પદમા સુથાર : શિક્ષિકા,નવસારીઃ આજે શાળામાં આપતા શિક્ષણથી સંતોષ નથી. આપણે પ્રાચીન શિક્ષણમાંથી કઈ કઈ બાબતોનો સમાવેશ આજના શિક્ષણમાં કરવો જોઈએ જેથી શિક્ષણ વધુ સમૃદ્ધ બને.
બહેનશ્રી, પ્રાચીનકાળથી શરૂ કરીને આજ સુધી સમયના વહેણ સાથે શિક્ષણના સ્વરૂપમાં, તેની પદ્ધતિઓમાં અને તેના હેતુઓમાં ધરમૂળથી ફેરફાર આવ્યા છે. પરંપરાગત અથવા પ્રાચીન શિક્ષણ અને એકવીસમી સદીનું અત્યાધુનિક ડિજિટલ એટલે કે આધુનિક શિક્ષણ. ભારતવર્ષનું એ ભવ્ય, તપોમય અને ગૌરવશાળી ક્કપ્રાચીન શિક્ષણક્ર જે વનની હરિયાળી વચ્ચે ગુરુકુળો અને પવિત્ર આશ્રમોમાં પાંગરતું હતું. અત્યારનું શિક્ષણ જે પચાસ-સાઠ બાળકોથી ભરેલા ચાર દીવાલોના સિમેન્ટના વર્ગખંડો, પીઠ પર લટકતા ભારે દફ્તરો, બોર્ડની પરીક્ષાઓની દોડધામ અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, સ્માર્ટ સ્ક્રીન તથા ઓનલાઈન ક્લાસીસની ડિજિટલ માયાજાળ વચ્ચે શ્વાસ લઈ રહ્યું છે.
પ્રાચીન ગુરુકુળ પરંપરા પાછળની સૌથી હૃદયસ્પર્શી બાબત એ હતી કે ત્યાં શિક્ષણ એ કોઈ વેપાર નહોતો, પણ એક નિઃસ્વાર્થ સાધના હતી. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ કોઈ વ્યવસાયિક લેણદેણનો નહીં, પણ પિતા અને પુત્ર જેવો ભાવનાત્મક સંબંધ હતો. વિદ્યાર્થીઓ પોતાના વૈભવી ઘરો છોડીને વર્ષો સુધી ગુરુના આશ્રમમાં રહેતા હતા. ત્યાં ભણતર માત્ર પુસ્તકના પાનાઓમાં કે વેદોના શ્લોકોમાં કેદ નહોતું, પણ એ રોજિંદા જીવનના આચરણમાં વણાયેલું હતું. આશ્રમમાં રાજાનો કુંવર હોય કે સાધારણ લાકડાહારાનો દીકરો, બંનેએ એક સરખી સાદગીથી રહેવું પડતું હતું. શ્રીકૃષ્ણ અને અત્યંત ગરીબ બ્રાહ્મણ પુત્ર સુદામા એક જ સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે બેસીને ભણતા, એ સમયનું શિક્ષણ માણસને સાદગી, સહિષ્ણુતા અને આત્મનિર્ભરતાના પાઠ પ્રકૃતિના ખુલ્લા ક્લાસરૂમમાં જ શીખવી દેતું હતું. વહેલી સવારે જાગવું, પશુપાલન કરવું, યોગાસન કરવા અને નદીના શીતળ જળમાં સ્નાન કરવું. આ દિનચર્યા બાળકના શરીરને વજ્ર જેવું મજબૂત અને મનને આકાશ જેવું વિશાળ બનાવતી હતી. ત્યાં વ્યક્તિગત ધ્યાન અપાતું, કારણ કે ગુરુ પાસે મર્યાદિત શિષ્યો હતા, શિસ્ત અને ચારિર્ત્ય નિર્માણ શિક્ષણના મજબૂત પાયા હતા.
પ્રાચીન શિક્ષણ વ્યવસ્થામાં પણની સૌથી મોટી નકારાત્મક બાબત એ હતી કે શિક્ષણ સર્વવ્યાપી નહોતું. સમાજની સ્ત્ર્રીઓ, વંચિતો અને ચોક્કસ જ્ઞાતિના લોકોને ગુરુકુળમાં પ્રવેશવાની મનાઈ હતી. પ્રતિભા હોવા છતાં માણસને તેના કુળ અને જાતિના આધારે તોલવામાં આવતો હતો. એકલવ્ય નિષાદ પુત્ર હોવાના કારણે ગુરુ દ્રોણાચાર્યએ તેને શિષ્ય તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. એકલવ્યે માટીની મૂર્તિ બનાવીને ધનુર્વિદ્યા તો શીખી લીધી, પણ અંતે તેની અજોડ પ્રતિભાના પુરસ્કાર સ્વરૂપે તેનો અંગૂઠો માંગી લેવામાં આવ્યો. આ ઘટના એ પ્રાચીન વ્યવસ્થાની સંકુચિતતાનો પુરાવો છે. વળી, એ સમયે નોટબુક કે છાપેલા પુસ્તકો નહોતા. બધું જ્ઞાન મૌખિક પરંપરા એટલે કે શ્રુતિ અને સ્મૃતિ પર આધારિત હતું. જો કોઈ બાળકની યાદશક્તિ નબળી હોય તો તે જ્ઞાનની દોડમાં સાવ ફેંકાઈ જતો અને ગુરુના અવસાન સાથે કેટલુંય અદભુત સંશોધન અને જ્ઞાન કાયમ માટે ધરતીમાં દફ્ન થઈ જતું હતું. ભૌગોલિક અને સંચાર માધ્યમો ના હોવાથી દુનિયામાં કઈ નવી ક્રાંતિ થઈ રહી છે, તેની કોઈ ખબર આશ્રમમાં બેઠેલા શિષ્યને પડતી નહોતી.
અત્યારના શિક્ષણની સૌથી ઉમદા અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે તેણે શિક્ષણના બંધ દરવાજા સમાજના છેવાડાના માનવી માટે ખોલી નાખ્યા છે. આજે આપણું ભણતર સાચા અર્થમાં લોકશાહી અને સાર્વત્રિક બન્યું છે. બંધારણના એક જ કાયદા હેઠળ, કોઈ પણ ભેદભાવ વગર, અમીરનો દીકરો અને ગરીબની દીકરી એક જ ક્લાસરૂમમાં, એક જ બેંચ પર પાસપાસે બેસીને એક સરખા પુસ્તકોમાંથી જ્ઞાન મેળવે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ જે રામેશ્વરમના દરિયા કિનારે અખબારો વહેંચતો એક સામાન્ય માછીમારનો દીકરો જો દેશનો સૌથી મોટો વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શક્યો, તો તેની પાછળ અત્યારની સાર્વત્રિક શાળા શિક્ષણ વ્યવસ્થા જ હતી. આ શિક્ષણમાં વિજ્ઞાન, આધુનિક ગણિત, કોમ્પ્યુટર અને ભૂગોળનું એવું સચોટ જ્ઞાન પુસ્તકો અને પ્રયોગશાળાઓ દ્વારા મળે છે જે વૈશ્વિક સ્તરે માન્ય છે. વળી, આજના સમયમાં આ 50 બાળકોના ક્લાસરૂમની સાથે ઓનલાઈન ટેકનોલોજીનું એક અદભુત વરદાન જોડાયું છે. ઇન્ટરનેટે શિક્ષણને સરહદોના બંધનમાંથી આઝાદ કરી દીધું છે. આજે ગામડાના ઝૂંપડામાં બેઠેલો કોઈ હોશિયાર યુવાન પણ પોતાના નાના સ્માર્ટફોન ના માધ્યમથી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરો પાસેથી કોડિંગ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખી શકે છે. સ્માર્ટ બોર્ડ પર દેખાતા 3D એનિમેશનના કારણે આજે હૃદયના ધબકારા કે પૃથ્વીનું પરિભ્રમણ સમજવા માટે કલ્પનાના ઘોડા દોડાવવા નથી પડતા, જે સ્ક્રીન પર બધું જીવંત જોઈ શકાય છે. ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ લાઈબ્રેરીઓએ જ્ઞાનનો એવો મહાસાગર ખોલી દીધો છે કે જે ક્યારેય ખૂટે તેમ નથી.
