આપણા જીવનની ઓળખ, સંબંધો, અનુભવ, જ્ઞાન અને વ્યક્તિત્વ - આ બધું સ્મૃતિ પર આધારિત છે. જો સ્મૃતિ જ ન હોત, તો દરેક સવારનું આપણું જીવન, એક નવા જન્મ જેવું જ બની જાત. છતાં, જેટલી અદ્ભૂત સ્મૃતિ છે, એટલું જ રહસ્યમય છે ભૂલી જવું. આપણે ક્યારેક દાયકાઓ જૂની ઘટના સ્પષ્ટ રીતે યાદ રાખી શકીએ છીએ તો ક્યારેક થોડા સમય પહેલાં રાખેલી ચાવી ક્યાં મૂકી તે પણ આપણને યાદ આવતું નથી. જીવનના આ વિરોધાભાસની પાછળનું વિજ્ઞાન અત્યંત રસપ્રદ છે.
સ્મૃતિ કોઈ એક જગ્યાએ સંગ્રહિત થતી 'ફાઇલ' નથી. તે મગજના વિવિધ વિસ્તારોમાં વિખરાયેલા ન્યુરૉન્સ અર્થાત્ ચેતાકોષો વચ્ચેના અબજો જોડાણોનું જીવંત જાળામાં સચવાયેલી હોય છે. વૈજ્ઞાનિક પ્રમાણ મુજબ માનવમગજમાં અંદાજે 86 અબજ ન્યુરૉન્સ હોય છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ, ત્યારે આ ન્યુરૉન્સ વચ્ચેના આપસના જોડાણો મજબૂત બને છે. આ પ્રક્રિયાને 'સિનેપ્ટિક પ્લાસ્ટિસિટી' કહેવામાં આવે છે, જે સ્મૃતિનું મૂળભૂત વૈજ્ઞાનિક આધાર છે. સ્મૃતિ અજબ ચીજ છે અને સ્મૃતિ બનવાની પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે .એન્કોડિંગ, સ્ટોરેજ અને રિટ્રીવલ તેના મુખ્ય ત્રણ તબક્કા છે.
સ્મૃતિ બનવાના પ્રથમ તબક્કામાં માહિતી આપણી ઇન્દ્રિયો દ્વારા મગજ સુધી પહોંચે છે. પણ, તેમ છતાં દરેક માહિતી સ્મૃતિ બની શકતી નથી. મગજ સૌથી પહેલાં એ નક્કી કરે છે કે, કઈ માહિતી મહત્વપૂર્ણ છે અને કઈ નહીં. તેથી જ તો જે ઘટના ભાવનાત્મક હોય, આૃર્યજનક હોય અથવા વારંવાર અનુભવાય, તેવી ઘટના સારી રીતે યાદ રહે છે. બીજા તબક્કામાં આ પસંદ થયેલી માહિતીનું સંગ્રહ થાય છે. આ કાર્યમાં મગજનો હિપ્પોકેમ્પસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હિપ્પોકેમ્પસ નવી સ્મૃતિઓને ગોઠવીને લાંબા ગાળાની સ્મૃતિમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. ઊંઘ દરમિયાન પણ મગજ દિવસ દરમિયાન શીખેલી માહિતીને મજબૂત રીતે યોગ્ય ફોર્મેટમાં ગોઠવવાનું કામ કરે છે. એટલે જ પૂરતી ઊંઘ યાદશક્તિ માટે અનિવાર્ય માનવામાં આવે છે. ત્રીજા તબક્કામાં જરૂર પડે ત્યારે મગજ આ માહિતી ફરીથી બહાર લાવે છે. આ પ્રક્રિયાને રિટ્રીવલ કહેવામાં આવે છે. ક્યારેક માહિતી મગજમાં હોય છે, પરંતુ યોગ્ય સંકેત મળ્યા પછી જ તે યાદ આવે છે. બાળપણની કોઈ સુગંધ, ગીત અથવા સ્થળ અચાનક જૂની યાદોને જીવંત કરી દે છે - આ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
સ્મૃતિના પણ અનેક પ્રકાર છે. 'સેન્સરી મેમરી' પ્રકારની મેમરી માત્ર સેકન્ડના ભાગ જેટલો સમય યાદ રહે છે. 'શોર્ટ-ટર્મ મેમરી' અથવા 'વર્કિંગ મેમરી' થોડા સમય માટે માહિતી જાળવી રાખે છે, જેમ કે ફોન નંબર ડાયલ કરતાં પહેલાં યાદ રાખવો. થોડા સમય પછી આ ડાયલ કરવા માટે યાદ રાખેલો નંબર આપણે ભૂલી જઇએ છીએ. જ્યારે 'લૉંગ-ટર્મ મેમરી' પ્રકારની મેમરી આપણામાં વર્ષો સુધી કે આખું જીવન ટકી શકે છે. વળી, આશ્ચર્યની વાત એ છે કે, લાંબા ગાળાની સ્મૃતિના પણ બે મુખ્ય પ્રકાર છે. એક 'સ્પષ્ટ સ્મૃતિ', જેમાં વ્યક્તિ જાણી - વિચારીને માહિતી યાદ કરે છે - જેમ કે ઇતિહાસની તારીખો અથવા મિત્રનું નામ યાદ રાખવું વગેરે. જ્યારે 'અસ્પષ્ટ સ્મૃતિ' એવી સ્મૃતિ છે, જેમાં આપણે સાઇકલ ચલાવવી, તરવું કે સંગીતનું વાદ્ય વગાડવું જેવા કૌશલ્યો કદી ભૂલતા નથી, પછી ભલેને વર્ષો સુધી આપણે તેનો અભ્યાસ ન કર્યો હોય.
સ્મૃતિમાં ભાવનાઓની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણાં મગજમાં રહેલું તત્વ એમિગ્ડાલા આપણાં ભાવનાત્મક અનુભવોને વધું મજબૂત બનાવે છે. તેથી અકસ્માત, આનંદ, ભય અથવા જીવનના વિશેષ પ્રસંગો આપણને વર્ષો સુધી યાદ રહે છે. પરંતુ સાથે એ પ્રશ્ન પણ મહત્વનો છે કે, આપણે અમુક વાતો ભૂલી કેમ જઈએ છીએ? એક સમય એવો હતો, જ્યારે વૈજ્ઞાનિકો માનતા હતા કે, ભૂલી જવું મગજની નબળાઈ છે. પરંતુ આજે વિજ્ઞાને સ્વીકાર્યું છે કે, ભૂલી જવું પણ મગજની એક બુદ્ધિશાળી પ્રક્રિયા છે. જો મગજ દરેક નાની-મોટી વિગતો સદાકાળ માટે સાચવી રાખે, તો નવી માહિતી માટે જગ્યા અને કાર્યક્ષમતા બંને ઘટી જાય. જર્મન મનોવિજ્ઞાની હર્મન એબિંગહાઉસે સ્મૃતિ પરના પોતાના પ્રખ્યાત અભ્યાસમાં *ર્ફ્ગેટિંગ કર્વ*નો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમણે દર્શાવ્યું હતું કે, જો માહિતીનું પુનરાવર્તન ન થાય, તો શીખ્યા પછીના પ્રથમ થોડા કલાકો અને દિવસોમાં જ તેનો મોટો ભાગ ભૂલાઈ જાય છે. જોકે સમયાંતરે આ શીખેલી વાતોનું જો પુનરાવર્તન કરવામાં આવે તો આપણી સ્મૃતિ વધું મજબૂત બને છે એ પણ હકીકત છે.
ભૂલી જવાના મુખ્ય કારણોમાં સૌથી પહેલું કારણ છે, સમય સાથે સ્મૃતિના જોડાણો નબળા પડવા. બીજી તરફ્ એવું પણ બને છે કે, નવી માહિતી જૂની માહિતીને દબાવી દે છે અથવા જૂની માહિતી નવીને યાદ કરવામાં અવરોધ બને છે. મનોવિજ્ઞાનમાં તેને 'ઇન્ટરફેરન્સ' કહે છે. ક્યારેક માહિતી મગજમાં હોય છે, પરંતુ યોગ્ય સમયે તે બહાર આવતી નથી. પરીક્ષા પૂરી થયાં પછી અચાનક જવાબ યાદ આવી જવો તેનું જાણીતું, સામાન્ય ઉદાહરણ છે. તણાવ અને ચિંતા પણ સ્મૃતિને અસર કરે છે. લાંબા સમય સુધી વધેલું 'કોર્ટિસોલ હોર્મોન' *હિપ્પોકેમ્પસ*ની કાર્યક્ષમતા ઘટાડે છે. તેથી સતત તણાવમાં રહેતા લોકોમાં ભૂલવાની સમસ્યા વધું જોવા મળે છે. ઉંમર વધવાના કારણે પણ કેટલીક સ્મૃતિ પ્રક્રિયાઓ ધીમી પડે છે, પરંતુ આવું ભૂલી જવું દરેક વખતે 'ડિમેન્શિયા' કે 'અલ્ઝાઇમર'નું લક્ષણ નથી. સામાન્ય વૃદ્ધાવસ્થામાં નામ યાદ કરવામાં થોડો સમય લાગવો એ સ્વાભાવિક અને સહજ બાબત છે. જ્યારે 'અલ્ઝાઇમર' જેવા રોગમાં વ્યક્તિ તાજેતરની જ નહીં, પરંતુ જીવનની અગત્યની યાદો પણ ગુમાવતા હોય છે.
