આઝાદ ભારતના સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન તરીકે સેવા આપવાનો વિક્રમ ધારણ કરનાર ગુજરાતના પનોતા પુત્ર, આપણું રાષ્ટ્ર ગૌરવ એવા લોકલાડીલા પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના બાર વર્ષના રાષ્ટ્રીય સફ્ળ શાસનની ઉજવણીની સાથે સાથે ગુજરાતે વર્ષ 2001થી શરૂ થયેલા સક્રિય સુવર્ણ શાસન કાળનું પચ્ચીસમું વર્ષ એટલેકે રજત જયંતિ વર્ષ પણ મનાવ્યું. એ સર્વ વિદિત છે કે, એક સમય હતો જ્યારે ભારતને વિશ્વમાં ગરીબી, નિરક્ષરતા અને વિકાસશીલ અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવતું હતું. આજે એ જ ભારત કોઈની પણ લીટી ટૂંકી કર્યા વગર પોતાની લીટી લાંબી કરીને, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામી રહ્યું છે, વૈશ્વિક મંચો પર આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરી રહ્યું છે અને જ્ઞાન, ટેક્નોલોજી તથા માનવસંસાધનના ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. આ પરિવર્તનની પૃષ્ઠભૂમિમાં અનેક પરિબળો કાર્યરત છે, પરંતુ શિક્ષણ એ સૌથી મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન પરિવર્તનનું સાધન બનીને ઉભરી આવ્યું છે. છેલ્લા એક દાયકામાં ભારતની શિક્ષણવ્યવસ્થામાં જે માળખાકીય, વૈચારિક અને ટેક્નોલોજીકલ પરિવર્તનો જોવા મળ્યા છે, તે દેશના ભવિષ્યને નવી દિશા આપનારા સાબિત થઈ રહ્યા છે.  


ભારતના વિકાસના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત શિક્ષણને માત્ર સરકારી યોજના કે વહીવટી વિષય તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણના કેન્દ્રસ્થાને મૂકવાનો પ્રયાસ થયો છે. દેશની જનસાંખ્યિકી સ્થિતિને જોતા ભારત વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર ગણાય છે. આવી સ્થિતિમાં શિક્ષણને માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નહીં, પરંતુ માનવશક્તિના વિકાસ, નવીનતા અને આત્મનિર્ભરતાના આધાર તરીકે જોવામાં આવ્યું છે. આ પરિવર્તનનું સૌથી સ્પષ્ટ પ્રતિબિંબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં જોવા મળે છે. લગભગ ત્રણ દાયકાથી વધુ સમય પછી ઘડાયેલી આ નીતિ માત્ર અભ્યાસક્રમમાં ફેરફાર નથી કરતી, પરંતુ શિક્ષણ અંગેની સમગ્ર વિચારસરણીને બદલવાનો પ્રયાસ કરે છે. વર્ષો સુધી ચાલતી 'માર્ક્સ કેન્દ્રિત' અને 'રટણ આધારિત' શિક્ષણ પદ્ધતિમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢીને સર્જનાત્મકતા, સમસ્યા નિરાકરણ, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને જીવનકૌશલ્યો તરફ્ દોરી જવાનો પ્રયાસ તેમાં જોવા મળે છે.  

શિક્ષણના પ્રારંભિક તબક્કામાં સૌથી મોટું પરિવર્તન બાળ શિક્ષણને મળેલી પ્રાથમિકતામાં જોવા મળે છે. લાંબા સમય સુધી ત્રણથી છ વર્ષની વયના બાળકોનું શિક્ષણ ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાની બહાર રહ્યું હતું. નવી નીતિએ આ વયજૂથને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સામેલ કરીને બાળપણના વિકાસને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવી દીધો છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે બાળકના મગજનો સૌથી ઝડપી વિકાસ જીવનના પ્રથમ આઠ વર્ષ દરમિયાન થાય છે. આ દૃષ્ટિએ પ્રારંભિક બાળ શિક્ષણને કેન્દ્રસ્થાને લાવવું એક ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય.  

શિક્ષણના ભારતીયકરણ તરફ્ પણ નોંધપાત્ર પ્રયાસો થયા છે. દાયકાઓ સુધી ભારતીય શિક્ષણ પર ઉપનિવેશવાદી માનસિકતાની અસર જોવા મળતી હતી. આજે ભારતીય જ્ઞાન પરંપરા, યોગ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, તત્ત્વચિંતન અને સ્થાનિક જ્ઞાનસંપદાને અભ્યાસક્રમમાં સ્થાન આપવાની ચર્ચા માત્ર વૈચારિક સ્તરે નહીં, પરંતુ નીતિ સ્તરે પણ થઈ રહી છે. શિક્ષણને ભારતીય સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાન વચ્ચેના સેતુ તરીકે વિકસાવવાનો પ્રયાસ થયો છે. ભાષા શિક્ષણના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે. લાંબા સમયથી અંગ્રેજીને જ ગુણવત્તાસભર શિક્ષણનું એકમાત્ર માધ્યમ માનવાની માનસિકતા ધીમે ધીમે બદલાઈ રહી છે. માતૃભાષા અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપીને લાખો વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ સરળ, અર્થપૂર્ણ અને સર્વસુલભ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળક પોતાની ભાષામાં વધુ સારી રીતે વિચારી શકે છે, સમજણ વિકસાવી શકે છે અને સર્જનાત્મક અભિવ્યક્તિ કરી શકે છે, આ વૈજ્ઞાનિક સત્યને નીતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.  