આ ઝળહળતી ટેકનોલોજી અને ભવ્ય શાળાઓમાં અપાતું શિક્ષણ મોટે ભાગે સંસ્કાર આપવાની પાઠશાળા મટીને માર્ક્સ અને ટકાવારી લાવવાનું કારખાનું બની ગયું છે. પુસ્તકોમાં લખેલું જ્ઞાન માત્ર મગજ સુધી જ જાય છે, હૃદય સુધી પહોંચતું જ નથી. ક્લાસમાં પર્યાવરણ બચાવવાનો પાઠ ગોખીને 98 ટકા લાવનારો વિદ્યાર્થી રસ્તા પર પ્લાસ્ટિકની બોટલ ફેંકતા જરાય અચકાતો નથી. શિક્ષણનું અતિશય વ્યાપારીકરણ થઈ ગયું છે. વિદ્યા એ હવે દાન નથી રહી, પણ એક મોંઘો સોદો બની ગઈ છે. મધ્યમ વર્ગનો પિતા પોતાના બાળકના એડમિશન અને મોંઘી ફી માટે આખી જિંદગીની મૂડી હોમી દે છે, છતાં તેને યોગ્ય ગુણવત્તા મળતી નથી. વળી, એક ક્લાસરૂમમાં પચાસ-સાઠ બાળકો ઠાંસી-ઠાંસીને ભર્યા હોવાથી શિક્ષક બાળકની મૂંઝવણ કે તેની ઉદાસીને ક્યારેય વાંચી શકતા નથી.
જ્યારે આપણે આ બંને શૈક્ષણિક પ્રવાહોના કિનારે ઊભા રહીને અંતર્મુખ થઈને વિચારીએ છીએ, ત્યારે સમજાય છે કે સાચો માર્ગ કોઈ એક તરફ્ વળી જવામાં નથી. જો પ્રાચીન શિક્ષણ એ આપણા સાંસ્કૃતિક અસ્તિત્વના ઊંડા મૂળિયાં છે, તો અત્યારનું તકનીકી શિક્ષણ એ આકાશમાં ઉડવા માટેની મજબૂત પાંખો છે. આપણને અત્યારના શિક્ષણની લોકશાહી સમાનતા, આધુનિક વૈજ્ઞાનિક વિષયો અને ઓનલાઈન ટેકનોલોજીની તાકાત ચોક્કસ જોઈએ છે, પણ તેની સાથે પ્રાચીન ગુરુકુળની એ પવિત્ર શિસ્ત, નૈતિક મૂલ્યો, ચારિર્ત્ય શુદ્ધિ અને ગુરુ-શિષ્ય વચ્ચેનો એ જીવંત સ્નેહ પણ પાછો લાવવો પડશે.
આજના સમયની સૌથી મોટી અને સાચી પુકાર મિશ્ર શિક્ષણ એટલે કે બ્લેન્ડેડ લર્નિંગની છે. ભલે પચાસ બાળકોનો ક્લાસરૂમ હોય કે બાળક ઓનલાઈન સ્માર્ટ સ્ક્રીન સામે બેસીને ભણતો હોય, પણ તેની ભીતર સંવેદનશીલતા અને નૈતિકતાના દીવા સળગતા રહેવા જોઈએ. શાળાઓ માત્ર ડિગ્રી વેચવાના કેન્દ્રો ન બનતા માનવતા ઘડવાના મંદિરો બનવા જોઈએ.
અશોકીઃ પ્રાચીન ભારતની સંસ્કારિતા, કરુણા અને સાદગી વર્તમાન યુગના ડિજિટલ વિજ્ઞાન, કમ્પ્યુટર અને વૈશ્વિક સંસાધનો સાથે ભળશે, ત્યારે જ ખરા અર્થમાં શિક્ષણ હશે.