તાજેતરના ન્યુરોસાયન્સ સંશોધનો દર્શાવે છે કે, દરેક વખત આપણે કોઈ સ્મૃતિને યાદ કરીએ છીએ, ત્યારે તે થોડા સમય માટે ફરી લવચિક બને છે અને પછી ફરીથી આપણાં મગજમાં યોગ્ય જગાએ સંગ્રહિત થાય છે. આ પ્રક્રિયાને 'રીકન્સોલિડેશન' કહેવામાં આવે છે. એટલે કહી શકાય કે, સ્મૃતિ કોઈ સ્થિર વિડિયો રેકોર્ડીગ નથી; તે સમય સાથે થોડીઘણી બદલાઈ પણ શકે છે. આપણાં જીવન અને આપણાં અસ્તિત્વના આધાર સમી આ સ્મૃતિને વધારવા માટે વૈજ્ઞાનિકોએ કેટલીક સરળ પરંતુ અસરકારક પદ્ધતિઓ સૂચવી છે, જે અમલમાં મૂકવાથી આપણી સ્મૃતિ ખૂબ સારી રીતે વિકસી
શકે છે.
નિયમિત અને પૂરતી ઊંઘ લેવી, નવી માહિતીનું સમયાંતરે પુનરાવર્તન કરવું, શારીરિક કસરત અને યોગને જીવનનો ભાગ બનાવવો, ધ્યાન દ્વારા એકાગ્રતા વિકસાવવી, સંતુલિત આહાર લેવો (જેમાં ઓમેગા-3, ફ્ળો, શાકભાજી અને સૂકા મેવાનો સમાવેશ થાય), નવી ભાષા, સંગીત અથવા કોઈ કૌશલ્ય શીખતા રહેવું અને તણાવનું યોગ્ય સંચાલન કરવું જેવી બાબતો આપણી સ્મૃતિ વધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
ટેક્નોલોજી ઉપયોગી છે, પરંતુ આપણી સ્મૃતિને સક્રિય રાખવી એટલી જ જરૂરી છે. કેમ કે, સ્મૃતિ માત્ર મગજની કાર્યપ્રણાલી માત્ર નથી; તે તો આપણા સમગ્ર અસ્તિત્વનો આધાર છે. યાદો વગર સંબંધો નથી, અનુભવ નથી, ઓળખ નથી અને ઇતિહાસ પણ નથી. અને હા, એ પણ એટલું જ સાચું છે કે, ભૂલી જવું કુદરતની ભૂલ નહીં, પરંતુ જીવનને સંતુલિત રાખવાની એક જરૂરી પ્રક્રિયા છે. મગજ જરૂરીને સાચવે છે, બિનજરૂરીને છોડે છે અને નવી વસ્તુ યાદ રાખવા માટે જગ્યા બનાવે છે. સ્મૃતિઅને વિસ્મૃતિ - બંને મળીને જ માનવજીવનને પૂર્ણ બનાવે છે. કદાચ તેથી જ જીવનનું સાચું જ્ઞાન માત્ર બધું યાદ રાખવામાં નહીં, પરંતુ શું સાચવવું અને શું છોડવું તે સમજવામાં રહેલું છે.
::: થ્રી ડૉટ્સ :::
જ્યારે આપણો ખરાબ સમય ચાલતો હોય છે ત્યારે, પાછળથી આવતો હસવાનો અવાજ લગભગ જાણીતો જ હોય છે.