અબજ ડૉલર) તબક્કાવાર મુક્ત કરવામાં આવશે. સૌથી મોટી વાત એ કે, અમેરિકા ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા સંમત થયું છે.

અમેરિકાને શું મળ્યું?: અમેરિકાને માત્ર હોર્મુઝનો રસ્તો 'ટોલ-ફ્રી' (કોઈપણ કર વગર) ખૂલ્લો મળ્યો છે અને આગામી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં ટ્રમ્પ વહીવટી તંત્રને યુદ્ધમાંથી બહાર નીકળવાનો આબરૂદાર રસ્તો મળ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે 'ઈઝરાયેલને પરમાણુ વિનાશથી બચાવી લીધું', પરંતુ જમીની હકીકત એ છે કે ઈરાને બહુ ઓછું ગુમાવીને ઘણું બધું મેળવ્યું છે.

હવે છેલ્લો પ્રશ્ન , શું આ સમજૂતી કાયમી શાંતિ લાવશે?

આ શાંતિ કાયમી રહેશે કે કેમ તે અંગે ગંભીર શંકાઓ છે. તેના મુખ્ય ત્રણ કારણો છેઃ

1. ઈઝરાયેલની નારાજગીઃ ઈઝરાયેલ આ વાટાઘાટોથી તદ્દન અલગ રહ્યું છે. આ સમજૂતીની જાહેરાત થઈ રહી હતી ત્યારે પણ ઈઝરાયેલે બેરુતમાં હુમલા ચાલુ રાખ્યાં હતાં. ઈઝરાયેલ ક્યારેય ઈરાનને પરમાણુ સક્ષમ દેશ તરીકે સ્વીકારશે નહીં. જો ઈઝરાયેલ એકતરફી હુમલો કરશે, તો આ સંધિ કાગળનો ટુકડો બનીને રહી જશે.

2. અમેરિકા અને ઈરાન વચ્ચે અવિશ્વાસઃ ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકા પર 'ઊંડો અવિશ્વાસ' છે. ભૂતકાળમાં 2018માં અમેરિકા પરમાણુ કરારમાંથી એકતરફી બહાર નીકળી ગયું હતું, જે ઈરાન ભૂલ્યું નથી.

3. 60 દિવસની અગ્નિપરીક્ષાઃ આ માત્ર 60 દિવસનો યુદ્ધવિરામ છે. જો આગામી બે મહિનામાં યુરેનિયમના નિકાલ અને પ્રતિબંધો હટાવવાની ચોક્કસ ટાઈમલાઈન પર બંને દેશો સહમત નહીં થાય, તો ટ્રમ્પનાં જ શબ્દોમાં શ્આપણે જ્યાં હતા ત્યાં જ પાછા આવી જઈશું.

આજની સ્થિતિમાં એક જ નિષ્કર્ષ નીકળે છે કે , ગોળીઓ બંધ થઈ છે, પરંતુ અવિશ્વાસ હજુ જીવંત છે.


  • Follow us on: