અમદાવાદ શહેરને 615 વર્ષ પૂરાં થયા. આ શહેર હવે 616માં વર્ષમાં પ્રવેશ્યું છે. આ સંદર્ભમાં ડૉ. પ્રવીણા રાજેન્દ્રભાઈ શાહ અને પારૂલ હેમંતભાઈ પરીખ સંપાદિત અને સંકલિત એક સુંદર ગ્રંથ પ્રકાશિત થયો છે. જેનું ટાઇટલ છે : 'અમદાવાદના ઝવેરીવાડના જિનાલયો ભાગ-1 (પ્રતિમાલેખના પરિપ્રેક્ષ્યમાં)
આ પુસ્તકના આરંભમાં જિતેન્દ્ર બી. શાહે લખ્યું છે : અમદાવાદ જૈનોના રાજનગર તરીકે ખ્યાતિ પામેલું નગર છે. ભારત દેશનું સર્વ પ્રથમ હેરીટેજ નગર છે. આજના ઈતિહાસકારો આ નગરના ઇતિહાસને 600 વર્ષ પુરાણો માને છે પરંતુ આ નગરનો ઇતિહાસ તો તેથીયે વધુ પ્રાચીન છે. શરૂઆતમાં આશાવલ અને કર્ણાવતી નામે ઓળખાયું આ નગર અહમદશાહ બાદશાહે વસાવ્યું એટલે અમદાવાદ કહેવાયું. ચિંતકોએ આની વ્યુત્પપત્તિ અલગ રીતે કરી નગરમાં વસતા લોકો અમદ એટલે અહંકાર વગરના અને અવાદ એટલે વાદ-વિવાદ ન કરતાં એવા લોકોથી શોભતું આ નગર. અનેક સદીઓથી જૈનોનું પ્રિય નગર રહ્યું છે. આ નગર પૂ. આચાર્ય મહારાજોના વિચરણથી પાવન થયેલું નગર છે. અનેક જિનાલયોથી શોભતું આ નગર એટલે અમદાવાદ.
અમદાવાદમાં આજે 600થી વધુ નાનાં મોટાં જિનાલયો છે. પ્રાચીન જિનાલયોમાં ભવ્ય પ્રતિમાઓના દર્શન કરતાં જ અનેરા ભાવો ઉત્પન્ન થાય. આ જિનાલયોનો પણ એક ઇતિહાસ છે.
આજે આ નગરમાં મોટાં-નાનાં જિનાલયો અને ઘર-દેરાસરોની સંખ્યાનો સરવાળો માંડવા બેસીએ તો તેની સંખ્યા 600થી વધુ થાય છે. આ બધાં જિનાલયોમાં અમદાવાદના કોટ વિસ્તારના જિનાલયોનો ઇતિહાસ અદ્ભૂત છે. એક-એક જિનાલયનો ઇતિહાસ આૃર્ય ઉપજાવે તેવો છે. તેમાંય ઝવેરીવાડ તો એક જમાનાનું જૈનોનું જૈન શ્રેષ્ઠીઓનું મથક ગણાતું હતું. સારાં માઠા પ્રસંગે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા લેવાતા નિર્ણયોને દેશના તમામ જૈનસંઘો અનુસરતા હતા. નગરશેઠ અને શ્રેષ્ઠીઓએ ઊભી કરેલી મહાજન પરંપરા આદર્શ પરંપરા ગણાતી હતી. નગરશેઠ શાંતિદાસ અને અન્ય અનેક જૈન શ્રેષ્ઠીઓએ ઝવેરીવાડમાં અને તેની આજુબાજુમાં નાનાં મોટા 54 જિનાલયોનું નિર્માણ કર્યું હતું. આજેય તેમાં પ્રતિષ્ઠિત જિનપ્રતિમાનું દર્શન કરતાં જ હૈયું ભાવવિભોર બની જાય તેવી અદ્ભૂત જિનપ્રતિમાઓ શોભી રહી છે. પત્યેક જિનાલયનો અલગ ઇતિહાસ છે.
પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે ઝવેરીવાડનું વર્ણન આ પ્રમાણે છે. ઝવેરીવાડઃ હિરક અને શાંતિયુગની ભવ્ય પ્રતિમાઓથી શોભતું ઝવેરીવાડ, પ્રાચીન વિરલપ્રસંગોના સાક્ષી એવા ઉપાશ્રયથી શોભતું ઝવેરીવાડ, સમગ્ર ભારતના જૈનસંઘનું પ્રતિનિધિત્વ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની ધર્મપેઢીથી શોભતું ઝવેરીવાડ, જૈનધર્મના શાસન પ્રભાવક પૂજ્ય ગુરુ ભગવંતોની યોગભૂમિ એટલે ઝવેરીવાડ, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની ધર્મકર્મભૂમિ એટલે ઝવેરીવાડ. પત્યેક પોળનાં ચોકમાં જીવદયાના પ્રતિક ચબૂતરાથી શોભતો ઝવેરીવાડ, રાજનગરનાં અને અમદાવાદનાં કોટિધ્વજ ધનાઢયોની રહેઠાણભૂમિ એટલે ઝવેરીવાડ, તેની સહિયર જેવી ડાબી અને જમણી રતનપોળ અને દોશીવાડાની પોળથી શોભતો ઝવેરીવાડનો ચકલો, નવ નવ પોળોનાં ઝુમખામાં નાગરિક અને ધાર્મિક સ્થાપત્યરૂપી ભાતીગળ સંસ્કૃતિથી શોભતા આ ઝવેરીવાડની નવ પોળો આ મુજબ છે. (1) નીશાપોળ (2) લહેરિયા પોળ (3) ઝવેરીપોળ (4) સૌદાગરની પોળ (5) સંભવનાથની ખડકી (6) ચૌમુખજીની ખડકી (7) આંબલી પોળ (8) પટણીની ખડકી (9) વાઘણપોળ.
આ નવ પોળોની પેટા ખડકી આ મુજબ છે. : (1) ટાટની ખડકી (2) ખરતરની ખડકી (3) ગાંધીનો ખાંચો (4) સાતભાઈની હવેલી. આ ઉપરાંત ઝવેરીવાડની નવ પોળોના ઉપાશ્રયો આ મુજબ છે. (1) કોઠારી પોળમાં સાતભાઈની હવેલીની સામે પાટિયાનો ઉપાશ્રય. (2) વાઘણ પોળમાં શ્રી સાગરગચ્છનો ઉપાશ્રય (વર્તમાનમાં આયંબિલશાળા), (3) કોઠારી પોળમાં આંબલીપોળના નાકે ખરતરગચ્છના સાધુ મ.સા.નો ઉપાશ્રય (4) ખરતરની ખડકીમાં ખરતરગચ્છનો સાધ્વીજી મ.સા.નો ઉપાશ્રય. (5) આંબલીપોળમાં શ્રી નેમિસાગરનો ઉપાશ્રય અને સાધ્વીજી મ.સા.નો ઉપાશ્રય, (6) વાઘણપોળમાં શેઠનો ઉપાશ્રય (7) સાતભાઈની હવેલીમાં નૂતન ત્રિસ્તુતિક શ્રી રાજેન્દ્રસૂરિજી આરાધના ભવન. (8) ચૌમુખજીની ખડકીમાં'વર્ધમાન ભક્તિ જૈન સંઘ'નો સાધ્વીજી મ.સા.નો ઉપાશ્રય.
પુસ્તકમાં કરેલા વર્ણન અનુસાર વર્તમાન સમયે ઝવેરીવાડમાં જે જિનાલયો છે તેની યાદી આ પ્રમાણે છે. (1) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ-નિશાપોળ (2) શ્રી વાસુપૂજ્ય-શ્રી જગવલ્લભ-
પાર્શ્વનાથનાં જિનાલયનાં પાછલા ચોકમાં (3) શ્રી શાંતિનાથજી- શાંતિનાથજીની ખડકીમાં-નિશાપોળ (4) શ્રી શાંતિનાથજી-રિલીફરોડ ઉપર નિશાપોળના નાકે (5) શ્રી મહાવીર સ્વામી- લહેરિયા પોળ (6) શ્રી મહાવીર સ્વામી-ઝવેરીપોળ (7) શ્રી ગોડીજી પાર્શ્વનાથજીનું ગૃહચૈત્ય-ઝવેરીપોળ (8) શ્રી શાંતિનાથજી-સોદાગરની પોળ (9) શ્રી સંભવનાથજી- સંભવનાથની ખડકી (10) શ્રી ચૌમુખજી શાંતિનાથજી- ચૌમુખજીની ખડકી (11) શ્રી અજિતનાથજી - ચૌમુખજીની ખડકી(12) શ્રી સુવિધિનાથ (આદિનાથના ભોંયરાવાળું)-વાઘણપોળ (13) શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી-વાઘણપોળ (14) શ્રી સંભવનાથજી - વાઘણપોળ (15) શ્રી શાંતિનાથજી -વાઘણપોળ (16) શ્રી ચૌમુખ શાંતિનાથજી (ઊજમફ્ઈનું દહેરું)-વાઘણપોળ (17) શ્રી મહાવીર સ્વામી-વાઘણપોળ (18) શ્રી અજિતનાથજી-વાઘણપોળ (19) શાસનદેવી શ્રી ચક્કેશ્વરીમાતાજીની દેરી-વાઘણપોળ.
પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણેઃ અમદાવાદનગરીની રચનાનું વર્ણન કરતા શ્રી મનગલાલ વખતચંદ લખે છે કે, ગુજરાતની રાજધાની અમદાવાદ હતી. તેમાં ધામધૂમ પણ ભારે હતી. વસતી ઘાટી (ખૂબ વધારે) હતી. અમદાવાદ શહેરને 84પોળ અને 36 પરા હતા. અહમદશાહ બાદશાહે આ નગરને ફરતા બાર દરવાજાવાળો કોટ બાંધી પાટણનગરની જેમ આ શહેર બનાવ્યું હતું. કોટમાં બે કિલ્લા-ભદ્રનો કિલ્લો અને ગાયકવાડની હવેલી હતી. દરવાજાની અંદર નાગરિક રહેઠાણના વિસ્તારને જિલ્લા કે ચકલા કહેવાતા જેમા વિવિધ નામના19 ચકલા હતા જેમાં ઝવેરીવાડના પ્રસિદ્ધ ચકલાને જિલ્લો પણ કહેવામાં આવતો હતો.' (સમયાતારે તે ઝવેરીવાડની પોળ તરીકે પ્રસિદ્ધ બન્યો.)
નીશા પોળ : આ પોળનું બારણું પિૃમાભીમુખનું છે. એની ઉત્તરે કડીઆવાળી પોળ છે. પૂર્વે દોશીવાડાની પોળ તથા દક્ષિણે ઝવેરીપોળ છે. વસ્તી શ્રાવકની છે. તેમના દેહેરાં ર છે તેમાંના એકમાં મોટું ભોંયરું છે. આ પોળની લગભગમાં લેહેરીયા પોળ છે તેમાં વસ્તી શ્રાવકની તથા શ્રાવકનું દેહેરું એક છે.
ઝવેરી પોળ : આ પોળનું બારણું પિૃમાભિમુખનું છે, એની ઉત્તરે નીશાપોળ, પૂર્વે દોશીવાડાની પોળ ને દક્ષિણે એક ખડકી છે. વસ્તી શ્રાવકની તથા દેહેરું એક શ્રાવકનું છે.
સોદાગરની પોળ : કપુરશા સોદાગર ઉપરથી એ પોળ ઓળખાય છે. એનું બારણું દક્ષિણાભિમુખનું છે. પૂર્વે લહેરીયા પોળ, ઉત્તરે મુસલમાનના ઘર છે ને પિૃમે ઘીયાનાં ઘર છે. વસ્તી શ્રાવકની તથા દેહેરું એક શ્રાવકનું છે.
ચૌમુખજીની ખડકી : આ પોળમાં જૈનધર્મનું ચૌમુખનું દહેરુ છે તેથી તે ચૌમુખની પોળ કહેવાય છે. આ પોળનું બારણું દક્ષિણાભિમુખ છે અને તેની ઉત્તરે, પૂર્વે ગોસાઈજીનું મંદિર છે તથા વાડી છે. તેની પિૃમે સંભવનાથની ખડકીમાં શ્રાવકો રહે છે ને તેમાં દહેરા બે શ્રાવકના છે. તેમના ભોંયરા મોટાં મોટાં છે ને તેમાંની પ્રતિમાઓ પણ મોટી છે.
ઝવેરીવાડની પોળમાં વિશેષરૂપે ઓશવાલ જ્ઞાતિના જૈન શ્રાવકો વસતા હતા. તેઓનો મુખ્ય વ્યવસાય સોના, ચાંદી, કિંમતી રત્નો તથા ઝવેરાતનો હતો તેથી તેઓ ઝવેરી તરીકે ઓળખાયા હતા. તેમના નિવાસસ્થાનની પોળ ઝવેરીવાડની પોળ તરીકે પ્રસિદ્ધ થઈ.આ ઓશવાલ જ્ઞાતિના શ્રાવકો જૈનશાસનના અનુયાયી હતા. વિ.સં.1650ના ઉત્તરાર્ધમાં શ્રી શાંતિદાસ ઝવેરીના પરિવારે મેવાડથી અમદાવાદ આવીને ઝવેરીવાડમાં વસવાટ કર્યો. શ્રી શાંતિદાસ ઝવેરીની કર્મભૂમિ અને ધર્મભૂમિ આ ઝવેરીવાડ બની. સમયાત્તરે ભારતવર્ષના શ્રી જૈનસંઘનું પ્રતિનિધિત્વ કરતી શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના થતા ઝવેરીવાડની ખ્યાતિ ચોમેર પ્રસરી.
આવા સુંદર ગ્રંથ આપવા બદલ લેખકોને અભિનંદન.