ડિજિટલ ક્રાંતિએ શિક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવ્યું છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વની શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ થઈ ગઈ હતી, ત્યારે ભારતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરોડો વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આજે ઓનલાઈન કોર્સ, વર્ચ્યુઅલ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, ઈ-પાઠયપુસ્તકો અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત શિક્ષણ સાધનો શિક્ષણની નવી વાસ્તવિકતા બની રહ્યા છે. ગામડાંના વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાસભર શૈક્ષણિક સંસાધનો સુધી પહોંચવાની નવી તકો ઊભી થઈ છે.  

ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં થયેલા વિસ્તરણની અસર પણ નોંધપાત્ર છે. દેશના અનેક વિસ્તારોમાં નવી IITs,IIMs,AIIMS, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપનાથી ઉચ્ચ શિક્ષણનું ભૌગોલિક વિકેન્દ્રીકરણ થયું છે. એક સમય હતો જ્યારે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ કેટલીક મહાનગરોની મર્યાદામાં હતું. આજે દેશના દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ વૈશ્વિક સ્તરની સંસ્થાઓમાં અભ્યાસ કરવાની તક ઉપલબ્ધ થઈ રહી છે. સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં પણ નવી ઊર્જા જોવા મળી રહી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાએ યુવાનોમાં રોજગાર શોધનાર કરતાં રોજગાર સર્જનાર બનવાની માનસિકતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ઇનોવેશન સેલ, ઇન્ક્યુબેશન સેન્ટરો અને ઉદ્યોગ-શિક્ષણ ભાગીદારીના નવા મોડેલો વિકસ્યા છે. પરિણામે ભારત આજે વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતા દેશોમાં સ્થાન પામી રહ્યું છે.   

કૌશલ્ય વિકાસને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ પણ વિશેષ નોંધપાત્ર છે. લાંબા સમય સુધી ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ટીકા એ બાબતે થતી હતી કે તે ડિગ્રી તો આપે છે, પરંતુ રોજગારલક્ષી કૌશલ્યો પૂરતા પ્રમાણમાં વિકસાવતી નથી. આજે વ્યાવસાયિક શિક્ષણ, ઇન્ટર્નશિપ, એપ્રેન્ટિસશિપ અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો દ્વારા આ અંતરને ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ક્કશીખો અને કમાઓક્રનો અભિગમ હવે શિક્ષણની મુખ્યધારામાં પ્રવેશી રહ્યો છે.  

અલબત્ત, પડકારો હજુ પણ અસ્તિત્વમાં છે. સરકારી શાળાઓની ગુણવત્તા, શિક્ષક તાલીમ, ડિજિટલ અસમાનતા, સંશોધનમાં રોકાણ અને શિક્ષણના પરિણામોમાં ગુણાત્મક સુધારાની જરૂરિયાત હજુ યથાવત્ છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન અંગેની દિશા સ્પષ્ટ બની છે. શિક્ષણ હવે ખર્ચ નહીં, પરંતુ રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે. આજે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે 2047 તરફ્ આગળ વધી રહ્યું છે. આ યાત્રાનો પાયો રસ્તાઓ, ઈમારતો કે ઔદ્યોગિક વિકાસ કરતાં પણ વધુ મજબૂત શિક્ષણમાં રહેલો છે. જો દેશના વર્ગખંડોમાં જિજ્ઞાસા, પ્રયોગશીલતા, મૂલ્યનિષ્ઠા અને રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ થશે, તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકશે નહીં. તેથી, જ્યારે આપણે બદલાતા ભારતની વાત કરીએ છીએ ત્યારે તેની સૌથી સ્પષ્ટ ઝલક આપણી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સંશોધન પ્રયોગશાળાઓમાં જોવા મળે છે. આ પરિવર્તન હજુ અધૂરું છે, પરંતુ તેની દિશા આશાવાદી છે. અને કદાચતેથી જ આજે કરોડો ભારતીયોના મનમાં એક વિશ્વાસ જન્મ્યો છે કે, મારો દેશ બદલાઈ રહ્યો છે; ભારતીય શિક્ષણના પુનરોચ્ચારથી પોતાનું ભવિષ્ય ઘડી રહ્યો છે ત્યારે, દીર્ઘદ્રષ્ટા માં ભારતીના સપૂત અને હીરાબાના હીર, વિશ્વને નવા ભારતનો પરચાઓ સાથે પરિચય કરાવનાર એવા પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીને અઢળક શુભેચ્છાઓ સહ અભિનંદન. 


  • Follow us on: